સંબંધોની આરપાર - મીતવા ચતુર્વેદી
આકાશ અમેરિકામાં જન્મ્યો અને ઉછર્યો હતો. ત્યાંની એક યુનિર્વિસટીમાં એમબીએનો અભ્યાસ કરીને તે સારી પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી કરતો હતો. તેને અપર્ણા નામની યુવતી સાથે પ્રેમ થયો અને ત્યારબાદ લગ્ન. લગ્નજીવનની સફળતાના ફળરૂપે તેને એક દીકરો પણ હતો. વર્ષોથી ઈન્ડિયા રહેવાનું સ્વપ્ન અને અમદાવાદની એક કંપનીમાં મસમોટું પેકેજ મળવાને કારણે તે થોડાં વર્ષ માટે પરિવાર સાથે અમદાવાદ આવી ગયો.
આકાશ દેખાવે એકદમ હેન્ડસમ અને સ્માર્ટ. છ ફૂટ જેટલી હાઈટ,કસાયેલું શરીર, તેમની ઓફિસમાં આકાશની સાથે રિતુ નામની યુવતી કામ કરતી હતી. રિતુ બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ યુવતી હતી. તે સંપૂર્ણ રીતે પશ્ચિમના રંગે રંગાયેલી હતી. દૂધ જેવો સફેદ વર્ણ, કોઈને પણ ઘાયલ કરી દે તેવી તીક્ષ્ણ નજર અને માદક સ્મિત, ફૂલ જેવા કોમળ ગુલાબી હોઠ. અવાજમાં એવી તો માદકતા કે તેના શબ્દોના બાણથી સાક્ષાત્ કામદેવ પણ ઘાયલ થઈ જાય. તે હંમેશાં ટ્રાઉઝર અથવા ઢીંચણ સુધીનું સ્કર્ટ અને બ્લેઝર પહેરતી. જો કોઈની નજર ફરતી-ફરતી તેના પર આવી જાય તો ત્યાં જ અટકી જાય તેવી આકર્ષક. તેને જોનાર દરેક યુવાનો માટે તે ડ્રિમ ગર્લ જ હતી. તેનામાં એવાં તો કામણ ભર્યાં હતાં કે કોઈ પણ યુવાન તેને પામવા અધીરો બની જાય.
થોડા જ સમયમાં આકાશ અને રિતુ વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ. સમય વીતવાની સાથે મિત્રતા વધુ ગાઢ બનતી ગઈ. બંને સાથે જમતાં, કોફી પીતાં, કામ કરતાં, બંનેનું કામ પૂરું થાય પછી સાથે જ ઘરે જવા નીકળતા. બંને વચ્ચે લાગણીના સંબંધો એવા હતા કે એકને વાગે તો બીજાને દરદ થાય. અપર્ણા અને રિતુને પણ સારું એવું બનતું.
કેટકેટલાંય યુવાનોએ તેની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ દરેકનો પ્રસ્તાવ તેણે ઠુકરાવી દીધો હતો. કોઈને નહોતું સમજાતું કે તેને કેવો યુવાન જોઈએ છીએ, પરંતુ પોતાના સ્વપ્નનો રાજકુમાર કેવો હશે તે રિતુ સારી રીતે જાણતી હતી અને હવે તેની શોધ પૂરી થઈ ગઈ હતી. રિતુ મનોમન આકાશને ચાહવા લાગી હતી. જોકે આ બાબતથી આકાશ તદ્દન અજાણ હતો.
એક દિવસ વધારે કામ હોવાને કારણે આકાશ ઓફિસમાં મોડે સુધી રોકાવાનો હતો. ઓફિસના તમામ કર્મચારીઓ સમય થતાં નીકળવા લાગ્યા, પરંતુ રિતુ આકાશ સાથે રોકાઈ. રાતના અગિયાર વાગ્યા હતા.
‘રિતુ મારે હજુ પણ મોડું થશે, તું નીકળ.’ આકાશે કહ્યું.
‘ના, તું કામ પૂરું કરી દે પછી સાથે જ જઈશું. ઓકે!’ રિતુએ જવાબ આપ્યો.
આકાશ તેનું કામ કરી રહ્યો હતો, જ્યારે રિતુ ઓફિસમાં બે-પાંચ મિનિટ ચક્કર મારતી અને પછી આકાશની બાજુમાં બેસી જતી. રિતુ આકાશ સામે જોઈ મનમાં ને મનમાં વિચારી રહી હતી કે, ‘આજે મારા પ્રેમનો એકરાર કરવાની સારી તક મળી છે. જો આજનો દિવસ ચૂકી જાઈશ તો ફરી ક્યારેય આવી તક નહીં મળે.’
તેણે પોતાનું બ્લેઝર ઉતારી દીધું અને આકાશની બાજુમાં ઊભી રહી ગઈ. આજે તેના વર્તનમાં થોડીક માદકતા હતી. આકાશે તેની સામે જોયું, રિતુની આંખોમાં આજે કંઈક અલગ જ નશો છલકતો હતો. બ્લેઝર વગરના શર્ટમાંથી દેખાતું તેનું શરીર ખૂબ જ આકર્ષક લાગી રહ્યું હતું. તેના નિતંબ અને ઉભાર ઘાટીલા શરીરને અલગ જ ઓપ આપી રહ્યાં હતાં. તે સાક્ષાત્ રતિનો અવતાર લાગતી હતી. તેણે આકાશનો હાથ પકડીને પોતાની તરફ ખેંચ્યો, ધીમા અવાજે પ્રેમનો એકરાર કરી પ્રેમ તરસ્યાં હોઠે તેને ચુંબન કરતાં કરતાં વળગી પડી. આકાશે તેને આગળ વધતા અટકાવી અને પોતાના હાથ રિતુના ખભા પર ટેકવીને સમજાવા લાગ્યો કે, ‘રિતુ, હું પણ તને પ્રેમ કરું છું, પરંતુ એક મિત્ર તરીકે. મારી એક પત્ની અને બાળક છે જેમને હું પ્રેમ કરું છું. તને પણ એવું કોઈ મળશે, જે તને ખૂબ પ્રેમ કરશે.’ રિતુની આંખો શરમથી ઝૂકી ગઈ.
ત્યારબાદ બંને કામ પૂરું કરીને સાથે ઘરે જવા નીકળ્યાં.
આટલું ન ભૂલશો
* મિત્ર તરીકે અને જીવનસાથી તરીકેના પ્રેમ વચ્ચે પાતળી ભેદરેખા હોય છે. જેને પારખતા શીખવું જરૂરી છે.
* સારા પુરુષ મિત્ર મળવા એ નસીબની વાત છે પણ બધા જ સારા નથી હોતા, તેથી ભરોસો કરતાં પહેલાં પૂરો વિચાર કરવો જોઈએ.
* કોઈની દોસ્તીને પ્રેમ સમજી લેવો એ ભૂલ છે અને જોખમી પણ છે.
* સ્ત્રી હોય કે પુરુષ, તેમણે હંમેશાં સારી વ્યક્તિઓ સાથે જ મિત્રતા કરવી જોઈએ.
* માત્ર શારીરિક આકર્ષણથી જ પ્રેમ મેળવી શકાય તેવું નથી.
Comments
Post a Comment
Thanx For Comment