રાઘવજી માધડ: મદદના પડીકામાં મલિન ઇરાદો બાંધેલો હોય છે!

પટેલ તો સાવ અધીરા થઇ ગયા છે. કામમાં નજર નાખવા કરતાં ડોલીની પ્રતીક્ષામાં નજર વધારે રાખે છે. ખુરશીમાં કાંટા બિછાવ્યા હોય તેમ સ્થિર જ થતા નથી. વારંવાર ઊંટની જેમ દરવાજામાં ડોક લંબાવે છે.

‘સોરી... આઇ એમ વેરી સોરી ડોલી, તને આઇ લવ યુ કહેવામાં ખૂબ જ મોડો પડ્યો છું!’ આટલું બોલવામાં પટેલ પલળીને પાણી પાણી થઇ ગયા. આ એક પ્રકારનું તેનું ગ્રાન્ડ રિહર્સલ હતું.‘ડોલી! કોઇ કહે તો સંભળાવી દેવાનું: ‘સ્વતંત્ર દેશની પુખ્ત વયની સ્ત્રી છું. કોની સાથે કેવો સંબંધ રાખવો તે મારે નક્કી કરવાનું છે અને પુરુષની ઉંમર નહીં પાત્રતા જોવાની હોય. અણગમતા પાત્રને જીવનભર ગળામાં બાંધીને ફેરવવા કરતાં મનગમતા પાત્ર સાથે ભલેને ગણ્યાં-ગાંઠ્યાં જ વરસો મળે!’ આટલું બોલવાનું પાકું અને નક્કી કરતા પટેલ લગભગ આખી રાત પડખાં ઘસતા રહ્યા હતા. પડખે સૂતેલી પત્ની સામે ભયંકર અણગમો વ્યક્ત કર્યો હતો. 

‘સાલ્લી’ મગરમચ્છની જેમ મોં ફાડીને સૂતી છે, છે કાંઇ રોમાંસ જેવું! આ ડોલી જો... તું દસ વરસમાં કરી ન શકી તે તેણે દસ દિવસમાં કરી બતાવ્યું. મને તન-મનથી જીતી લીધો. સાલ્લી... એક એક બાબતની કાળજી રાખે. કેમ બોલવું, કેવાં કપડાં પહેરવાં... ને છીંક આવે તો પણ ગાંડી ગાંડી થઇ જાય... ને તું, હું મરી જાઉં તો પણ અસર ન થાય ગેંડા જેવી!’

આ પટેલની જીભ જ કુહાડા જેવી. બોલવાનું સાવ રફ. ગમે એવું નહીં પણ ગમે તેવું બોલી નાખે... ઓફિસમાં સૌ તેને રફ એન્ડ ટફ જ કહે. પણ ડોલીના સંસર્ગમાં આવવાથી તેનામાં ઘણું પરિવર્તન આવ્યું છે. કાળિયા સાથે ધોળિયો બાંધવાથી વાન નહીં પણ શાન તો આવે એવું થયું છે. તે ચીપી ચીપીને બોલે છે. સાચા-ખોટા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરે છે. દરરોજ કપડાં બદલાવે છે... 

ટૂંકમાં પટેલ પોતે સ્માર્ટ યંગસ્ટર છે તેવું સાબિત કરવાનો પ્રયત્ન કરે છે. આ વાત માત્ર પટેલને જ લાગુુ પડતી નથી પણ ઓફિસના ઘણા કર્મચારીઓને વત્તા-ઓછા અંશે લાગુ પડે છે. ડોલીના આગમન પછી સાવ શુષ્ક, સંવેદનહીન, કાળમીંઢ પથ્થર જેવી ઓફિસ વાઇબ્રન્ટ બની ગઇ છે. ઓફિસે આવવાનો સમય નક્કી પણ સાંજે જવાનું નક્કી નહીં તેવી લોહચુંબકીય અસર ઊભી થઇ છે. ઓફિસનું કલ્ચર અને કલેવર બદલાઇ ગયું છે.

