મદદ કરતાં મિત્રોને ન ભૂલીએ



એક ચકલી ખેતરમાંથી અનાજનો દાણો ચાંચમાં પરોવીને લાવી હતી. ચકલી દાણાને ખાવા માટે પથ્થર પર મૂકે છે, પરંતુ દાણો ત્યાંથી પડી જાય છે. ચકીબહેન દાણાને ખૂબ જ શોધે છે, પરંતુ તે દાણો તેને શોધ્યો જડતો નથી. થોડા દિવસ બાદ ત્યાં જોરદાર વરસાદ પડે છે. એ પછી જમીન પર એક મસ્ત મજાનો નાનો એવો છોડ ઊગી નીકળે છે અને આ છોડ એ જ દાણામાંથી ઊગ્યો હોય છે જે પેલી ચકલી લઈને આવી હતી.
 એ દાણાને જોઇને એક ખિસકોલી તેને ખાવા લલચાય છે, પરંતુ આ શું? જેવી ખિસકોલી તેને ખાવા માટે જાય છે તેવો તુરંત જ તે નાનો છોડ બોલી ઊઠયો, “હે પ્રિય ગિલ્લુ, હજી હું ખૂબ જ નાનો છું. થોડો મોટો થઇ જાઉં એટલે મને ખાજે.” આ સાંભળી ગિલ્લુ ખિસકોલી હસીને તેને વ્હાલ કરીને ચાલી ગઈ.
સૂર્યપ્રકાશ અને પાણી આરોગીને તે છોડ ધીમે ધીમે મોટો થવા લાગ્યો. થોડાક જ સમયમાં તે એક હર્યો ભર્યો છોડ બની ગયો હતો. તેને જોઇને એક બકરી છોડને ખાવા માટે ત્યાં દોડી ગઇ, જેવું તેણે છોડને ખાવા મોઢું ખોલ્યું કે તે છોડ બોલ્યો, “એ કજરીબહેન, થોડી રાહ જુઓને, હજી તો મારે ખૂબ મોટા બનીને ઊંચા આકાશને આંબવાનું છે, હું ખૂબ મોટો થઈ જાઉં પછી મને ખાજો પ્લીઝ.” આ સાંભળીને બકરી તેના પાંદડાં પર હેતથી જીભ ફેરવીને બેં બેં કરીને ત્યાંથી ચાલી ગઈ.
હવે છોડમાંથી મસમોટું વૃક્ષ બની ઊઠયું હતું. તે વૃક્ષમાં ઘણાં બધાં પંખીઓ વસવાટ કરવાં લાગ્યાં હતાં અને તેમાં સુખેથી રહેવાં લાગ્યાં હતાં. વૃક્ષ મોટું તો થઈ ગયું, પરંતુ તે તેના નાનપણના દિવસો યાદ કરતું હતું કે કેવી રીતે તે દરેકના દિલ જીતી મોટું થતું ગયું. તેટલામાં પેલી ચકલી તેનાં બચ્ચાંઓ સાથે આવી ને ત્યાં ચીં ચીં કરીને રહેવા લાગી, પછી થોડી જ વારમાં ગિલ્લુ ખિસકોલી આવીને તે વૃક્ષને કહેવા લાગી, “અરે, મને ઓળખી કે નહીં? વૃક્ષે કહ્યું કેમ નહીં તમને કેમ ન ઓળખું.” પછી વૃક્ષે વિનમ્ર ભાવે કહ્યું, “ગિલ્લુજી, હવે તમારે મારામાંથી જેટલાં ફળ ખાવાં હોય તેટલાં ખાઓ. હવે તો હું ખૂબ જ મોટો અને વિશાળ બની ગયો છું.” આવું સાંભળતાં જ ગિલ્લુ હસીને તેનાં મીઠાં મધુરાં ફળ ખાવા માંડી. એક દિવસ અચાનક ત્યાંથી બકરીનું ટોળું પસાર થઈ રહ્યું હતું. તે જોતાં જ વૃક્ષ બોલી ઊઠયું, “એ કજરીબહેન.” કજરી બેં બેં કરતી વૃક્ષ સામે જોતી રહી ને કહ્યું, “અરે, તું આટલું વિશાળ બની ગયું!”પછી તો કજરી તેના સાથી મિત્રો સાથે તે વૃક્ષની નીચે જ રહેવા લાગી અને તેનાં કૂણાં પાંદડાં ખાઈને હરખાવા લાગી.

Comments