જંગલમાં મંગલ



ભાગલાથી શું ફાયદો થયો? કોયલે ગાવાનું બંધ કરી દીધું. મોરે નાચવાનું, માલુ જેવો ચતુર વાંદરો પોતાની ચંચળતા ભૂલી ગયો છે. ઝગડૂની વાતોમાં આપણે શું કામ આવવું જોઈએ? ઊંટે કહ્યું.

એક જંગલ હતું. સુંદર અને હર્યુંભર્યું. આ જંગલમાં બધી જાતના પ્રાણીઓ રહેતા હતા. જંગલની વચ્ચોવચ સિંહની ગુફા હતી. જંગલના ચારે ખૂણા ઉપર હાથી, ચિત્તા, દીપડા, રિછ જેવા શક્તિશાળી પ્રાણીઓ રહેતા હતા. જેથી બીજા જંગલના પ્રાણીઓ તેમના જંગલની શાંતિનો ભંગ ન કરે. તળાવના કિનારે હાથીઓના ઝૂંડ રહેતા હતા. બીજી તરફ, ટેકરીની નીચેવાળી ગુફામાં ચિત્તા રહેતા હતા. ત્રીજા અને ચોથા ખૂણામાં રિછ અને દીપડાનો સમૂહ રહેતો હતો. બાકીના પ્રાણીઓ જંગલની સીમાની અંદર સેનાપતિઓની દેખરેખમાં રહેતા હતા. સિંહ જંગલનો રાજા જરૂર હતો, પરંતુ તે કદી કોઈ ઉપર ગુસ્સે ન થતો, કે નાના પ્રાણીનો શિકાર પણ ન કરતો. પડોશી જંગલના પ્રાણીઓને પણ આ બધાની ઇર્ષ્યા થતી.

મલ્લુ જે સૌથી તોફાની અને ચંચળ વાંદરો હતો. તે પણ ઝાડ ઉપર ધીમે ધીમે ચડતો કે જેથી ચકલીનાં ઈંડાં અથવા બચ્ચાં માળામાં હોય તો પડી ન જાય. બધા પ્રાણીઓ સંપીને જ રહેતા. કદી કોઈ કાર્યક્રમ હોય તો બધા તળાવના કિનારે ભેગાં થતા. તળાવકાંઠે એટલા માટે કે તેમના આનંદમાં તળાવની માછલીઓ અને દેડકા પણ સામેલ થઈ શકે. એક દિવસ બધા તળાવનું પાણી પી રહ્યા હતા. ત્યારે તેમણે એક વિચિત્ર પ્રાણી જોયું. તે પ્રાણી તળાવના કિનારે આંટા મારી રહ્યું હતું. તે લાંબું અને મોટું હતું. તેને છ પગ, બે નાક, ત્રણ આંખ અને એક કાન તથા નાની એવી ગુચ્છાદાર પૂંછડી હતી.

ભોલુ હાથીએ તેને પૂછ્યું, ‘તું કોણ છે?’‘હું ઝગડૂ છું. બાજુના જંગલમાં રહું છું. આજે ફરતો ફરતો અહીં ચાલ્યો આવ્યો. તમારા જંગલમાં ફરવા ઈચ્છું છું.’‘ફરવા માટે વાંધો નથી પરંતુ કોઇ જાતની ગરબડ કરવી નહીં. અમારા જંગલમાં શિકાર કરવાની સાફ મનાઈ છે.’ ભોલુ હાથીએ ઝગડૂને સમજાવ્યો. ઝગડૂએ ટેકરી, તળાવ, મેદાન, ઝાડ, ત્યાં રમતાં પ્રાણીઓ પણ જોયા. તેને થયું કે આવું જંગલ દુનિયામાં ક્યાંય બીજે હોય જ નહીં. ક્યાંક ઉંદરને પીઠ ઉપર બેસાડી બિલાડી ફરી રહી છે. ક્યાંક સસલા અને શિયાળ દડાથી રમતાં હતાં. ઝગડૂને ભૂખ લાગી હતી. સસલાઓને ઉછળતાં, કૂદતાં જોઈને તેના મોંમાં પાણી આવ્યું. પરંતુ ત્યારે જ તેને હાથીની વાત યાદ આવી. તેને ફળોથી પેટ ભરવું પડ્યું.

