જિરાફે જોયું કે પોતાના બાર વાગી ગયા છે ને ખેલ ખતમ થવા આવ્યો છે. તે વિચારતું હતું ત્યાં એક ઝૂંપડા પર તેની નજર પડી.
સિંહ તો જંગલનો રાજા. તે જંગલમાં રહેતો હતો. તમે જંગલ જોયું છે. જંગલ એટલે વૃક્ષો-ઝાડીઓથી ભરેલી જગ્યા. ઘણી વખત તો ઝાડી એટલી ગીચ હોય છે કે સૂરજદાદાના કિરણો પણ માંડ માંડ પ્રવેશી શકે.એક સવારે ત્યાં એક જિરાફ આંટા મારતું હતું. અચાનક તેના કાને કોઇનો દોડવાનો અવાજ અથડાયો. ચમકીને તેણે પાછળ જોયું તો એક સિંહ પૂર ઝડપથી પોતાની તરફ આવતો હતો. જિરાફના પેટમાં તો ફાળ જ પડી ગઇ અને હાંજા જ ગગડી ગયા. જિરાફને લાગ્યું કે મોત જ તેના તરફ ઝડપથી દોડતું આવે છે. હવે બચવાનો કોઇ ઉપાય નથી, પણ બચવાનો પ્રયત્ન તો કરવો જોઇએ. તેથી તેણે ખૂબ ઝડપથી દોડવાનું ચાલુ કર્યું.
જીવ ઉગારવાનો આ મરણીયો ઉપાય હતો. જિરાફની તો ડોક લાંબી એટલે એ દૂરથી જ દેખાય. સિંહે જોઇ લીધું કે જિરાફ ઝડપથી દોડે છે ને તે થોડું આગળ પણ છે છતાં તેને પકડી શકાશે. જો પકડાય તો આજના દિવસનો શિકાર મળે, ને મજિબાની ઉડાવાય. એ વિચારથી એ ખુશ હતો.જિરાફે જોયું કે તેને ક્યાંય છટકબારી દેખાતી નહોતી. તે દોડતું જતું હતું ને પાછળ જોતું હતું, સિંહ કેટલો દૂર છે. તેણે જોયું કે પોતાના બાર વાગી ગયા છે ને ખેલ ખતમ થવા આવ્યો છે. કોઇ છુપાવાની જગ્યા મળે તો સારું એમ તે વિચાર કરતું હતું ત્યાં દૂર એક ઝૂંપડા પર તેની નજર પડી.
જિરાફ બધી તાકાત ભેગી કરીને, થોડી આશા હૈયામાં રાખીને તે ઝૂંપડા પાસે ગયું. તેણે જોયું કે ઝૂંપડુ જ આશ્રયસ્થાન રૂપ બનશે. તેથી તેના શરીરમાં જોમ આવ્યું. તેણે ઝૂંપડામાં જોયું તો અંદર કોઇ ન હતું. સિંહ આવીને તેનો કોળિયો કરી ન જાય તે માટે વાંકી ડોક કરીને ઝૂંપડામાં દાખલ થઇ ગયું અને ઝૂંપડાનો દરવાજો બંધ કરીને ધબ દઇને નીચે બેસી પડ્યું. પોતાનો જીવ બચાવવા પૂરજોશથી દોડવાથી તે થાકી ગયું હતું.થોડીવારે સિંહ ત્યાં આવ્યો. સિંહે દૂરથી જોયું કે ડોક નમાવીને જિરાફ ઝૂંપડામાં દાખલ થયું છે.
તે સખત ક્રોધે ભરાયો હતો. તેણે ઝૂંપડાનું બારણું ખખડાવ્યું પણ જિરાફ થોડંુ બારણું ખોલે! સિંહ પણ શિકારની પાછળ દોડતાં સાવ થાકી ગયો હતો. તે પણ ઝૂંપડાની બહાર થાક ઉતારવા બેસી ગયો. હાથમાંથી શિકાર છટકી જાય તે તેને કેમ પરવડે! હવે કઇ રીતે જિરાફને પકડવું તેની પેરવી કરતો સિંહ બેઠો હતો. સિંહ વિચાર કરતો હતો કે જિરાફ અંદર કેટલીવાર બેસશે? ભૂખ લાગશે ત્યારે તો બહાર આવશે ને! સવારના તો બહાર નીકળશે ને! એમ વિચારી સિંહે તો ઝૂંપડાની બહાર પડાવ નાખ્યો. બપોર ને સાંજ થઇ તોયે જિરાફ બહાર ન આવ્યું. રાહ જોતાં જોતાં રાત પડી ગઇ. હવે તો સિંહરાજાને ઘેન ચડવા માંડ્યું. તેણે ઘોરવા માંડ્યું. જિરાફે પણ અંદર ઘોરવા માંડ્યું.
જિરાફને સિંહના નસકોરા સંભળાવા લાગ્યા. તેથી તેણે રાહતનો શ્વાસ લીધો. તેણે વિચાર કર્યો કે સવાર પડે થોડું અજવાળું થાય તે પહેલાં જ ઝૂંપડા બહાર નીકળી છટકી જવું પડશે. જ્યારે સિંહ ઊંઘતો હોય ત્યારે પોતે ધીરેથી નીકળી જાય તો તેને આરામ રહેશે. ઝૂંપડાની નાની જાળીમાંથી તેણે બહાર જોયું.અંધારું હતું. એટલે એ તો ફરીથી ઊંઘવા માંડ્યું. સવારે તેણે આંખ ખોલી. તે જાગી ગયું. તેણે જાળીમાંથી જોયું તો હજુ ઘેરું અંધારું હતું ને ચાંદની રાત હતી તેથી તેને બહાર જવાની તકલીફ નહીં પડે. આમ વિચારી ધીરે રહીને ઝૂંપડાનો દરવાજો ખોલી તે બહાર નીકળ્યું. દબાતે પગલે ઝૂંપડાની બહાર નીકળી ગયું અને ઝૂંપડાના પાછળના ભાગમાં ગયું.
