હું જિંદગીથી કંટાળીને આત્મહત્યા કરું છું. આ માટે બીજા કોઇને જવાબદાર ઠેરવશો નહીં. આવૃત્તિનો આમાં લેશમાત્ર વાંક નથી.
આહ્વાનને લાગ્યું કે આવૃત્તિ વિના નહીં જીવી શકાય, એટલે એણે મરવાનું નક્કી કરી નાખ્યું. નિર્ણય પાક્કો હતો, હવે માત્ર પદ્ધતિ જ પસંદ કરવાની બાકી હતી. એણે દોડતી ટ્રેન નીચે પડતું મૂકવાનું નક્કી કર્યું.સૌથી પહેલા એણે રેલવેની ઇન્કવાયરીમાં ફોન કરીને નજીકમાં નજીકનો સમય ધરાવતી ટ્રેનનો સમય પૂછી લીધો. એકાદ કલાકમાં જ એક લોકલ પેસેન્જર ગાડી આવવાની હતી. આહ્વાન સ્યુસાઇડ નોટ લખવા બેસી ગયો, ‘હું જિંદગીથી કંટાળીને આત્મહત્યા કરું છું. મારા મૃત્યુ માટે બીજા કોઇને જવાબદાર ઠેરવશો નહીં. આવૃત્તિનો આમાં લેશમાત્ર વાંક નથી.
આવૃત્તિ કોણ એ હું નહીં જણાવું. પણ એટલું કહીશ કે હું એને ખૂબ ચાહતો હતો. ગઇકાલે જ મેં એને રૂબરૂ મળીને મારા પ્રેમ વિશે જાણ કરી. આ માટે મારે ખાસ્સી એવી મહેનત કરવી પડી હતી. દસ નવલકથાઓ વાંચીને, પંદર નાટકો જોઇને, વીસ ફિલ્મો જોઇને મેં વાક્યો પસંદ કર્યા, સિચ્યુએશન નક્કી કરી અને અભિવ્યક્તિની શૈલી પસંદ કરી, પણ બદલામાં એણે એક ઝાટકામાં મને વાઢી નાખ્યો. હું ભાંગી પડ્યો છું. આવૃત્તિની પ્રાપ્તિ વગર હું જીવનની સમાપ્તિ તરફ જઇ રહ્યો છું. એવી આશા સાથે કે આવતા જન્મમાં એ મને જરૂર મળશે. લિ....’
પત્ર બરાબર ગડી વાળીને એણે શર્ટના ખિસ્સામાં મૂક્યો. પછી એ નીકળી પડ્યો. રેલવે સ્ટેશનથી થોડે દૂર પાટા પર જઇને સૂઇ ગયો. થોડીવારમાં જ પાટા ઉપર અડતાં એના કાનમાં આછો-આછો ધ્રુજારીનો અવાજ રેડાયો. એ સમજી ગયો કે ટ્રેન સમયસર છે.
આહ્વાનનું કિસ્મત એનાથી રૂઠેલું હશે, કારણ કે એણે મરવા માટે રેલના પાટાની જે જગ્યા નક્કી કરી હતી ત્યાં માણસ તો શું, ચકલુંય ફરકતું ન હતું. મહિનામાં ઓગણત્રીસ દિવસ એ સ્થાન નિર્જન રહેતું હતું, પણ બાકી રહેલો એક દિવસ આ દેવદાસને નડી ગયો. રેલવે ટ્રેકની નજીકમાં આવેલા હનુમાનજીના મંદિરે ચારેક ભક્તો દર્શન કરવા માટે આવતા હતા, એ લોકો પાટા ઓળંગતા હતા અને એમની નજર આ જીવતી લાશ ઉપર પડી ગઇ. ‘જે બજરંગબલિ’ના નાદ સાથે એ લોકો દોડ્યા અને ટ્રેન આહ્વાનના દેહના ફુરચેફુરચા ઉડાવી નાખે તે પહેલાં જ એને ઉઠાવીને દૂર લઇ ગયા.
ટ્રેન તો આગળ નીકળી ગઇ, પણ ચારેય બજરંગ ભક્તોએ આ મૂર્ખ મજનૂની ધોલાઇ કરી નાખી. એકે એના ખિસ્સા તપાસ્યા. ચિઠ્ઠી વાંચી. પૂછ્યું, ‘કોણ છે આ આવૃત્તિ? એના માટે મરવા ઊભો થયો’તો? શરમ નથી આવતી? આ મનખા દેહ ફરી-ફરીને નથી મળવાનો...’ ચાલ્યું! આહ્વાન રડતો રહ્યો, કરગરતો રહ્યો અને એક જ વાતનું રટણ કરતો રહ્યો, ‘મારે નથી જીવવું... મારે મરી જાવું છે... મને પાટા ઉપર પાછો સૂઇ જવા દો...’ પણ ગાડી તો ચાલી ગઇ હતી. હવે શું? બીજી ગાડી ક્યારે આવવાની છે એ જાણવા માટે રેલવેની ‘ઇન્કવાયરી’માં ફોન કરવો પડે.
