બારિશ કી ઇન બુંદોં મેં ના જાને કિસ-કિસ કે આંસુ હૈ? સદિયોં પહેલે શાયદ કોઇ સદિયોં બૈઠ કે રોયા હૈ
એક કમભાગી દિવસે પ્રવચનની સભામાં ન તો ધાર્મિકા દેખાઇ, ન દેખાયો મયૂરધ્વજ. મહારાજસાહેબની આંખો બંનેને શોધતી રહી.
મ હારાજસાહેબ પ.પૂ.શ્રી વિમલપદ્મસુરીશ્વરજી પ્રવચનમાંથી હમણાં જ ફારેગ થયા. સતત અઢી કલાકના પ્રવચનનો થાક એમના તેજસ્વી ભાલ ઉપર પરસેવાના બિંદુઓ બનીને પથરાઇ ગયો હતો. મહારાજસાહેબ એમની પીઠિકા ઉપર બિરાજમાન હતા. ભક્તજનો વખિરાતાં પહેલાં એમના ચરણસ્પર્શનો લાભ લેવા માટે પડાપડી કરી રહ્યા. જેઓ પુરુષો હતા તે બધા પાસે આવીને અને સ્ત્રીઓ સહેજ મર્યાદા રાખીને દૂરથી પ્રણપિાત કરીને ઘર તરફ ચાલવા માંડ્યાં.
સભાગૃહમાં છેવટે એક જ વ્યક્તિ બચી. તે એક યુવતી હતી. એ શાંતિપૂર્વક પોતાનો વારો આવે તેની પ્રતીક્ષા કરતી ઊભી હતી. મહારાજસાહેબ એકલા પડ્યા એ જોઇને યુવતી એમની પાસે આવી. છેક પાસે આવી સાહેબના પગના અંગૂઠાને પોતાના રૂપાળા હાથની નાજુક આંગળીઓથી સ્પર્શવા ગઇ, પણ મહારાજસાહેબે પગ પાછો ખેંચી લીધો. કહ્યું પણ ખરું, ‘બેટા! સહેજ દૂરથી...’ પછી બાજુમાં પડેલા પાત્રમાંથી વાસક્ષેપ લઇને ચપટી એના મસ્તક ઉપર વેરી દીધી. બોલ્યા તે પણ આંખો બંધ કરીને- ‘ધર્મલાભ!’
યુવતી ધન્ય બની ગઇ. ઊભી થઇને સભાગૃહની બહાર જવા માટે ચાલતી થઇ.
મહારાજસાહેબે એની તરફ ધ્યાનથી તો જોયું પણ ન હતું, પરંતુ જે અછડતી નજર એ યુવતીના મુખમંડળ ઉપર પડી ગઇ હશે એટલામાંયે તેમને એક વાતની પ્રતીતિ તો થઇ જ ગઇ, ‘આ દીકરી પારલાૈકિક તેજ અને અનૂઠું રૂપ લઇને અવતરી છે, કોઇક પવિત્ર આત્માને ધારણ કરીને આવી હોય તેવી લાગે છે. નહીંતર આ ઉંમર અને આ સૌૈંદર્ય સાથે ધર્મના આવા સંસ્કાર હોઇ ન શકે!’
યુવતી પીઠ ફેરવીને જતી હતી, ત્યાં જ સામેથી એક યુવાન સભાખંડમાં દાખલ થયો. બંને સહેજમાં અથડાતાં રહી ગયાં. યુવતી સંકોચાઇને, શરીરને સહેજ સંકોરીને ચાલી ગઇ. યુવાન મુગ્ધ બનીને એને જતી જોઇ રહ્યો.
મહારાજસાહેબ આ ર્દશ્ય જોઇને હસી પડ્યા, ‘આવ, ભાઇ, અંદર આવ! આ સભામંડપમાં એક પણ સ્તંભ નથી, તારે પણ આ વિશાળ ઘુમ્મટને ટેકો આપવા માટે થાંભલો બનીને ઊભા રહેવાની જરૂર નથી. આવી જા!’
યુવાન ભોંઠો પડીને પાસે આવ્યો. મહારાજસાહેબને વંદન કર્યા, ચરણસ્પર્શ કર્યો અને પછી લાકડીની જેમ જમીન ઉપર સૂઇ ગયો. મહારાજસાહેબે મુઢ્ઢી ભરીને વાસક્ષેપ લીધી અને એના કાળા વાંકડિયા ઝુલ્ફોમાં ભેળવી દીધી.