હવે ઘણાં ક્ષેત્રોમાં મહિલાઓનો પ્રવેશ થઇ ચૂકયો છે. તેણે તેમની દક્ષતા અને સક્ષમતા સાબિત કરી બતાવી છે. આત્મ અને સ્વનિર્ભર હોવું તે સમયની માગ કે જરૂરિયાત છે, પણ કોઇ યુવા-લેડીનું ઓફિસમાં આગમન થાય ત્યારે તેને એક કર્મચારી તરીકે નહીં પરંતુ સ્ત્રી તરીકે જોવામાં આવે છે. ક્યારેક તો તેની અંગત આપદાને અવગણવામાં આવે છે. તો બીજી બાજુ એકલી યુવા સ્ત્રીને જોઇ તેને મદદ કરવા ઉત્સુક ભાઇઓની સંખ્યા નાની નથી હોતી. મદદ કરવી એ માનવધર્મ છે. પણ ક્યાંક મદદના પડીકામાં મલિન ઇરાદો બાંધેલો હોય છે. સામેની વ્યક્તિની મુશ્કેલી હલ થવાના બદલે મુશ્કેલીમાં વધારો થતો હોય છે. ન કહેવાય, ન સહેવાય એવી સ્થિતિ સર્જાતી હોય છે.

ડોલી હજુ ઓફિસમાં આવી નથી. કોઇ કહેતા કે બોલતા નથી પણ નજર ઓફિસના મેઇન ડોર પર જ અફળાય છે. તેમાં પટેલ તો સાવ અધીરા થઇ ગયા છે. કામમાં નજર નાખવા કરતાં ડોલીની પ્રતીક્ષામાં નજર વધારે રાખે છે. ખુરશીમાં કાંટા બિછાવ્યા હોય તેમ સ્થિર જ થતા નથી. વારંવાર ઊંટની જેમ દરવાજામાં ડોક લંબાવે છે.

આમ તો ડાયરેક્ટર પણ ઓછી માયા નથી. ડોલીને પોતાના પાસે બેસાડી રાખવામાં પાવરધા છે. કોઇ સ્ટાફ પૂછે નહીં તો પણ સામેથી કહે છે: ‘ડોલીની કમ્પ્યૂટરમાં માસ્ટરી છે, કમ્યુનિકેશનમાં પાવરફુલ છે અને હેલ્પફુલ થાય છે...! કોઇ વ્યંગમાં કહે છે, બોસ ડોલીને ફેરવે છે કે પછી ડોલી બોસને ફેરવે છે!’ વતન કે પરિવાર છોડીને અજાણી ઓફિસ કે અન્ય શહેરમાં જોબ અર્થે આવનાર યુવા યુવતીની મૂંઝવણ પાર વગરની હોય છે. જોબ કરવી તે શોખ કરતાં જરૂરિયાત હોય ત્યારે ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે, ક્યાંક સહન કરવું પડે છે. મુસીબતના સમયે મદદ કરનાર વ્યક્તિ સારી અને વહાલી લાગતી હોય છે. 

હૃદયમાં આદરભર્યું સ્થાન બનતું હોય છે, પણ એકલી સ્ત્રીને વધારે પડતી મદદ કરવાનો પ્રયાસ બંને પક્ષે સલામત હોતો નથી. લપસણી કેડી પર સંભાળીને પગ મૂકવો પડે. 

બાર થવા આવ્યા છતાંય ડોલી ન આવી તે સૌના માટે ચિંતાનો વિષય હતો. પટેલે એક-બે વાર મોબાઇલમાં પણ જોઇ લીધું. ક્યારેક મોડું થતું તો ડોલી મિસ્ડકોલ કરતી. પછી પોતે ગાડી લઇને લઇ આવતા. તેમાં તે ગૌરવ અનુભવતા, પણ ડોલીનો કોલ નહોતો. પટેલની ચિંતામાં ઓર વધારો થયો. પોતાને શું કરવું જોઇએ... જેથી ડોલીને સારું લાગે, ઉપયોગી થવાય તેની સઘન વિચારણા કરવા લાગ્યા.

