ડો.શરદ ઠાકર: ગયા મિત્રોને મળવા ને કરી ચર્ચાઓ શત્રુની?



  
હું અને મજાક? રામ...! રામ...! રામ...! આવી ગંભીર વાતમાં હું મજાક કરતો હોઇશ ક્યારેય? સાચું કહું તો મારા ખાસ મિત્ર વિશે આવી વાત કહેતાં મને દિલગીરી થાય છે, પણ જ્યારે તમારો વિચાર કરું છું ત્યારે મને લાગે છે કે એક નિર્દોષ યુવતીનું ભવિષ્ય ધૂળધાણી થઇ રહ્યું હોય ત્યારે મારે દોસ્તીને વચમાં ન લાવવી જોઇએ, પણ જો તમને મારી વાત મજાક જેવી લાગતી હોય તો હું ખામોશ રહેવાનું પસંદ કરીશ.

નામ એનું ખંજન કાંટાવાલા, પણ કોલેજમાં સૌ એને ખંજન ખબરી તરીકે ઓળખે. જીવતું-જાગતું, હરતું-ફરતું સમાચારપત્ર જ જોઇ લો જાણે! ‘પલ-પલકી ખબરે’ એ જ એનો મુદ્રાલેખ. ‘સબ સે તેજ’ એ જ એનો એકમાત્ર ધર્મ. ‘ચેનલ વો હી જો સચ દિખલાયે’ એ એનું એક માત્ર જીવનકાર્ય. પછી એ એવું વિચારવા ન ઊભો રહે કે પોતાની પાસે આવેલા સમાચાર જાહેર કરવા કે ન કરવા! એને જ્યારે ખબર પડી કે એના કલાસમાં ભણતો જિતાંશુ એક વર્ષ પાછળ ભણતી જયના સાથે પ્રેમની બાજી ગોઠવવામાં સફળ રહ્યો છે, કે તરત જ એણે પોતાનું જીવનકાર્ય આરંભી દીધું.

લાગ જોઇને રિસેસમાં એ જયના પાસે પહોંચી ગયો, ‘હાય! કોંગ્રેટ્સ! મને તો હમણાં જ ખબર પડી કે તમે અને જિતાંશુ...’જયના બિલકુલ એક છોકરી શરમાય એ રીતે શરમાઇ ગઇ, ‘તમને કોણે કહ્યું?’‘કહેવાનું બીજું કોણ હતું? જિતાંશુ... જીત મારો ખાસ ભાઇબંધ છે. એણે કહ્યું કે બે વર્ષથી કોઇ સુંદર, ભોળી છોકરીને લપેટવાની કોશિશ કરતો હતો, માંડ એક મૃગલી જાળમાં સપડાઇ છે.’

‘શું?’ જયના ભડકી ઊઠી, ‘તમે મજાક તો નથી કરતા ને?’‘હું અને મજાક? રામ...! રામ...! રામ...! આવી ગંભીર વાતમાં હું મજાક કરતો હોઇશ ક્યારેય? સાચું કહું તો મારા ખાસ મિત્ર વિશે આવી વાત કહેતાં મને દિલગીરી થાય છે, પણ જ્યારે તમારો વિચાર કરું છું ત્યારે મને લાગે છે કે એક નિર્દોષ યુવતીનું ભવિષ્ય ધૂળધાણી થઇ રહ્યું હોય ત્યારે મારે દોસ્તીને વચમાં ન લાવવી જોઇએ, પણ જો તમને મારી વાત મજાક જેવી લાગતી હોય તો હું ખામોશ રહેવાનું પસંદ કરીશ.’

‘નહીં, નહીં! હું તમને ઓળખું છું. કોલેજમાં તમારી છાપ એક મહેનતુ ખબરપત્રી તરીકેની છે. તમે કહેતા જાવ, હું સાંભળતી જાઉં છું.’ જયના એક વાર ટી.વી. સેટની સામે ગોઠવાઇ ગઇ, કે તરત ખંજન ખબરીએ ‘બ્રેકિંગ ન્યૂઝ’ વાંચવા શરૂ કરી દીધા. અત્યાર સુધી એણે જે કહ્યું એ તો માત્ર હેડલાઇન્સ હતી, હવે સમાચારો વિગતવાર રજૂ થઇ રહ્યા. પૂરી ત્રીસ મિનિટના ન્યૂઝ બુલેટીન પછી જયના જિતાંશુ વિશે એ બધું જાણી ચૂકી હતી, જે કોઇપણ પ્રેમિકાએ એના પ્રેમી વિશે ન જાણવું જોઇએ.

