ડૉ. શરદ ઠાકર: જીવવા માટે જુઓ કેવો સરસ સામાન છે!

એલા લખુડા! ક્યાં સુધી આમ શેરીમાં કૂતરાંની હાર્યે રમ્યા કરીશ? હવે તો ઘરમાં ગૂડા! ભગવાને માણહનો અવતાર દીધો છે તો જરીક તો માણહ જેવો થા! દિ’ આખો કૂતરાંવ ભેળો રહી રહીને અડધો તુંયે કૂતરા જેવો બની ગ્યો છે!’ આજથી આશરે પચાસેક વરસ પહેલાંની વાત. સૌરાષ્ટ્રના એક ગામડા ગામના એંશી ખોરડામાં પથરાયેલી અભણ, અશિક્ષિત જનતાને ઉપર લખ્યો તે સંવાદ રોજેરોજ અચૂક સાંભળવા મળતો. સંવાદ બોલનાર હતા જમના ગોરાણી. લખુડો એટલે એમનો ‘લખણવંતો’ લક્ષ્મીકાંત નામનો દીકરો. 

ગોરબાપા તો આખો દિવસ કાં યજમાનના ઘરે ધાર્મિક વિધિ કરાવવામાં વ્યસ્ત હોય, કાં પોતાના ઘરે પૂજાપાઠમાં મગ્ન હોય. લખુડો નિશાળમાં જાય, પણ પાટલી ઉપર દફ્તર મૂકીને રમવા નીકળી પડે. શાળાએથી છુટ્યા પછી પણ એનું રમવાનું ચાલુ જ હોય. એ જમાનામાં રમતોયે કેવી હોય! ક્રિકેટ, ફૂટબોલ કે ટેનિસનું તો ગામડાંમાં કોઇએ નામ પણ ન સાંભળ્યું હોય. દેશી રમતોમાં કબડ્ડી, સાતતાળી, ખો-ખો અને ગિલ્લી દંડાની જ બોલબાલા.

રાત્રે ઘરે આવે ત્યારે લખુડાની હાલત રણમેદાનમાંથી પાછા ફરતા ઘવાયેલા યોદ્ધા જેવી થઇ ગઇ હોય. કપડાં ફાટી ગયાં હોય, શરીર પર ઉઝરડા પડ્યા હોય, હાથ-પગ અને માથાના વાળ ધૂળથી નહાઇને મેલા, ચીતરી ચડે તેવા લાગતા હોય. લખુડો એવી હાલતમાં સીધો જમવા બેસી જાય, એટલે જમના ગોરાણી વળી પાછાં બરાડવા માંડે, ‘એ જરાક તો માણહ જેવો થા! ભામણના ઘરમાં જલમ લીધો છે તો ખાધાં મોર્ય હાથ-મોઢું તો ધોઇ લે! કૂતરાંવ ભેળો રમી-રમીને હાવ કૂતરો થઇ ગ્યો છે...’

એક ચોક્કસ ક્ષણે લખુડાના મગજમાં ચોટ વાગી ગઇ. રોજ રોજ ઘણની જેમ વીંઝાતો માનો ઠપકો અચાનક એક દિવસ અપમાનનો ભાવ એના ચિત્તમાં જન્માવી ગયો. ગમે તેવો તોફાની, રખડુ અને અસંસ્કારી હતો, તોયે લખુડો છેવટે તો મનુષ્ય જીવ હતો ને! ઘોર અપમાનથી એ સળગી ગયો. ‘હું કૂતરો? હું પશુ જેવો?! મા પોતે ઊઠીને સગા દીકરાને આવાં વેણ સંભળાવે?’ વિધાતાએ જો એ ક્ષણ સાચવી ન લીધી હોત તો અવશ્ય લખુડાએ બાજુમાં પડેલો કપડાં ધોવાનો ધોકો ઉપાડીને જમના ગોરાણીનાં માથા ઉપર ફટકારી દીધો હોત.

