સંબંધોની આરપાર - મીતવા ચતુર્વેદી
હરીશભાઈને આમેય સ્મિતાનું આકર્ષણ તો હતું જ અને આજે તો સારી એવી તક પણ સાંપડી હતી. બપોરના શાંત વાતાવરણમાં તેમની લાલસા જાણે ભડકી ઊઠી. બિલ્લીપગે તે રસોડામાં પહોંચ્યા અને એકીટસે સ્મિતાનાં નાજુક અંગોનેજોવા લાગ્યા
સ્મિતાના પરિવારમાં સ્કૂલમાં ભણતાં બે નાના ભાઈ-બહેન અને ઘરડી મા હતાં. પિતાજીનું અવસાન કાર એક્સિડન્ટમાં થયા બાદ ઘરની આર્થિક સ્થિતિ સતત વણસતી ગઈ. મોટી હોવાથી ઘરની જવાબદારી ઉઠાવવા તથા કથળી ગયેલી આર્થિક સ્થિતિને કારણે સ્મિતા સવારની કોલેજ પછી બપોરના સમયે સેલ્સગર્લ તરીકેનું કામ કરવા લાગી.
૨૩ વર્ષની સ્મિતાનું વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક હતું. ઊંચું કદ અને પુષ્ટ શરીર. તામ્રવર્ણ હોય તેવી ચમકદાર ત્વચા. લંબગોળ ભરાવદાર ચહેરો, ઘાટી ભ્રમર નીચે સુંદર અણિયાળી આંખો અને ગુલાબી હોઠ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યાં હતાં.
સ્મિતાના સેલ્સનો વિસ્તાર નક્કી જ હતો. દરેક સોસાયટી અથવા એપાર્ટમેન્ટમાં અઠવાડિયામાં એક વાર આવવાનું થતું, તેથી તે વિસ્તારની મોટા ભાગની સોસાયટીઓના લોકો અને સ્મિતા એકબીજાને ચહેરાથી ઓળખતા. કેટલાક લોકો વસ્તુ ખરીદતા તો કેટલાક લોકો જાકારો આપતા, પરંતુ ચૈતન્ય સોસાયટીમાં રહેતા એક આધેડ વયના હરીશભાઈ સ્મિતાના કાયમી ગ્રાહક. તે દર વખતે સ્મિતા પાસેથી કંઈકને કંઈક વસ્તુ ખરીદતા. હરીશભાઈને પરિવારમાં કોઈ ન હતું. પત્ની લગ્નનાં ત્રણ વર્ષ પછી કેન્સર થવાને કારણે મૃત્યુ પામી હતી અને ઘરડાં મા-બાપ પણ મૃત્યુ પામ્યાં હતાં. હરીશભાઈ ઘરનું કામકાજ જાતે જ કરતાં. સ્મિતા આ બધી બાબતોથી વાકેફ હતી. સ્મિતા હરીશભાઈને કાકા કહીને સંબોધતી. આખો દિવસ ફરીને થાકેલી સ્મિતા તેમના ઘરે ક્યારેક થાક ખાવા રોકાતી. સ્મિતા પોતાની દીકરીની ઉંમરની હોવા છતાં પણ હરીશભાઈના મનમાં તેના માટે લાલસા જાગી હતી. જ્યાં સુધી તે સોસાયટીની બહાર ન પહોંચી જાય ત્યાં સુધી સ્મિતાનાં સુડોળ અંગો પર હરીશભાઈની આંખો જાણે ત્રાટક કરતી.
એક વાર ઉનાળાના ધોમધખતા બપોરે સ્મિતા ચૈતન્ય સોસાયટીમાં પહોંચી. ચક્કર આવી જાય અને તન-મન વ્યાકુળ થઈ જાય એવી ગરમી પડી રહી હતી. રણના સૂકા પ્રદેશની જેમ સ્મિતાનું ગળું પણ સુકાઈ ગયું હતું. ત્યાં વૃક્ષના છાંયડે પોતાના દુપટ્ટા વડે ચહેરાનો પરસેવો લૂછતાં લૂછતાં તેને વિચાર આવ્યો કે, ‘ભરબપોર છે અને બધા જ લોકો સૂતા હશે. એવામાં પાણી કોણ પીવડાવશે! અચાનક જ તેના મનમાં એક વિચાર ઝબૂક્યો કે હરીશકાકાના ઘરે જાઉં, તે કદાચ જાગતા હશે અને તેઓ મને સારી રીતે ઓળખે પણ છે.’ તે બીજું કંઈ પણ વિચાર્યા વગર ઝડપથી તેમના ઘરે પહોંચી ગઈ.
તેણે ડોર બેલ વગાડયો. થોડી વાર પછી દરવાજો ખૂલ્યો. પોતાની સામે ઊભેલી સ્મિતાને જોઈને હરીશભાઈએ કહ્યું, ‘અરે! આટલા બપોરે, અંદર આવ!’ સ્મિતા ઘરમાં ગઈ અને સોફા પર બેઠી. હરીશભાઈએ સ્મિતાને ઠંડું પાણી આપ્યું અને બેસીને તેની સાથે વાતે વળગ્યા. થોડી વાર પછી તેમણે કહ્યું કે, ‘હું આપણાં બંનેની ચા બનાવીને લાવું.’
‘ના, તમે રહેવા દો, હું આપણાં બંનેની ચા બનાવી દઉં છું.’ કહીને સ્મિતા રસોડામાં ગઈ.
હરીશભાઈને આમેય સ્મિતાનું આકર્ષણ તો હતું જ અને આજે તો સારી એવી તક પણ સાંપડી હતી. બપોરના શાંત વાતાવરણમાં તેમની લાલસા જાણે ભડકી ઊઠી. બિલ્લીપગે તે રસોડામાં પહોંચ્યા અને એકીટસે સ્મિતાનાં નાજુક અંગોને જોવા લાગ્યા. થોડી વાર પછી તેમણે સ્મિતાને પાછળથી પોતાના બંને હાથોમાં જકડી લીધી અને ચુંબન કરવા લાગ્યા. બે-પાંચ મિનિટની ઝપાઝપી બાદ સ્મિતા પોતાને હરીશકાકાના શિકંજામાંથી છોડાવી શકી. ‘તમે આ શું કરી રહ્યાં છો? હું તો તમને પિતાતુલ્ય સમજતી હતી, પરંતુ તમે તો હેવાન નીકળ્યા. તમારી દીકરીની ઉંમરની છોકરીની ઈજ્જત પર હાથ નાખતા શરમ ન આવી!’ કહીને સ્મિતા દરવાજો ખોલીને ત્યાંથી ચાલી ગઈ.
આટલું ન ભૂલશો
* ક્યારેય પરપુરુષ સાથે એક ક્ષણ માટે પણ એકલા રહેવું નહીં, પછી ભલે તે ગમે તે ઉંમરનો હોય.
* વ્યાવસાયિક સંબંધોને એક હદથી વધુ આગળ વધારવા જોઈએ નહીં.
* કોઈ પણ વ્યક્તિ પર ક્યારેય આંધળો વિશ્વાસ મૂકવો નહીં.
* પોતાની કે પોતાના ઘરની અંગત વાત ક્યારેય કોઈ નવા પરિચયમાં આવનાર વ્યક્તિને કરવી જોઈએ નહીં.
Comments
Post a Comment
Thanx For Comment