બજરંગ ભક્તોએ એમની ફરજ પૂરી રીતે બજાવી. પોલીસને જાણ કરી. આહ્વાન અને એનો પત્ર બંને પોલીસને સોંપી દીધા. બીજા દિવસ છાપામાં સમાચાર ચમક્યા: ‘આહ્વાન નામના એક યુવકે પ્રેમમાં નિષ્ફળતા મળતાં આપઘાતનો કરેલો પ્રયાસ. બજરંગબલિની કૃપાથી થયેલો ચમત્કારિક બચાવ.’વાંચીને આહ્વાને કપાળ કૂટ્યું, ‘મારે તો ભગવાન શ્રીકૃષ્ણની કૃપા જોઇતી’તી. તો આવૃત્તિએ હા પાડી દીધી હોત. આ બજરંગબલિની કૃપાથી પ્રેમના કામમાં સફળતા નહીં મળે! હવે મરવા માટે પણ મારે બીજું કંઇક વિચારવું પડશે.’
બે-ચાર દિવસ જવા દીધા પછી એણે બીજો રસ્તો વિચારી કાઢ્યો. મૃત્યુ પહેલાંનો પત્ર પણ ફરીથી લખી નાખ્યો. પછી બપોરના સમયે એ એક બહુમાળી ઇમારતના પાંચમા માળે પહોંચી ગયો. એની ઉપર અગાસી હતી. આહ્વાન પાળી ઉપર ચડ્યો. નીચે જોયું. બધું સૂમસામ હતું. ડામરની સડક જોઇને એને ડર તો લાગ્યો, પણ પછી મન મક્કમ કરીને એણે પડતું મૂક્યું. એનું કિસ્મત રૂઠેલું હશે તે બરાબર એનું સડક ઉપર પડવા માટે નીચે આવવું અને એ જ જગ્યા પરથી એક ટ્રકનું પસાર થવું! એ ટ્રકના ખુલ્લા ભાગમાં ડનલોપની ચાલીસ શીટ્સનો ઢગલો ખડકાયેલો હતો. આહ્વાન સીધો એ પોચા પહાડ પર જ પડ્યો. મઝા આવી ગઇ. એકાદ-બે વાર હળવેકથી પાછો હવામાં ઊછળીને પછી એ ભગવાન વિષ્ણુની અદાથી ડનલોપના ડુંગર ઉપર સૂઇ ગયો.
માણસ જેવો માણસ પડે એટલે ખબર તો પડે જ ને! ડ્રાઇવરે ટ્રક ઊભી રાખી. પછી આહ્વાનને ધોઇ નાખ્યો, ‘મરવા માટે તને આ જ ટ્રક મળી? મરવું જ હોય તો સાલ્લા, ટ્રેનની નીચે પડતું મેલ! આમાં તો હું જેલભેગો થઇ જઇશ.’ ડ્રાઇવરે નજીકના પોલીસ સ્ટેશનમાં આ દાગીનો જમા કરાવી દીધો. પોલીસે તલાશી લીધી, તો ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી આવી. આહ્વાનના હોઠો પર એક જ રટણ હતું, ‘મને મરવા દો.... મને મરવા દો!’
બીજા દિવસે છાપામાં સમાચાર આવ્યા: ‘આહ્વાન નામના પાગલ યુવાને એક અઠવાડિયામાં બીજી વાર કર્યો આત્મહત્યાનો પ્રયાસ. ડનલોપ ભરેલા ટ્રકના કારણે થયો ચમત્કારિક બચાવ. આ વખતે પણ આત્મહત્યાની કોશિશના મૂળમાં એક યુવતી સાથેના પ્રણયમાં મળેલી નિષ્ફળતા જ કારણભૂત...’‘ચમત્કારિક બચાવ? ડનલોપના કારણે?’ ઘરે આવીને પથારીમાં પડ્યો-પડ્યો આહ્વાન વિચારી રહ્યો, ‘આનું નામ નસીબ! સૂવા માટે આ રૂની ગાંઠો પડી ગયેલું ગાદલું માંડ મળ્યું છે, પણ મરવા ગયો તો દુનિયાભરની ડનલોપની ગાદીઓ હાજર થઇ ગઇ. હવે કંઇક નવું વિચારવું પડશે.’