એ ક્ષણ પસાર થઇ ગઇ, એટલે લખુડાનો ગુસ્સો એની જાત ઉપર ઊતર્યો. એણે બરાડો પાડ્યો, ‘શું હું કૂતરો છું? ભ્મારામાં બુદ્ધિ નથી?’ મા થડકી ગઇ, આટલું તો એ માંડ બોલી શકી, ‘બુદ્ધિ હોય તો એનો પુરાવો આપ ને!’લખુડો પુરાવો રજુ કરવાની તૈયારીમાં પડી ગયો. શાળામાં તો એ ધ્યાનપૂર્વક ભણવા માંડ્યો, પણ ઘરે આવ્યા બાદ પણ અભ્યાસનાં પુસ્તકો વાંચવા લાગ્યો. આખું વરસ આ વાંચન-તપ આદર્યું એનું ફળ વાર્ષિક પરીક્ષા વખતે મળ્યું. 

વર્ગશિક્ષકે આશ્ચર્યભેર જાહેર કર્યું, ‘આ વખતે વર્ગમાં પ્રથમ નંબર તો વેણીચંદ શાહનો મુકેશ લઇ જાય છે પણ મને જેટલી ખુશી એ વાતની નથી એટલી ખુશી લખુડાની થાય છે. અત્યાર સુધી લખુડાને મારે ‘ચડાવો પાસ’ જાહેર કરવો પડતો હતો એને બદલે આ ફેરે એ સમગ્ર કલાસમાં દ્વિતીય ક્રમાંકે ઉત્તીર્ણ થયો છે. ચાલો, બધા છોકરાઓ તાળીઓ પાડીને એને અભિનંદન પાઠવો!’ એ તાળીઓની ગૂંજે મહત્વાકાંક્ષાના અગ્નિમાં પેટ્રોલનું કામ કર્યું. લખુડો ક્યાંય સુધી એની માર્કશીટને તાકતો રહ્યો અને એમાં લખાયેલા નામ ‘લક્ષ્મીકાંત નરભેરામ શુક્લ’ ઉપર હાથ ફેરવતો રહ્યો.

બીજા વરસે એણે બમણી મહેનત કરી, પરિણામ પણ એવું જ મળ્યું. લક્ષ્મીકાંત શુક્લ અને મુકેશ વેણીચંદ બંને સરખા ગુણ પ્રાપ્ત કરીને પ્રથમ નંબરે પાસ જાહેર થયા. લખુડાને હવે ચાવી મળી ગઇ, કેટલી મહેનત કરવાથી કેટલા માકર્સ લાવી શકાય છે એ વાતની એને જાણ થઇ ગઇ. એસ.એસ.સી. સુધી પહોંચતામાં તો એણે પ્રતસ્પિધીઁઓનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો. સમગ્ર જિલ્લામાં એના નામનો ડંકો બજી ગયો. મુકેશ તો બાપડો લખુડા કરતાં વીસેક ટકા જેટલો પાછળ રહી ગયો હતો.

એ જમાનામાં અગિયારમા ધોરણને એસ.એસ.સી. કહેવામાં આવતું હતું, મેડિકલ અને એન્જિનિયરિંગની વિદ્યાશાખાઓ કોલેજના બે વર્ષ પૂરા કર્યા પછી જુદી પડતી હતી. જમના ગોરાણી ખુશ હતાં, નભા ગોર ગર્વિષ્ઠ હતા. આવક થોડીક હતી તો ખર્ચાઓ પણ ઝાઝા ન હતા. શહેરની સાયન્સ કોલેજમાં દીકરાને ભણાવવાનો ખર્ચ અલ્પ જેટલી કરકસર અને વધુ મહેનત કરવાથી ઊઠાવી શકાય તેમ હતો.

