ડૉ.શરદ ઠાકર: સવાલો અનેક હતા, જવાબ ફક્ત એક જ હતો



 
માહીને મુન્શી, ધૂમકેતુ કે મેઘાણી જેવાં સાહિત્યકારો વિશે ચર્ચા કરવી હતી, પણ સારવ શીલાકી જવાનીમાંથી બહાર જ નીકળતો ન હતો.

‘મારે સારવની સાથે લગ્ન નથી કરવા!’ માહીએ જે અદાથી પોતાનો નિર્ણય જાહેર કર્યો એનાથી ઘરમાં સન્નાટો છવાઇ ગયો. એમાંથી કળ વળવામાં થોડીક મિનિટો પસાર થઇ ગઇ.આખરે એના પપ્પાએ મૌન તોડ્યું, ‘બેટા, તને ભાન તો છે ને કે તું શું બોલી રહી છે? આવતીકાલે તો તારાં અને સારવકુમારનાં લગ્ન છે. આજે તારા શરીર પર પીઠી...’‘મને રિવાજોની યાદી ન સંભળાવશો, પપ્પા! મને ખબર છે, લગ્ન હોય એટલે પીઠી ચડે, મીંઢળ બંધાય, પાનેતર પહેરાવાય, ગણેશ સ્થાપન થાય વગેરે... વગેરે... વગેરે...! પણ આ બધું તો જ થાય, જો લગ્ન થવાનાં હોય તો! અમારાં લગ્ન નથી થવાનાં, માટે આ બધું કેન્સલ...’

‘એમ શેનું કેન્સલ થઇ જાય?! આ કંઇ ઢીંગલા-ઢીંગલીની રમત છે તારે મન? આ મુરતિયામાં શું ખરાબી છે? સરસ મજાનો દેખાવડો છોકરો છે. વાતચીતમાં વિનમ્ર ને વિવેકી છે. કમ્પ્યૂટર એન્જિનિયર થયેલો છે. બેંગ્લોરમાં મહિને પંચોતેર હજારની નોકરી કરે છે. આપણી ન્યાતનો છે. અને સૌથી મોટી વાત, તમે લોકોએ એકબીજાને જોઇને, જાણીને, મળીને, સમજીને પછી પસંદગીની મહોર મારી છે. આજે તમારી સગાઇ કર્યાનેય છ મહિના થઇ ગયા. જો તારે ના જ પાડવી હતી તો પહેલાં ના પાડી દેવી હતી. છેક લગ્નના આગલા દિવસ સુધી રાહ શેના માટે જોઇ?!’

પપ્પા એમની રીતે સાચા હતા, તો મમ્મી પોતાની દલીલમાં વધારે સાચી હતી. તો પછી માહીનું શું? એ શું ખોટી હતી? હજુ ગઇ કાલે તો એ ક્યાંક બહારગામ ગઇ હતી, ત્યાંથી પાછી આવી અને તરત જ આ નિર્ણય બહાર પાડ્યો. તો શું એના ફેંસલાનું રહસ્ય એના બહારગામના પ્રવાસમાં છુપાયેલું હતું?સવાલો અનેક હતા, જવાબ ફક્ત એક જ હતો, ‘મારે સારવની સાથે પરણવું નથી.’

આ જવાબ પચીસ વર્ષની, ભણેલી-ગણેલી, તીવ્ર બુદ્ધિમત્તા ધરાવતી, તેજતરૉર એકવીસમી સદીની માહીનો હતો.આજથી છ મહિના પહેલાં જ્યારે માહીને કહેવામાં આવ્યું કે સારવ નામનો છોકરો તને જોવા માટે આવવાનો છે ત્યારે એણે હકારાત્મક પ્રતિભાવ દર્શાવ્યો હતો. કોઇપણ ‘નોર્મલ’ છોકરી જે રીતે વર્તે એવું જ વર્તન માહીએ કર્યું હતું.

સાંજે છ વાગ્યે છોકરાવાળા આવવાના હતા, એના બે કલાક અગાઉથી માહીએ તૈયાર થવાનું શરૂ કરી દીધું હતું. સુંદર તો એ હતી જ, શણગાર સજયા પછી એ કન્યા મટીને કયામત બની જતી હતી! એના ચહેરા ઉપર બુદ્ધિની ચમક હતી અને આંખોમાં પુરુષને આંજી નાખે તેવું તેજ હતું. બાકીનાં તમામ અંગોમાં એણે વસંતઋતુનાં વેધક બાણો સંઘરેલાં હતાં. જગતમાં કોઇ પુરુષ પાક્યો ન હોઇ શકે જે માહીને એકવાર જુએ, એકાંતમાં મળે, એનાં બાણો વડે વીંધાઇ જાય અને પછી એનાં ચરણો આગળ લાકડીની જેમ ઢળી પડ્યા વિના રહી શકે.

