ભાઇ ક્યાંક સ્થિર થઇ કામ કરે તો તેનું પણ ગોઠવી એકસાથે બે પ્રસંગ કરી દેવાની પપ્પાની ઇચ્છા છે, પણ આમ લાંબું ચાલશે તો કદાચ સામેનું પાત્ર ના પાડીને ઊભું રહે તો...
જીવન ઘડતરના પાયામાં પ્રેમનું રસાયણ રેડવાનું હોય છે. પ્રેમ દિલમાંથી પ્રગટે છે. જ્યારે દિલ અને દિમાગ એક થાય ત્યારે લક્ષ્યસિદ્ધિની અપેક્ષા રાખી શકાય. ગરવા જે સવાલ કરી રહી છે તેનો જવાબ પણ આ હોઇ શકે. ગરવાનું કહેવું છે કે, તેનો ભાઇ ક્યાંય સ્થિર કે સફળ થતો નથી. પપ્પા પોતાના સંબંધનો ઉપયોગ કરી તેના માટે નવી નવી જગ્યાઓ શોધી આપે છે પણ પાંચ-પંદર દિવસમાં તો ધોયેલા મૂળાની જેમ પાછો આવે છે.
હા, તેનામાં સમજ અને આવડત છે પણ ઉપયોગ કરતો હોય એવું લાગતું નથી. બીજી બાજુ ગરવાને ગમતું પાત્ર મળી ગયું છે, પણ આજની કાળજાળ મોંઘવારીમાં મધ્યમવર્ગના લોકોને પ્રસંગ ઉકેલવામાં નાકે દમ આવી જતો હોય છે. ભાઇ ક્યાંક સ્થિર થઇ કામ કરે તો તેનું પણ ગોઠવી એકસાથે બે પ્રસંગ કરી દેવાની પપ્પાની ઇચ્છા છે, પણ આમ લાંબું ચાલશે તો કદાચ સામેનું પાત્ર ના પાડીને ઊભું રહે, ગરવાને આવું ગમે કે પરવડે તેમ નથી. કારણ કે હૈયે વસેલું હાલ્યું જાય પછી આખું જગત સામે આવીને ઊભું રહે તો પણ શું કામનું! ગરવા માટે ન કહેવાય અને ન સહેવાય તેવી બાબત છે. સાથે સાથે ગરવાને ભાઇ અને પપ્પાની ચિંતા પણ એટલી જ છે.
દીકરીને ભાઇ અને બાપનું દાઝે એટલું કોઇનું ન દાઝે. ગરવા તો માત્ર નિમિત છે બાકી ઘણા યુવા-પરિવારોની આવી કફોડી હાલત છે. વળી દેખાદેખીના જમાનામાં સમાજને દેખાડી દેવાની ધખના પણ જેવી તેવી નથી. તેમાં પીસાવાનું કે ભોગવવાનું તો ગરવા જેવા યંગસ્ટર્સના ભાગે આવે છે. વળી જેનું કોઇ ઠેકાણું નથી, કામ કરવાની ગંભીરતા નથી તેવા ગરવાના ભાઇ નયનને આમ વળગાડી દેવાની વૃત્તિ પણ ભારે ખતરનાક નીવડે તેવી છે. એક સવાલનું નિરાકરણ લાવવામાં ક્યાંક નવા સવાલો તીર તાણીને ઊભા ન રહે તે પણ જોવું પડે.