સિંહને ખબર પડી કે બાજુના જંગલમાંથી ઝગડૂ નામનું એક પ્રાણી અહીં ફરવા આવ્યું છે એટલે સિંહે તેને તેની ગુફામાં બોલાવ્યું અને કહ્યું, ‘ઝગડૂભાઈ, તમે અમારા મહેમાન છો. તમને અહીં કોઇ તકલીફ નહીં પડે.’ વાતો કરતાં કરતાં સાંજ પડી ને રાત થઈ ગઈ. ઝગડૂ થાકેલો હતો. તેને ઊંઘ આવી ગઈ.સવારમાં ઊઠીને તેણે જોયું તો મોં ધોવા માટે વાંદરો પાણી લઈને ઊભો હતો. રૂમાલ લઈને કૂતરો આવ્યો, ગાય સવાર-સવારમાં તેને માટે એક મોટો લોટો ભરીને દૂધ આપી ગઈ. આટલી મહેમાનગતિ છતાં ઝગડૂનું મન ન માન્યું. તે તો આ જંગલની શાંતિનો ભંગ કરવા અહીં આવ્યો હતો અને અહીંના પ્રાણીઓમાં ઝગડો કરાવવા માગતો હતો.

તેણે સિંહને કહ્યું, ‘તમારો રાજા હોવાનો શું ફાયદો? રાજા હોવાનો અર્થ એ છે કે, બીજા પ્રાણીઓ તમારાથી ડરે.’ સિંહ હસવા લાગ્યો તો ઝગડૂ બોલ્યો, ‘મેં તો તમને મારા જાણીને કહ્યું છે. હવે તમારી મરજી.’સિંહના મગજમાં ઝગડૂની વાતની અસર થઈ ગઈ. બળદ અને ઘોડાને કારણ વગર વઢ્યો. બધા પ્રાણીઓ પણ નવાઈ પામી ગયા. સિંહના બગડેલા સ્વભાવની ખબર આખા જંગલમાં ફેલાઈ ગઈ. ઝગડૂ હાથી પાસે પહોંચી ગયો, ‘હાથીભાઈ, તમારું આટલુ મોટું શરીર અને છતાં સિંહ તમારા ઉપર રાજ કરે? સિંહ રાજાના પરિવારમાં કુલ કેટલા સિંહ છે? લેવા-દેવાના વીસ-પચ્ચીસ. પરંતુ તમે તો પચાસથી પણ વધારે છો.

તમારું એનાથી ડરવાનું મને તો સારું લાગતું નથી. પાછું આજે સિંહ ઘોડા અને બળદને પણ ખીજાયો છે. એવું જ રહેશે તો કાલ તમારા ઉપર પણ વગર વાંકે ગુસ્સો કરશે. મારું માનો તો તમે તળાવની આજુબાજુ તમારું રાજ્ય બનાવી લો.’હાથીએ કહ્યું, ‘ઝગડૂ, અમને ઊંધુ-ચત્તું ભણાવવાની કોશિશ ન કરો.’ ઝગડૂએ બનાવટી પ્રેમ કરતાં કહ્યું, ‘હાથીભાઈ, મેં તો તમને પોતાના જાણીને કહી દીધું. પછી તમારી મરજી.’ મગજ ખરાબ થતાં કેટલી વાર લાગે?હાથીઓએ તળાવની આજુબાજુ જંગલની જમીન ઉપર કબજો જમાવી દીધો. એવી જ રીતે ચિત્તા, રિછ, ફળોવાળા ઝાડની આજુબાજુ વરૂઓએ તેમનું રાજ જમાવી દીધું. જોતજોતામાં હર્યું-ભર્યું જંગલ પાંચ ટુકડામાં વહેંચાઈ ગયું. સિંહ, ચિત્તા, રિછ, દીપડા સિવાય બીજા પ્રાણીઓ ડરતાં રહેવા લાગ્યા. ન કોઈ રમતાં, ન કોઈ કૂદતા, ન કોઈ ગાતા, કોઈ ખુશ નહોતા.

