રિયા! તારી અને તારા પરિવારની તમામ વિગતો જાણી ચૂક્યો છું, મારું મોં ન ખૂલે તે માટે હવે તારે વિચારવાનું છે.
સાચી વાત સમજાયા પછી રિયા ટેન્શનમાં આવી ગઇ હતી. હૈયાની મહામૂલી મૂડી લૂંટાયા પછી જે ખાલીપો કે શૂન્યાવકાશ સર્જાય અથવા તો છુપો ડર લાગે તેવી સ્થિતિ તેની થઇ હતી. આ વાત અહીંથી અટકી જતી નહોતી પણ ખરી રીતે તો શરૂ થતી હતી. તેનું પરિણામ શું આવશે... કેવી પરિસ્થિતિ સર્જાશે. તે કલ્પનામાત્રથી રિયા ધ્રૂજી જતી હતી. પોતાની તથા પરિવારની તદ્દન ખાનગી કે અંગત કહી શકાય તેવી તમામ વિગતો મિનેષ જાણી ગયો હતો એમ કહેવા કરતાં તેણે સરળતાથી બધી વાતો સેરવી લીધી હતી એમ કહેવું વધારે વાજબી હતું.
તેની પ્રતિક્રિયારૂપે નકારાત્મક અને નુકસાનકારક પરિણામો આવવા શરૂ થાય તેવી નાજુક સ્થિતિ હતી. એક યુવાન છોકરી માટે તો અફવા પણ આફત જેવી લાગે. અહીં તો કલોઝ ફ્રેન્ડ મિનેષ બ્લેકમેઇલ કરવા તરફ જઇ રહ્યો હતો. રિયા અને મિનેષ કોલેજમાં સાથે અભ્યાસ કરે છે તેથી બંને વચ્ચે ફ્રેન્ડશિપ થઇ હતી. બંને એકદમ નજીક આવી ગયાં હતાં. મનની વાતોના મહેલ ચણવા લાગ્યાં હતાં પણ મીંદડીના પેટમાં ખીર ટકે તો સ્ત્રીના પેટમાં વાત રહે! આ કહેવત રિયાને બરાબર લાગુ પડતી હતી.
આમ પણ પ્રિયજન પાસે હૈયાનો ઊભરો કે ઉમળકો ઠાલવવાનો થાય ત્યારે કોઇ જાતની કંજૂસાઇ કામ આવતી નથી. ન કહેવું હોય છતાંય કહેવાઇ જાય. અને અંતરના ઊંડાણમાં પડેલી મુલાયમ વાતો પ્રિયજન સિવાય બીજે કહેવાની પણ ક્યાં? મૂડી મૂકવાનાં લોકર છે પણ મહામૂલી હૈયાની જણસને મૂકવાનાં લોકર હજુ શોધાયાં નથી. મિનેષે રિયા પાસેથી તેની અંગત વાતો સલુકાઇથી જાણી લીધી હતી.
મિનેષનું કોલેજમાં એક ગ્રૂપ છે. તેના મિત્રો કોલેજ કન્યાઓને બહુ આસાનીથી ઇમ્પ્રેસ કરી પોતાના ગ્રૂપમાં સામેલ કરી લે છે. કોઇ છોકરી સરળતાથી માને કે સમજે નહીં તો તેની સામે જાતભાતની તરકીબો અજમાવે. એક વખત રિયાના સ્કૂટરમાં પંકચર પડી ગયું હતું કે પછી હવા કાઢી નાખવામાં આવી હતી તે નક્કી કરવું મુશ્કેલ હતું, પણ રિયા હજુ તો સ્કૂટર સ્ટાર્ટ કરે તે પહેલાં જ દૂરથી મિનેષે કહ્યું હતું. ‘હવા નીકળી ગઇ છે મેડમ!’ ટોળકીની ટીખળ કરવાની આદતે ઘડીભર રિયાએ સાચું માન્યું નહોતું, પણ પાછળના વ્હીલ સાથે રિયાનું હૃદય પણ બેસી ગયું હતું.
ઢસડીને લઇ જવા સિવાયનો કોઇ વિકલ્પ નહોતો. કોલેજ કેમ્પસમાં આમ સ્કૂટર ઢસડવું સારું ન લાગે. વળી, સમયસર ઘેર પહોંચવાનું હતું. આમ કારણ વગરની મુશ્કેલી સર્જાઇ હતી, પણ ત્યાં તો મિનેષ જાણે રાહ જોઇને જ બેઠો હોય તેમ એકદમ પ્રગટી આવ્યો હતો અને ના પાડવાની તક આપ્યા પહેલાં જ તે સ્કૂટરને ઢસડીને ચાલવા લાગ્યો હતો. આમ બને તેમાં કંઇ નવું નહોતું. એકબીજાને મદદરૂપ થવું જોઇએ.
મદદ કરવી તે માનવનો ધર્મ છે પણ હવા ભરાવીને પાછો ફર્યો ત્યારે રિયા કંઇ કહે તે પહેલાં જ ચોક્કસ સ્ટાઇલથી બોલ્યો હતો: ‘નો થેન્કસ...’ પછી પાસે આવી સાવ ધીમેથી બોલ્યો હતો: ‘હવે પછી મારી સામે પણ ન જોશો, નાહકના કેમ્પસમાં બદનામ થશો!’ રિયા તેની આ આગવી અદાને એકીટસે જોઇ રહી હતી. હૃદય થડકારો ચૂકી ગયું હતું. ઊંડે ઊંડે પણ આફરીન થઇ જવાયું. મિનેષના મિત્રોની આવી મદદગારી સરાહનીય અને સાર્વજનિક હતી.
