ડો.શરદ ઠાકર: કાં તને પામું, કાં મૃત્યુને!



  
શ્રાવ્યા, મારી પાસે હવે ઝાઝો સમય નથી. આ છેલ્લી ટર્મ ચાલે છે. બે મહિના પછી પરીક્ષા આવશે. પછી આપણે છુટાં પડી જઇશું. મેં નિર્ણય લઇ લીધો છે, કાં તને પામું, કાં મૃત્યુને!

એક, બે કે પાંચ નહીં, પણ પૂરી પંદર છોકરીઓએ શ્રાવ્યાને મળીને આ એકનો એક સવાલ પૂછી લીધો, ‘શું થયું છે? આજે તારી તબિયત ઠીક નથી કે શું? તારું મોં સાવ પડી ગયું છે.’જવાબમાં શ્રાવ્યાએ બધી સહેલીઓને આવું જ કહ્યું, ‘ના, એવું કંઇ નથી.’ શ્રાવ્યાને સાચું બોલી નાખવાની ઇચ્છા તો તીવ્રપણે થઇ આવી, પણ એ બોલી ન શકી. કહેવું તો કોને કહેવું એ પણ એક પ્રકારની મૂંઝવણ હતી.

આ કોલેજમાં એ નવી જ આવેલી હતી. એના પપ્પા સરકારી અધિકારી હતા. બહારગામથી બદલી સાથે બઢતી પામીને ચાલુ સત્રે તેઓ આ શહેરમાં આવેલા હતા, એટલે શ્રાવ્યાએ જ્યારે કોલેજમાં પ્રવેશ લીધો ત્યારે સાડા ત્રણ મહિના તો પૂરા થવા આવ્યા હતા. એને આવ્યે તો માંડ સાત-આઠ દિવસ થયા હશે. આટલા ટૂંકા સમયગાળામાં એને આટલી અંગત વાત કરવા જેવી ગાઢ સાહેલી તો મળવી હજુ બાકી જ હતી.

રિસેસ પૂરી થઇ એ પછીના પિરિયડમાં પણ શ્રાવ્યાનો મૂડ એવો ને એવો જ ચાલુ રહ્યો. બાજુમાં બેઠેલી સોનલે નોટબુકના પાના ઉપર લખ્યું: ‘જુઠ્ઠું શા માટે બોલે છે? તારો ચહેરો કહી આપે છે કે તું ભયંકર તણાવમાં છે. તું મારી ઉપર ભરોસો મૂકી શકે છે. એવું આ દુનિયામાં કશું જ નથી જેની ચર્ચા મિત્રો સાથે ન થઇ શકે.’

પછી સોનલે એ નોટબુકને હળવેકથી હડસેલીને શ્રાવ્યા બેઠી હતી એ તરફ સરકાવી દીધી. શ્રાવ્યાએ લખાણ વાંચ્યું. એક ક્ષણ પૂરતું તો એનું મન પોચું પડી ગયું. સોનલ સારી ને સંસ્કારી છોકરી હતી. કમસે કમ એવી લાગતી તો હતી. આટલા ઓછા સમયમાં એ શ્રાવ્યાની સારી એવી નિકટ આવી ગઇ હતી.

જોકે હજુ એ ગાઢ, અંતરંગ સાહેલી નહોતી બની ગઇ, પણ અન્ય છોકરીઓ કરતાં તો એ ચોક્કસ વધારે આત્મીય બની ગઇ હતી.અવઢવની થોડીક ક્ષણો કાચ ઉપર બાઝેલા ભેજની જેમ ઊડી ગઇ. ‘ના, આવી વાત કોઇને ન કરાય. સોનલને પણ નહીં.’ શ્રાવ્યાએ નિર્ણય લઇ લીધો. નોટબુકના પાના ઉપર લખી નાખ્યું: નથિંગ ઓફ ઇમ્પોર્ટન્સ. થેન્કસ ફોર ધ કન્સર્ન.પિરિયડ ચાલતો રહ્યો.

પ્રોફેસર વાક્યોનો નાયગ્રા ધોધ દોડાવતા રહ્યા. શ્રાવ્યા બેધ્યાન રહીને વિચારતી રહી: ‘સોનલને તો મેં કહી દીધું કે ખાસ મહત્વનું કહી શકાય તેવું કશું જ બન્યું નથી, પણ હકીકતમાં આજે મારી સાથે કેવું બની ગયું! અત્યાર સુધીની મારી વીસ વર્ષની જિંદગીમાં કોઇ છોકરાએ મારી પાસે આવીને આટલી હિંમતપૂર્વક અને આટલી શાલીનતાથી મને આવું ક્યારેય કહ્યું નથી. કોલેજમાં મારા જેવી ખૂબસૂરત કન્યા પાછળ સીટી મારનારા સેંકડો મળી આવે, હાથ સાથે હાથ અથડાવનારા હજારો નીકળી આવે, ‘લયલા-લયલા’ કહીને લબડનારા લાખો મળી આવે, પણ પોતાને ગમતી યુવતીની આંખમાં આંખ પરોવીને આ રીતે ‘પ્રપોઝ’ કરનારો તો એક માત્ર શ્રમણ જ હોઇ શકે.’

