‘પૂઅર મેન!’ એને જોઇને ડૉ..પ્રાંજલ મોદીના હોઠો પરથી જે પ્રથમ પ્રતિક્રિયા શબ્દોરૂપે સરી પડી તે આ હતી. પછીના શબ્દો એમણે બહાર ન નીકળવા દીધા, મનની અંદર જ રાખ્યા અને તે આ હતા. ‘મને લાગે છે કે મારી પચીસ વર્ષ સુધીની જિંદગીમાં મેં આટલો દરિદ્ર માણસ એક પણ જોયો નથી, કદાચ ભવિષ્યમાં બીજો જોઇ શકીશ પણ નહીં. મને લાગે છે કે શબ્દકોષમાં ‘ગરીબ’ શબ્દનો અર્થ સમજાવવા માટે બીજું કંઇ લખવાને બદલે એની સામેની જગ્યામાં આ માણસનો ફોટો ચોંટાડી દેવામાં આવે તો વધુ યોગ્ય લાગે.’ વીસ-બાવીસ વર્ષ પહેલાંની વાત.
શિયાળાની કાતિલ રાત. જામનગરની પ્રખ્યાત ઇરવિન હોસ્પિટલનો સર્જીકલ વિભાગ. રાતના બે વાગ્યે એક આધેડ વયના પુરુષને લઇને એની પત્ની આવી પહોંચી. ફરજ પરની નર્સ તરત સમજી ગઇ કે આ દર્દી જિંદગીની ‘અલવિદા’ અને મોતને ‘આદાબ’ કહેવાની સરહદ પર ઊભો છે. નર્સે તાત્કાલિક કોલબુકમાં લખ્યું, ‘રિસ્પેક્ટેડ ડોક્ટર ઓન ડ્યૂટી, કાઇન્ડલી રશ ટુ ધી ઇમરજન્સી વોર્ડ. એ સિરિયસ પેશન્ટ હેઝ કમ વિથ ફીબલ પલ્સ એન્ડ...’
વોર્ડ બોયે દોડતાં જઇને ડોક્ટર્સ ક્વાર્ટર્સમાં ફરજ પરના હાઉસમેન ડૉ.. પ્રાંજલના રૂમનું બારણું ધમધમાવ્યું. ડૉ.. પ્રાંજલ એ રાતે ઇમરજન્સી ફરજ ઉપર હતા. હમણાં જ એક ઓપરેશન પતાવીને દસેક મિનિટ પૂરતા રૂમ પર આવ્યા હતા. કોલબુકમાં લખાયેલી ‘તાકીદ’ વાંચીને એ તરત પાછા વોર્ડમાં દોડી ગયા. જઇને જોયું તો સરી પડ્યું, ‘પૂઅર મેન!’ હા, દર્દી તમામ અર્થોમાં ‘પૂઅર’ દેખાતો હતો. એની આર્થિક સ્થિતિ તો ખરાબ હતી જ, પણ એની શારીરિક હાલત તો મરણોન્મુખ હતી.
ડૉ.. પ્રાંજલે દર્દીની પલ્સ ગણવા માટે એનો હાથ પોતાના હાથમાં લીધો. એ સાથે જ પૂછપરછ શરૂ કરી, ‘શું નામ છે? ઉંમર કેટલી? ક્યાંથી આવો છો? શું કામ કરો છો? તકલીફમાં શું શું થાય છે? કેટલા સમયથી? ક્યાંય સારવાર લીધી છે? ક્યાં લીધી છે? દવાઓની ચિઠ્ઠી કે ડોક્ટરનો રિપોર્ટ સાથે લાવ્યા છો?’ પ્રશ્નોની સાથે નર્સને સૂચનાઓ આપવાનું કામ સમાંતરે ચાલું જ હતું, ‘સિસ્ટર, જલદી પેશન્ટની વેઇન પકડી લો! ગ્લુકોઝ સેલાઇનની ડ્રીપ ચાલુ કરી દો! કેસ પેપરમાં હું જેટલા ઓર્ડર્સ લખું તે બધાં જ ઇન્જેકશનો બાટલા દ્વારા ઇન્ટ્રાવીનસ...’ પછી દર્દીની ગામડીયણ ઘરવાળી ગભરાઇ ન જાય એ ખાતર જરા ધીમા અવાજમાં અંગ્રેજીમાં ઉમેર્યું, ‘સિસ્ટર, બી ક્વિક્! હી ઇઝ ટુ સિરિયસ ટુ બી સેવ્ડ!’
