ડો. શરદ ઠાકર: ભીનાશનો સગો ભાઈ, આ મળવા જેવો માણસ છે



 
‘મહિનાના અંતે કંઇ ન કરું, પણ વરસના અંતે એની ખબર લઇ નાખું. કોઇ દરદી ગરીબ હોય, એને પૈસાની તકલીફ હોય, ત્યારે એ પોતાનું માસિક બિલ ન પણ ચૂકવી શકે, પણ મેં નિયમ રાખ્યો છે કે આવા કિસ્સામાં બાર મહિના સુધી કંઇ ન બોલવું. પણ એક વાર કેલેન્ડરમાં વરસ બદલાય એ પછી હું પણ બદલાઇ જાઉં.’

એમનું નામ ડો. અરિદમન ડોડિયા. જ્ઞાતિ કારડિયા રાજપૂત. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનું એક નાનકડું ગામ એ એમનું જન્મસ્થાન. આ ડોક્ટરને જો હું ક્યારેય મળ્યો જ ન હોત, તો મારું અનુભવજગત અધૂરું રહી ગયું હોત. જિંદગીમાં એક કરતાં વધારે વાર એકથી વધારે કારડિયા રાજપૂતોને મળવાનું સદ્ભાગ્ય મને મળ્યું છે. કેટલીક બાબતો એ બધામાં મને સામાન્ય જણાઇ છે. સામાન્ય એટલે ઓર્ડિનરી નહીં, પણ કોમન.ગણિતમાં આપણે લઘુતમ સાધારણ અવયવ કહીએ છીએ તેવી.

તમામ કદાચ આવા ન પણ હોય, પરંતુ મેં જોયા છે એ બધા જ પુરુષો પાતળિયા એકવડિયા બાંધાના, સાગના સોટા જેવા ટટ્ટાર, પણ અભિમાની લાગે તેવા અક્કડ નહીં. ચામડીનો રંગ ન ગોરો, ન કાળો પણ તાંબાવરણો. હોઠ પર મળતાવડાપણાનું આછું આછું સ્મિત ઝલક્યા કરે, પણ બોલવામાં મીંઢા લાગે એટલી હદે મિતભાષી, સખત પરિશ્રમી. ચોવીસ કલાકમાંથી પચીસ કલાક કામ કરે તેવા. કપડાંમાં સાવ સાદા. વસ્ત્રોની શોધ માત્ર શરીર ઢાંકવા પૂરતી જ થઇ છે તેવું માનવાવાળા. એક પણ કારડિયાને મેં ‘ફેશન’ પહેરતો જોયો નથી.

ઘણી વાર તો હું એ મિત્રોને જ પૂછી બેઠો છું, ‘તમે રાજપૂત જેવા જરાય દેખાતા નથી. ‘કાં હું મરું, કાં તને મારું’ એ મુદ્રાલેખ તમે વિસારી દીધો લાગે છે. જો તમે કરડા ન હો, તો પછી કારડિયા શેના?’આ પ્રશ્નનો જવાબ દેવા માટે જ જાણે ભગવાને મને ડો. અરિદમન ડોડિયાનો પરિચય દીધો! ડો. ડોડિયામાં પણ મેં ઉપર વર્ણવ્યા તે તમામ સદ્ગુણો મોજૂદ હતા. સાગનો સોટો, મૂછનો પાતળો લિસોટી, કાળી ભ્રમર, પાતળી કમર, ભલાઇ નીતરતા હોઠ અને આંખોમાં ઘૂઘવતાં બે ભોળાં કપોત.

માત્ર એમ.બી.બી.એસ. જેટલું ભણીને એમણે મેડિકલ કોલેજ છોડી દીધી. એક નાનકડા શહેરમાં જનરલ પ્રેક્ટિસ ચાલુ કરી દીધી. મહિનામાં જ એમની નામના જામી ગઇ. હું કદીક નવરો પડું ત્યારે સાંજના સમયે એમના ક્લિનિકમાં જઇને બેસતો ત્યારે હું પણ એમ.બી.બી.એસ. પૂરું કરીને ઇન્ટર્નશિપ કરતો હતો.‘ડોડિયાસાહેબ,’ એક સાંજે મેં અર્થનીતિને લગતો પ્રશ્ન પૂછી નાખ્યો, ‘હું ઘણા સમયથી એક વાત નોંધતો રહ્યો છું, તમારી પાસે દર્દીઓ તો ઘણા આવે છે, પણ ફી કોઇ જ આપતું નથી. આવું કેમ?’એ હસ્યા.