છતાં તેણે જે રીતે કહ્યું તે રિયાના દિલમાં ચોંટી ગયું હતું. ‘મારી સામે જોશો નહીં...’ તેથી વારંવાર જોવાઇ જતું હતું. ઇમ્પ્રેસ કરવાની પણ આ એક તરકીબ હતી. રિયાને આમ તો મિનેષ વિશે ખબર હતી પણ મન ઝાલ્યું રહ્યું નહોતું. છતાંય રમત કરવાની તૈયારી સાથે જ શરૂઆત કરી હતી, પણ આવા સંબંધો ખૂબ લપસણા હોય છે. પગ મૂક્યા પછી અંદર ક્યારે ઊતરી જવાય તેનો ખ્યાલ રહેતો નથી. પછી કળણ જેવું થાય છે, તમે બહાર નીકળવાનો પ્રયત્ન કરો અને વધારે ને વધારે ઊંડા ઊતરતું જવાય અને તેમાંથી નીકળવું લગભગ અશક્ય બની જાય.
પ્રથમ સ્માઇલ આપ્યા પછી બંને વચ્ચે સંવાદ શરૂ થયો હતો. નજીવા સમયમાં સાવ નજીક આવી ગયાં હતાં. મન મળી ગયાં પછી રિયાએ કહ્યું: ‘તદ્દન ખાનગી વાત છે અને તને જ કહું છું.’ આમ કહીને તેણે અંગત વાત કહી દીધી હતી. બને એવું કે ક્યારેક ખાનગી વાત આમ જાહેર થઇ જતી હોય છે અને જાહેર થવી જોઇએ તેવી વાત સાવ ખાનગી રહી જતી હોય છે. વળી ઘણા લોકોને આમ બોલવાની ટેવ હોય છે.
મિનેષે એકવાર સમય પારખીને પોતાનું પોત પ્રકાશતાં કહ્યું હતું: ‘રિયા! તારી અને તારા પરિવારની તમામ વિગતો જાણી ચૂક્યો છું, મારું મોં ન ખૂલે તે માટે હવે તારે વિચારવાનું છે.’ આવું સાંભળીને રિયા સમસમી ગઇ હતી, ભારે આઘાત લાગ્યો હતો. તેને મિનેષની ઓકાતનો અને અસલિયતનો ખ્યાલ તો હતો જ પણ આ કક્ષાએ જશે તેવો અંદાજ ન હતો. આવી રીતે બ્લેકમેઇલ કરવાની રીતો બહુ જૂની અને જાણીતી છે.
તે હજુ નવાં-નવાં રૂપે જીવે છે. સ્માર્ટ વ્યક્તિઓ પણ ફસાઇ કે છેતરાઇ જતી હોય છે. રિયા આમ તો સમજદાર યુવતી છે. આવી સંવેદનશીલ બાબતમાં વ્યાકુળ થવાથી પરિણામ વપિરીત આવે તે જાણે છે. છતાંય સહેવાયું નહીં એટલે એક બહેનપણીને હકીકત કહી તો તેણે સામે સવાલ કર્યો, તારી કઇ નબળી વાત એ જાહેર કરવાની ધમકી આપે છે? રિયા ફરી એક વખત ક્ષુબ્ધ થઇ ગઇ. હવે શું કરવું...? મોટી મૂંઝવણ થઇ પડી.
રાતે ઊંઘમાં પણ બિહામણાં અને ડરામણાં સ્વપ્નાં સતાવવા લાગ્યાં. એક વખત રિયાને આમ પથારીમાંથી એકદમ ઊભી થઇ જતી જોઇ તેનાં મમ્મીએ શાંતિથી પૂછ્યું એટલે આખી વાત કહી દીધી. પછી રિયા હળવીફૂલ થઇ ગઇ. મનની આવી મૂંઝવણને યોગ્ય ઠેકાણે રજૂ કરી દેવાથી ભલે તેનું નિરાકરણ ન આવે પણ ભાર હળવો થઇ જ જાય. તેનાં મમ્મીએ વિચારીને કહ્યું: ‘બેટા! ચિંતા ન કરીશ મને પાઠ ભણાવતાં બરાબર આવડે છે.’
ઘણી યુવતીઓ આમ પીડિત હતી પણ આબરૂના લીધે કોઇને કહી શકતી નહોતી. તેને બરાબરનો લાગ મળી ગયો હતો તેથી કોઇ કસર છોડી નહીં. એક ગ્રૂપે એસએમએસ કરી કરીને મિનેષને ત્રસ્ત અને વ્યસ્ત કરી દીધો. છેવટે મોબાઇલ સ્વિચઓફ કરી દેવો પડ્યો. વળી, તે કેમ્પસમાં આવે તો બે-ચાર છોકરીઓ એક્સાથે સ્માઇલ આપે પછી પારોઠ ફરીને ખી...ખી... હસે! મિનેષને તો ભોં ભારે થવા લાગી.
કહેવાતી આબરૂનાં ચિંથરાં ઊડી ગયાં. દબદબો વિખેરાઇ ગયો. ત્યાં રિયાની મમ્મીએ મોબાઇલ પર સંભળાવી દીધું ‘તું શું કહેવાનો હતો રિયા વિશે... હું જ તારા મમ્મીને તારું આ તરકટ કહી દેવાની છું!’ બીજા દિવસે જ રિયાના મોબાઇલમાં એસએમએસ આવ્યો: ‘આઇ એમ વેરી સોરી રિયા...’ પછી લખ્યું હતું: ‘પણ આપણે નવેસરથી ન મળી શકીએ!’ રિયાના હોઠે આવી ગયું: ‘હવે કઇ નવી તરકીબ અજમાવવાની છે?’
Comments
Post a Comment
Thanx For Comment