માહીનાં મમ્મી-પપ્પાને પણ વિશ્વાસ હતો કે બેંગ્લોરથી આવતો સારવ અવશ્ય માહીને જોઇને હા પાડી દેવાનો છે, પ્રશ્ન માત્ર માહી ‘હા’ પાડશે કે નહીં એ વાતનો છે.પ્રથમ મુલાકાત સારી રહી. સારવ એના સોહામણા વ્યક્તિત્વથી જ અડધી બાજી જીતી ગયો. હવે કસોટી એના સ્વભાવની અને વાણીવર્તનની હતી. સારવે જે રીતે ડ્રોઇંગરૂમમાં દાખલ થતાં વેંત માહીનાં મમ્મી-પપ્પાને ઝૂકીને ચરણસ્પર્શ કર્યા, એ પછી જ એણે માહીને ‘હાય! હેલ્લો!’ કહ્યું એ માહીને ખૂબ ગમ્યું. જ્યારે અંગત વાતચીત માટે અલાયદા ખંડમાં ગયાં ત્યારે બંને વચ્ચે ખાસ તો કેરિયર વિશે જ ચર્ચા થઇ.

‘તમે શું કરો છો?’ માહીએ પૂછ્યું.‘હું હાલમાં બેંગ્લોર ખાતે જોબ કરું છું. ઇન્ફોસીસમાં એન્જિનિયર છું. કંપની તરફથી મને રહેવા માટે વેલ ફર્નિશ્ડ ફ્લેટ આપવામાં આવ્યો છે. પગાર પણ બહુ સારો છે.’‘સારો એટલે કેટલો?’‘મારા એકલા માટે બહુ વધારે... અને બેકલાં માટે પર્યાપ્ત!’‘ભવિષ્યમાં અમદાવાદ તરફ આવી જવાનું શક્ય બનશે? કે પછી પૂરી જિંદગી બેંગ્લોરમાં જ કાઢી નાખવી પડશે?’‘બેંગ્લોર સુંદર શહેર છે. અમદાવાદ કરતાં બહેતર.’ સારવના જવાબોથી માહીને સંતોષ થયો. એમના ગયા પછી માહીએ આ સંબંધમાં આગળ વધવા માટે મમ્મી-પપ્પાને લીલી ઝંડી ફરકાવી દીધી. સગાઇ થઇ ગઇ. એ પછી જ્યારે જ્યારે સારવને અમદાવાદ આવવાનું શક્ય બન્યું, ત્યારે એ અને માહી અચૂક મળ્યાં, હયાઁ અને ફયાઁ.

આવી જ એક મુલાકાતમાં એક દિવસ માહી અને સારવ એક રેસ્ટોરન્ટમાં કોફી પીતાં બેઠેલા હતાં. અચાનક માહી પૂછી બેઠી, ‘આ ટુ-જી સ્પેકટ્રમ કૌભાંડમાં કેબિનેટ મિનસ્ટિર એ. રાજાએ...?’‘છોડને એ વાત! આ દેશમાં એવું બધું તો રોજનું થયું. રાજાથી લઇને નોકર સુધીના તમામ દેશને લૂંટવા જ બેઠા છે. સાચું કહું? હું તો ટી.વી.ની ન્યૂઝ ચેનલો જોતો જ નથી. છાપાની હેડલાઇનમાં પણ આવા સમાચારો તો વાંચતો જ નથી.’ સારવે ગર્વપૂર્વક કહ્યું.

‘તો તમે ટી.વી. ઉપર શું જોવાનું પસંદ કરો છો?’

‘રિઆલિટી શોઝ! ‘આજા નચ લે’ કાર્યક્રમમાં માધુરી કેટલી બ્યુટિફુલ દેખાય છે! અને સારેગામાનો કાર્યક્રમ? ઇન્ડિયન આઇડોલ તું જુએ છે કે નહીં? અક્ષયકુમારનો રસોઇનો શો તો...!’વાતો કરતાં કરતાં અચાનક સારવ ચૂપ થઇ ગયો. એના કાન ક્યાંક બીજે મગ્ન થઇ ગયા હતા.‘શું થયું? તમે વાત કરતાં-કરતાં અચાનક ચૂપ કેમ થઇ ગયા?’ માહી પૂછી બેઠી.