જેવું કારડિયો રાજપૂત હસે તેવું નિર્દોષ હાસ્ય રેલાવીને એ બોલ્યા, ‘આમાંથી એક પણ દરદી મફતિયો નથી. બધાની ચોપડી ચાલે છે. આ બધા ઉધારચંદો છે, પણ મહિનાને અંતે દરેક દરદી પોતાનો હિસાબ ચૂકતે કરી જાય છે.’‘એનો અર્થ એવો થયો કે તમારે દર મહિનાની પહેલી તારીખે પૈસા આવે તેની રાહ જોવાની. આ તો સરકારી નોકરી જેવું જ થયું ને?’‘એક રીતે કહું તો હા, પણ બીજી રીતે કહું તો ના.

સરકારી નોકરીમાં દર મહિને એક સરખો બાંધેલો જ પગાર મળે. એમાં આવકના વિકાસની ખાસ શક્યતા ન રહે. આમાં તો છેલ્લા છ મહિનાથી દર મહિને મારી આવક વધતી રહી છે.’ ડો. ડોડિયા નિખાલસ હાસ્ય વેરીને બોલ્યા.‘ધારો કે કોઇની ઉઘરાણી મહિનાના અંતે ન આવી, તો તમે શું કરો?’

‘મહિનાના અંતે કંઇ ન કરું, પણ વરસના અંતે એની ખબર લઇ નાખું. આપણો વ્યવસાય જગતનો સૌથી ઉમદા વ્યવસાય ગણાય છે. એટલે તો એને ધંધો નથી કહેતા, પણ વ્યવસાય કહે છે. કોઇ દરદી ગરીબ હોય, એને પૈસાની તકલીફ હોય, અણધાર્યા ખર્ચા આવી પડે, ત્યારે એ પોતાનું સારવારનું માસિક બિલ ન પણ ચૂકવી શકે, પણ મેં નિયમ રાખ્યો છે કે આવા કિસ્સામાં બાર મહિના સુધી કંઇ ન બોલવું. પણ એક વાર કેલેન્ડરમાં વરસ બદલાય એ પછી હું પણ બદલાઇ જાઉં.

દયા, માયા, કરુણા, ક્ષમાવૃત્તિ જેવા તમામ સદ્ગુણોને દુનિયાદારીના ખારા દરિયામાં ફેંકી દઇને પૂરેપૂરો વેપારી બની જાઉં. ઉઘરાણી કરું, તે પણ પઠાણી!’‘દરદી ફીના રૂપિયા ચૂકવી આપે?’‘એક જ વારમાં.’ ડો. ડોડિયા હસ્યા, ‘એ વખતે મારા હાથમાં સ્ટેથોસ્કોપ ન હોય, લાકડી હોય. જો સામેવાળો દોંગાઇ કરે તો એનું માથું ભાંગી નાખું.’ડો. ડોડિયાની આ કાર્યપદ્ધતિ ઘણાને અમાનવીય લાગશે એ હું જાણું છું. મને પણ લાગી હતી, પણ એમની સાથે થોડોક સમય રહ્યા પછી હું ધીમે ધીમે એમની વાતને સમજતો ગયો.

સામાન્ય રીતે દરેક ધંધામાં ઘાલખાધ હોય જ છે. લાખ રૂપિયાનો માલ ઉધારીમાં વેચ્યો હોય, તો વીસ-પચીસ હજાર રૂપિયા ડૂબે પણ ખરા. આવી ઘાલખાધને ગણતરીમાં રાખીને જ સૌ વેપાર કરતા હોય છે. ડોક્ટરો પણ વીસથી પચીસ ટકા જેટલી ઉઘરાણી ડૂબવાની છે એવું સમજીને જ ચાલતા હોય છે. જો વધારે પડતાં કડક થવા જાય તો દરદીઓ હાથમાંથી સરકી જાય. ડોક્ટરો આવી ઘાલખાધને પછી ‘ગરીબો પ્રત્યેની હમદર્દી’ અને ‘ઉમદા વ્યવસાયમાં રહેલી ક્ષમાવૃત્તિ’ જેવા રૂપાળા વરખ ચોંટાડીને તમાચો મારીને ગાલ લાલ રાખી દેતા હોય છે.

ડો. ડોડિયા આ વિશે અન્ય ડોક્ટરોથી અલગ પડતા હતા. એમનું માનવું હતું કે ‘ઘોડા અગર ઘાસ સે દોસ્તી કરેગા, તો ખાયેગા ક્યા?’મારી એક તીવ્ર સુષુપ્ત ઇચ્છા એવી હતી કે મારે ઉઘરાણીકાર ડો. ડોડિયાનું ઉગ્ર સ્વરૂપ એક વાર જોવું છે. બહુ ઝડપથી મને આવો મોકો મળી ગયો.‘ચંદુ, વરસ પૂરું થવા આવ્યું. હિસાબનો ચોપડો લાવ!’ ડિસેમ્બર માસનું પહેલું અઠવાડિયું ચાલતું હતું, ત્યારે ડોડિયાસાહેબે એમના કમ્પાઉન્ડરને આદેશ આપ્યો. ડો. ડોડિયાનું વર્ષ ‘કેલેન્ડર વર્ષ’ મુજબ ચાલતું હતું, જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી. એ દેશી વર્ષ કે એકત્રીસ માર્ચને અનુસરતા ન હતા. લગભગ આખો ડિસેમ્બર તેઓ ઉઘરાણીની વસૂલાતમાં વિતાવી દેતા હતા.

