ડો. શરદ ઠાકર: સાવ નકલી રત્નનો ચળકાટ પણ ઓછો નથી



 
એ સાંજે હોસ્પિટલના ઓડિટોરિયમમાં એંશી ડોક્ટરો સાંભળી રહ્યા અને ડો. વી. ડી. ગરજતા રહ્યા, વરસતા રહ્યા, તાંડવ બનીને ત્રાટકતા રહ્યા.

ડો.વી. ડી. શાહ સૌમ્ય, સુંદર અને શ્વેત વ્યક્તિત્વના સ્વામી. કપડાં પણ હંમેશાં સફેદ રંગનાં જ પહેરે. દૂધ જેવા સફેદ રંગનાં. એમનો ચહેરો પણ એટલો જ ગોરો. કપડાંના રંગ સાથે સ્પર્ધા કરે તેવો. કાયમ હસતા રહે એટલે દાંતનાં દર્શન ચાલુ જ રહે. એ પણ દૂધ જેવા સફેદ. આ શ્વેત ક્રાંતિમાં હજુયે જો કંઇક ખૂટતું હોય તો એમના મસ્તક તરફ જોવું પડે. પૂનમની રાતે પૃથ્વી ઉપર ઢોળાયેલી ચાંદની જેવા રૂપેરી કેશ ફરફરે. વી. ડી. શાહ સાહેબ ડોક્ટરને બદલે દેવદૂત જેવા વધારે દેખાય.

એમના વિશે ઘણી બધી વાતો મારા સાંભળવામાં આવેલી અને દરેક વાતે એમના પોટ્રેટમાં શ્વેત રંગનો એક વધુ લસરકો મારી આપ્યો હતો. એક દિવસ એ જે હોસ્પિટલના વડા તરીકે સેવા આપી રહ્યા હતા ત્યાંના લોન્ડ્રી વિભાગના એક છોકરાને થેલીમાં કશુંક લઇ જતો જોઇ ગયા. છોકરાની હિલચાલ જરાક શંકાસ્પદ હતી. ડો વી. ડી. શાહે એને ટપાર્યો, ‘એઇ...! શું લઇ જાય છે?’ ‘કંઇ નથી! કંઇ નથી!’ છોકરો એવી રીતે બોલતો હતો કે કોઇ પણ માણસ સમજી જાય કે થેલીમાં ચોક્કસ કંઇક છે.

ડો. શાહે એને પાસે બોલાવ્યો. થેલી આંચકી લીધી. અંદર એક શર્ટ હતું. એમણે આંખ લાલ કરી, ‘કોનું છે આ શર્ટ?’‘ઘરાકનું છે... પ...પણ કોનું છે એ ખબર નથી...કો’ક દરદીનું કે એના સગાનું હશે, પણ ભૂલીને જતા રહ્યા લાગે છે...’‘એટલે તારી માલિકીનું થઇ ગયું, એમ? શરમ નથી આવતી આમ ચોરી કરતા...?’‘સર! મેં ચોરી નથી કરી... ઘરાક ભૂલી જાય એમાં હું શું કરું?’ છોકરામાં દલીલ કરવા જેટલી હિંમત આવી, પણ ડો. શાહે એની દલીલને ભાંગીને, તોડીને, કાપીને, દળીને ઝીણા લોટ જેવી કરી નાખી.

‘ચોરી’ ઉપર ટૂંકું પણ મનનીય ભાષણ ઠોકી દીધું. છોકરો શરમિંદો થઇ ગયો. સાહેબે હોસ્પિટલના નોટિસ બોર્ડ ઉપર એક ખોવાયેલું શર્ટ મળ્યાની જાહેરાત મૂકી દીધી. પૂરા એક મહિના પછી સૌરાષ્ટ્ર બાજુનો એક દરદી. ફોલો-અપ તપાસ માટે આવ્યો ત્યારે એણે જાહેરાત વાંચી. એણે શર્ટની નિશાની આપી અને એ એનું જ છે એની સાબિતીઓ રજુ કરી, શર્ટ એને સોંપી દેવામાં આવ્યું એ પછી જ ડો. શાહ સાહેબે રાહતનો શ્વાસ ખેંચ્યો.

હોસ્પિટલના વોર્ડબોયથી લઇને ડોક્ટરો લગી ડો શાહની પ્રામાણિકતાની વ્યાખ્યા પ્રસરી ગઇ. મને તો આ ઘટના વિશે ત્યારે ખબર પડી જ્યારે કોઇએ મને કહ્યું. મારા મનના કેન્વાસ ઉપર ડો. વી. ડી. શાહનું જે ચિત્ર અંકાયેલું હતું એમાં શ્વેત રંગનો એક લસરકો ઉમેરાઇ ગયો.

