અપકાર સામે ઉપકાર



મારી કલ્પના
થા નપુર નામનું એક સુંદર ગામ હતું. આ ગામમાં ઘણી બધી શાળાઓ હતી. તેમાંથી એક શાળાનું નામ હતું સરસ્વતી પ્રાથમિક શાળા. આ શાળામાં ગામના ઘણાં બધાં બાળકો ભણવા આવતાં. એ ગામમાં એક નવું કુટુંબ રહેવા આવ્યું. તે કટુંબના વિવેક નામના છોકરાએ શાળામાં એડમિશન મેળવ્યું હતું. વિવેકને પગમાં ખોડ હતી.
વિવેકે સાતમા ધોરણમાં પ્રવેશ મેળવ્યો હતો. વિવેક ખૂબ જ દયાળુ,શાંત અને હોશિયાર વિદ્યાર્થી હતો. તે જ ધોરણમાં જય નામનો વિદ્યાર્થી પણ હતો. જય ખૂબ જ તોફાની અને ઠોઠ હતો. વિવેકને પગે ખોડ હોવાથી તે ચાલવામાં સહેજ લંગડાતો હતો. વિવેકની આ ખોડને લીધે જય વિવેકને ખૂબ જ ચિડાવતો. બીજા મિત્રો સાથે મળીને તેની મજાક ઉડાવતો, શાળા છૂટે ત્યારે તે વિવેકને મારતો અથવા તો ધક્કો મારી પાડી દેતો. પરંતુ વિવેક શાંત રહેતો. તેણે ક્યારેય શિક્ષકને પણ જયની ફરિયાદ કરી નહોતી. વિવેકે બધું જ સહન કરી લેતો.
એક દિવસની વાત છે. શાળા છૂટી ત્યારે જય દરરોજની જેમ મસ્તી કરતો હતો. ત્યાં જ તેને દોડતાં દોડતાં ઠોકર વાગી અને તેના પગમાં વાગ્યું. તેને ખૂબ જ લોહી નીકળ્યું. વિવેકે આ જોયું અને તે તરત જ જય પાસે આવ્યો અને તેને પગમાં જ્યાં વાગ્યું હતું ત્યાં વિવેકે પોતાનો રૃમાલ બાંધ્યો ને તેને તરત જ દવાખાને લઈ ગયો. દવાખાને વિવેકે પોતાના પૈસે પાટો બંધાવી જયને તેના ઘરે લઈ ગયો. પછી જય થોડા દિવસ સુધી શાળાએ ન આવ્યો.
પાંચ-છ દિવસ પછી જય શાળાએ આવ્યો ત્યારે વિવેકનો ખૂબ જ આભાર માન્યો અને તેની માફી માંગી. વિવેકે તેને માફ કરી દીધો. પછી જય અને વિવેક દોસ્ત બની ગયા અને વિવેક અને જય સાથે રમતા, સાથે ભણતા અને સાથે રહેતા. વિવેક સાથે રહીને જય હવે હોશિયાર પણ બની ગયો.
બોધઃ ક્યારેય અન્યમાં રહેલી ખામીની મજાક ન ઉડાવવી જોઈએ, કારણ કે જીવનમાં દરેક વ્યક્તિની જરૃર પડે જ છે.

Comments