ચંદુએ ચોપડો ધરી દીધો. દસ દિવસમાં ડોક્ટર અને કમ્પાઉન્ડર ફરી વળ્યા. એંશી ટકા ઉઘરાણી જમા થઇ ગઇ. હવે માત્ર પાંત્રીસ ખાતાં બાકી રહ્યાં હતાં. ચૌદમી તારીખ સુધીમાં પચીસ ખાતાં સરભર થઇ ગયા. હવે જ દસ બાકી રહ્યાં તે બધાં અઘરાં કામ હતાં.

હું ત્રીસમી ડિસેમ્બરે એમના ક્લિનિકમાં ગયો, ત્યારે ડોડિયાસાહેબ ખુશ જણાતા હતા. મેં કારણ પૂછ્યું. એમણે જવાબ આપ્યો, ‘લગભગ સો ટકા જેટલી ઉધારી જમા થઇ ગઇ. ક્યાંક બે વાર જવું પડ્યું, ક્યાંક લાલ આંખ કરવી પડી. પણ અંતે બધું...’ત્યાં ચંદુ બોલી પડ્યો, ‘બધું નહીં સાહેબ, હજુ એક ઉધારીની વસૂલાત બાકી રહી ગઇ છે. મફા કાનજીના સાતસો રૂપિયા આવવાના હજુ બાકી છે.’

ડો. ડોડિયાની આંખ ફાટી, ‘ત્યારે તું શું કરે છે?’‘હું શું કરું? ત્રણ ત્રણ વાર જઇ આવ્યો. મફાકાકા વાયદા કર્યે જાય છે. છેલ્લો વાયદો ઉત્તરાયણનો કર્યો છે.’ ચંદુની વાત સાંભળીને ડો. ડોડિયા આગનો ભડકો બની ગયા. હજુ બીજા પંદર દિવસ?! એનો અર્થ એ થયો કે જિંદગીમાં પહેલી વાર કોઇ દરદીની ઉધારી આવતા વર્ષ પર ઠેલાતી હતી! આ તે કેમ ચાલે?‘આવવું છે મારી સાથે?’ ડો. ડોડિયાએ મને પૂછ્યું.

એમની બોડી લેંગ્વેજમાં રણભૂમિ તરફ પ્રયાણ કરતાં યોદ્ધા જેવું ઝનૂન જોઇ શકાતું હતું. એમની ગાડીમાં બેસીને અમે શહેરની એક શ્રમજીવીઓની ચાલીમાં જઇ પહોંચ્યા. ગાડી બહાર ‘પાર્ક’ કરવી પડી. મફા કાનજીનું ઝૂંપડું શોધવામાં તકલીફ ન પડી. અમને જોઇને હાડપિંજર જેવા મફાકાકા ખાટલામાં ગોટો વળીને પડ્યા હતા, તે ઊભા થઇ ગયા. ડોક્ટરને જોઇને થરથર ધ્રૂજવા માંડ્યા.

‘મફાકાકા! કેમ હમણાંથી દેખાતા નથી?’ ડોક્ટરે શરૂ કર્યું.‘સાહેબ, શું મોઢું લઇને આવું તમારી પાસે? ઘરમાં પૈસાનો વેંત નથી અને જુવાન દીકરીનાં લગ્ન લઇને બેઠો છું. વાસી ઉત્તરાયણ પછીનું મુહૂર્ત આવે છે, પણ જાનને જમાડવાનાયે પૈસા નથી.’‘તે એમાં આમ રડવા શું બેઠા? હું મરી ગયો છું? સાંજે દવાખાને આવીને... ના, તમારે ધક્કો ખાવાની જરૂર નથી. ચંદુ આવીને વીસ હજાર આપી જશે. ચિંતા ન કરતા.

આ ઉછીના નથી આપતો. આ તો...’ પછી ડો. ડોડિયાએ આંખો લૂછતાં ઉમેર્યું, ‘આ તો કન્યાદાનના આપું છું એમ માનજો. ભગવાને મને દીકરી નથી આપી... તો...’ હું જોઇ રહ્યો. જિંદગીમાં ક્યારેય કારડિયાને મેં રડતો જોયો ન હતો. એ દિવસે પહેલી વાર જોયો. ગમ્યું. માટે જ કહું છું કે જો ડો. ડોડિયાને ન મળ્યો હોત તો મારું અનુભવવિશ્વ અપૂર્ણ રહી ગયું હોત!

(શીર્ષક પંક્તિ: બરબાદ અમદાવાદી)

Comments