ડો. શરદ ઠાકર: સદીની વાત છે આજે ક્ષણોને બોલવા દો



 
નયનભાઇ, તમારો રિપોર્ટ પણ ‘નબળો’ છે અને નયનાબહેનના ગભૉશયમાં, નળીઓમાં અને બંને બાજુના અંડાશયોમાં તકલીફ છે. તમારી પાસે બે જ રસ્તા છે, કાં તો આખી જિંદગી બાળક વગર જ પસાર કરી નાખો અથવા બાળકને દત્તક લઇ લો.’

‘નયનભાઇ, જે છે તે સાચેસાચું કહીં દઉં? તમને સંતાન થવાની કોઇ જ શક્યતા નથી.’ મેં કોઇ પણ ડોક્ટર ન ખેડે તેવું જોખમ ખેડીને કહી દીધું. ‘તમને’ એટલે નયનભાઇને નહીં, પણ એમનાં પત્ની નયનાબહેનને.મારી વાત સાંભળીને મારી સામે બેઠેલા ચાલીસ વર્ષના નયનભાઇ અને ત્રીસ વર્ષનાં નયનાબહેન ડઘાઇ ગયાં. નયનાબહેન તો બોલ્યાં પણ ખરાં, ‘સાહેબ, અમે તમારી પાસે કેટકેટલી આશાઓ લઇને આવ્યાં હતાં, તમે પહેલા ધડાકે જ ના પાડી દીધી.’

‘હા, બહેન! હજુ હું સાવ નવો છું ને એટલે! થોડાંક વર્ષો જવા દો, દુનિયાની હવા લાગવા દો, ચામડી જરા જાડી થઇ જવા દો, પછી હું તમને ગોળ ગોળ ફેરવતાં શીખી જઇશ. આશાનું બનાવટી ગાજર દેખાડીને તમારાં ખિસ્સાં ખંખેરવાનું આવડી જશે મને. પછી હું તમને જાત જાતનાં પરીક્ષણો અને ભાત ભાતની દવાઓની આંબલિપીપળી ચિંધતો રહીશ. છેલ્લે જ્યારે તમે નિચોવાઇ જશો ત્યારે ખુદ-બ-ખુદ દવાખાનાની દિશામાં નજર ફેંકવાનું ભૂલી જશો.’

લગભગ ૧૯૮૫ની ઘટના. મેં પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી એના થોડાક મહિના પછીની વાત. નયનભાઇ પહેલી વાર મારી પાસે આવ્યા હતા. સાથમાં પત્ની હતી અને હાથમાં રિપોર્ટ્સની ફાઇલ હતી. એક કરતાં વધારે ડોક્ટરોના કાગળો હતા, એકના એક રિપોર્ટ્સ અનેક વાર કરાવ્યા હતા. કાગળોમાં ચોખ્ખું વંચાતું હતું કે આ દંપતીને સંતાનયોગ નથી,પણ કોઇએ આજ સુધી મગનું નામ મરી પાડ્યું નહોતું. મેં જે હતું તે કહી દીધું, ‘નયનભાઇ, તમારો રિપોર્ટ પણ ‘નબળો’ છે અને નયનાબહેનના ગભૉશયમાં, નળીઓમાં અને બંને બાજુના અંડાશયોમાં તકલીફ છે. તમારી પાસે બે જ રસ્તા રહ્યા છે, કાં તો આખી જિંદગી બાળક વગર જ પસાર કરી નાખો અથવા કોઇ સંસ્થામાંથી બાળકને દત્તક લઇ લો.’

ન માન્યાં. બેય જણાં ન માન્યાં. થોડી વાર સુધી ગમગીનીમાં ડૂબેલાં રહીને પોતાની કમનસીબી ઉપર અફસોસ જતાવીને પતિ-પત્ની ચાલ્યાં ગયાં. હું વિચારી રહ્યો, વૃક્ષનું થડ હતું, ડાળી પણ હતી, પરંતુ ફળ ન હતું. ક્યાંય સુધી એ વૃક્ષનો નિસાસો, ડાળનો ઝુરાપો અને ફળ વગરની નિષ્ફળતા હવામાં ઘૂમરાતી હતી. એક નવા જન્મનો અભાવ કેટલો પીડાદાયક હોય છે એનો અહેસાસ મને ઘેરી વળ્યો.

આ ઘટનાને વર્ષો થઇ ગયાં. એક-બે નહીં, પૂરાં પંદર વર્ષ. મારું નર્સિંગહોમ જ્યાં હતું ત્યાં વારંવાર કોમી રમખાણોને કારણે કફ્યું જાહેર થવાને કારણે મેં મૂળ જગ્યાએથી એકાદ કિ.મી. દૂરના સ્થાને નર્સિંગહોમને ‘શિફ્ટ’ કર્યું. નયનભાઇ-નયનાબહેન મારી સ્મૃતિમાંથી સરકી ગયાં.પંદર વર્ષ પછી અચાનક એ બંને મારી સામે પાછાં ઝબક્યાં.