પ્રામાણિકતા મનેય પ્રિય છે, પરંતુ આટલી હદે નહીં. રસ્તામાં પડેલી કરન્સી નોટ જો મને જડી જાય તો હું પાંચદસ મિનિટ બગાડીને આજુબાજુમાં પૂછપરછ કરી લઉં. પછીયે જો એનો મૂળ માલિક ન મળે તો કાં એ રકમ ભિખારીને આપી દઉં, કાં કો’ક સેવાની સંસ્થામાં જમા કરાવી દઉં. મંદિરમાં તો ન જ મૂકું! પણ ઉપરની ઘટના પછી મને ખબર પડી કે આ પણ એક પ્રકારની ચોરી જ ગણાય. ખરી વાત એ ગણાય કે જડેલી ચીજ એના મૂળ માલિકને જ સોંપી દેવી જોઇએ.

એક વાર સર્જિકલ વિભાગના ડો કાલરિયા ડો. વી.ડી.ને મળવા આવ્યા, ‘સર! એક સારા સમાચાર આપવા આવ્યો છું. આપણી હોસ્પિટલના તમામ ડોક્ટરોને દીવ લઇ જવાનો કાર્યક્રમ બનાવ્યો છે. આપ જોડાશો ને? ત્રણ દિવસ ને બે રાતનું પેકેજ છે.’વી. ડી. હસ્યા, ‘વેરી ગૂડ! હું પણ તમારી સાથે આવું છું. મારે કેટલું કંટ્રિબ્યુશન આપવાનું છે?’ કહીને એમણે ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું.

ડો. કાલરિયાએ એમને અટકાવ્યા, ‘એક પૈસાનુંયે નહીં, સર! આપણામાંથી કોઇએ કશું જ આપવાનું નથી. આખી ટ્રિપ દવાની એક કંપની તરફથી સ્પોન્સર્ડ થયેલી છે.’‘કઇ ખુશીમાં?’ ડો. વી.ડી.નાં ભવાં તંગ થયાં.‘આપણી હોસ્પિટલના વપરાશ માટે પૂરા વર્ષની દવાઓનો સ્ટોક આ કંપની પાસેથી આપણે ખરીદવાના છીએ એના બદલામાં ?’ ડો. કાલરિયાનો અવાજ આવી રહેલા વાવાઝોડાની શક્યતા પારખીને ધ્રૂજવા માંડ્યો.વાવાઝોડું ત્રાટક્યું, ‘શરમ નથી આવતી તમને આવી સોદાબાજી કરતાં? કેન્સલ ધી ટ્રિપ એન્ડ કેન્સલ ધેટ ઓર્ડર ઓલ્સો! આજે સાંજે તમામ ડોક્ટરોની મિટિંગ રાખો! મારે કંઇક કહેવું છે.’

એ સાંજે હોસ્પિટલના ઓડિટોરિયમમાં એંશી ડોક્ટરો સાંભળી રહ્યા અને ડો. વી.ડી. ગરજતા રહ્યા, વરસતા રહ્યા, તાંડવ બનીને ત્રાટકતા રહ્યા. ‘પ્રામાણિકતા’ ઉપરનું પ્રલંબ પ્રવચન સાંભળીને ડોક્ટરો છુટા પડ્યા. આ ઘટનાની જાણ મને તો કેવી રીતે હોય? મને તો ત્યારે ખબર પડી જ્યારે મને કોઇકે કહ્યું. મારા દિમાગના કેન્વાસ ઉપર ડો. વી.ડી.ની જે છબી દોરાયેલી હતી એ વધુ ને વધુ ઊજળી બની રહી હતી.

એક વાત તો મને તાજેતરમાં જ જાણવા મળી. એમના ટેબલ ઉપરથી ટાંકણીનું એક બોક્સ ગાયબ થઇ ગયું. ડો. વી.ડી. શાહે દોઢ કલાક સુધી પૂરી હોસ્પિટલ ઉપર-તળે કરી નાખી. એક વોર્ડબોય છેવટે પિન-બોક્સ શોધી લાવ્યો, પણ એ બબડ્યા વિના રહી ન શક્યો, ‘સાહેબ! પણ ખરા છે! દસ રૂપિયાની ટાંકણીઓ માટે દસ પટાવાળાને દોઢ કલાક લગી દોડાવ્યે રાખ્યા!’ શાહસાહેબ સાંભળી ગયા. અડધા કલાક પછી એ દસેય વોર્ડ બોયઝને એમની ઓફિસમાં બોલાવીને પિસ્તાળીસ મિનિટ સુધી માણસની જિંદગીમાં નાની ચીજોનું મહત્વ એ વિષય ઉપર ભાષણ પીરસતા રહ્યા. એમાં ગાંધીજીને પણ એમણે વણી લીધા. પેન્સિલના નાનકડા ટુકડાને શોધી લાવવા માટે ગાંધીજીએ મનુબહેનને છેક બીજે ગામ રાતના સમયે દોડાવ્યા હતા એ ઘટનાનું ર્દષ્ટાંત આપ્યું.