નયન ગ્રેજ્યુએટ યુવાન છે. ઘરની આર્થિક સ્થિતિ જોતાં તેને નાની મોટી નોકરી કર્યા વગરનો કોઇ વિકલ્પ નથી. તેને કોઇ દિશા કે ધ્યેય નહોતું. અભ્યાસ જેમ થયો તેમ કરતો રહ્યો. દરેક યુવાને પોતાનું લક્ષ્ય નક્કી કરવું પડે અને તેની પ્રાપ્તિ કે સિદ્ધિ માટે સમજપૂર્વક સખત મહેનત કરવી પડે. કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી. નયનને હવે આર્થિક ઉપાર્જન માટે જે કામ મળે, જેવું મળે તે કરવાનું છે. તે એક પ્રકારનો માનસિક તનાવ અનુભવી રહ્યો છે. આજે સ્કિલ બેઇઝ નોલેજની બોલબાલા છે. યુવાન તેનામાં રહેલી સ્કિલને બહાર લાવે, વિકાસ કરે અને પછી વ્યવહારમાં મૂકે... એમ થવું જોઇએ. યુવાન જે ભણ્યો હોય તે પ્રકારનું કામ મળવું કે કરવું જોઇએ અને જે કામ કરતો હોય તેનું જ તે ભણેલો અને ગણેલો હોવો જોઇએ.
ગરવાની પાછળ નયન ક્યારે આવીને બેસી ગયો તેની કોઇને ખબર રહી નહોતી. ગરવા સાથેની વાત એમ ચાલુ જ હતી... ભાઇ... દરેક કામમાં દિલ લાગવું જોઇએ અને ન લાગે તો લગાડવું જોઇએ. એક વાર્તાનું ઉદાહરણ આપતાં કહ્યું...ઊગતી સવારનું વાતાવરણ ખુશનુમા છે. ગઢની અટારીએ ઊભો રહીને રાજા ઊર્જાના સ્ત્રોત સૂર્યની વંદના સાથે નમસ્કાર કરી રહ્યો છે. ત્યાં તેના કાને ઘોડાના ડાબલાનો અવાજ આવે છે. તે એકદમ નીચે જુએ છે.
એક ઘોડેસવાર વહ્યો જાય છે. તેની માથે બાંધેલા લાલ ફેંટા પર સૂરજનાં સોનેરી કિરણો કેસરવરણી ઝાંય લીંપી રહ્યાં છે. તેથી વધુ રૂપકડો લાગે છે-ફેંટા પર રાજાનું મન લાગી ગયું. તેમણે તુરંત જ હુકમ કર્યો અને ઘોડેસવારને હાજર કરવામાં આવ્યો. રાજાએ કહ્યું: જુવાન! તારા માથા પરના ફેંટાનો રંગ મને ગમી ગયો છે. જુવાને બે હાથ જોડી અદબ જાળવીને કહ્યું: નામદાર, હું ખુદ રંગારો છું. આપ હુકમ કરો તો આવો ફેંટો રંગી આપું! રાજા બોલ્યા: પણ તારા ફેંટા જેવો જ રંગાવો જોઇએ... રાજાની આજ્ઞા માથે ચઢાવીને તે ગયો. તેણે વળતા દિવસે જ દરબારીઓની વચ્ચે ફેંટો પેશ કર્યો.
રાજા ફેંટો જુએ છે, તેનો રંગ જુએ છે સામે ઊભેલા રંગારાના ફેંટા સાથે સરખામણી કરે છે પણ મન માનતું નથી. રાજા કહે છે, જુવાન, તારા ફેંટાના રંગ જેવો આનો રંગ નથી. કોણે રંગ્યો છે આ તારો ફેંટો! જુવાન રંગારાએ એક પળનો પણ વિલંબ કર્યા વગર કહ્યું: મારી ઘરવાળીએ રંગ્યો છે, નામદાર! રાજાએ ફરી હુકમ કરતાં કહ્યું: તો પછી તારી ઘરવાળીને રંગવાનું કહે. મારે અદ્દલ તારા ફેંટાના રંગ જેવો જ જોઇએ. રાજાના હુકમનો અનાદર કરવાનો સવાલ જ પેદા થતો નહોતો. રાજા, વાજા અને વાંદરા... શું કરી બેસે તેનું કશું નક્કી નહીં! સઘળાં કામ પડતાં મૂકી જુવા પાછો ઘરે આવ્યો. તેની ઘરવાળીને હકીકત કહી અને તેની પાસે ફેંટો રંગાવ્યો.
