રાઘવજી માધડ: માનું મમત્વ અને પ્રિયતમાનો પ્યાર...

આસવનું આમ ઊંઘમાં બોલવું સાંભળીને તેનાં મમ્મી નયનાબહેન ચોંકી ગયાં. આમ તો આસવને બબડવાની ટેવ છે તેની ખબર છે પણ અત્યારે તો સાવ સ્પષ્ટ બોલી ગયો હતો, કોઇ છોકરીને કહી રહ્યો હતો: ‘રોઝા! તારા વગર જીવવું મને શક્ય નથી લાગતું...’ એક જ વાક્યમાં હકીકતનો આલેખ નયનાબહેનના મનમાં દોરાઇ ગયો. પુત્ર કોઇ છોકરીના પ્રેમમાં છે એટલું જ નહીં, તેના વગર જીવી નહીં શકે ત્યાં સુધી પ્રેમ પથરાઇ ગયો છે. છતાં મમ્મી તરીકે આ વાતને કબૂલવા તેમનું મન તૈયાર નથી. દીકરા પર ભરોસો છે, પૂછ્યા વગર પાણી પણ ન પીવે તેવો કહ્યાગરો છે.

જગતની મોટાભાગની જનેતા એવું માનતી હોય છે કે સંતાન પોતાના પેટમાં પાક્યું છે, મોટું કર્યું છે તેથી તેની પ્રત્યેક બાબતનો અણસાર પોતાને આવી જ જતો હોય છે. પણ આ મોટી ભ્રમણા છે. ક્યારેક તો કશી જ ખબર હોતી નથી અને ખબર પડે ત્યાર ઘણું મોડું થઇ ગયું હોય છે.આસવ માટે છોકરી પસંદ કરી લીધી છે. ઘર-પરિવાર માટે તદ્દન યોગ્ય છે અને આસવ સાથે રાધા-કૃષ્ણ જેવી જોડી જામશે! નયનાબહેનનો આ મનસૂબો ધરાશાયી થતો હોય એમ લાગ્યું. તેના પગ ધ્રૂજવા લાગ્યા. ધબ્ દઇને સોફા પર બેસી ગયાં. પોતે અજાણ છે તેનો આઘાત કે પછી છોકરી પસંદ કરી જે મનમાં એક કલ્પનાલોક ઊભો કર્યો છે તેને વિસર્જિત થવાનો આઘાત... નયનાબહેન માટે નક્કી કરવું મુશ્કેલ હતું. પણ હોશકોશ ઊડી ગયા છે તે નક્કર હકીકત છે.

કોલ સેન્ટરમાં જોબ કરતો આસવ હજુ સૂતો છે. મોડી રાત્રિએ આવે છે તેથી સવારે મોડો ઊઠે છે. પણ અધીરાઇ આવી જતાં નયનાબહેન તેને ઉઠાડવા એકદમ ઊભાં થાય છે. જુએ છે અને વિચારે છે. નાનો હતો ખોળામાં બેસાડતાં, કાંખમાં તેડતા ને હવે તો કેટલો મોટો થઇ ગયો છે કે પલંગમાં પણ સમાતો નથી. સંતાનો મોટા થાય છે પણ મા ક્યારેય નાની કે મોટી થતી નથી. વળી, તેને તેનું દરેક બાળક નાનું જ લાગે! વહાલું લાગે ત્યાં સુધી બરાબર છે પણ નાનું બાળક લાગે તે સર્વથા સારું અને સાચું નથી.

આસવને ઉઠાડ્યા પછી તેને સીધો જ સવાલ કરે છે: ‘આ રોઝા કોણ છે!?’ થોડા કંટાળા અને આક્રોશ સાથે જવાબ આપે છે: ‘રોઝા છોકરી છે, મારી સાથે નોકરી કરે છે!’જવાબ સાંભળીને તે સમસમી ગયાં. ગુસ્સો ઊભરી આવ્યો. તે બોલ્યાં: ‘જો તો... કેવા જવાબ આપે છે મને...’આમ જુઓ તો આસવનો જવાબ તદ્દન સાચો અને વાજબી છે, પણ તેનાં મમ્મીના મનમાં જે ડહોળાઇ રહ્યું છે તેની તેને ક્યાં ખબર છે તે એ પ્રમાણે જવાબ આપે! માણસ પોતાની અપેક્ષા મુજબ જ જવાબ માગવા બેસે ત્યાં મુસીબતો સર્જાતી હોય છે. અહીં તો મુસીબતના માત્ર મંડાણ જ થયાં છે. ખરો ખેલ તો હવે આવશે.

‘એક વાત કાન ખોલીને સાંભળી લે...’ નયનાબહેને રીતસરનો આદેશ કરતાં કહ્યું: ‘રોઝા, ફોઝા જે હોય તે... હું કોઇને ઘરમાં ગરવા દેવાની નથી સમજયો!’યુવાન અને સમજણાં સંતાનોને આમ આદેશાત્મક ભાષામાં વાત કરવી તે યોગ્ય નથી. મા-બાપે એ ન ભૂલવું જોઇએ કે સંતાનો આપણા દ્વારા આવે છે પણ એ આપણાં નથી, ઇશ્વરની દેન છે. તેને પણ પોતીકા વાણી, વિચાર અને વ્યવહાર હોય છે. માવતરની લાગણીનો અતિરેક, માગણીની મર્યાદા ચૂકી જતો હોય છે.