નયનભાઇ આનંદના ‘મોડ’ પર લાગ્યા. હસતાં હસતાં પૂછી રહ્યા, ‘કેમ, સાહેબ! ઓળખાણ પડી કે નહીં?’ હું એમની સામે ધારી ધારીને જોઇ રહ્યો. પછી મેં નયનાબહેન સામે જોયું. છળકપટ અને સ્વાર્થની આ દુનિયામાં ભલા અને નિ:સ્વાર્થી માણસો ભાગ્યે જ જોવા મળે છે. આમ તો હું ભારે ભુલકણો છું, ગઇ કાલવાળા પેશન્ટને આજે ઓળખી શકતો નથી, પણ આ કપલને ઓળખી ગયો. જુની વાતો તાજી કરીને અમે થોડી વાર સુધી વાતો કરતાં રહ્યાં.

પછી મેં પૂછ્યું, ‘શા માટે આવવું પડ્યું?’‘સાહેબ, અમે નિર્ણય કર્યો છે કે બાળકને દત્તક કરી લેવું. આટલાં વર્ષ શું કામ વેડફ્યાં એવો સવાલ ન પૂછશો, સાહેબ! તમારી વાત સાચી હોવા છતાં અમે વિશ્વાસ ન કર્યો, બીજા પાંચ ડોક્ટરો પાસે જઇને પચાસ હજાર રૂપિયા બગાડ્યા, ત્યારે અમારી આંખ ઊઘડી કે...’હું દુ:ખી થઇ ગયો, ‘ભાઇ, તમે માત્ર પચાસ હજાર રૂપિયા જ નથી બગાડ્યા, જિંદગીનાં અમૂલ્ય એવાં પંદર વર્ષ ફેંકી દીધાં છે. તમને ખબર છે? પંચાવન વર્ષની ઉંમરે તમને બાળક દત્તક આપવાની કાયદો ના પાડે છે.’ નયનભાઇ સડક થઇ ગયા.

આંખો સામે કાળું ભવિષ્ય ઘેરાઇ ગયું. અત્યાર સુધી મારી સલાહ ન માની એનો અફસોસ રૂંવે રૂંવે ફૂટી નીકળ્યો. ત્યારે તો એ વીલા મોંઢે ચાલ્યા ગયા, પણ ચાર-પાંચ દિવસ પછી એક અજાણ્યા માણસને લઇને પાછા ઝબક્યા. ‘આ વકીલ છે. મેં એમની સાથે ચર્ચા કરી. એમણે તોડ કર્યો છે. એફિડેવિટ કરીને મારી જન્મ તારીખ અને વર્ષ બદલાવી આપ્યાં છે. હવે તો દત્તકના કાયદામાં વાંધો નહીં આવે ને?’મેં સમાધાન સ્વીકારી લીધું. અમદાવાદની એક જાણીતી સંસ્થામાં હું એમની સાથે ગયો.

મારી ઓળખાણનું જે કંઇ પાંચ-દસ ગ્રામ જેટલું વજન પડતું હશે તે મૂકીને સંસ્થાના સંચાલક દ્વારા નયનભાઇને જોઇતું હતું તે રંગનું, જાતિનું અને વયનું બાળક અપાવડાવી લીધું. એક વર્ષની ઉંમરનો બાબો હતો. એમની ઇચ્છા તો સાવ નવજાત શિશુને દત્તક લેવાની હતી, પણ મેં જ સમજાવ્યા, ‘આ ઉંમરે તમારાથી ઉજાગરા નહીં વેઠાય. નયનાબહેન પણ નાનકડા ફૂલની માવજત નહીં કરી શકે. એક વર્ષનું બાળક ચાલતાં, બોલતાં તો શીખી ગયું હોય એટલે તમને ખાસ તકલીફ નહીં પડે.’

કાનૂની ઔપચારિકતા વકીલે પહેરેલા કાળા કોટે પતાવી આપી, બાળકની તંદુરસ્તીનો આંક ડોક્ટરે ધારણ કરેલા સફેદ એપ્રને કાઢી આપ્યો. નયનભાઇ હવે સુખના શિખર પર પહોંચી ગયા હતા. ઘરમાં મંગલ-ત્રિકોણ રચાઇ ગયો હતો. થોડાક દિવસો બાદ એમણે ઘરમાં બાળક આવ્યાની ઉજવણી પણ કરી હતી. સાતસો-આઠસો માણસોને જમાડ્યા હતા. થાળીમાં વાનગીઓનો સ્વાદ મઘમઘતો હતો અને હવામાં એક નવી જિંદગીની સુગંધ હતી.