વળી વળતા દિવસે ફેંટો લઇને રાજાના દરબારમાં હાજર થયો. રાજા બારીકાઇથી જુએ છે. પણ તેનું મન માનતું નથી. છેવટે ખરાઇ કરવા માટે રંગારાની ઘરવાળીને રાજાની સામે હાજર કરવામાં આવે છે. રાજા તેને સીધો જ સવાલ કરે છે. આ ફેંટો કોણે રંગ્યો છે? તો જવાબ આપતાં કહે છે: મેં રંગ્યો છે, નામદાર! તો પછી તારા ખાવિંદના ફેંટા જેવો આ કેમ નથી, મારે તો તેવો જ રંગ જોઇએ. રંગારાની ઘરવાળીએ પરિણામની પરવા કર્યા વગર ખુમારીથી કહ્યું: એવો રંગ નહીં જ આવે નામદાર... રાજાની સભામાં સોપો પડી ગયો. રાજાની સામે આમ બોલવાનું પરિણામ શું આવે... તે વિચારમાત્રથી દરબારીઓ કંપી ગયા, પણ આવતલ સ્ત્રીને તેની કશી અસર નથી.
રાજાએ સત્તાવાહી અવાજે કહ્યું: શું કરવા તેવો રંગ નહીં આવે... હું મોં માગ્યા દામ આપવા તૈયાર છું. સ્ત્રીએ નમ્રતાથી છતાંય મક્કમતાથી જવાબ આપ્યો: ગુસ્તાખી માફ... પણ એ ફેંટો મારા ખાવિંદનો, મારા પ્રિયતમનો છે, અને તેમાં મેં મારા દિલડાનો રંગ નાખ્યો! આટલું સંભાળીને સૌ મોમાં આંગળાં ઘાલી ગયા. તે વખતે રાજા પાસે પણ તેનો જવાબ કે કોઇ વિકલ્પ નહોતો.
આપણે સૌ જાણીએ છીએ, સીધો આદેશ કે ઉપદેશ કોઇને, ક્યારેય ગમતો હોતો નથી. કડવી દવા પીવડાવવા માટે તેને સ્યુગર કોટેડ કરવી પડે! મહેનત કરવા છતાંય તેનું સારું અને ધાર્યું પરિણામ ન આવે તો તેને ગધ્ધાવૈતરું કહી શકાય. આ સમય ગધ્ધાવૈતરું કરવાનો નથી. વળી મનગમતું કામ મળે તે કાયમી ગમતું રહે તેવી કોઇ ગેરંટી નથી. ટેક્નોલોજીના યુગમાં દિમાગ દોડાવવું પડે તે હકીકત છે, પણ તેમાં દિલનો રંગ-ઉમંગ ભળે તો પરિણામ સારું અને ઉત્કૃષ્ઠ આવે. જીવનમાં જે કંઇ સારું કરો તે દિલ દઇને કરો.
થોડીવાર પછી ગરવાને ખબર પડી કે તેની પાછળ નયન પણ આવ્યો છે. એક ક્ષણે તો એમ થયું કે કહે, આ રહ્યો મારો ભાઇ! પણ ત્યાં પાછળથી એક યુવતી ઊભી થઇ. તેણે હાજર હતા તે સૌની પર એક આછડતી નજર ફેરવી લીધી પછી ત્વરિતપણે બોલી: મારું પણ નયનને એમ જ કહેવાનું છે. પ્રેમ કરો તો પણ દિલથી કરો...! ગરવા ચોંકીને એકદમ ઊભી થઇ ગઇ. તેના મોંએ આવી ગયું મારા ભાઇને સલાહ આપવાવાળી તું કોણ!? પણ નયનના હાવભાવ જોતાં ગરવા પાણીમાં અંગારો બુઝાઇ તેમ ઠરી ગઇ.
Comments
Post a Comment
Thanx For Comment