આસવની રહી સહી ઊંઘ પણ ઊડી ગઇ. રોઝા સાથે મેરેજ કરવાની વાત ક્યાંથી લીક થઇ, ક્યાં છીંડુ પડ્યું તે શોધવાની તે મથામણ કરવા લાગ્યો પણ પછી તુરંત જ ખ્યાલ આવી ગયો કે, ઊંઘમાં બકવાસ થઇ ગયો લાગે છે!ઘણા યુવાનોને નાનપણથી ઊંઘમાં બોલવાની અને ચાલવાની ટેવ હોય છે. જેને સ્લીપ વોકિંગ (સોમ્નાબ્યુલિઝમ) કહેવામાં આવે છે. વખત જતાં આ આદત છૂટી જતી હોય છે. પણ હોય ત્યારે તો સમસ્યા સજેઁ છે. અહીં આખી વાત ઉઘાડી પડી ગઇ છે હવે ઢાંકપિછોડો કરવાનો કોઇ જ અર્થ નથી. સાથે નોકરી કરે છે, સંબંધ છે એ સઘળું સહ્ય અને સમજી શકાય એવું છે પણ ઘણા સંબંધ ઘર સુધી લંબાઇને છેક બેડરૂમ સુધી પહોંચવાનો પ્રયાસ કરે ત્યાં પ્રશ્નો સર્જાતા હોય છે. 

દરેક સંબંધની એક મર્યાદા, નિશ્વિત બોર્ડર હોય છે. ત્યાં ઊભા રહી જવામાં સાર અને શાણપણ છે. વિજાતીય વ્યક્તિનો સતત સહવાસ સામાન્ય સંબંધને અસામાન્ય બનાવતો હોય છે. તેમાં ભાગવું નહીં પણ સાવધ રહેવું. રોઝા સાથેની નિકટતા એ એક ભીના અને લપસણા સંબંધનો સેતુ બાંધ્યો છે. એકબીજા માટે જ સર્જાયા હોવાની પ્રતીતિ પજવવા લાગી છે. મામલો મેરેજ સુધી પહોંચી ગયો છે.

આસવ માટે એક બાજુ માનું મમત્વ છે અને બીજી બાજુ પ્રિયતમાનો પ્યાર છે. કોને ત્યજવો અને કોને સ્વીકારવો!? જિંદગીની સૌથી મોટી સમસ્યા છે. આમ તો પ્રેમને પામવાનો ક્યારેય પ્રશ્ન હોતો નથી, પ્રશ્ન હોય છે પ્રેમીજનને પામવાનો. પ્રેમીને પામી તૃપ્ત થાઓ ને પછી કાયમી લુપ્ત થાઓ!મમ્મીને છોડવી, તેની લાગણીને ઠેસ પહોંચાડવી કે તેની આજ્ઞાનો અનાદર કરવો તે આસવ માટે શક્ય નથી. તે જે કહે તે છોકરીને પરણી જવું... પણ રોઝાનું શું? તેની હાલત કેવી થાય... આસવ માટે કલ્પના બહારની વાત છે.

રોઝાનો વિચાર આવે તે સ્વાભાવિક છે. પણ હવેની છોકરીઓ સ્માર્ટ છે. તેને રડવું કે રોતલવેડાં કરવા ગમતાં નથી, અને ગમવાં પણ ન જોઇએ. વળી, કોઇ હયાત વ્યક્તિની પાછળ જીવનભર ઝૂરતાં પણ શું કરવા રહેવું?બીજા દિવસે આસવે આખી હકીકત રોઝાને કહી. રોઝાએ દર્દભર્યા સ્વરે કહ્યું: ‘પ્રેમ પછી પીડાની મારી આ તૈયારી હતી જ. ડોન્ટ વરી... મમ્મીની ઇચ્છા મુજબ મેરેજ કરી લે.’ આસવે કહ્યું: ‘પણ તું શું કરીશ?’

રોઝાએ કહ્યું: ‘આસવ! જળમાંથી આંગળી કાઢ્યા પછી જગ્યા રહે છે!? નથી રહેતી. હા, હૃદયમાં જીવનભર જગ્યા રહેશે...’ રોઝા નોકરી છોડીને ચાલી જાય છે. આસવને થયું કે જીવનમાંથી કશુંક છુટી ગયું છે, હણાઇ ગયું છે. પ્રેમમાં સઘળું સારું અને પ્યારું લાગે પણ પ્રિયજનના આમ ચાલ્યા જવાથી તો આખી સૃષ્ટિ વેરાન અને વિકરાળ લાગે.

નયનાબહેને જિંદગીને સાવ નજીકથી જોઇ છે. યુવાની તેનામાંથી પણ પસાર થઇ છે. આસવની સ્થિતિને બરાબર સમજે છે. પોતાના પ્રત્યેની અવઢવ મમતાના કારણે આમ મેરેજ કરવા તૈયાર થયો છે. ખૂબ મનોમંથનના અંતે નયનાબહેને આસવને પાસે બેસાડીને કહ્યું: ‘બેટા! તારી દરેક જિદ્દને હું પૂરી કરતી આવી છું. રોઝા સાથેનાં લગ્નની તેં ભલે જિદ્દ ન કરી પણ મારે તો સમજવું પડેને... કારણ કે હું તારી મા છું...’ 

Comments