પછી પરિણામ શું હોય? એ સાંજે જે જયના-જિતાંશુના નવજાત પ્રણયસંબંધનું બારમું ઊજવાઇ ગયું. ખંજનના જમા પક્ષે એટલું કહેવું પડશે કે એણે જિતાંશુ વિશે જે કંઇ માહિતી ‘લીક’ કરી હતી એ શબ્દશ: સાચી તો હતી. પ્રશ્ન માત્ર એ હતો કે એક મિત્રે બીજા મિત્ર વિશેની આવી વાતો એની સંભવિત પત્ની સમક્ષ ખુલ્લી કરવી જોઇએ કે નહીં? પણ આવું તો ન્યૂઝ ચેનલો પણ ક્યાં નથી કરતી હોતી! એક વાર ખંજન ખબરીને ખબર મળી કે કેમેસ્ટ્રીના લેકચરર બક્ષી અને પહેલી બેન્ચ ઉપર બેસતી પ્રિયા વચ્ચે કશુંક રંધાઇ રહ્યું છે.

પ્રિયા લેબોરેટરીના એકાંત ખૂણામાં બક્ષીને લાલ ગુલાબ આપતી હતી અને ત્યારે ખંજને એ બેયને જોઇ લીધા. થોડાક દિવસ પછી ખંજન ખબરી બક્ષી સરના ઘરે પહોંચી ગયો. મિસિસ બક્ષીને મળ્યો, ‘હું ભૂખણદાસ ભંડારી સાયન્સ કોલેજનો વિદ્યાર્થી...’‘એમ? મારા પતિ એ જ કોલેજમાં કેમેસ્ટ્રી ભણાવે છે.’ મિસિસ બક્ષીએ હસીને આવકાર આપ્યો.‘તમારા પતિ અમને છોકરાઓને તો કેમેસ્ટ્રી શીખવે છે, પણ કોલેજની સુંદર કન્યાઓને બાયોકેમેસ્ટ્રીનું મેચિંગ કરતાં.....’‘શું? તમે મજાક તો નથી કરતા ને?’ મિસિસ ભડક્યાં.

‘મારી વાત તમને મજાક લાગે છે? જો વિશ્વાસ ન પડતો હોય, તો આજે બપોરના ત્રણથી છના શોમાં રંગમંદિર થિયેટરમાં એક આંટો મારી આવજો. બાલ્કનીમાં ‘સી’ હરોળની કોર્નરની બેઠકોમાં તમારા સ્વામીનાથ અમારી સાથે ભણતી પ્રિયા સાથે...’‘શું કહો છો તમે? રંગમંદિર થિયેટરમાં? હું ચોક્કસ જઇશ, પણ ટિકિટનું...?’‘લો, આ રહી બે ટિકિટ! બક્ષી સરની પાછળની બે બેઠકોની છે. તમારે એકલાં જવું હોય તો એકલાં અને સાથે કોઇ બહેનપણીને...’‘તમે આવશો મારી સાથે?’‘હું તમારી પાછળની હરોળમાં બેઠો હોઇશ. બેસ્ટ ઓફ લક!’ ખંજને ચાલતી પકડી.

બપોરના ત્રણથી છના શોમાં પ્રેક્ષકોને એક જ ટિકિટમાં બબ્બે ફિલ્મો માણવા મળી ગઇ. મિસિસ બક્ષીએ પ્રો. બક્ષીને ઝાપટી નાખ્યા. પ્રિયા તો છુમંતર જ થઇ ગઇ. બીજા દિવસે સ્થાનિક અખબારમાં હેડલાઇન ચમકી: ‘શહેરની એક માત્ર સાયન્સ કોલેજના રંગીન પ્રોફેસર એમની જ વિદ્યાર્થિની સાથે ટોકીઝમાં કઢંગી હાલતમાં ઝડપાયા. પત્નીએ ચખાડેલો મેથીપાક. ગુરુ અને શિષ્યાના પવિત્ર સંબંધો તાર-તાર થઇ ગયા.’આખી કોલેજમાં ત્રાસ વર્તાઇ રહ્યો. અભ્યાસનો સંપૂર્ણ કાર્યકાળ ત્રણ વર્ષનો, પણ એ ત્રણ વર્ષમાં ખંજન ખબરીએ ઓછામાં ઓછા ત્રીસેક જેટલાં પ્રેમીપંખીડાંઓને વિખૂટા પાડી નાખ્યાં, કેટલાંકના સંબંધો ભાંગ્યા, કેટલાંકનાં હાડકાં ભાંગ્યાં તો કેટલાંક ગુરુજીઓનાં ઘરો ભાંગ્યાં.