શ્રમણ શાહ એનું નામ. સપ્રમાણ દેહ, ગોરો વાન, ઘાટીલો ચહેરો, ફિલ્મના હીરોની જેવી હેરસ્ટાઇલ. પાતળી સુરેખ મૂછના દોરામાંથી ફૂટતું હૂંફાળું સ્મિત. હજુ બે કલાક પહેલાંની જ ઘટના. સપનાના રાજકુમાર જેવો આ યુવાન અચાનક શ્રાવ્યાના માર્ગમાં આવીને ઊભો રહી ગયો. કોઇ છેડછાડ નહીં, કોઇ છીછરી હરકત નહીં, અશ્લીલ કોમેન્ટ નહીં. સીધી ને મુદ્દાસરની રજૂઆત: ‘હાય! આઈ એમ શ્રમણ. તમારું નામ શ્રાવ્યા છે એની મને ખબર છે. હું તમને કંઇક કહેવા માગું છું.’

શ્રાવ્યા ગભરાઇ ગઇ હતી. એને ખાતરી હતી કે આ છોકરો હવે જરૂર કશીક અજુગતી વાત કરશે. પછી દૂર ઊભેલા છોકરાઓનું ટોળું પોતાની હાલત જોઇને હસશે. આજ કાલ કોલેજમાં નવી આવેલી છોકરીનું આ રીતે પણ ‘રેગિંગ’ કરવામાં આવતું હોય છે. એટલે શ્રાવ્યાએ કંઇ પણ બોલ્યા વગર માત્ર આંખોથી જ પ્રતિભાવ દર્શાવ્યો: ‘શું કહેવા માગો છો?’

‘મેં તમને આજથી ત્રણ દિવસ પહેલાં જોયાં. જિંદગીમાં ક્યારેય રૂપ આટલું રૂપાળું હોઇ શકે એવી મને કલ્પના ન હતી. એમાં તમારી સાદગી ભળી! બસ, હું વીંધાઇ ગયો છું. મિસ શ્રાવ્યા, હું તમને એટલું જ કહેવા માટે આવ્યો છું કે તમને જોયાં પછીની પહેલી રાત મેં જાગરણમાં વિતાવી છે, બીજો દિવસ ઉપવાસમાં પસાર કર્યો છે અને ગઇ કાલની રાત ભીષણ અજંપામાં કાઢી છે. આજે સવારે હું ઊઠ્યો ત્યારે ભીષ્મ પ્રતિજ્ઞા સાથે ઊઠ્યો છું, જો લગ્ન કરીશ તો તમારી સાથે! બસ, આનાથી વધુ મારે કશું કહેવાનું નથી. તમારા જવાબની મને પ્રતીક્ષા રહેશે.’

શ્રમણ તો આટલું કહીને રસ્તામાંથી હટી ગયો, પણ શ્રાવ્યાની હાલત જાણે કોઇએ મૂઠ મારી હોય એના જેવી થઇ ગઇ. એ પછીના પિરિયડમાં પણ એનું ધ્યાન લેકચરમાં રહ્યું જ નહીં. એ શ્રમણની વાતને જ વાગોળતી રહી. આ જે થઇ ગયું તે સારું ગણાય કે ખરાબ? આ સવાલ એનો કેડો મૂકતો ન હતો. કોઇ છોકરો એની છેડછાડ કરે તો શું કરવું એની શ્રાવ્યાને ખબર હતી. એનાં સેન્ડલની છાપ આ પહેલાંની કોલેજમાં ઘણા મજનૂઓના ગાલ ઉપર પડી ચૂકી હતી, પણ શ્રાવ્યા નક્કી કરી શકતી ન હતી કે કોઇ અજાણ્યો યુવાન આ રીતે મળીને પ્રેમની અભિવ્યક્તિ કરે તો એણે શું કરવું જોઇએ! બીજા દિવસે ફરી પાછું એ જ ઘટનાનું પુનરાવર્તન.

સાવ નર્યું એકાંત અને સંસ્કારી મજનૂએ પૂછેલો ધારદાર સવાલ: ‘મેં તમને કહ્યું હતું કે તમારા જવાબની મને પ્રતીક્ષા રહેશે. મારે ક્યાં સુધી રાહ જોયા કરવાની છે? પૃથ્વીના અંત સુધી? પ્રલયકાળની આખરી ક્ષણ સુધી? મારા ઝુરાપાની આવરદા તમે કેટલી આંકી છે? ગઇ કાલે પણ આખી રાત હું પથારીમાં તરફડતો રહ્યો છું. શ્રાવ્યા! શ્રાવ્યા! તમે સુંદરી નથી, પણ મારી વિધાત્રી છો.