ડોલી આવે ત્યારે સીધી જ પટેલની પાસે બેસે. સ્માઇલ આપે પછી લળી લળીને વાતો કરે. પટેલ ફૂલ્યા ન સમાય. બધાની સામે ગર્વભેર જુએ અને મનમાં બોલે પણ ખરા: ‘ડોલી મારી જ છે અને હવે મારી જ રહેવાની છે!’ એક વખત સેવકરામે કહ્યું હતું: ‘પટેલ સાહેબ! આ સ્ત્રી મને કંઇક વિચિત્ર લાગે છે. તમારી ગેરહાજરીમાં બધા સાથે આમ હસી હસીને વાતો કરે છે!’ પટેલને ગમ્યું નહોતું. તેણે સેવકરામને ધુત્કારી કાઢ્યો હતો. ત્યારે સેવકરામે કહી દીધું હતું: ‘સાહેબ! વાણિયાથી ઊજળા હોય ઇ કોઢિયા કહેવાય. 

અમારાથી કંઇ અજાણ્યું નથી.’ આજકાલ યુવા સ્ત્રી અને આધેડ પુરુષો વચ્ચેનો સર્વે ચોંકાવનારો છે. સ્ત્રી હંમેશાં સલામતી ઇચ્છતી હોય છે અને પુરુષ અનુભવના આધારે નવા સંબંધોને ઉછેરતો હોય છે. તેનું પરિણામ બંને પક્ષે નુકસાનકારક જ નીવડે છે. ઇન્ટરકોમમાં ડાયરેક્ટરે કહ્યું: ‘પટેલ તપાસ તો કરો, ડોલી હજુ કેમ નથી આવી!?’ પટેલનો ગુસ્સો આસમાને પહોંચી ગયો. તે બબડ્યા: ‘સાલ્લા ખડૂસ... તને કેમ આટલી ચિંતા થાય છે? તારે છે કાંઇ સંબંધ!??’ પછી મનને શાંત કરી, ડોલી સામે પોતે જે એકરાર કરવાના છે, પ્રપોઝ કરવાના છે તે સ્ક્રિપ્ટને ફરી એક વખત ગોખી લીધી.

‘સર...! મેં મોબાઇલ કર્યો પણ સ્વિચ ઓફ આવે છે.’ બોસને આમ કહ્યું તો પ્રત્યુત્તર મળ્યો કે તેના ઘરે ગાડી મોકલો... પટેલ તો રાજીના રેડ થઇ ગયા. વુમન હોસ્ટેલ પર બેસવાના બદલે કોઇ સારી હોટલમાં બેસીને પ્રેમનો પ્રસ્તાવ મૂકવો! પટેલ કંઇ પગલું ભરે તે પહેલાં જ સેવકરામે બૂમ પાડી. પટેલ, ડાયરેક્ટર સામે હાજર થયા. ડાયરેક્ટરનું અકળ મૌન પટેલને અકળાવનારું લાગ્યું. એક ક્ષણે તો થયું કે ડોલી સાથેના લાગણીભીના સંબંધની સ્પષ્ટતા કરી લઉં, અમે હવે આમ સાથે રહેવાનું નક્કી કરી લઇએ છીએ!

‘મિસ્ટર પટેલ...!’ ડાયરેક્ટર હૃદય માથે પથ્થર મૂકીને બોલ્યા: ‘ડોલી હવે ક્યારેય નહીં આવે...’ ‘કેમ...!??’ પટેલ એકદમ ઊછળી પડ્યા. તેને વાત પર વિશ્વાસ બેસતો નહોતો.‘ઓફિસમાં લેડીઝ કર્મચારી પ્રત્યેના જેન્ટ્સના મનોવલણનો અભ્યાસ કરવા આવી હતી, નોકરી કરવા નહીં...!’ પટેલના પગતળે બોમ્બ બ્લાસ્ટ થયો હોય એવું લાગ્યું..

Comments