દર્દીનું નામ નાથો. જો એની પાસે નાણાં હોત તો એ નાથાલાલ કહેવાતો હોત, નાણાં વગરનો હતો માટે નાથીયો! એની ઘરવાળીએ થીંગડાંવાળા સાડલાના છેડામાં બાંધેલો કાગળ ડૉ.. પ્રાંજલના હાથમાં મૂકી દીધો. ડૉ.. પ્રાંજલે જોયું તો એ જુનાગઢ શહેરમાં ખાનગી નર્સિંગહોમ ચલાવતા એક સર્જનની ‘રેફરન્સ નોટ’ હતી. એમાં લખ્યું હતું, ‘આઇ એમ રિફરિંગ ધીસ પેશન્ટ વિથ એ હિસ્ટ્રી ઓફ... મતલબ: આ દર્દીને ટાઇફોઇડનો તાવ લાગુ પડ્યો હતો. અત્યંત ગરીબ હોવાને કારણે એ યોગ્ય સારવાર ન લઇ શક્યો. લગભગ ભિખારી જેવી હાલતને લીધે ખોરાકની ચરી પણ પાળી ન શક્યો.
પરિણામે એનાં આંતરડામાં પડેલા ચાંદામાંનું એક ફાટી ગયું. મારી પાસે એને લાવવામાં આવ્યો ત્યારે જ એની હાલત મરવાની અણી ઉપર પહોંચી ગઇ હતી. મેં એને એક દિવસ ‘કોન્ઝર્વેટિવ ટ્રિટમેન્ટ’ ઉપર રાખીને થોડોક ‘સેટલ’ કર્યો, પણ એને જરૂર છે ઓપરેશનની. આવી ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે જુનાગઢ નાનું પડે છે. માટે એને ઇરવિનમાં મોકલી આપું છું. અહીંથી ઉપડતી છેલ્લી બસ રાતે દોઢ વાગે જામનગર પહોંચશે. બસ ભાડાના રૂપિયા મેં જ આપ્યા છે.
એમ્બ્યુલન્સ ઉપલબ્ધ ન થઇ શકી. આશા રાખું કે દર્દી તમારા સુધી પહોંચે ત્યારે જીવીત હોય....’ જો નાથાને ‘જીવીત’ કહી શકાતો હોય તો એ જીવી રહ્યો હતો! ડૉ.. મોદીએ તાબડતોબ એના સિનિયર ડોક્ટરોને બોલાવી લીધા. નાથાની હાલત સહેજ ‘સ્ટેબલ’ થઇ એટલે તરત એને ઓપરેશન થિયેટરમાં લીધો. એનેસ્થેટિસ્ટે એને એનેસ્થેસિયા આપ્યું. મરતાં માણસને બેભાન કર્યો.
પછી ડોક્ટરોની ટીમે દર્દીનું પેટ ખોલ્યું. આંતરડાનું ચાંદું ફાટી ગયું હોવાથી એની અંદરનો મળ તથા પાચક રસોનું દુર્ગંધ મારતું પ્રવાહી આખી ઉદરગુહામાં પ્રસરી ગયું હતું. એ કાણું સીવીને બંધ કરી દીધું. પછી પેટમાં ફેલાઇ ગયેલો બગાડ સાફ કરવામાં એક કલાક લાગી ગયો. આખી શસ્ત્રક્રિયા સાડા ત્રણ કલાક સુધી ચાલતી રહી.
સર્જીકલ ટ્રિટમેન્ટ પૂરી થઇ, પણ મેડિકલ ટ્રિટમેન્ટ હજુ બાકી હતી. અને એ કંઇ ઓછા મહત્વની ન હતી. પાણી પીવાનીયે નાથાલાલને મનાઇ હતી. એક સામાન્ય ટેબ્લેટ પણ મોં વાટે એને આપી શકાય તેમ ન હતી. દવા-ઇન્જેકશન-પાણી-પોષણ બધું જ લોહીની નસ વાટે આપવામાં આવતું હતું. રેસિડેન્ટ ડોક્ટરો ફરજ પર બેઠા હોય ત્યારે નાથાલાલની વાત અચૂક કાઢે જ. ‘આ નાથો નસીબદાર છે, બાકી એન્ટરીક પરફોરેશન જેવી ભયંકર કોમ્પ્લિકેશનમાંથી બચી શકે જ નહીં.’ એક ડોક્ટર કહે.
બીજો ડોક્ટર એની વાતમાં ઉમેરો કરે, ‘કદાચ બચી પણ જાય, તો એનું બેંક બેલેન્સ તો ન જ બચે. આ તો ઠીક છે કે ઇરવિન હોસ્પિટલ સરકારી હોસ્પિટલ છે, એટલે ઓપરેશન સાવ મફતમાં થઇ ગયું. જો આ મફતલાલ ખાનગી નર્સિંગ હોમમાં ગયા હોત તો તદ્દન ખાલી થઇ ગયા હોત.’ ડૉ.. પ્રાંજલ મોદી વિચારોના જંગલમાં ભૂલા પડી ગયા, ‘આ બાપડો ગરીબ માણસ આટલો ખાલી તો છે, આનાથી વધુ એ કેટલો ખાલી થઇ શકવાનો હતો?’
