આ તો મારા મિત્ર વિશ્વાસનું ગામ. વર્ષો પહેલાં એની સાથે હું અહીં આવી ગયેલો છું. એકઝેટલી અઠ્ઠાવીસ વરસ પહેલાં.
વૈશાખની બપોર, કાળઝાળ ગરમી અને સાત કલાકની સફર. ટોયોટા ઇનોવામાં બેઠેલા આઠેય જણાં આકુળ-વ્યાકુળ થઇ ગયા હતા. વેરાવળ આવવાને હજુ એક-દોઢ કલાકની વાર હતી.શ્વાસ બોલ્યો, ‘હાઇ-વેની બંને બાજુ પર જોતા રહેજો, કોઇ સારી રેસ્ટોરન્ટ કે હોટલનું પાટિયું વંચાય તો ગાડી ઊભી રાખીએ. પેટ હવે પેટ્રોલ માગે છે.’સવારે છ વાગ્યે અમદાવાદથી નીકળ્યા હતા. આઠ જણાંનો પૂરો પરિવાર હતો. શ્વાસની સાથે એની પત્ની સંગત હતી. ત્રણ સંતાનો હતાં. દાદા-બા હતાં અને એક વિધવા ફોઇ હતાં. વચ્ચે જૂનાગઢ આવેલું, પણ ત્યારે જમવા માટે બહુ વહેલું હતું એટલે આઇસક્રીમ ખાઇને નીકળી ગયાં હતાં.
ગાડી ચલાવતાં-ચલાવતાં ખુદ શ્વાસની નજર એક પાટિયા પર પડી. ડાબા હાથ પર કોઇ ગામ આવેલું હશે, પાટિયામાં તીરનું નિશાન હતું અને નામ લખ્યું હતું: સુખપાદર.‘સુખપાદર?!?’ શ્વાસ મોટેથી બોલી ઊઠ્યો. હાથમાં પકડેલું સ્ટિયરિંગ વ્હીલ પણ હલી ગયું. પગ ગાડીની બ્રેક ઉપર મુકાઇ ગયો. ગાડી ધીમી પડી એટલે શ્વાસે એક વૃક્ષના છાયામાં એને ઊભી રાખી દીધી.‘કેમ, શું થયું?’ સંગતની સાથે બીજા ચાર-પાંચ સભ્યો પૂછી બેઠા.‘અરે, આ સુખપાદર ગામ... હમણાં એના નામનું પાટિયું ગયું?’
‘એવાં તો કેટલાંય પાટિયાં આવીને ચાલ્યાં ગયાં, દર બે-પાંચ કિલોમીટરે એક ગામનું નામ ઝબકે છે અને વિલાઇ જાય છે.’ પાછળ બેઠેલી મોટી દીકરી પ્રત્યુષાએ કંટાળો વ્યક્ત કર્યો.‘પણ આ તો મારા મિત્ર વિશ્વાસનું ગામ. મારા ગાઢ મિત્રનું ગામ. વર્ષો પહેલાં એની સાથે હું અહીં આવી ગયેલો છું. કહું કેટલા વરસ પહેલાં? એકઝેકટલી અઠ્ઠાવીસ વરસ પહેલાં. અમે હોસ્ટેલમાં હતા. એ મારો રૂમ પાર્ટનર.
સાતમ-આઠમની રજાઓમાં વિશ્વાસ એના ગામડે જતો હતો, મને કહે કે ચાલ, તું પણ મારી સાથે.’ અમે રાજકોટથી બસમાં બેસીને જૂનાગઢ પહોંચ્યા હતા અને જૂનાગઢથી ટેમ્પો, ટેન્કર અને ટ્રકમાં વારાફરતી કટકે-કટકે પ્રવાસ કરીને છેક રાતના અગિયાર વાગે સુખપાદરમાં...’‘તો તમને યાદ કેમ ન રહ્યું કે એ ગામ અહીં જ આવેલું છે?’ બારમા ધોરણની હમણાં જ પરીક્ષા આપી ચૂકેલો દીકરો નિવ્ર્યાજ રોકડિયો સવાલ પૂછી બેઠો.
‘જૂનાગઢ સુધીનું બધું યાદ હતું, પછી અંધારું થવા માંડેલું અને વાહનો પણ બદલાતાં ગયેલાં એટલે... પણ ગામ આ જ હતું એ ચોક્કસ.’સંગતે યાદ દેવરાવ્યું, ‘આપણે અત્યારે ભૂખપાદર જેવા બનીને બેઠાં છીએ, કોઇ સારી હોટલ શોધો. સુખપાદરનું પુરાણ બંધ કરો!’‘હું એ વિચાર પણ કરી જ રહ્યો છું. તું જુએ છે ને કે આ હાઇ-વે પર સારી કહી શકાય તેવી એક પણ રેસ્ટોરન્ટ હજુ સુધી તો જોવા મળી નથી. ડ્રાઇવર-કલીનરને ચાલે એવા ઢાબા જ ઢાબા છે બધે. આપણાથી એવું તીખું શાક ને જાડી રોટલીઓ ખવાશે નહીં. એટલે વિચારું છું કે ગાડી ડાબા હાથ તરફ વાળી લઉં...’
