રાઘવજી માધડ: કોઇ તનથી અને કોઇ મનથી રંગાવા તત્પર હતાં

રંગ-પિચકારી પોતાના તરફ તકાયેલી જોઇને વૈંકટે કાનના પડદા તોડી નાખે તેવી ચીસ પાડી. પછી તે શિકારીથી છટકવા વાંદરો કૂદે એમ કૂદીને દીવાલ પાછળ સંતાઇ ગયો.વૈંકટનું આવું અને અણધાર્યું વર્તન સૌને સ્તબ્ધ કરી ગયું. રંગભર્યો અને થનગનતો માહોલ ક્ષણમાં સમેટાઇ ગયો. કાદંબરી હેબતાઇ ગઇ. તેના હાથમાં રહેલી પિચકારી એમ જ સ્થિર થઇ ગઇ.એક ઇન્સ્ટિટ્યૂટના સ્ટુડન્ટ્સ ફિલ્ડ વિઝિટ માટે હૈદરાબાદની એક મલ્ટિનેશનલ કંપનીમાં આવ્યા છે. તેમનો ઉતારો યૂથ હોસ્ટેલમાં અપાયો છે. આ હોસ્ટેલ સકિંદરાબાદ અને હૈદરાબાદને જોડતા ઓવરબ્રિજના એક છેડે આવી છે. બાજુમાં હુસેન સાગર તળાવ છે.

ધુળેટીની રંગત માણવા રજા રાખી છે. બધાં જ યુવક-યુવતીઓ એકબીજાને રંગવા તત્પર છે, કારણ કે એકદમ મુક્ત માહોલ છે અને આમ પણ હૈયાની વાતને અભિવ્યક્ત કરવાનો આ રંગીલો અવસર છે. કોઇ તનથી તો કોઇ મનથી રંગાવા ઉત્સુક છે.વૈંકટ તો ધુળેટી ખેલવાનો પ્રેરણાસ્ત્રોત છે, પ્રસંગ નાયક છે. તેમણે જ રંગ અને પિચકારીનો સરંજામ લાવી આપ્યો છે અને એકાએક શું થયું તે આમ ચિત્કારીને ભાગી ગયો!? સૌ તર્ક-વિતર્ક કરવા લાગ્યા.

માહોલ મજાનો છે. વરસાદનાં ફોરાં સાથે પવન સૂસવાટા કરે છે. ઠંડીનો ચમકારો આહ્લાદક લાગે છે. ધુળેટીના દિવસે વરસાદ ક્યાંથી!? પણ કમોસમી વરસાદ એટલે કે માવઠું છે. માવઠા વિશેનો એક એસએમએસ મનમાં મમળાવવા જેવો છે. માવઠું એટલે રિસાયેલી પ્રેમિકાનો સ્વિચ ઓફ થયેલ સેલફોન અથવા તો પરણી ગયેલી પ્રેમિકાનું સજોડે સામા મળવું! પણ અહીં તો વરસાદ આવકાર્ય હતો. યુવાનીના ઉન્માદમાં ઉમેરો કરતો હતો.

બે-ત્રણ યુવાનો વૈંકટની પાછળ ધસી ગયા. હાથમાં રહેલી પિચકારીથી એવો રંગી દેવો હતો કે જોનારા કોઇ ઓળખી ન શકે! વૈંકટ નિમિત્ત હતો. બાકી તો કોને કેમ રંગવા તે સૌના મનમાં નક્કી હતું. વૈંકટ પોતાના શરીરને સંકેલી આડા હાથ ધરી રીતસર કાલાવાલા કરતો હતો: ‘પ્લીઝ... મને ન રંગશો!’

ગઇ રાતે ધુળેટી રમવાનો સૌથી વધારે ઉત્સાહ વૈંકટને હતો. એ કહેતો: ‘તમે બધા આમ ફરી પાછા ક્યાં મળવાના? અને એ પણ આ તહેવાર ના દિવસે!?’ અવસરને મન ભરીને માણી લેવાનું કહેનારો વૈંકટ આમ મૂંઝાઇને કેમ સંતાઇ ગયો? ઘણાની નજર કાદંબરી તરફ તકાઇ. કાદંબરી તો મોં વકાસીને ઊભી હતી. તે કશું જ જાણતી નહોતી.

વૈંકટ શહેરના સાવ છેવાડે આવેલી ઝૂંપડપટ્ટીમાં વસતા તદ્દન ગરીબ પરિવારનો યુવાન છે. સેકન્ડરી સુધીનો અભ્યાસ સ્ટ્રીટ લાઇટના અજવાળે કર્યો છે પણ આઇ.ટી.માં એડમિશન મળ્યા પછી તે આ હોસ્ટેલમાં રહે છે. હોસ્ટેલમાં આવતા પ્રવાસીઓના ગાઇડ તરીકે તેમજ અહીંનું નાનું-મોટું કામ કરીને પોતાનો ખર્ચ કાઢે છે. આમ કામ-મહેનત કરવામાં તેને સંકોચ થતો નથી કે નાનપ અનુભવાતી નથી. ગર્વ અને ગૌરવ સાથે સ્ટડી કરે છે.