‘જોને! ક્યાંક વરઘોડો પસાર થતો હોય એવું લાગે છે. તને ગીત નથી સંભળાતું? મુન્ની બદનામ હુઇ, જાલીમ તેરે લિયે...! મને આ ગીત બહુ ગમે છે. આપણાં લગ્નના વરઘોડામાં હું આ જ ગીત ઉપર જાનૈયાઓને ડાન્સ કરાવીશ.’ સારવ ઉત્સાહથી ઊભરાતો હતો.

માહીને આ પુરુષની માનસિકતા ઉપર દયા આવી રહી હતી. એણે શેકસપિયરની વાત કાઢી, તો સારવ અખબારોમાં છપાતી સેક્સની કોલમ વિશે ચર્ચા કરવા માંડ્યો. માહીને મુન્શી, ધૂમકેતુ કે મેઘાણી જેવા દિગ્ગજ ગુજરાતી સાહિત્યકારોની કૃતિઓ વિશે ચર્ચા કરવી હતી, પણ સારવ શીલાકી જવાનીમાંથી બહાર જ નીકળતો ન હતો. માહીને મહાકવિ કાલીદાસના શૃંગારરસ વિશે વાતો કરવી હતી, તો સારવને ક્લિન્ટનના ‘કામ’ કાજમાં રુચિ હતી.

ઘરે આવીને માહી વિચાર કરી રહી- ‘આ માણસ કોઇ રીતે મારે યોગ્ય નથી લાગતો. એના રસ-રુચિ, પસંદ-નાપસંદ બહુ ઘટિયા પ્રકારનાં દેખાય છે. મને તો શંકા પડવા માંડી છે કે એ ખરેખર કમ્પ્યૂટર એન્જિનિયર છે કે નહીં! આવા ફાલતુ પુરુષ જોડે જિંદગી શી રીતે વિતાવી શકાય?!’

એક બાજુ માહીના મનમાં આવી કશ્મકશ ચાલી રહી હતી. ત્યારે બીજી તરફ બંનેના ઘરવાળાઓ એમનાં લગ્નની તૈયારીમાં પરોવાયેલાં હતાં. માહીએ ખૂબ દ્રિધા અનુભવી કે સમાજ શું કહેશે, મમ્મી-પપ્પાને કેવો આઘાત લાગશે અને લગ્નની તૈયારીનો ખર્ચ માથે પડશે! પણ છેવટે એણે દ્રઢ નિર્ણય કરી લીધો. એ વિમાનમાં બેંગ્લોર ગઇ. ત્યાં ઇન્ફોસીસમાં તપાસ કરી.

સારવ નામનો કોઇ જ યુવાન એ કંપનીમાં કોઇ જ હોદ્દા ઉપર કામ કરતો ન હતો. બે-ચાર ગુજરાતી છોકરાઓને પૂછ્યું ત્યારે ખબર પડી કે સારવે આપેલી તમામ માહિતી ખોટી હતી. એ માત્ર એસ.એસ.સી. પાસ થયેલો મામૂલી આવડત ધરાવતો છોકરો હતો જે એક આંગડિયા પેઢીમાં બે હજાર રૂપિયાની નોકરી કરતો હતો.

માહી ફ્લાઇટમાં પાછી અમદાવાદ આવી. ઘરમાં જાણ કરી, ‘હું સારવની જોડે લગ્ન નહીં કરું!’પપ્પાએ બહુ ખખડાવી, મમ્મીએ રડવાનું બાકી રાખ્યું, પણ માહી મક્કમ હતી, ‘કંકોતરી વહેંચાઇ ગઇ છે એવા ફાલતુ સામાજિક બહાનાને આગળ ધરીને તમે મારો નિર્ણય બદલાવી નહીં શકો. આ તો ઠીક છે કે મને લગ્ન પહેલાં સારવ વિશે જાણ થઇ ગઇ, બાકી લગ્ન કર્યાં પછી પણ જો ખબર પડી હોત કે સારવ સાધારણ સ્તરનો હોવા ઉપરાંત જુઠ્ઠો પણ છે, તો તમે શું ધારો છો? મેં એની સાથેનું જોડાણ ચાલુ રાખ્યું હોત? હરગિજ નહીં! મેં અવશ્ય એનાથી છુટાછેડા લઇ લીધા હોત. ભગવાનનો આભાર માનો કે માત્ર કંકોતરીથી જ કામ અટકી ગયું!

(સત્ય ઘટના) 

Comments