‘કેમ? સુખપાદર ગામમાં ‘તાજ ઇન્ટરનેશનલ’ આવેલી છે?’ પ્રત્યુષાએ તીક્ષ્ણ સવાલ ભોંકયો, જેનો જવાબ દેવા માટે ન તો એના પપ્પા પાસે સમય હતો કે ન હતી મરજી. એણે દસેક ફીટ જેટલું અંતર રિવર્સમાં કાપીને ગાડીને સુખપાદરની દિશામાં કાચી સડક પર દોડાવી મૂકી.
સંગતે પતિની મરજીની સાથે સમાધાન સ્વીકારી લીધું. સમય પસાર કરવા માટે સવાલો પૂછવાનું શરૂ કર્યું, ‘સુખપાદર એ તમારા મિત્ર વિશ્વાસનું ગામ છે? તમે કેમ ક્યારેય વિશ્વાસભાઇ વિશે મને વાત જ નથી કરી? આટલાં વરસોમાં એ ક્યારેય આપણા ઘરે...?’શ્વાસ હસી પડ્યો, ‘વિશ્વાસ તો ભણવાનું પૂરું થયા પછી તરત જ સાઉથ આફ્રિકા ચાલ્યો ગયો હતો. એનું કામ પહેલેથી જ આવું હતું, જ્યારે સાથે હોઇએ ત્યારે સગા ભાઇઓની જેવા, પણ છુટા પડ્યા તો બસ, પૂરું થઇ ગયું. એનો અર્થ એવોયે નહીં કે એ સ્વાર્થી છે, આજે મળી જાય તો ફરી પાછો છલકાઇ જાય. પણ પત્ર કે ફોન દ્વારા સંપર્ક જાળવી રાખવાનો એનો સ્વભાવ જ ન મળે.’
‘આ ગામ એનું છે?’ સંગતે મૂળ સવાલ બીજી વાર પૂછ્યો.‘હા અને ના.’ શ્વાસે જવાબ આપ્યો, ‘વિશ્વાસના દાદા-પરદાદા આ ગામમાં રહેતા હતા, પણ પછી એ લોકો સાઉથ આફ્રિકામાં શિફ્ટ થઇ ગયા હતા. વિશ્વાસના મોટાભાઇનો ત્યાં જહોનિસબર્ગમાં મોટો બિઝનેસ છે. આ ગામમાં એની પ્રેમિકા-કમ-ભાવિ પત્ની રહેતી હતી. વેણી પટેલ. એ રાજકોટની માતુશ્રી વીરબાઇ કોલેજમાં ભણતી હતી. બંનેની સગાઇ પણ થઇ ચૂકી હતી. ખરેખર તો વેણીનો જ આગ્રહ હતો કે મારે અને વિશ્વાસે જન્માષ્ટમીની રજાઓમાં એની સાથે... એનાં ઘરે...! લો, આવી ગયું સુખપાદર...’
વેણીના પિતા રમણભાઇનું ઘર તરત જ જડી ગયું. જગ્યા તો એ જ હતી, માત્ર બેઠા ઘાટનું મકાન હવે બે માળનું થઇ ગયું હતું. ફળિયામાં ગાયો બાંધેલી હતી. કાથીના ખાટલામાં ગાદલું પાથરીને એક વૃદ્ધ ભાભા આડા પડેલા હતા ને હુક્કો પી રહ્યા હતા. શ્વાસ તરત ઓળખી ગયો. રમણભાઇ જ હતા, પણ રમણભાઇ એને ન ઓળખી શક્યા. શ્વાસે પોતે જ ઓળખાણ આપવી પડી, ‘કાકા, યાદ આવે છે? અઢી-ત્રણ દાયકા પહેલાં હું તમારા ઘરે ચાર દી’ રહી ગયેલો. વેણીના આગ્રહથી વિશ્વાસની સાથે હું આવ્યો હતો.’