***

તાજેતરની ઘટના છે. દીકરો બાર વર્ષનો થઇ ગયો. નયનભાઇની જ્ઞાતિમાં યજ્ઞોપવીતનો રિવાજ છે. એ મને આમંત્રણ-પત્રિકા આપવા આવ્યા, મેં એમની પ્રશંસા કરતાં કહ્યું, ‘વાહ! તમે દિલ દઇને ખર્ચ કરો છો, નયનભાઇ! તમે જે રીતે દીકરાને ઉછેરી રહ્યા છો, એ જોઇને મને તો નંદરાજા અને જશોદામૈયા યાદ આવી જાય છે.’

એ ભાવભીના થઇ ગયા, ‘ત્યારે તમેય વાસુદેવનું જ કામ કર્યું છે ને, સાહેબ! મારા કાનુડાને તમે જ તો અમારી ગોદમાં...’મે મહિનો હતો. ઠાઠમાઠનું ઠેકાણું એમની ન્યાતની વાડી હતી. હું તો કન્સલ્ટિંગ પતાવીને દોઢ વાગ્યે પહોંચ્યો, પણ માણસોની ભારે મોટી ભીડ હતી. સરસ જમણવાર. બડવો જોધપુરી કોટ અને રંગીન સાફામાં બટુકને બદલે વરરાજા વધુ લાગતો હતો. મેં કહ્યું, ‘તમે તો દીકરાનાં લગ્ન જેટલો ખર્ચ કરી નાખ્યો! ભેગાભેગી એક દસેક વર્ષની કન્યા શોધી કાઢો ને! લગ્ન પણ પતી જાય!’નયનભાઇ હસ્યા, પછી ગંભીર બની ગયા, ‘સાહેબ, જિંદગીનો ભરોસો નથી.

દીકરો પરણવા જેવો થશે, ત્યારે હું કદાચ ન પણ હોઉં. અત્યારે જ અરમાનો પૂરાં કેમ ન કરી લેવાં?’મારા જ આગ્રહથી અમારો સમૂહ ફોટો ખેંચાઇ ગયો. હું મારા પિતાજી અને મારી પત્નીને અડખેપડખે નયનભાઇ, નયનાબહેન અને સાફાધારી બટુક. વાતાવરણમાં આનંદ હતો, ઉલ્લાસ હતો. એક દીકરો મોટો થઇ રહ્યો હતો, એક વાતથી એ બેખબર હતો કે એનો બાપ વૃદ્ધ થઇ રહ્યો હતો.

પેલો ગ્રૂપ ફોટો આજેય મોજૂદ છે. નયનભાઇ હયાત નથી. માત્ર સવા મહિના પછી એમને હાર્ટએટેક આવ્યો. લોહી ભરેલો ફુગ્ગો ફૂટી ગયો. નયનાબહેને રડી રડીને વાતાવરણ ગજાવી મૂકર્યું. દીકરો ચીસો પાડી પાડીને બધાને રડાવતો રહ્યો, ‘મારા પપ્પા ક્યાં જતા રહ્યા? કોઇ એમને બોલાવી લાવો. એમના વિના રાતે મને ઊંઘ નથી આવતી. પપ્પા, તમે ક્યાં છો? પાછા આવો! પાછા આવો...’ વાતાવરણમાં તાજા મૃત્યુની કાળી છાયા પ્રસરી ગઇ હતી.

હું વિષાદગ્રસ્ત બનીને મનોમન પૂછી રહ્યો, ‘કાયદો સાચું જ કહેતો હોય છે. મોટી ઉંમરે બાપ જ્યારે બાળકને દત્તક લે છે, ત્યારે? હવે આ બાળકે તો આખી જિંદગી માથા પરના છાપરા વગર જ... મેં આમાં સાથ આપ્યો એ સારું કર્યું કે ખોટું?’આ લખવા બેઠો છું એના બે કલાક પછીની ઘટના છે. હું અને મારી પત્ની નયનાબહેનના ઘરે ગયાં ત્યારનું ર્દશ્ય. નયનાબહેન ખરીદી કરીને આવ્યાં હતાં. અનાજની ગુણ હતી. ચોથા માળે આવેલા ફ્લેટ સુધી ઊંચકીને લઇ જવાની હતી. રાતનો સમય. મદદ કરનારું કોઇ જ ન હતું. દીકરાએ કહ્યું, ‘મા, તું માત્ર આ ગુણ મારી પીઠ પર ચડાવી આપ! બાકીનું કામ હું કરી નાખીશ.’

ખરેખર, એ બાર વર્ષનો બહાદુર પંદર-વીસ કિલોનો કોથળો ઊંચકીને ચાલીસ પગથિયાં ચડી ગયો. સંજોગોએ રાતોરાત એને જુવાન બનાવી દીધો. મને લાગ્યું કે મેં કોઇ ભૂલ નહોતી કરી. નયનાબહેનને જીવવા માટેનો આધાર મળી ગયો હતો. દાદર ઉપર હું એક સસલાને સિંહ બનતાં જોઇ રહ્યો.

(શીર્ષક પંક્તિ: હિતેન આનંદપરા)

Comments