નાથાલાલ પાસે એની ગરીબડી પત્ની સિવાય બીજી કશી જ મૂડી ન હતી. ફાટેલો મેલોઘેલો લેંઘો અને થીગડાં મારેલો સદરો. ઓપરેશન પાકે નહીં એ માટે નર્સે એના મેલા કપડાં કઢાવડાવીને હોસ્પિટલના ચોખ્ખાં વસ્ત્રો પહેરાવ્યાં હતાં. પણ નાથાએ ભારપૂર્વક વિનંતી કરી હતી, ‘બહેન, આ તો સરકારી કપડાં! ઘરે જતી વખતે પાછા સોંપી દેવા પડશે ને? મારો લેંઘો ને જુનો સદરો સાચવી રાખજો, મારી પાસે બીજી જોડી નથી.’ નાથાની પાસે એક કામળો પણ હતો પણ એ એણે પોતાની પાસે જ રાખી લીધો. ઠંડી સખત હતી અને હોસ્પિટલમાંથી માત્ર એક જ પાતળો ચોરસો ઓઢવા માટે આપવામાં આવતો હતો. નાથાલાલ પાસે આ કામળો એકમાત્ર હૂંફ આપનારી ચીજ હતી.
દોઢ મહિનાના અંતે નાથો બચી ગયો. એના આંતરડામાં પડેલા તમામ ચાંદાઓ રુઝાઇ ગયા હતા. હવે એ બાજરીનો રોટલોયે પચાવી શકતો હતો. એક સારા દિવસે એને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો. ડોક્ટરો અને નર્સ બહેનો ખુશ હતા, કેમ કે જે ગંભીર હાલતમાં આ દર્દી એમની પાસે આવ્યો હતો એમાં બચવાની શક્યતા બહુ ઓછી હતી. ડૉ.. પ્રાંજલ મોદીને તો એની સાથે એક ખાસ પ્રકારની લાગણી બંધાઇ ગઇ હતી. એનું કારણ એ હતું કે ડૉ.. પ્રાંજલના પિતાશ્રી નખશિખ ગાંધીવાદી હતા, ગૂજરાત વિદ્યાપીઠમાં એમણે જિંદગી વિતાવેલી હતી. એટલે છેવાડાના માનવી પ્રત્યે પ્રેમ અને અનુકંપા રાખવા એ એમના લોહીમાં હતું.
છેવાડાનો માણસ! આ એક સાપેક્ષ શબ્દ છે. આપણે છેવાડાનો માણસ એને કહીએ છીએ જેની પાસે પૈસાના નામે એક ફૂટી કોડી ન હોય, રહેવા માટે ઘર ન હોય, પહેરવા માટે એક જોડી કપડાં હોય, બદલવા માટે બીજી જોડીનાં સાંસા હોય, સૂવા માટે પાથરણું નહીં અને ઓઢવા માટે ઓઢણું ન હોય....ના, નાથો આ છેલ્લી વાતમાં અપવાદ હતો, એની પાસે એક ધાબળો તો હતો જ. એટલે એને સાવ છેવાડાનો માણસ ન ગણી શકાય.
બધાં ડોક્ટરો એમના ડ્યૂટી રૂમમાં ચા-નાસ્તો કરતાં બેઠા હતા, ત્યાં આ ગરીબ પતિ-પત્ની જઇને ઊભા હતા, ‘શું છે, નાથાભાઇ? ઘરે જાવ છો ને?’ ડૉ. પ્રાંજલે પૂછ્યું.‘હા, સાહેબ! પણ એક કામ માટે આવ્યો છું. તમારી ખૂબ સેવા મેં લીધી. દોઢ મહિના સુધી હોસ્પિટલમાં ખાધું-પીધું, બદલામાં આપવા માટે મારી પાસે એક પૈસો પણ નથી.
સાહેબ, સાવ એમ તો મારાથી કેવી રીતે જવાય? માટે મારો આ ધાબળો તમને આપતો જાઉં છું. સાહેબ, મારા જેવો જ કોઇ ગરીબ દર્દી આવે તો એને આપી દેજો! લ્યો, ત્યારે રામ-રામ!’ નાથાલાલ પત્નીના ખભાનો સહારો લઇને ચાલતા થયા. ડોક્ટરોનો સમૂહ આ દરિદ્ર માણસની અમીરાત જોઇ રહ્યો. હા, હવે નાથાલાલ સાચા અર્થમાં હિંદુસ્તાનના છેક છેવાડાના માણસ બની ગયા હતા.
(સત્ય ઘટના)
Comments
Post a Comment
Thanx For Comment