ડૉ. શરદ ઠાકર: આ હવાની કાયમી ભૂલો વિશે,ફૂલોને સમજાવવું સહેલું નથી

એનું નામ લક્ષ્મી ધનજી ચુનારા. ઉંમર પાંત્રીસ વર્ષ. દેખાવ પચાસની હોય તેવો. એની નસોમાં લોહીને બદલે પાણી ફરતું હોવું જોઇએ. એ એટલી બધી એનિમિક હતી કે એની જીભ ચૂનો ધોળેલી દીવાલ જેવી સફેદ લાગતી હતી. 

‘બહેન, તું ખાનગી દવાખાનામાં કેવી રીતે આવી ચડી?’ મારા પ્રશ્નમાં નફરત ન હતી, ઠપકો ન હતો, ચીડ પણ ન હતી, હતું નર્યું આશ્ચર્ય. સામાન્ય રીતે કોઇ પણ ડોક્ટર એના દવાખાનામાં પગ મૂકતાં દર્દીનું સ્વાગત માનવતાસભર સ્મિત સાથે કરે છે. પછી કેસપેપરમાં નોંધવા માટે આ સવાલથી શરૂઆત કરે છે, ‘તમારું પૂરું નામ લખાવો.’ એને બદલે જિંદગીમાં પહેલી વાર મેં ઉપરના સવાલથી આરંભ કર્યો. કારણ કે મારી સામે બેઠેલી સ્ત્રી દરિદ્રતાની બોલતી વ્યાખ્યા જેવી હતી.

‘સાહેબ, તમારી વાત સાવ સાચી, પણ શું કરું? આ મારી પાંચમી સુવાવડ છે. પહેલી ચારેય સુવાવડો મેં જનરલ હોસ્પિટલમાં કરાવી છે. પણ ત્યાં ભીડ એટલી બધી હોય છે કે કેસ પેપરની બારી પાસે જ બે કલાક નીકળી જાય છે. પછી ડોક્ટરની લાઇનમાં બીજા બે કલાક. અને આ શિખાઉ ડોક્ટરોનું વર્તન પણ એવું ખરાબ હોય છે ને, સાહેબ... કે ત્યાં જવા કરતાં થોડાંક રૂપિયા ખાનગીમાં ખર્ચી નાખવા સારા!’ એણે ખુલાસો રજુ કર્યો.

‘સારું ત્યારે! નામ લખાવ તારું...’ હું માણસ મટીને ડોક્ટર બની ગયો. તબીબી ઔપચારિકતા પૂરી કરવામાં પડી ગયો. એનું નામ લક્ષ્મી ધનજી ચુનારા. ઉંમર પાંત્રીસ વર્ષ. દેખાવ પચાસની હોય તેવો. એની નસોમાં લોહીને બદલે પાણી ફરતું હોવું જોઇએ. એ એટલી બધી એનિમિક હતી કે એની જીભ ચૂનો ધોળેલી દીવાલ જેવી સફેદ લાગતી હતી. આંખો સામાન્ય કરતાં વધારે ઊંડી ઊતરી ગઇ હતી અને પેટ સામાન્ય કરતાં વધારે ઊપસી આવેલું હતું.‘કેટલા મહિના પૂરા થયા?’ મેં પૂછ્યું.

‘પાંચ પૂરા થયા, છઠ્ઠો જાય છે.’ લક્ષ્મીના જવાબથી મને આશ્ચર્ય થયું, કારણ કે એનું પેટ સાડા પાંચ મહિનાની ગભૉવસ્થામાં હોવું જોઇએ તેના કરતાં ઘણું વધુ મોટું દેખાતું હતું. મેં મારા દિમાગમાં આ વાતની નોંધ કરી લીધી. ‘પહેલાંનાં બાળકોમાં શું-શું છે?’‘ચારે ચાર છોકરીઓ જ છે, સાહેબ, એટલા માટે તો આ પાંચમી વાર...’‘પાંચમી વાર એટલા માટે એટલે શું?’‘દીકરા માટે, સાહેબ! દીકરીઓ તો પારકી થાપણ કે’વાય. ચકલીની જાત. કાલ સવારે ઊડી જાશે. પછી ઘડપણમાં અમારું કોણ? એક છોકરો તો જોઇએ ને, સાહેબ!’