ત્યાંથી દોડવા લાગ્યું. ઝૂંપડા પાછળ એટલા માટે કે સિંહ જાગે તો પણ જિરાફ તેને દેખાય નહીં. થોડું ચાલીને તેણે દોડવાનું શરૂ કર્યું. આ બાજુ સિંહને ફડકો હતો કે હાથમાં આવેલો શિકાર ચાલ્યો જશે તો! એ વિચારથી તે સફાળો જાગી ગયો. તેને થયું ઝૂંપડા પાસે જઇને જોવું પડશે. તરત જ સિંહ તો ઝૂંપડા પાસે ગયો અને દરવાજો ખુલ્લો જોયો. તેણે અંદર ડોકિયું કર્યું ને જોયું તો અંદર કોઇ ન મળે. તેને થયું આ તો ઊંઘમાં વેતરાઇ ગયું. શિકાર તો છટકી ગયો. બધે અંધકાર ફેલાયેલો હતો. ચાંદનીના પ્રકાશમાં તેણે બધી દિશામાં જોયું પણ તેને જિરાફ ક્યાંય ન દેખાયું.
તેથી તે ઝૂંપડા પાછળ ગયું. ત્યાં તેણે બારીકાઇથી જોયું કે જિરાફ દૂર દૂર દોડે છે. હવે સિંહે જિરાફ પાછળ દોટ મૂકી. સિંહના દોડવાનો અવાજ જંગલના શાંત વાતાવરણમાં જિરાફને તરત જ આવી ગયો ને તેણે વધારે ઝડપથી દોડવાનું ચાલુ કર્યું. ધીરે ધીરે અજવાળું વધતું જતું હતું અને જિરાફની ગભરામણ પણ વધતી જતી હતી. મોત ફરીવાર તેની પાછળ આવતું હતું. હવે શું કરવું, તેનો વિચાર તે કરતો હતો. ત્યાં તો અચાનક તેની નજર નદી પર પડી તે તો તરત જ નદીમાં કૂદી પડ્યો.
થોડીવારમાં નદીની પેલે પાર નીકળી ગયું. નદીથી થોડે દૂર એક ટેકરી હતી. તેની પાછળ જઇને દોડવાનો વિચાર જિરાફે કર્યો અને એણે ટેકરીની પાછળ જઇ દોડવાનું ચાલુ કર્યું. તેણે પાછળ જોયું તો સિંહ હજુ નદીથી થોડે દૂર હતો. એટલે જિરાફને નિરાંત હતી.આ બાજુ સિંહ પણ પૂરપાટમાં દોડતો આવતો હતો. જિરાફ બીજીવાર આમ છટકી જશે તે વાત તેની કલ્પના બહારની હતી. સિંહ પણ નદી પાર કરીને ટેકરી પાછળ ગયો. તેણે જોયું કે જિરાફ ઘણું દૂર નીકળી ગયું હતું.
હવે ઘણું અજવાળું થઇ ગયું હતું. સિંહ પણ જિરાફની પાછળ જવાનો વિચાર કરતો હતો, ત્યાં તો એકદમ ઓચિંતુ એક સરસ મજાનું હરણ સામેની બાજુથી સિંહની સામે આવી ગયું. સિંહને જોતાં જ હરણ ઝડપથી દોડવા લાગ્યું. સિંહ હવે જિરાફ પાછળ નહીં પણ હરણ પાછળ દોડવા લાગ્યો. એને એમ કે સહેલાઇથી ભોજન મળી જશે, પણ એને શું ખબર કે હરણ તો પળવારમાં ઝાડીઓમાં ક્યાંય સંતાઈ ગયzુ. આમ, ફરીવાર સિંહે શિકાર વિના ચલાવવું પડ્યું.
જિરાફે દૂરથી જોઈ લીધું હતું કે સિંહને બીજો શિકાર મળી ગયો છે એટલે એના હૈયામાં ટાઢક થઇ. જોકે એણે ધીરે ધીરે દોડવાનું તો ચાલુ રાખ્યું હતું. જેથી તે સલમાત જગ્યાએ પહોંચી શકે. આમ તો તે જંગલની બીજી બાજુ નીકળી ચૂક્યું હતું. આ રીતે પોતાનો જીવ બચી જવાથી તે ઝાડ નીચે થાક ઉતારવા બેસી ગયું. તેણે હાશનો દમ ખેંચ્યો કે આજે તો કમાલ રીતે બચી ગયું. સમયસૂચકતાથી ને હિંમતથી તે બચી ગયું. બાળમિત્રો, પ્રાણીઓ પણ ઘણાં સમજદાર હોય છે. જિરાફે હિંમત ન હારી અને તે દોડવા માંડ્યું. એટલે જ તેનો જીવ બચ્યો. હિંમતે મર્દા તો મદદે ખુદા!
Comments
Post a Comment
Thanx For Comment