રાઘવજી માધડ: તે મારા શ્વાસનો પર્યાય હતી

હળવેક રહીને નાનાભાઇ નિર્વેદને કાજલે કહ્યું: ‘ભાઇ! આમ જ ચાલશે તો, મમ્મીની માફક પપ્પાને પણ ગુમાવવાનો વારો આવશે... અને પછી તો આપણા માટે ઉપર આભ અને નીચે ધરતી સિવાય બીજો કોઇ જ આશરો નહીં હોય!’મમ્મીનાં મૃત્યુ પછી પપ્પાનું આમ ઝૂરવું, વિરહમાં વ્યથિત રહેવું અથવા તો પપ્પાની પીડા યુવાન ભાઇ-બહેનથી અજાણ નહોતી. તેમને થયું કે પપ્પા આમ જ રિબાતા રહેશે તો લાંબું જીવી નહીં શકે! કોઇપણ સ્થિતિમાં તેઓ પપ્પાને ખોવા માગતાં નહોતાં.

કાજલ ફાર્મસીના છેલ્લા સેમિસ્ટરમાં છે અને નિર્વેદ ફાઇન આર્ટ્સના ડિગ્રી કોર્ષમાં અભ્યાસ કરે છે. બંને ભારે ચતુર અને સમજણાં છે. મોજ-મસ્તીથી રહેતાં અને ભણતાં હતાં પણ મમ્મીનાં મૃત્યુ પછી ઘરમાં જ નહીં જીવનમાં પણ શૂન્ય-અવકાશ સર્જાયો છે. જગતની મોટી બે કરુણતાઓ એક ઘર વગરની માતા અને બીજું માતા વગરનું ઘર. આ ઘર હવે સ્મશાન જેવું ભાસે છે અને તેમાં ત્રણ જીવતી લાશો શ્વસે છે. હતું કે પપ્પા સઘળું સંભાળી લેશે પણ આ ભાઇ-બહેનને તો પપ્પાને સંભાળવા પડે તેવી સ્થિતિ સર્જાણી છે. 

પપ્પા કહે છે: ‘જીવનનાં પચ્ચીસ વર્ષ અમે સાથે રહ્યાં છીએ. સાથે શ્વાસ લઇને અમે મઝાનો આ માળો બાંધ્યો છે. ખરું કહું તો એણે મને જેવો છું તેવો સ્વીકારીને સહન અને વહન કર્યો છે. હવે હું તેના અસ્તિત્વનો એવો તો એદી બની ગયો છું કે તેના વગર જીવવું મારા માટે શક્ય નથી લાગતું!’ કાજલને પપ્પા પ્રત્યે અસીમ લાગણી છે. પપ્પાની આંખનું એક આંસુ પણ કાજલના કોમલ દિલને ફફડાવી મૂકે છે. એક તો મમ્મી વગરનું ઘર નહીં જીવન સૂનકાર લાગે છે તેમાં પપ્પા આવું કહે તો પછી આશ્વાસન મેળવવા જવું ક્યાં!?

પપ્પા સરકારી કર્મચારી છે. તેમના ન હોવાથી સરકારી મકાન ખાલી કરવું પડે. નવું મકાન ખરીદવું તે મધ્યમવર્ગ માટે આસમાનમાંથી તારા તોડવા જેવું કઠણ અને કપરું છે... કાજલને આવા ઘણા પ્રકારના વિચારો આવે છે તેથી તે વધારે વ્યથિત છે. આવી સ્થિતિમાં શું કરવું તે તેના માટે એક કોયડો બની ગયો છે.

બંને ભાઇ-બહેન સાથે બેસીને વિચારે છે કે હવે શું કરવું? સગાં-સંબંધી આવે, મદદ કરે પણ અહીં તો ઘરનો મોભ જ તૂટ્યો હતો. મોભને ટેકો કોણ દે? કોઇ રસ્તો સૂઝતો નથી. એક ક્ષણે પપ્પા પર પણ ગુસ્સો ઊપજે છે. કાજલ મનોમન બોલે છે: ‘પપ્પા! આવા સમયે તો તમારે મમ્મી અને પપ્પાની બેવડી ભૂમિકા ભજવવાની હોય... તેના બદલે સાવ પાણીમાં બેસી ગયા!’

