રાઘવજી માધડ: બધા મારી સામે જ જુએ છે



  
નિવૉ પોતે કોલેજની બ્યુટિક્વીન છે તેવો ગર્વ અનુભવવા લાગી. સ્ટુડન્ટ્સની અવરજવર ચાલુ હતી. થયું કે, બધા મારી સામે જ જુએ છે! એક એકને ગાલ પર તમાચો મારીને પછી કહે, ફરી મારા સામે જોવાની હિંમત કરી છે તો આંખો જ ફોડી નાખીશ!

રૂપગર્વિતા નિવૉએ તેનાં મેડમને ફરિયાદ કરી હતી, મેડમ, પેલો મિહિર મારી સામે જ જોયા કરે છે! આખા કલાસમાં સન્નાટો છવાઇ ગયો હતો. નહોતું જોયું તેણે પણ નિવૉ સામે નેણ તાણીને વિચિત્ર રીતે જોયું હતું. મેડમે થોડીવાર વિચારીને સામે સવાલ કર્યો હતો, મિહિર તારી સામે જુએ છે તેની તને કેમ ખબર પડી! આખા કલાસના સ્ટુડન્ટ્સ તાળીઓ સાથે ચિચિયારીઓ પાડવા લાગ્યા હતા. નિવૉ ડઘાઇ ગઇ હતી. આમ તો પોતાની સામે કોઇ નજર નાખે, જુએ તે ઘણાને ગમતું હોય છે. ગમવા કે આકર્ષિત કરવા માટે તો ક્યારેક નવાં નવાં નખરાં કરાતાં હોય છે. છતાંય અણગમો પ્રગટ કરવો તે છોકરીઓનો સ્વભાવ હોય છે.

એક યુવતી કહે, બધા મારી સામે જોયા કરે છે અને બીજી કહે, મારી સામે કોઇ જોતું નથી! બંનેની સમસ્યા સરખી છે. ઘણાં યુવક-યુવતીને આવો મનોસંઘર્ષ પજવતો હોય છે પણ કોઇ જાહેર કરે અને કોઇ મનમાં સમજે, ફરક આટલો જ હોય છે. નિવૉને પણ આવું જ છે. તેના મનમાં ઠસાઇ ગયું છે કે, બહાર નીકળું છું તો લોકો મારી સામે જ જુએ છે! ઘણાને એવો ભ્રમ હોય છે કે બધા મારી સામે જ જુએ છે! પણ ખરેખર એવું હોતું નથી. સમય પ્રમાણે સૌ પોતાનામાં જ મસ્ત અને વ્યસ્ત હોય છે.

નિવૉએ ફ્રેન્ડસર્કલમાં આ વાતને વહેતી મૂકી દીધી હતી. બધા મારી સામે જ જોયા કરે છે, શું કરવું મારે! ત્યાં તેની એક ફ્રેન્ડે કટાક્ષ કરતાં કહ્યું હતું: અમારી સામે તો કોઇ જોતું નથી. લાગે છે જીવનભર કુંવારા રહેવું પડશે! આ પોતાની પ્રશંસા હતી કે પછી મશ્કરી... એ નિવૉ નક્કી નહોતી કરી શકી. ગોરી, ઊંચી અને પ્રમાણસર તેનો બાંધો છે સાથે તેની ડ્રેસસેન્સ પણ સારી છે. તે કોલેજમાં સાવ અલગ તરી આવે છે. જાણે-અજાણે સૌની નજર તેના પર જ પડે. પછી તો તેને પીડા થવા લાગી કે, મારી સામે જ બધા શું કરવા જુએ છે? આ પ્રશ્નના લીધે તે કામમાં સતત બેધ્યાન રહે છે.

