રાઘવજી માધડ: હૈયાની વાત મૂકી શકાય એવું ઠેકાણું જોઇએ..

વાસુ અંતિમ નિર્ણય પર આવી ગયો છે. પણ આપઘાત કરતા પહેલાં હૈયાની વાત કોઇકને કહેવી... પણ કોને કહેવી તે વાસુ માટે મૂંઝવણ થઇ છે.આજે જર-ઝવેરાત, કીમતી વસ્તુ કે મની મૂકવાના ઠેકાણા છે. બેંકમાં લોકરની ફેસિલિટી અવેલેબલ છે પણ હૈયાની મહામૂલી વાતને મૂકવાનાં ઠેકાણાં ઓછાં થવા લાગ્યાં છે. જગતમાં કોઇ એક એવું પાત્ર હોય કે જેના ખોળામાં કે ખભા પર માથું ટેકવીને આંસુ સારી શકો, મનની લાખેણી વાતને મૂકી શકો. જીવનમાં આવું કોઇ પાત્ર ન હોય તો સમજવું કે આનાથી મોટી બીજી એક પણ દરિદ્રતા ન હોય!

વાસુને પ્રેયસી સપના સાંભરે છે. તેને પેટ ભરીને પ્યાર કર્યો છે. તેથી તેને સેલફોન પર કહે છે: ‘સપના! હું એક અવાવરું સ્થળે એકાંતમાં બેઠો છું. ઘનઘોર અંધકાર છે, ચોતરફ તમરાં બોલે છે, બિહામણા ને ડરામણા અવાજો આવે છે પણ મને ડર નથી લાગતો કારણ કે હું હવે ડરથી પર થઇ ગયો છું. બસ... ઘડી બેઘડીનો મહેમાન છું!’

‘શું બકવાસ કરે છે તું!?’ સપનાનો અવાજ ફાટી જાય છે. તે ધ્રૂજી ઊઠે છે અને પૂછે છે: ‘તું ક્યાં છો અત્યારે!?’‘આમ તો હું હવે યમરાજ પાસે છું...!’ વાસુ કંપતા અવાજે કહે છે: ‘મને ભૂલી જજે સપના!’ચોતરફથી હતાશા-નિરાશા ઘેરી વળે, આફતનો ઉકેલ ન મળે, આગળ અંધકાર ભાસે... જીવવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ નીવડે ત્યારે માણસ આપઘાતના નબળા વિચારને અપનાવતો હશે પણ આ સાવ સાચું નથી. 

જગતમાં જીવવા જેવું રહ્યું નથી, તમામ દરવાજા બંધ થઇ ગયા છે પણ આ પોકળ ધારણા છે. દૂરથી દરવાજા બંધ લાગે પણ બધા દરવાજાને સાંકળ ચઢાવેલી કે તાળાં મારેલાં હોતાં નથી. એક દિશાનો દરવાજા તો ઉઘાડવાની રાહે અટકેલા હોય છે! બીજું કે એક રસ્તો અટકે ત્યાંથી બીજા રસ્તાઓ ફંટાતા હોય છે, માણસે માત્ર દિશા બદલવાની જરૂર હોય છે.

કોઈ સમસ્યા એવી નથી હોતી જેનો ઉપાય માત્ર મોત જ હોય!? ઇશ્વરનું ત્રાજવું વિશ્વાસપાત્ર છે. તે કોઇને ગજા બહારની મુશ્કેલી આપતો જ નથી. પણ ક્યાંક આપણી સમજ કાચી અને ઓછી પડી છે. ક્યાંક ઉકેલ મેળવવામાં ઢીલા પડ્યા છીએ, ક્યાંક અપેક્ષાઓ વધી ગઇ છે, ક્યાંક સાચી સ્થિતિને સમજવામાં લોચો માર્યો છે... પરિણામે આંટીમાં અટવાયા, ફસાયા... ને પછી મોતને નિમંત્રણ પાઠવ્યું!? આપઘાત એ કાયરતા અને છેલ્લી કક્ષાની પલાયનવૃત્તિ છે, જિંદગીનું હડહડતું અપમાન છે. બીજી રીતે કહીએ તો જે માણસ જાતને ન ચાહી શકે તેની પાસે જગતે શી અપેક્ષા રાખવાની!? થનગનાટયુક્ત યુવાની તો પ્રભુને પણ પડકાર ફેંકીને કહે, તારે જેટલી મુશ્કેલીઓ આપવી હોય એટલી આપ અમે આગને પણ ફેરવીશું બાગમાં!

સમસ્યાઓને હલ કરવાની શક્તિ ઇશ્વર એકની સાથે બે ફ્રી સ્કીમની માફક આપે છે. યુવાનોએ આ સ્કીમને સમજી લેવી પડે!વાસુ એમ જ અંધારામાં બેઠો છે. વૃક્ષો વચ્ચેની ગીચતામાંથી તેને કેનાલના પાણીનો પ્રવાહ સ્પષ્ટ દેખાય છે. થોડું ચાલીને પોતે પાણીમાં ઝંપલાવશે અને પછી મોતને મહેબૂબા માફક ભેટી લેશે! પણ વાસુ કરતાં સપના વધારે ટેન્શનમાં છે. વાસુનો લાસ્ટ કોલ પોતાના સેલફોન પર રિસીવ થયો છે. પોલીસ પગેરું શોધી કાઢશે! હવે શું કરવું? સપના વિશેષ લપછપ કર્યા વગર તેના પપ્પાને લઇ પોલીસ સ્ટેશને પહોંચી જાય છે. 

સઘળી વિગત પોલીસને જણાવે છે. સાથે સાથે વાસુના પરિવાર અને તેની વાગ્દતાને પણ હકીકત કહે છે. યુવાન સંતાનના આપઘાત પછી ઘણાં મા-બાપ જીવી પણ નથી શકતાં. મા-બાપને આવા ઝુરાપાની પીડા આપવાનો કોઇ સંતાનનો અધિકાર નથી. છેલ્લા કોલના આધારે ટાવર અને લોકેશન પકડાય છે. કેનાલનો સંભવિત કૂદકાઝોન પોલીસ અને સિકયોરિટીના કન્ટ્રોલમાં આવી જાય છે અને પછી વાસુને હાથવગો કરતાં વાર નથી લાગતી.

અંતિમ સમયે સપનાને સંભારી અને સપના થકી વાસુ બચી ગયો. વાસુ કહે છે: ‘સપના! તેં ખરેખર મને જિવાડ્યો છે. હવે તો સાથે રહીશું, સાથે જીવીશું!’

‘ના...’ સપના ઘસીને ના પાડે છે અને કહે છે: ‘મેં એવું વિચાર્યું પણ નથી. જેની સાથે તારું સગપણ થયું છે તેની સાથે જ મેરેજ કરી લે.’

‘પણ તું...!?’

સપના કહે છે: ‘હું કાંઇ કુંવારી રહેવાની નથી પણ વાસુ તે તારી છેલ્લી ક્ષણે માત્ર મને જ યાદ કરી, હૈયાની મહામૂલી વાત મૂકવાને યોગ્ય સમજી તે મારા માટે ગૌરવ અને આનંદપ્રદ ઘટના છે... મનની મંજૂષામાં જીવનભર સાચવી રાખીશ.’

વાસુ કહે, હકીકત તો જાણ...અહીં આપણી કથા પૂર્ણ થઇ, હવે હકીકત શું જાણવાની!?

Comments