હું ખીજાયો, ‘પણ તને લાગે છે ખરું કે તું તારું ઘડપણ જોઇ શકીશ? ઉપરા-છાપરી સુવાવડોમાં તારું શરીર તો મસોતા જેવું થઇ ગયું છે! અત્યારે પાંત્રીસ વર્ષે જ પચાસની હોય એવી લાગવા માંડી છે. ક્યાંક સુવાવડમાં જ તારું મોત..’ પછી હું અટકી ગયો, અશુભ આગાહી સાચી હોય તો પણ ટાળવી જોઇએ.

‘કંઇ નહીં થાય, સાહેબ! એટલા હારું તો તમારી પાસે આવી છું. તમે સારી દવા-ગોળી આપશો એટલે મારું લોહી ઠીક થઇ જશે.’મેં લક્ષ્મીને એકઝામિનેશન ટેબલ પર લીધી. જે જે તપાસ કરી ત્યાં બધે જ મોકાણ મંડાયેલી હતી. જીભ સફેદ, આંખો ફિક્કી, હાથ-પગના નખ ખાડાવાળા, બ્લડપ્રેશર વધારે અને પેટ તો વધારે પડતું મોટું હતું જ!‘બે’ન, તારા પેટની સોનોગ્રાફી કરવી પડશે. મને બે અલગ-અલગ જગ્યા પર અલગ-અલગ ગતિવાળા બાળકના ધબકારા સંભળાય છે. કદાચ બે બાળકો હોઇ શકે.’ મેં શંકા વ્યક્ત કરી.

સોનોગ્રાફીના રિપોર્ટ મારી શંકાને હકીકતમાં પલટાવી દીધી. લક્ષ્મીના પેટમાં ટ્વીન્સ પાંગરી રહ્યાં હતાં. હવે એને સંપૂર્ણ સાવધાનીની જરૂર હતી. પથારીમાં પડી રહેવાનું, પોષણયુક્ત આહાર ખાવાનો, દૂધ-ફળો લેવાનાં અને હું લખી આપું તે બધી દવાઓ ગળવાની.

મેં એને આ બધું કહ્યું ત્યાં તો લક્ષ્મી રડમસ બની ગઇ, ‘સાહેબ, આરામ તો કેવી રીતે કરી શકું? મારો વર રોજ સવારે કોથળો લઇને નીકળી પડે છે. રસ્તા પર પડેલા નકામા કાગળો ને પ્લાસ્ટિકની કોથળીઓ વીણે છે. બપોર પછી લોખંડનો ભંગાર એકઠો કરે છે. આમાં શું મળે? એટલે મારે પાંચ ઘરના કપડાં-વાસાણ કરવા પડે છે. ચાર દીકરીઓને પીવડાવવા માટે દૂધનું ટીપું નથી હોતું, ત્યારે હું કેવી રીતે અડધો-અડધો લિટર દૂધ પીઉં? એમાં વળી આ દવાઓનો કાગળ! રહેમ કરો, સાહેબ....!’

રહેમમાં તો હું બીજું શું કરી શકું? મારી કન્સલ્ટિંગ ફી માફ કરી દઉં અને ‘ફ્રી સેમ્પલ’ની ગોળીઓ કાઢી આપું. પણ લક્ષ્મી જો કપડાં-વાસણ કરવાનું ચાલુ રાખે તો એના બંને બાળકો અવશ્ય પ્રિ-મેચ્યોર સમયે બહાર આવી જાય!

અનુકંપા, કરુણા, કોઇનાં આંસુ જોઇને પીગળી જવું એ માનવસહજ ગુણ છે. એ તમારામાં પણ છે અને મારામાં પણ હોય જ. મેં એકવાર ભગવાનને ઠપકો આપી દીધો, ‘આનું નામ તો જો! લક્ષ્મી ધનજીભાઇ. પતિ-પત્ની બેયનાં નામમાં જ માત્ર પૈસો છે. બાકી જીવન ઉજજડ, વેરાન વગડા જેવું છે. આવું શા માટે?’ ભગવાન ક્યારે આપણા પ્રશ્નોના જવાબો આપે છે? એ તો આપણી પાસેથી જવાબો કઢાવે છે. લક્ષ્મીનુંયે બધું સરસ રીતે ગોઠવાઇ ગયું. પ્રોટીન પાઉડરના મોંઘા ડબ્બાઓ પણ દવાની કંપની પાસેથી માગીને હું એને આપતો રહ્યો.