સૌંદર્ય એ કુદરતી ભેટ છે, પણ તેને યોગ્ય નિખાર આપવાનું વ્યક્તિના હાથમાં છે. સાદગીમાં પણ સૌંદર્ય નિખરી આવે છે. આપણે ત્યાં સ્ત્રીદાક્ષિણ્યનો મહિમા વિશેષ રહ્યો છે. સ્ત્રી જગત જનની છે, મા-બહેન કે ભાર્યાનું સ્વરૂપ છે. સ્ત્રીને પોતાનું સૌંદર્ય પ્રગટ કરવાનો અબાધિત અધિકાર અનાદિકાળથી પ્રાપ્ત થયો છે, પણ સૌંદર્યએ છુપાવીને પ્રગટ કરવાની એક કળા છે. જે સ્ત્રીઓને આ કળા હસ્તગત છે તેનું રૂપલાવણ્ય આંખોને ઠારે તેવું હોય છે.

કલાસરૂમમાં તો મિહિર કશું બોલ્યો નહોતો, પણ કેમ્પસના દરવાજે ઊભા રહી નિવૉની લગોલગ જઇ તેણે ધૂંઆપૂંઆ થતાં કહ્યું હતું. એ... છોકરી! તારી સામે જોવા કોઇ નવરું નથી સમજી! આવું સાંભળી નિવૉ પારેવાની જેમ ફફડી ગઇ હતી. તે નક્કી નહોતી કરી શકી કે આ ધમકી હતી કે પછી પ્રેમાળ ઇજન! આજે ટ્રેડિશનલ ડે છે. ફુલકદના આયના સામે ઊભી નિવૉ પોતાના રૂપ પર મોહી ગઇ હોય એમ પ્રતિબિંબને જુએ છે. પછી વિચારે કે, જોવા જેવું હોય તો લોકો જુએ તેમાં નવું શું છે! કડકડતી ઠંડીમાં તાપણું જોઇ કોઇ હૂંફ લેવા ઊભો રહે તે સ્વાભાવિક છે. નિવૉની છાતી થડકવા લાગી.

શરીરે લોહી ચટકા ભરતું હોય તેવો ચચરાટ થવા લાગ્યો. તનમાં તોફાન ઊપડ્યું. પાંખો હોત તો ઊડીને જલદી કોલેજે પહોંચી જાય... તેવું મનમાં થવા લાગ્યું. છતાંય સ્વભાવ મુજબ સ્વગત બોલી: હવે મારી સામે કોઇ જુએ તો ખબર લઇ નાખું! વ્યક્તિમાં સુંદરતાની ખોટ હોય તો સારા સ્વભાવથી પૂરી શકાય પણ સારા સ્વભાવની ખોટ સુંદરતાથી પૂરી શકાતી નથી. કોઇનું આમ કહેવું નિવૉને બરાબર લાગુ પડે છે. ટુ વ્હિલર પર તે કોલેજ પર આવી. સમય કરતાં થોડી વહેલી હતી. કેમ્પસમાં એક ઝાડ નીચે ઊભી રહી.

ફરી એક વખત પોતાના શરીર પર સુંવાળી નજરનો પીંછડો ફેરવી લીધો. પોતે કોલેજની બ્યુટિક્વીન છે તેવો ગર્વ અનુભવવા લાગી. સ્ટુડન્ટ્સની અવરજવર ચાલુ હતી. થયું કે, બધા મારી સામે જ જુએ છે! એક એકને ગાલ પર તમાચો મારીને પછી કહે, ફરી મારા સામે જોવાની હિંમત કરી છે તો આંખો જ ફોડી નાખીશ! ત્યાં તુરંત જ મનમાં સવાલ સળવળ્યો: મિહિરને પણ આમ જ કહીશ! નિવૉ પોતાના મનનો કશો જવાબ આપી શકી નહીં અને ઊલટાની મૂંઝવા લાગી. તેના માટે અઘરો સવાલ હતો.

