રાઘવજી માધડ: ફૂલોને સુગંધની જાહેરાત નથી કરવી પડતી...

ઇતિક્ષાની વિહવળ નજર તેના બોયફ્રેન્ડને શોધી રહી છે, પણ ભીડના લીધે નાંખી નજર પહોંચતી નથી. મોબાઇલ દ્વારા સંપર્ક કરે પણ તેનાં મમ્મી-પપ્પા સાથે છે! કોલેજ કમ્પાઉન્ડમાં મેરિટ લિસ્ટ જોવાનો ભારે ધસારો છે. ઇતિક્ષા અને ચર્વાક હાયર સેકન્ડરીમાં સાથે હતાં. રસ-રુચિના કારણે બંને વચ્ચે ફ્રેન્ડશિપ થઇ. તેમાં ફૂટેલી લાગણીની કૂંપળ હવે સતત સામિપ્ય ઝંખે છે. તેથી એક જ કોલેજ-ક્લાસમાં સાથે રહી કોલેજ લાઇફને ભરપૂર માણવી છે, પણ ખરા સમયે જ ચર્વાક ગાયબ છે. 

ચર્વાકને તેના પપ્પાની અપેક્ષા મુજબ ટકા ઓછા આવ્યા છે તેથી સાંભળવું પડ્યું હતું, ‘ડફોળ! તું કાંઇ ઉકાળવાનો નથી. આ ફલાણાનો છોકરો જો...કેટલા ટકા લઇ આવ્યો.’ ચર્વાકને લાગી આવ્યું હતું. પણ મમ્મીનું સાંત્વન મલમપટ્ટા જેવું હતું. કેટલાક વાલીઓનો આવો બફાટ યુવા સંતાનો માટે સમસ્યા પેદા કરતો હોય છે. સમજદારીથી કામ લેવામાં જ સાર છે. વળી, કોઇની સાથે સરખામણી કરવી તે ઠીક નથી. આંબો અને બાવળ પોતપોતાની રીતે બરાબર છે. છોડ પોતે જ પોતાની રીતે પ્રકૃતિનો વિકાસ કરે છે. એક બાબત યાદ રાખવા જેવી છે કે ફૂલોને ક્યારેય તેની સુગંધ માટે જાહેરાત કરવી પડી નથી.

ભીડ ઓછી થતા ઇતિક્ષાએ મેરિટ લિસ્ટ જોયું. તેમાં નામ જોયા પછી ઇતિક્ષાની આંખ પહોળી થઇ ગઇ. તેમાં ચર્વાકનું નામ નહોતું. ચર્વાક સાથે ન હોય એ વિચારમાત્રથી હૃદય ધબકારો ચૂકી ગયું. આ ઉંમર જ એવી હોય છે. પ્રેમ અને લાગણીના ઘોડાપૂર વહેતા હોય છે. તેની વશમાં રહેવું પણ કપરું હોય છે. ઇતિક્ષાથી રહેવાયું નહીં તે એકદમ બોલી ગઇ, ‘મમ્મી! મારા કરતાં ચર્વાકનું મેરિટ ઊંચું છે છતાંય તેનું નામ નથી! પણ તેનાં મમ્મી-પપ્પા અબોલ રહ્યાં. પોતાની પસંદ પ્રમાણે દીકરીને એડમિશન મળી ગયું હતું પછી બીજાની ચિંતા શું કરવા કરે? પણ ઇતિક્ષા તો આગની જેમ સળગી ઊઠી. તેણે કશી જ પરવા કર્યા વગર ચર્વાકને મોબાઇલ કર્યો.

‘ચર્વાક! તું ક્યાં છો?’ ઇતિક્ષાના સવાલનો એટલી જ ત્વરાથી ચર્વાકે જવાબ આપ્યો, ‘તારા સામે જ ઊભો છું.’‘તો પછી અમારી પાસે આવને!’ ઇતિક્ષાએ કહ્યું. બે-ચાર મિનિટ પછી ચર્વાક સામે આવીને ઊભો રહ્યો. એકાદ મિનિટ નજરની સંતાકૂકડી ચાલી. ઇતિક્ષાએ અધીરાઈથી કહ્યું, ‘આ યાદીમાં તારું નામ કેમ નથી?’ ચર્વાક કશી જ પ્રતિક્રિયા વગર મૌન રહ્યો. 

ઇતિક્ષાનું ચાલ્યું હોત તો ચર્વાકને ખભેથી ઝાલીને હચમચાવી નાખત અને પછી બોલત, ‘તારાથી છુટ્ટા પડવાના વિચારમાત્રથી હું કંપી ઊઠું છું ને તું કેવો નીંભર પથ્થરના જેમ ઊભો છે!?’ચર્વાકે સાવ શાંતિથી કહ્યું, ‘ફોર્મ ભર્યું હોય તો નામ આવે ને?’ઇતિક્ષા અને ચર્વાક બંનેને પેઇન્ટિંગમાં રસ છે, પણ કલાના વિષયો શોખ ખાતર સારા લાગે ભણવા માટે નહીં. આ માન્યતા ભૂલ ભરેલી છે. કલાનાં ક્ષેત્રોમાં અનેક તકો રહેલી છે. 

ઇતિક્ષા આક્રોશ ઠાલવે એ પહેલાં જ ચર્વાકે કહ્યું, ‘મારા પપ્પાને મારે રીતસર સમજાવવા પડ્યા હતા, પછી જ મને ફાઇન આર્ટસમાં ફોર્મ ભરવા દીધું છે.’

‘એટલે તેં અહીં ફોર્મ ભરવાના બદલે ફાઇન આર્ટસમાં ...!!!’ ઇતિક્ષા રીતસરની ઊછળી પડી. તેના માટે આ કલ્પના બહારની વાત હતી. તેને થયું કે હમણાં જ પગ નીચેથી જમીન સરકવા લાગશે, પોતે પડી જશે...અને ચર્વાક વગર પોતાનો શ્વાસ ચાલ્યો જશે!’ પણ બહુ ઓછી ક્ષણોમાં ઇતિક્ષાએ પોતાની જાતને સંભાળી લીધી. નજરની એકાદ ઝલક ચર્વાક પર નાખી પછી મમ્મી-પપ્પા સામે જોઇને લાડથી બોલી, ‘તારા પપ્પા સમજયા હોય તો, મારાં મમ્મી-પપ્પા પણ સમજે જ ને!?’ એકની એક દીકરીની પ્રત્યેક જિદ્દને પૂર્ણ કરનાર તેનાં મમ્મી-પપ્પા ઇતિક્ષા સામે પ્રેમાળ નજરે જોઇ રહ્યાં..

Comments