જે જે છોકરાઓએ સહન કર્યું હતું એ બધા ટાંપીને બેઠા હતા કે ખબરી ક્યારે લાગમાં આવે! પણ એટલું કહેવું પડશે કે ખબરી વિશેના કોઇ જ ખરાબ ખબર મળી શકે તેમ ન હતા. એક માત્ર આ કુટેવને બાદ કરતાં એની અંગત જિંદગીમાં કશું જ નકારાત્મક ન હતું. એનું ચારિત્ર્યનું વસ્ત્ર એક પણ ડાઘા વગરનું સ્વચ્છ અને શ્વેત હતું. કોઇપણ શત્રુ એનું કશું જ બગાડી ન શક્યું. ખંજન હેમખેમ કોલેજ પાર ઊતરી ગયો. ધીમે ધીમે એના સહાધ્યાયીઓ પરણી ગયા અને પોત-પોતાના સંસારમાં ગોઠવાઇ ગયા.

ખંજન પણ ગોઠવાઇ ગયો. એને ખૂબ રૂપાળી પત્ની મળી ગઇ. ખયાલ ખરેખર ચબરાક અને આકર્ષક સ્ત્રી હતી. બંને જણાંનું દાંપત્ય સુખેથી વીતી રહ્યું. એમના સંસારવૃક્ષ ઉપર બે મઝાનાં પુષ્પો ખીલ્યાં. વિરોધીઓ લાચાર બનીને હાથ ઘસતા રહ્યા. ખંજન મનોમન ગણગણી લેતો હતો: ‘મુદ્ઇ લાખ બુરા ચાહે ક્યા હોતા હૈ? વો હી હોતા હૈ જો મંજૂર-એ-ખબરી હોતા હૈ!’

@@@

માત્ર ખંજનના મિત્રવર્તુળમાં જ નહીં, શહેર આખામાં ખળભળાટ મચી ગયો. જેને-જેને આ વાતની ખબર પડી તે અચંબિત રહી ગયા. જિતાંશુએ ફોન કરી-કરીને પંદર-વીસ મિત્રોને જાણ કરી, ‘આજે સાંજે મારા ફાર્મહાઉસ ઉપર મળીએ. સાથે જમીશું.’સાંજે સૌ ભેગા થયા. જિતાંશુએ જ વાત કાઢી, ‘તમને આપણા કોલેજકાળના નારદમુનિ વિશેની તાજી ઘટનાની વાત જાણવા મળી કે નહીં?’‘હા, સાંભળ્યું છે કે એની પત્ની કોઇની સાથે ભાગી ગઇ!’ મુંજાલ કોઠારીએ કહ્યું, ‘પણ એ બંનેનો સંસાર તો બહુ સુખી હતો.

આવું કેમ થયું?’‘એમનો સંસાર સુખી હતો નહીં, પણ સુખી દેખાતો હતો. ખંજન નખશિખ સજજન પુરુષ હતો, ચારિત્ર્યવાન હતો, નિવ્ર્યસની હતો. પણ સામે એની પત્ની રંગીન મિજાજની હતી. એને ખાંડ વગરની મોળી ચા જેવો આ પુરુષ પસંદ ન પડ્યો. એણે મસાલાવાળી ચાનો ગરમા-ગરમ કપ શોધી લીધો. ખંજનિયાને સૂતો મેલીને નાસી ગઇ.’ જિતાંશુએ સમાચાર વિગતવાર રજૂ કર્યા.

અમિતને આ જરાક વિચિત્ર લાગ્યું, ‘જીત! તારા બોલવામાં મને ખુશીની બૂ કેમ આવી રહી છે?’‘એ તને નહીં સમજાય, દોસ્ત! આપણે ભણતા હતા ત્યારે ખંજને ઓછાં પાપકર્મો નહોતાં કર્યા. કંઇ કેટલીય જોડીઓને એણે ખંડિત કરી હશે. એ બધા જ પુરુષો ખરાબ હતા કે સારા એની વાત જવા દઇએ, પણ હું તો ખરેખર નિષ્કલંક હતો. જયનાને હું સાચો પ્રેમ કરતો હતો. ખંજને અમારાં સ્વપ્નો સળગાવી મૂક્યાં. હું તો એનું શું બગાડી શકવાનો હતો! નક્કી આ કામ કોઇ અર્દશ્ય શક્તિનું જ હોવું જોઇએ. તમે એને સંજોગો કહો, ઇશ્વર કહો કે કર્મનું ફળ ગણો, પણ એટલું નિશ્વિત છે કે જિંદગીભર સારસ-સારસીની જોડલીને છુટી પાડવાનું પાપ કરનાર શિકારી એની સજામાંથી ક્યારેય છટકી શકતો નથી.’

(સત્ય ઘટના. જરૂરી ફેરફાર સાથે.)

(શીર્ષક પંક્તિ: મુસાફિક પાલનપુરી)

Comments