છેલ્લો એક મહિનો ભારે કસોટીનો રહ્યો. એની સુવાવડ સમય કરતાં વહેલી ન થઇ જાય એ માટે મારે એને નર્સિંગ હોમમાં દાખલ કરી દેવી પડી. મારા એક મિત્ર દિનેશ ગુપ્તાને વિનંતી કરીને એના નિભાવ-ખર્ચની ગોઠવણ કરી આપી. માત્ર લક્ષ્મીનું પેટ સાચવવાથી શું થવાનું હતું? એની ચાર દીકરીઓ માટેય ઘઉં, ચોખા, દાળની વ્યવસ્થા કરવી પડે ને!આટલું કર્યા પછી જે પરિણામ મળ્યું તે કલ્પનાનીત સુંદર હતું. લક્ષ્મીએ એક સાથે બે દીકરાઓને જન્મ આપ્યો. એ ઘરે જતી હતી ત્યારે જેટલા એના બે હાથ ભરેલા હતા, એટલા જ એના હોઠ પણ ભરાયેલા હતા, આભારના શબ્દોથી!

એક પ્રકારની લાગણી બંધાઇ ગઇ હતી આ ગરીબ બાઇની સાથે. બે દીકરાઓના જન્મ પછીયે જ્યારે તે ‘ફોલો-અપ’ માટે મારી પાસે આવતી, ત્યારે હું એને ખાલી હાથે પાછી ન જવા દેતો. ઘરમાં પડેલાં જુનાં રમકડાં કે સુખી દર્દીઓ પાસેથી ઊઘરાવેલા બાળકોનાં કપડાં એવું બધું લક્ષ્મીને આપતો રહ્યો હતો.

આ બધું એના સુખ માટે કરતો હતો એના કરતાં મારા પોતાના સુખ માટે વધારે કરતો હતો. આનાથી મનને શાંતિ પહોંચતી હતી. ધીમે ધીમે લક્ષ્મી આવતી બંધ થઇ ગઇ.બરાબર દોઢેક વર્ષ પછી લક્ષ્મી ધનજી ચુનારા પાછી મારા નર્સિંગ હોમમાં આવી ચડી. મેં પૂછ્યું, ‘શું છે?’‘સાહેબ, ત્રીજો મહિનો જાય છે. આ વખતેય સુવાવડ તો તમારા હાથે જ કરાવવી છે, સાહેબ!’હું ભડકી ઊઠ્યો, ‘તને શરમ આવે છે કે નહીં? ચાર-ચાર દીકરીઓ ઉપર બબ્બે દીકરાઓ થયા. હવે તારે શું જોઇએ છે?’‘આ બધી તો ભગવાનની લીલા છે, સાહેબ! એ આપતો હોય તો કંઇ એનો હાથ પાછો થોડો ઠેલાય? અને મને ક્યાં સુવાવડનો ખર્ચો ભારે પડે છે! 

તમે જ તો બધું...’મેં ઘાંટો પાડ્યો, ‘એ બધું ભૂલી જા, બે’ન! આ વખતે દરેક વિઝિટે પૂરી ફી તારે મને આપવી પડશે. દવાઓ બધી જ મેડિકલ સ્ટોરમાંથી ખરીદીને લાવવી પડશે. ડિલીવરીનું પૂરું બિલ ભરવું પડશે. અને આ વખતે તારા કે તારા ઘર માટે દયાનો એક દાણો કે કરુણાનો એક કણ પણ મફતમાં આપવામાં નહીં આવે! અમારા જેવા ખાધેપીધે સુખી લોકો એક કે બે બાળકોથી બસ કરી દે છે, જ્યારે તમે ભૂખે મરો છો અને બાળકોની લંગાર ખડી કર્યે જાવ છો! આ દેશ આમ જ ખતમ થઇ રહ્યો છે.’

Comments