ડોસા ઊભા થઇ ગયા, ‘ઓ...હો...હો, બાપલા તમે?! પધારો! મારી વેણી તો અત્યારે પરદેશમાં મહાલે છે, પણ તમે એનું નામ લઇને આવ્યા એટલે મારે મન ભગવાન જેવા! આવો, અંદર આવો...’ઘરના ઓરડામાંથી વૃદ્ધા બહાર નીકળી. એ પણ રાજી-રાજી થઇ ગઇ. ગાડીમાંથી મહેમાનોનું આવડું મોટું ધાડું નીકળી આવ્યું, પણ પટેલ દંપતીનું રૂંવાડુયે ન ફરકર્યું. ભર્યા મોઢાનો આવકારો આપ્યો.વૃદ્ધાએ જુવાન વહુને ઇશારો કરી દીધો, ‘રાંધવા માંડો! મે’માનને જમાડ્યા વગર જવા દેવાના નથી.’
‘અરે, પણ...’ શ્વાસે કરવા ખાતર વિરોધ કર્યો, ‘એવી તકલીફ ન લો, અમે તો રસ્તામાં ક્યાંક જમી લઇશું.’રમણલાલે ગર્જના કરી, ‘તો પછી અહીં આવ્યા શું કામ?’‘તમને મળવા માટે. અહીંથી પસાર થતા’તાં ને સુખપાદરનું બોર્ડ વાંચ્યું. અઠ્ઠાવીસ વરસ એકી ઝાટકે વાવાઝોડામાં ઊડતાં તણખલાંની પેઠે ઊડી ગયાં. જન્માષ્ટમીના દિવસો યાદ આવી ગયા. વિશ્વાસ યાદ આવી ગયો.
વેણી યાદ આવી ગઇ. તમારી મીઠી પરોણાગત સાંભરી આવી. શું તમારું આતિથ્ય! કેવી આગતા-સ્વાગતા! ત્યારે તો ઘરમાં વહુ પણ આવી નો’તી. ચાર-ચાર દી’ લગી કાકીએ ઘીથી લથબથતા રોટલા ને તાંસળી ભરીને દૂધ ખવડાયેલાં. બધું યાદ આવી ગયું. કાકા, સાચું કે’જો, હું અહીંથી તમારા ગામના પાદરને ઘસાઇને પસાર થતો હોઉં ને તમોને મળવાયે ન આવું એ ઠીક કે’વાય?’
‘ના, ભાઇ! એવું તો જાનવર હોય ઇ કરે. બાકી તો સંબંધ રાખે એ માણસ!’ રમણકાકા વાતો કરતા રહ્યા. પોણા કલાકની અંદર વહુએ રસોઇ બનાવી નાખી. બાજરીના રોટલા, રિંગણાનું શાક, ખીચડી-કઢી અને ચોખ્ખું ઘી. પછી લાજના ઘૂંમટાથી ઝીણા સાદે કીધુંયે ખરું, ‘અમારા ગામડામાં તો આવું મળે! જો તમારે પંજાબી પરોઠા ને પનીરનું શાક કે પિઝા ને સેન્ડવિચ ખાવાં હોય તો અમેરિકા જવું પડે, વેણીબે’નના ઘરે!’શ્વાસ ચમકયો, ‘અમેરિકામાં શા માટે? વેણી ને વિશ્વાસ તો સાઉથ આફ્રિકામાં છે...’
ઓસરીમાંથી ખોંખારો સંભળાયો. પહેલીવાર રમણકાકાનો અવાજ ભારે હતો, ‘ભાઇ, તમે વેણીનું નામ લઇને આવ્યા છો, એટલે મારા આંખ-માથા પર! બાકી પેલા રાક્ષસનું નામ હવે પછી આ ઘરમાં ન બોલતા. એ નાલાયકે મારી દીકરીને બે વરસ સુધી ફેરવીને છોડી દીધી. આફ્રિકા જઇને બીજી છોકરી સાથે પરણી ગયો. મારી વેણી સુંદર હતી, ભણેલી હતી, એટલે વાંધો ન આવ્યો.
એ પણ સુખી છે એના ઘરે!’શ્વાસનો કોળિયો પકડેલો હાથ થંભી ગયો, ‘કાકા, મને કશી ખબર જ ન હતી. મારા મિત્રે આવું કર્યું... તો પણ... તમે...!?’‘ભૂલી જાવ એ બધું ભાઇ! જે સંબંધ રાખી જાણે તે જ માણસ. બીજાં બધાં જાનવર! જમો, બાપલા, પ્રેમથી જમો! તમે મારી વેણીનું નામ લઇને આવ્યા છો. તમે જમશો ને મારી દીકરીને ઓડકાર આવશે, ભાઇ...!’ પટેલે વાત પૂરી કરી, એ સાથે જ ન જાણે કેટલા લોકોએ ભીની આંખો લૂછવી પડી!

Comments
Post a Comment
Thanx For Comment