ઝગડૂ જે કામે આવ્યો હતો તે કામ પૂરું થતાં પાછો તેના જંગલમાં ચાલ્યો ગયો. ઊંટ બધાથી સમજદાર હતું. તે સમજી ગયું હતું કે ઝગડૂએ જે રમત રમી તેમાં તે સફળ થયો હતો. ઊંટની સલાહ બધા માનતા હતા. તેથી તેણે વિચાર્યું કે કેવી રીતે જંગલનો આનંદ પાછો આવી શકે! એક દિવસ તેની ઊંટડીને એક બચ્ચું આવ્યું. પહેલાંની વાત હોત તો જરૂર બધા નાચતા-ગાતા ભેગાં થઈને તેના ઘરે આવત. પરંતુ હવે તે શક્ય નહોતું. તેમનું જંગલ તો પાંચ ભાગમાં વહેંચાઈ ગયું હતું. પરંતુ ભાગલાથી કોઈ ખુશ તો નહોતુ જ. ઊંટે વિચાર્યું કે, ‘તેના ઘેર પુત્ર-જન્મના આનંદના અવસરે તે બધાને ભેગા કરે.’ ઊંટને બધા સાથે સારો સંબંધ હતો. તેથી સિંહ, હાથી, રિછ, દીપડો બધા આવી ગયા. ઊંટે બધાનું સ્વાગત કર્યું.

‘તમે બધા મારે ત્યાં આવ્યા. મને ઘણો આનંદ થયો. હવે તમને બધાને પૂછું છું કે, ‘જ્યારે જંગલ એક હતું ત્યારે આપણે વધારે ખુશ હતા કે અત્યારે?’ બધાના મોં પડી ગયા. તે જોઈને ઊંટે સમજાવવાનું શરૂ કર્યું. ‘હું સમજી ગયો. આપણે આપણા જંગલનો ભાગ પાડીને ખુશ નહીં રહી શકીએ. ભાગલાથી શું ફાયદો થયો? કોયલે ગાવાનું બંધ કરી દીધું. મોરે નાચવાનું, માલુ જેવો ચતુર વાંદરો પોતાની ચંચળતા ભૂલી ગયો છે. સસલાઓએ વાડીમાંથી બહાર આવવાનું બંધ કરી દીધું છે. આનાથી આપણને શું મળ્યું? ઝગડૂની વાતોમાં આપણે શું કામ આવવું જોઈએ? આનાથી આપણને શું મળ્યું? એના કહેવાથી આપણે અંદરોઅંદર દુશ્મની વહોરી લીધી.’ વાત સાચી હતી એટલે કોઈએ ઊંટની વાતનો વિરોધ ન કર્યો.

‘જો તમને બધાને લાગે કે હું સાચું કહું છું તો આજથી ફરીથી આપણે પહેલાંની જેમ જ રહીશું. આખું જંગલ એક રહેશે. તેના ટુકડા નહીં થાય.’સિંહે ઊભા થઈને કહ્યું, ‘ઊંટ, તું સાચું જ કહી રહ્યો છે. અમને તો અમારી જાત ઉપર પણ શરમ આવી રહી છે. હવે કદી એવું નહીં થાય. જંગલના ભાગ નહીં પડે. ક્યારેય પણ બહારના કોઈ પ્રાણીની વાત અમે માનીશું નહીં. આપણે એક છીએ અને એક જ રહીશું.’પછી શું થયું? કોયલ ગાવા લાગી, મોર નાચવા લાગ્યો. સિંહ, હાથી, દીપડો, રિછ, ચિત્તો બધા તાળીઓ પાડવા લાગ્યા. જંગલમાં મંગલ થઈ રહ્યું. બધા આનંદમાં આવી ગયા. 

Comments