રાઘવજી માધડ: એક કણનું સુખ સો મણનું દુ:ખ!



 
  
માત્ર આંખના એકાદ પલકારામાં પ્રીતનો તાર જોડાઇ અને બંધાઇ જાય પણ તેનો શાબ્દિક સ્વીકાર કરવામાં કદાચ વરસો પસાર થઇ જાય! અને સૌથી મોટો સવાલ સામે આવીને ઊભો રહે છે કે, પ્રેમના સ્વીકાર પછી શું?? પણ તન્વેષા આ બાબતે સાવ સ્પષ્ટ છે તેથી સન્નીને કહી દેવા કે પૂછી લેવા તત્પર બની છે. પહેલા નોરતે જ જણાવી દેવાનું હતું. પણ છ નોરતાંની નવલી રાતો રમઝટ બોલાવતી પસાર થઇ ગઇ છતાં કહી શકાયું નથી. શું કહેવું તે નક્કી જ છે, મનની મંજૂષામાં સાચવી રાખ્યું છે. પણ કેમ કહેવું તે મોટી મૂંઝવણ છે. સન્ની સાથે જ છે, બાજુમાં જ ઊભો છે. પણ ક્યારેક પ્રિયજન પાસે હોય છતાંય દૂર ભાસે અને ક્યારેક પરદેશ હોય છતાંય પડખે ઊભો છે તેવી પ્રતીતિ થયા કરે! પ્રેમના પ્રાંગણમાં આવી પાવક સ્થિતિની બોલબાલા હોય છે.

નવલાં નોરતાંમાં યાવન થનગનાટ સાથે હિલ્લોળે ચઢયું છે. એકબાજુ શેરીગરબા તેની અસલિયતને ટકાવી રાખવાનો મરણિયો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ઝાકમઝોળવાળા પાર્ટી પ્લોટના ગરબા ધૂમ મચાવી રહ્યા છે. તેનું મુખ્ય કારણ હોય તો યુવાનોનું તેમાં હોવું. યાવન એ પરિવર્તનના પવનનું એપી સેન્ટર છે. પરિવર્તન એ સમયની માંગ અને જરૂરિયાત છે. દર વરસે યુવાનો રમવાની સ્ટાઇલને અપડેઇટ કરે છે.

દોિઢયું, પોપટિયું... જેવી સ્ટાઇલની જગ્યાએ ફ્રીસ્ટાઇલનો ક્રેઝ જોવા મળે છે. તેમાં તાળી, ચપટી સાથે સૂર-તાલના ગરબાનો ઉમેરો થયો છે, પણ સન્ની અને તન્વેષાએ દેશી અને રાજસ્થાની સ્ટાઇલને વેસ્ટર્ન ટચ આપી એક નવી, મોડર્ન સ્ટાઇલ ક્રિએટ કરી છે. તેના માટે તનતોડ પ્રેક્ટિસ કરી છે, પણ આ સઘળું સારું હોવા છતાં એક મૂંઝવણ મનને સ્થિર થવા દેતી નથી. જેને કહેવાનું છે તે હૈયાનો હીરો સામે નહીં પણ ઉરાઉર ઊભો છે. છતાંય હોઠ ફફડવા તૈયાર નથી.

ગત વરસે સન્ની અને તન્વેષા બેસ્ટ ખેલૈયા તરીકે પ્રથમ નંબરે પસંદગી પામ્યાં હતાં. ભેટમાં બાઇક મળ્યું હતું. ઉત્સાહમાં ઉમેરો થયો હતો. ગતિ અને પ્રગતિમાં ઉત્સાહની સારી અસર વરતાઇ હતી. ત્યારે તેમણે ઝાલાવાડી હૂડાને નવતર ટચ આપી ફાસ્ટ બીટમાં પ્રસ્તુત કર્યો હતો. તેમાં તેની ફ્રેન્ડશિપ જ ઉપયોગી નીવડી હતી. બંને બેસ્ટ અને કલોઝ ફ્રેન્ડ છે, પણ છેલ્લા એક વરસમાં ઊડીને આંખે વળગે તેવો બદલાવ આવ્યો છે. એકબીજાને અંતરથી ગમવાં લાગ્યાં છે. સઘળું સારું અને પ્યારું લાગવા માંડ્યું છે. કહો કે એક નવી દુનિયા ઊઘડવા લાગી છે જેમાં પ્રેમ અને માત્ર પ્રેમ જ હોય!શહેરના ભવ્ય પાર્ટી પ્લોટમાં બંને ઊભાં છે. એક રાઉન્ડ પૂરો થયો છે.