મને જણાવી દો કે મારી આવનારી અગણિત રાત્રિઓના ભાગ્યમાં શું લખાયું છે, તમે કે પછી તમારા વિનાનો સૂનકાર?’એ દિવસ પણ શ્રાવ્યાનો ઉદાસ-ઉદાસ ગયો. ન ભણવામાં ચિત્ત ચોંટે, ન બહેનપણીઓની સાથે વાત કરવામાં મન લાગે. સોનલે ફરી વાર પૂછ્યું, ‘તું કહે કે ન કહે, પણ કંઇક છે જરૂર. તારો ચહેરો ચાડી ખાઇ રહ્યો છે કે તું કોઇ મોટી મૂંઝવણમાં સપડાયેલી છે. મારી વાત માન અને જે કંઇ વાત હોય તે જણાવી દે. હું શક્ય એટલી મદદ કરીશ.’ ‘ના, એવું કંઇ હોય તો તને જણાવું ને? હું તો બસ, એમ જ... જરાક તાવ જેવું છે... એટલે...’ કહીને શ્રાવ્યાએ વાત ટાળી દીધી.

બે દિવસ પછી સાંજે કોલેજ છુટવાના સમયે શ્રમણે ફરીથી તક શોધી લીધી. એ દિવસે પ્રેક્ટિકલ મોડો પૂરો કરવાને કારણે શ્રાવ્યા સૌથી છેલ્લે છુટી શકી હતી. એ ભાગંભાગ ઘરે જવાની ઉતાવળમાં હતી, ત્યાં જ શ્રમણે એને રોકી. આ વખતે શ્રમણની આંખોમાં ઝનૂન અને વાણીમાં મક્કમતાની ઝલક છલકી રહી હતી, ‘શ્રાવ્યા, મારી પાસે હવે ઝાઝો સમય નથી. આ છેલ્લી ટર્મ ચાલે છે. બે મહિના પછી પરીક્ષા આવશે. પછી આપણે છુટાં પડી જઇશું. મેં નિર્ણય લઇ લીધો છે, કાં તને પામું, કાં મૃત્યુને!’‘એટલે?’ ડઘાઇ ગયેલી શ્રાવ્યાએ પહેલી વાર મોં ખોલ્યું.

‘એટલે એમ કે તું મારી જીવનસાથી બનવાનું પ્રોમિસ નહીં આપે, તો હું આજે રાત્રે આપઘાત કરી નાખીશ. આ ધમકી નથી, પણ નિર્ણય છે.’ શ્રમણની આંખો કહી આપતી હતી કે એ સત્ય બોલી રહ્યો હતો. શ્રાવ્યા ડરી ગઇ. આમ પણ શ્રમણમાં ન ગમવા જેવું કશું જ ન હતું. સવાલ માત્ર પરિવારની સંમતિ લેવાનો હતો. એ મળે તેમ ન હતી. સોનલ અવાર-નવાર એને પૂછતી રહી, ‘શ્રાવ્યા, તું મૂંઝાયેલી કેમ લાગે છે? મને વાત તો કર. હું તને મદદ કરીશ...’‘ના, ખાસ કંઇ નથી.’ શ્રાવ્યા આ વાતને હમણાં જાહેર કરવા ઇચ્છતી ન હતી.

રખે ને પરીક્ષા પછી ભાગી જવાનો એનો કાર્યક્રમ જાહેર થઇ જાય તો?પરીક્ષા પતી એના બીજા જ દિવસે શ્રાવ્યા અને શ્રમણ નાસી ગયાં. આર્યસમાજમાં લગ્ન કરી લીધાં. પછી જયપુર, ઉદેપુર બાજુ ફરવા ઊપડી ગયાં. પંદર દિવસ પછી પાછાં ફર્યા,ત્યારે ભાડાનું ઘર લઇને મિત્રોને લગ્નની પાર્ટી માટે બોલાવ્યા. જ્યારે શ્રાવ્યાએ સોનલને ફોન કર્યો, ત્યારે દસ રિકટર સ્કેલનો ધરતીકંપ સર્જાયો.

સોનલે પૂછ્યું, ‘તેં શ્રમણ સાથે લગ્ન કર્યા?! તને બીજો કોઇ સારો છોકરો ન મળ્યો?’‘કેમ, શ્રમણમાં ખરાબ કહેવાય તેવું શું છે? એ સારો તો છે.’‘હા, સારો ખરો, પણ માત્ર દેખાવમાં. બાકી એક નંબરનો લફંગો છે. મહિના પહેલાં એ મારી આગળ આવીને કહી ગયો હતો કે, ‘જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું આજે રાત્રે ઝેર ખાઇને મરી જઇશ.’ હું મૂંઝાઇ ગઇ હતી.

એ તો વળી સારું થયું કે મારી ખાસ બહેનપણી પ્રીતિએ મને કારણ પૂછ્યું. મેં એની આગળ દિલ ખોલી નાખ્યું. ત્યારે પ્રીતિએ કહ્યું કે શ્રમણે એને પણ આવી જ ધમકી આપી હતી. શ્રાવ્યા, જિંદગીની મહત્વની વાતમાં જો આપણે કોઇની આગળ દિલના કમાડ ઉઘાડી નાખીએ તો ઘણી વાર જનમટીપની સજામાંથી બચી જઇએ છીએ.’

(શિર્ષક પંક્તિ : કિરીટ ગોસ્વામી)

Comments