ગરીબ હોવું તે ગુનો નથી પણ કશી જ મહેનત કર્યા વગર માત્ર ગરીબાઇનાં ગાણાં કે રોદણાં રોવાં તે ગુનો ગણાવો જોઇએ. ગરીબી અને બેકારીનો ઘણા યુવાનો સખતપણે સામનો કરી રહ્યા છે તે હકીકતને અવગણી શકાય તેમ નથી. પણ ક્યાંય કમાણીનો રાતોરાત ચમત્કાર સર્જાવાનો નથી. યુવાનોએ નાનાં-મોટાં કામ શોધીને સ્વનિર્ભર બનવું પડે.

સ્વમાન સાથે સ્વનિર્ભર થઇને સ્ટડી કરતો વૈંકટ એક વીકમાં સૌના સાથે હળીભળી ગયો હતો. વૈંકટનું સ્મિત સાથે ફાંકડું અંગ્રેજી બોલવું, પૂછો તેના એક ગાઇડ તરીકે ગહનતાપૂર્વક જવાબ આપવા... કાદંબરી માટે આટલું કાફી હતું. હૈદરાબાદની એક ફિલ્મસિટીના સેટ્સ અને ગાર્ડનમાં તથા શિલ્પગ્રામમાં ફરતી વેળાએ કાદંબરી વૈંકટની બાજુમાં જ ફરતી રહી હતી. એક ફ્રેન્ડે ટોણો મારતાં કહ્યું હતું: ‘અહીં રોકાઇ જવાનો તો ઇરાદો નથી ને!?’ ત્યાં બીજા ફ્રેન્ડે વાગ્બાણ છોડતાં કહ્યું હતું: ‘ના... સાથે લઇ આવવાનું વિચારે છે.’ હાસ્યની છોળો વચ્ચે એક યુવાન વચ્ચે કૂદી પડ્યો હતો. 

તેણે મોઘમમાં કહ્યું હતું: ‘સાથે છે તેનું વિચારે તો સારું...!’ યુવાનોમાં આવી મીઠી મજાક હોય તેથી કાદંબરીને ચીડ ચઢી નહોતી. તે મનોમન સ્પષ્ટ હતી કે જે ગમે છે તેનો આમ ઘડી બે ઘડી સંગાથ માણી લેવાનો... બાકી તો બધાને મનગમતું મળતું નથી અને મળે છે તે ગમતું નથી!‘વૈંકટ! એ સબ તમાશા ક્યા હૈ!?’ પણ વૈંકટ કશું જ બોલ્યા વગર તેની જાતને રંગથી બચાવવા દયામણા ચહેરે તાકી રહ્યો છે.

‘આમ ખેંચી લ્યો ને...’ એક યુવાને ઊંચા અવાજે કહ્યું: ‘રંગવા માટે પૂછવાનું થોડું હોય!’કાદંબરી સાવ પાસે આવીને વૈંકટના મોં સામે તાકી રહી. તેણે વૈંકટનો આવો વિચિત્ર અને દયામણો ચહેરો કલોથ માર્કેટમાં જોયો હતો. માર્કેટમાં મોટાભાગના વેપારીઓ ગુજરાતી હતા, કહેતા હતા: આ બધું અમદાવાદ અને સુરતથી લાવીએ છીએ... છતાં યુવાનો ફટાફટ કપડાંની ખરીદી કરતાં હતાં. આ વેળા વૈંકટ લાચાર વદને દૂર ઊભો હતો. તેને પણ સારાં કપડાં ખરીદવાનું મન થયું હતું પણ ખિસ્સું સાથ નહીં આપતું હોય!

વૈંકટને બે બાવડેથી ઝાલીને બહાર ખેંચ્યો, હોસ્ટેલના મેદાનમાં લઇ આવ્યા પછી એક્સાથે અનેક પિચકારીઓ રંગબેરંગી ફુવારાની જેમ ફૂટી અને વૈંકટ પગથી માથા સુધી રંગાઇ ગયો.‘રંગો... ઓર રંગો...’ વૈંકટ કરુણાસભર ચિત્કાર સાથે બોલ્યો: ‘અબ તો કુછ બચા નહીં...’પણ પછી વૈંકટે હકીકત જણાવતાં કહ્યું કે, મારી પાસે સારા કહી શકાય તેવા આ એક જ જોડ કપડાં છે. મારે આજે મારી ફ્રેન્ડને મળવા જવાનું હતું!વૈંકટનું આમ કહેવું સાંભળી સોપો પડી ગયો, સન્નાટો છવાઇ ગયો. ગરીબ હોવાની સમસ્યા શું હોઇ શકે તે સમજાવવાની જરૂર નહોતી.

એક યુવાને આગળ આવીને કહ્યું: ‘એમાં શું મૂંઝાઇ ગયો દોસ્ત... મારી પાસે નવાં ખરીદેલાં કપડાં છે. ચાલ હું આપું...’ ‘ના...!’ વૈંકટ ઊંચા અવાજે બોલ્યો: ‘એ મારી કમાણીનાં નથી ને!’કાદંબરી કોઇના સામે જોવાના બદલે આકાશ સામે તાકવા લાગી. વરસાદી વાદળાઓ વિખેરાઇને આકાશ સાવ ચોખ્ખું થઇ ગયું હતું. 

Comments