રંગબેરંગી પતંગિયાના માફક કોલેજ કન્યાઓ ઊડાઊડ કરતી હતી. આખું કેમ્પસ જાણે ભાતીગળ રંગોળી બની ગયું હતું. પહેરવેશની વિવિધતામાંથી પ્રગટતી એકતા આંખોને ઠારે તેવી હતી. ઘણી યુવતીઓ પોતાના કરતાં સુંદર અને સોહામણી છે તેવું જોઇ નિવૉ મનોમન સળગવા લાગી. તે ફ્રેન્ડ્સને હાય... હેલો... કહેવાનું વીસરીને વિહવળતાથી ચારે બાજુ જોઇ વળી. કોને શોધે છે તેની ખુદને ખબર નથી. પણ આંખોમાં કોઇની ઇન્તેજારી પારેવાની જેમ ઘુ...ઘુ... કરી રહી છે. ચિત્ત ક્યાંય ચોટતું નથી. આવું શું કરવા થાય છે તે નિવૉને સમજાતું નથી.

વળી છાતીમાં સબાકો આવ્યો હોય એમ થયું. સાલ્લા બધા મારી સામે જ જુએ છે! પણ બરાબર જોયું તો ખ્યાલ આવ્યો કે પોતાની સામે જોવાની કોઇને પડી નહોતી. ઘણા યુવાનો સામે જોઇ એકદમ મોં ફેરવી લેતા હતા. કોલેજ ઉદ્યાનમાં એક એક ફૂલ ચૂંટવા જેવાં સુગંધિત હતાં. નિવૉ લજામણીના ફૂલ માફક ચીમળાઇ ગઇ. લોહીના ઉછાળા ઓછા થવા લાગ્યા. પોતાની સામે જ બધા જુએ છે તેવો ભ્રમ ઓસરવા લાગ્યો. પોતે ખરેખર તો મિહિરને શોધી રહી છે તેવું મનથી સ્વીકારી લીધું. દિલના દ્વાર પર હરખની ઝાલર ઝણઝણવા લાગી. અંતરમાં ખુશીનો દરિયો ઊછળવા લાગ્યો.

થોડું મોડું થશે તો પોતે ઓગળીને પણ પ્રવાહી થઇ તેની પાસે પહોંચી જશે! ધીમા છતાંય મક્કમ ડગ ભરતી નિવૉ મિહિર તરફ ચાલી... પણ મિહિરે તો અલપઝલપ સામે જોઇને મોં ફેરવી લીધું. આઘાત અનુભવતી નિવૉ સ્ટેચ્યુની માફક ઊભી રહી ગઇ. શું કરવું... તે ઘડીભર સૂઝયું નહીં. પછી વાવાઝોડાની માફક ચાલીને મિહિરની સામે દીવાલની જેમ ઊભી રહી ગઇ. તેના મનમાં ભયંકર વંટોળ ફૂંકાઇ રહ્યો હતો. જાતને સંભાળવી મુશ્કેલ હતી. તે કંપતા સ્વરે બોલી: તું, ખરેખર મારા સામે નહીં જુએ! મિહિર ઘડીભર સ્તબ્ધ થઇ ગયો. મોં પરથી લોહી ઊડી ગયું.

તે કશું બોલ્યા વગર માંદલું હસવા લાગ્યો. પછી થોડીવારે કહે: તારા સામે શું કરવા જોવું! નિવૉને નજીવી ક્ષણોમાં સઘળું સમજાઇ ગયું. તે નવી નજરે મિહિર સામે જોઇ રહી. મિહિરના જીવમાં જીવ આવ્યો. તેણે મમૉળુ હસીને કહ્યું: તારા સામે કોઇ જુએ એ તને ક્યાં ગમે છે!? નિવૉના ગુલાબી ગાલ પર શરમના શેરડા લીંપાઇ ગયા. તે પાંપણો ઢાળીને બોલી: મારા મનમાં ખોટા ખ્યાલો હતો કે બધા મારી સામે જુએ છે... પણ એવું નથી... મિહિરને ચાનક ચઢયું. તે કહે, તો પછી કેવું છે...! નિવૉ ઋજુ સ્વરે બોલી: તું જુએ એવું અને માત્ર એટલું જ છે

Comments