‘સન્ની!’ આમ કહી તન્વેષા અબોલ રહી. સન્નીએ તેની સામે વેધક નજરે જોઇને કહ્યું: ‘કોઇ પ્રોબ્લેમ!?’ જવાબ ન મળ્યો. ‘તો પછી તારી એનર્જી ઓછી કેમ પડે છે?’ સન્નીનું આમ કહેવું તન્વેષાને ગમ્યું. તે મનમાં બોલી: ‘આટલી ફીલિંગ્સ તો તને થઇ!’ ત્યાં સન્નીએ વ્યંગ કરતાં કહ્યું: ‘બેસ્ટ જોડી નથી બનવું કે શું!?’

‘મારે તો જીવનભરની જોડી બનવું છે!’ તન્વેષાનું આમ કહેવું તેની પાયલના રણકારમાં દબાઇ ગયું. રાત્રિના ત્રીજા પ્રહરે પડઘા શમ્યા. ગરબાની રમઝટ બોલતી બંધ થઇ. સન્ની અને તન્વેષા પરસેવામાં રેબઝેબ હતાં. યાવન નીતરતા પ્રસ્વેદની ગંધ તનને વ્યાકુળ કરે તેવી હોય છે. આ ક્ષણોને સંયમ અને સમજપૂર્વક સાચવી લેવી પડે. નહીંતર લપસણા સંજોગોને વિલન બનતા વાર નથી લાગતી.

મધપૂડા જેવો માહોલ વખિરાવા લાગ્યો છતાં બંને એક સ્ટોલ પાસે ઊભાં રહ્યાં.‘સન્ની! તને કાંઇ થાય છે...’ તન્વેષાએ સીધો જ સવાલ કર્યો: ‘વિચાર આવે છે!’ સન્નીએ કહ્યું: ‘શેનો!?’ તન્વેષાએ નકલી ગુસ્સામાં કહ્યું: ‘આપણા સંબંધનો!’ પછી એક ડગલું આગળ ચાલીને કહ્યું: ‘હું તને બરાબર ઓળખું છું. તારી ખામીઓ અને ખૂબીઓને જાણું છું, સર્વથા સમજું છું.’

સન્નીએ ઉડાઉ રીતે કહ્યું: ‘તેથી શું?’ મનમાં હતું તે તન્વેષાએ ધડ દઇને કહી દીધું: ‘જીવનભરની જોડી બનાવીએ!’એકબીજાને જાણ્યા-સમજયા પછીનો નિર્ણય હિતકારી હોય છે. હા, સામાજિક પ્રશ્નોને ટાળવા અને ખાળવા મુશ્કેલ હોય છે પણ અશક્ય હોતા નથી.

સન્નીના માટે સરપ્રાઇઝ હતી. તે સઘળું સમજતો હતો પણ તન્વેષા સામેથી સ્વીકારશે તેવી કલ્પના નહોતી. તેણે હળવાશમાં કહ્યું: ‘મારાં મમ્મીને વાત કરી હતી તો કહે, ગરબામાં નાચતી છોકરી ઘરમાં નાચવા માંડે તો શું કરવાનું!?’ વાત સાવ કાઢી નાખવા જેવી નથી. કલા એ જીવનકલા બનવી જોઇએ. નહીંતર એક કણ સુખ સામે સો મણનું દુ:ખ આવીને ઊભું રહે. તન્વેષા ટેન્શનમાં આવી ગઇ. તેને થયું કે હું સમજવામાં થાપ ખાઇ ગઇ છું. મારે આવી અપેક્ષા રાખવી જોઇતી નહોતી. મોં પરનો મેકઅપ પરસેવાના રેગાડા સાથે ઓગળીને ઊતરવા લાગ્યો. શરીરે ચચરાટ વ્યાપી ગયો.

સન્ની થોડીવાર માટે તન્વેષા સામે જોતો રહ્યો. પછી ગંભીરપૂર્વક બોલ્યો: ‘તારી વાત સાથે સંપૂર્ણ સહમત છું પણ...’ ‘પણ શું?’ તન્વેષાનું હૈયું થડકારો ચૂકી ગયું. ત્યાં સન્નીએ કહ્યું: ‘મારે મમ્મી સાથે ‘ગાંધીગીરી’ કરવી પડશે બીજું શું!?’ 

Comments