આહ્વાનની નજર છત ઉપર લટકતા પંખા ઉપર પડી. બે દિવસ તૈયારીમાં ગયા, ત્રીજા દિવસે બપોરે એણે ગળાફાંસો ખાવાનો કાર્યક્રમ હાથમાં લીધો. ફાંસી માટે વપરાય છે તેવું દોરડું એ ખરીદી લાવ્યો. માખણ ચોપડીને એને સુંવાળું બનાવ્યું. પછી સીલિંગ ફેન સાથે બાંધીને ગાળિયો તૈયાર કર્યો. મરણોન્મુખ ચિઠ્ઠીની ત્રીજી આવૃત્તિ ટેબલ પર મૂકી દીધી. ઘરનું પ્રવેશ દ્વાર અમથું જ વાસી રાખ્યું, જેથી એની લાશને કાઢવા માટે પોલીસે બારણાં તોડવાં ન પડે.
પછી ‘જય આવૃત્તિ’ બોલીને એણે ગાળિયામાં માથું ભરાવ્યું , જે ટેબલ પર એ ઊભો હતો એને લાત મારીને હવામાં લટકી પડ્યો. એક જોરદાર ધમાકો થયો. આહ્વાનને લાગ્યું કે સ્વર્ગની ભૂમિ ઉપર પછડાયો છે, પણ કળ વળી તો ખબર પડી કે સીલિંગ ફેન તૂટીને નીચે પડ્યો છે અને પોતે પણ ઘરની જ ભોંય પર જખમી વંદાની જેમ તરફડી રહ્યો છે. પડોશીઓ ધમાકો સાંભળીને દોડી આવ્યા. ધોલધપાટ કરી. ટેબલ પર પડેલી ચિઠ્ઠી... પોલીસ... છાપું... સમાચાર... ‘પ્રેમભગ્ન યુવાને કરેલો આત્મહત્યાનો ત્રીજો પ્રયાસ... નબળી છતની કૃપાથી થયેલો અદ્ભુત બચાવ.’ આ બધું ચાલતું રહ્યું અને આહ્વાન ચીસો પાડતો રહ્યો: ‘મારે નથી જીવવું... મારે મરી જવું છે... પ્લીઝ, મને...’
છાપામાં અવાર-નવાર સમાચાર છપાયા તે વાંચીને આવૃત્તિ હલી ગઇ. આખરે એ માણસ હતી, પથ્થર નહીં. એણે કોઇ વચેટિયા મિત્ર પાસેથી આહ્વાનનો ફોન નંબર મેળવી લીધો, પછી ફોન કર્યો, ‘આહ્વાન તેં મને કહ્યું’તું કે તું મને પ્રેમ કરે છે, પણ એવું તો કહ્યું જ ન હતું કે આટલો પ્રેમ કરે છે. મારે બીજું શું જોઇએ! મને એમ કે તું પણ આજ-કાલના કોલેજિયન છોકરાઓ જેવો એક ભમરો માત્ર હોઇશ, પણ તું તો કીમતી હીરો નીકળ્યો. હું તારા પ્યારનો સ્વીકાર કરું છું. આવતીકાલે તું મારા ઘેર આવ! સાંજના છ વાગ્યે મારાં મમ્મી-પપ્પા સાથે ચાના કપ ઉપર આપણે લગ્નનો પાયો રચીશું. ડોન્ટ ફેઇલ ટુ કમ. આઇ શેલ બી વેઇટિંગ.’
સાંજે સાડા પાંચ વાગ્યે આહ્વાન મેદાને પડ્યો. જંગના મેદાનમાં જતો યોદ્ધો જે અદાથી અશ્વ પલાણે તેવી અદાથી એ બાઇક ઉપર સવાર થયો. આવૃત્તિના પિતાનો બંગલો ચાલીસ મિનિટના અંતરે આવેલો હતો, એની પાસે ત્રીસ જ મિનિટ હતી. આહ્વાને બાઇકની સ્પીડ વધારી, આમ પણ ટ્રાફિક આ સમયે વધારો હતો, એમાં એક બાળક એના રસ્તામાં દોડી આવ્યું. આહ્વાને બાઇકને સહેજ વળાંક આપ્યો, બાઇક લપસ્યું, એક પ્રચંડ ધમાકા સાથે આહ્વાન વીજળીના થાંભલા સાથે અથડાયો અને પછી અર્ધબેભાન જેવી હાલતમાં જમીનદોસ્ત થઇ ગયો.
લોકોએ એકસો આઠ નંબર બોલાવીને એને હોસ્પિટલ ભેગો કર્યો. આહ્વાનની હાલત તપાસીને ફરજ પરના ડોક્ટરે કહ્યું, ‘પેશન્ટ્સ કન્ડિશન ઇઝ ક્રિટિકલ. અમે કોશિશ તો કરી છુટીશું, પણ દર્દી ભાગ્યે જ બચે.’ઊંડે-ઊંડે ઊતરી રહેલા જીવ સાથે આહ્વાને આ સાંભળ્યું, એ બબડી રહ્યો, ‘મારે જીવવું છે, પ્લીઝ, મને બચાવી લો... મારે મરવું નથી... પ્લીઝ...’
Comments
Post a Comment
Thanx For Comment