પણ પપ્પા સાચા છે એમ નથી કહેવું પણ તેમની આ સ્થિતિ માટે તે જરાપણ ખોટા નથી. કારણ કે વ્યક્તિની હયાતીમાં તેનું ભાગ્યે જ મૂલ્ય સમજાતું હોય છે, કદર થતી હોય છે. પપ્પાને ભાન થઇ ગયું છે કે તે શરીરમાં ધબકતા લોહીનો લય હતી, શ્વાસનો પર્યાય હતી. તેના વગરનું જીવન અધૂરું કે અશક્ય છે.

દુ:ખનું ઓસડ દહાડા પણ અહીં આ કહેવત ખોટી પડી છે. દિન-પ્રતિદિન દુ:ખ વધતું જાય છે. કારણ કે ઘરનું તંત્ર લકવાગ્રસ્ત થઇ ગયું છે. ભાઇ-બહેનને ભણવા જવાનું અને પપ્પાને નોકરીએ... તેમાં ઘરકામની સઘળી જવાબદારી કાજલ માથે આવી પડી છે. તે સંભાળે છે પણ અભ્યાસનો રિયાજ તૂટી ગયો છે. કદાચ ડ્રોપ લેવો પડે અને ઉજજવળ ભવિષ્ય પર પૂર્ણવિરામ મુકાઇ જાય!

કુટુંબીઓએ કહ્યું: ‘બેસ્ટ વે... બીજું ઘર કરી લો!’ પણ પપ્પા તે વાત માનવા તૈયાર નથી. તેમનું કહેવું છે કે, મને વાઇફ મળશે પણ મારાં આ સંતાનોને મમ્મી નહીં મળે. વાત હૈયું હરખાઇ તેવી છે. સૃષ્ટિના સર્જનકર્તાએ માતાનું સર્જન કરી હાથ ધોઇ નાખ્યા છે. તેથી માતાનો કોઇ જ વિકલ્પ ન હોઇ શકે. નવ-નવ માસ ઉદરમાં રાખી, પ્રસવની વેદના વેઠી નવજાત શિશુનું અવતરણ કરનાર જન્મદાત્રીનો જગતમાં જોટો ન જડે.

કાજલ મનોમંથન કરે છે પણ મારગ મળતો નથી. ઘણી વખત સાંભળવા મળે છે કે આજના યુવાનો બેફિકર હોય છે, ઘરની કશી પડી જ હોતી નથી, તેની દુનિયામાં જ જીવતાં હોય છે. પણ સાવ સાચું નથી. યુવાન સંતાનોની ઘર પ્રત્યેની ચિંતાની ભાગ્યે જ નોંધ લેવામાં કે સ્વીકારવામાં આવે છે. યુવાન થયા પછી પણ તેને નાનું બાળક સમજવાની બાલિશતા કરવી જોઇએ નહીં. હા, દરેક મા-બાપ માટે તેનું સંતાન નાનું લાગે તે સ્વાભાવિક છે પણ તેની સમજદારીને ઘડવા માટે જવાબદારી સોંપો. ઘરનાં નાનાં-મોટાં કામ તેને જીવનની વાસ્તવિકતાના પદાર્થપાઠ શીખવશે.

નિર્વેદની સાથે ચર્ચા કરીને કાજલ એક નિર્ણય પર આવીને ઊભી રહે છે. તે પૂર્વે તેણે મામા અને કાકાની પણ સલાહ લીધી છે. કાજલ ન્યૂઝ પેપરમાં એડ્. આપે છે: ‘જોઇએ છે, અમારા પ્રેમાળ પપ્પા માટે એક જીવનસંગિની...’ 

Comments