એફ.વાય.બી.એસસી.માં લક્ષ્મીકાંત યુનિવર્સિટીમાં ફર્સ્ટ નંબર લઇ આવ્યો. નાનકડા ગામમાં મોટો ઓચ્છવ ઊજવાઇ ગયો. લખુડાએ પિતાને પૂછ્યું, ‘મારે ડોક્ટર બનવું છે. તમે રૂપિયા ખર્ચી શકશો?’ નભા ગોર કંઇ એમ પાછા પડે? ખોંખારીને કહી દીધું, ‘જાત વેચી શકીશું, પછી રૂપિયા કેમ નહીં ખર્ચી શકીએ?’ ગામનાં સરપંચ ઘરે આવીને કહી ગયા, ‘ગોર બાપા, તમારો દીકરો ઇ આખા ગામનો દીકરો! જાવ, હાકલા કરો! ઇવડો ઇ જ્યાં લગણ ભણી નો રે’ ત્યાં લગણ વરહ આખાનું અનાજ મારા માથે! તમારે હાથ લાંબો નહીં કરવો પડે. બારોબાર ખેતરમાંથી બાજરો ને ચોખા તમારા ઘરે પૂગી જાહે.’ 
વેણીચંદ વાણિયાએ પણ ખેલદિલી દાખવી બતાવી, પોતાનો દીકરો પાછળ રહી ગયો એ વાતનું દુ:ખ કોરાણે મૂકીને દર છ મહિનાની ટર્મ ફી એણે ઊપાડી લીધી.લાભુ દરજીએ બે જોડ કપડાં સીવી આપ્યાં, સાથે શરત કરવાનું ન ભૂલ્યા, ‘આ છ મહિનામાં ફાડી નાખજે, કસર ના કરતો. ત્યાં સુધીમાં હું બીજી બે જોડ...’અને મહેશ મોચીએ તો બધાને રડાવી દીધા, ‘ભાઇ, લખુ! હું કંઇ બાટા કંપનીનો માલિક નથી, હું તો જુના જોડા સાંધનારો વહવાયો છું. કોઇ સુખી ઘરાક હાટુ આ પોચું ચામડું સાચવી રાખ્યું’તું, એમાંથી તારા માટે બૂટ બનાવી આપ્યા છે. પૈસા ન આપીશ, બાપ! પણ ભવિષ્યમાં જ્યારે તું ડોક્ટર થઇને પાછો આવે ત્યારે મારા શરીરનું બગડેલું ચામડું કાળજીથી સીવી આપજે.’

‘‘‘

ડૉ.. લક્ષ્મીકાંત શુક્લ આજે તો મુંબઇમાં એક ખ્યાતનામ તબીબ છે. દર્દીઓ એમને ડૉ.. એલ.એન.શુક્લ તરીકે ઓળખે છે, તેઓ લક્ષ્મીના કાંત છે એ વાત એમની તિજોરી પૂરી રીતે જાણે છે. ન્યૂરો ફિઝિશિયન બન્યા પછી શુક્લ સાહેબે એમના ગામડાં સાથેનો સંબંધ કાપી નાખ્યો છે. ગ્રામજનોનો વસવસો એટલો મોટો નથી જેટલો અફસોસ નભા ગોર અને જમના ગોરાણીને છે. 

જે દિવસે લક્ષ્મીકાંતે મુંબઇના ઉદ્યોગપતિની પુત્રી સાથે લગ્ન કરવાની વાત મૂકી એ જ દિવસે એ ચુલબુલી અપ્સરાએ શરત મૂકી હતી કે, ‘જો મને પામવી હોય તો તમારે જીવનભર તમારા મા-બાપને ભૂલી જવા પડશે. હું નથી ઇચ્છતી કે મારી આસપાસની ઉચ્ચ સોસાયટીના લોકો એ વાત જાણે કે મારો પતિ ઉકરડામાંથી આવેલો છે. ધોઝ પૂઅર રસ્ટિક ફિલ્ધી એનિમલ્સ, યુ સી...!’ અને લક્ષ્મીકાંતે ‘ઉકરડો’ છોડીને આ અત્તરની શીશી પસંદ કરી લીધી.

લોકોએ તો મન વાળી લીધું, પણ માવતર છેવટે માવતર છે ને! એક વાર, બસ એક વાર ગોર-ગોરાણી દીકરાને મળવા માટે મુંબઇ ગયા હતા. સરનામું શોધતાં શોધતાં એક આલશિાન બંગલાના ઝાંપા સુધી પહોંચ્યા, ત્યાં જ સવા કરોડની કાર એમને ઘસાઇને પસાર થઇ ગઇ. કાચમાંથી એટલું જોવાયું કે ડૉ.. લક્ષ્મીકાંત ખોળામાં પોમેરિઅન ગલૂડિયું લઇને બેઠા હતા! ગોરાણીથી બોલી જવાયું, ‘ડોક્ટર બન્યો એટલે શું થઇ ગયું? માણહ થોડો બન્યો છે! કૂતરાની હારે રહી રહીને હાવ કૂતરો જ બની ગયો છે!’- 

(સત્ય ઘટના) 

Comments