મને તો પછીથી આ વાત જાણવા મળી, પણ જાણ્યા પછી મને રૂંવે રૂંવે ટાઢક ફરી વળી. મને પ્રતીતિ થઇ ગઇ કે આ સદભાગી દેશમાં ગાંધીબાપુ ભલે આજે હયાત નથી, પણ ગાંધીવાદ તો જીવંત છે જ. મારા દિમાગમાં ડો. વી. ડી. શાહની છબી હવે શ્વેત જ શ્વેત હતી. હું આવા પ્રાત:સ્મરણીય મહાનુભાવને મળવા માટેનો મોકો શોધી રહ્યો. જ્યારે હું ડો. શાહને મળ્યો ત્યારે દંગ રહી ગયો, ‘અરે, વી.ડી.! તું?!’ એ પણ મને ઓળખી ગયો. ત્રણ-સાડાત્રણ દાયકા પહેલાં અમે સાથે ભણતા હતા. મેડિકલ કોલેજમાં એકાદ વરસ આગળપાછળ હતા.

‘વી.ડી., તારી પ્રમાણિકતા વિશે તો દંતકથાઓ સંભળાય છે ને કંઇ! તું તો મેડિકલ જગતનો મહાત્મા ગાંધી બની ગયો છે.’ ‘ઠીક છે એ બધું. આવડી વિશાળ હોસ્પિટલનો વહીવટ કરવો હોય તો એવું બધું કરવું પડે, દોસ્ત! આજકાલ તો જો દિખતા હૈ વો બિકતા હૈ.’ ડો. વી.ડી.એ હસીને જવાબ આપ્યો. પછી ઘંટડી મારીને પટાવાળાને બોલાવ્યો, ‘સા’બ કે લિયે કુછ ઠંડા લે આઓ! ઔર બાહર કોઇ વિઝિટર હો તો ઉસે અંદર ભેજો!’ પછી મારી સામે જોઇને ક્ષમાસૂચક નજરે કહ્યું, ‘સોરી, દોસ્ત! આપણે વાતો કરીએ એની સાથે થોડું કામ પતાવતો જઉં...’ મેં ખભા ઉછાળ્યા.

મને શો વાંધો હોય! એક ગરીબ જુવાન અંદર આવ્યો. હાથમાંનો મોબાઇલ ફોન ટેબલ ઉપર મૂકીને એણે ડો. શાહની સામે બે હાથ જોડ્યા. એના પિતાની સારવારનું બિલ ઓછું કરવા માટે એ કરગરી રહ્યો. ડો. શાહે વિનંતી માન્ય રાખી. બિલમાં પચાસ ટકાની રાહત લખી આપી. યુવાન ગયો. ડો. શાહની નજર એના મોબાઇલ ઈન્સ્ટ્રુમેન્ટ ઉપર પડી. પળ વારમાં એણે એ ઉઠાવીને ટેબલના ખાનામાં છુપાવી દીધું.

પાંચેક મિનિટ પછી યુવાન પાછો આવ્યો, ‘સર, મારો મોબાઇલ ક્યાંક... મને લાગે છે કે હું અહીં તો ભૂલી નથી ગયો ને?’‘ના, ભાઇ! અહીં તો કશું જ નથી. યુ કેન ગો નાઉ!’ ડો. શાહે ના પાડતી વખતે ચહેરાની એક પણ રેખા બદલાવા ન દીધી. યુવાન ચાલ્યો ગયો.

માનવામાં ન આવે તેવી વાત છે, પણ મારી નજર સામે બનેલી છે. મોટી હોસ્પિટલના મુખ્ય ડોક્ટર તરીકે લાખોમાં રમતા ડો. શાહે બીજી જ ક્ષણે ખાનામાંથી મોબાઇલ ફોન કાઢ્યો, એમાંથી સિમકાર્ડ બહાર કાઢ્યું, એના ટુકડા કર્યા અને ફેંકી દીધા. ઈન્સ્ટ્રુમેન્ટ સામાન્ય હતું, પણ વી.ડી.ના મોં પરની ખુશી અસામાન્ય હતી. મારી સામે જોઇને એણે કહ્યું, ‘મારી વાઇફને ચાલશે. લો, ઠંડું આવી ગયું!’ હું તો પીતાં પહેલાં જ ઠંડો થઇ ચૂક્યો હતો.

Comments