‘મહારાજસાહેબ! મારા મનની મુરાદ પૂરી કરો!’
‘મુરાદ તો જિન મહાપ્રભુ પૂરી કરે, ભાઇ! પણ તારી ઇચ્છા શી છે એ તો જણાવ.’
‘જ્યારે અહીં આવ્યો ત્યારે તો ઘણી બધી ઇચ્છાઓનું પોટલું લઇને આવ્યો હતો, પણ પળવારમાં પોટલું છુટી પડ્યું, ઇચ્છાઓ વેરાઇ ગઇ.’
‘વીતરાગ જન્મ્યો કે શું?’
‘ના, મહારાજ સાહેબ, અનુરાગ જન્મ્યો છે.’
‘સમજી ગયો! ત્યારે તો એ મારું ક્ષેત્ર ન ગણાય.’
‘પણ આપ મને એ યુવતીનું નામ-ઠામ તો જણાવી શકો ને!’ યુવાન પૂછતાં તો પૂછી બેઠો, પણ તરત જ એને પોતાની ધ્યૃષ્ટતાનું જ્ઞાન થઇ ગયું. ‘ક્ષમા ચાહું છું, મહારાજસાહેબ! મારાથી ભયંકર ભૂલ થઇ ગઇ. ગાંધીજીને મદિરાલયનું સરનામું પૂછી બેઠો પણ હું મજબૂર છું. આવું રૂપ મેં આજ સુધીમાં અમારી રાજપૂત જ્ઞાતિમાં જોયું નથી.’
‘તો તમે રાજપૂત છો? તાતી તલવારના માણસ થઇને અહિંસાના દરબારમાં પધારવાનું મન શાથી થયું?’ મહારાજ મંદ-મંદ મલક્યા.
‘આપની ખ્યાતિ મને અહીં ખેંચી લાવી છે, મહારાજ! પણ પેલી...’
‘બસ! હવે એના વિશે એક પણ સવાલ ન પૂછશો, ભાઇ! અહીં જિન મહાપ્રભુનાં સાંનિધ્યમાં ચામડીની સુંદરતા નથી જોવામાં આવતી, અહીં તો માત્ર આંતરિક સૌંદર્ય જ મહત્વનું ગણાય છે. તમારું શુભ નામ?’
‘મયૂરધ્વજસિંહ. કાઠિયાવાડની એક નામી રિયાસતના ભૂતપૂર્વ ઠાકોરનો યુવરાજ છું.’
‘ત્યારે ઠાકોર, એટલું જાણી લો કે તમે જેને ઢેલ બનાવવા માગો છો તે યુવતી પણ જૈનેતર હોવી જોઇએ. એ પણ તમારી જેમ જ આજે પ્રથમ વાર અહીં આવેલી હતી. એના વર્તનમાં જૈનાચારનું અજ્ઞાન વરતાતું હતું. બસ, હવે સિધાવો! ધર્મલાભ!’ મહારાજ વિમલપદ્મસુરીશ્વરસાહેબ ઊભા થયા અને ઉપાશ્રયની અંદરના ભાગ તરફ ચાલતા થયા. યુવાન પણ રવાના થઇ ગયો.
બીજા દિવસે પણ આવો જ યોગાનુયોગ સર્જાયો. પ્રવચનના અંતે પેલી યુવતી અને મયૂરધ્વજસિંહની નજરો સામ-સામે ટકરાઇ ગઇ. પછી તો આ રોજનો ક્રમ બની ગયો. રાજપૂત યુવાને પીછો કરીને જાણી લીધું કે યુવતી કોણ છે અને ક્યાં રહે છે!
પછી એક દિવસ અપાસરાની બહાર એને આંતરીને એ ઊભો રહ્યો, ‘લે, આ ખંજર! ઉતારી દે મારી ઢાલ જેવી છાતીમાં. એક પળમાં મને મારી નાખ. આમ રોજ હપ્તે-હપ્તે મરવાનું મને નહીં પોસાય.’
યુવતી ડઘાઇ ગઇ, ‘તમે કોણ છો? અને આ બધું શું છે?’
‘મારું નામ મયૂરધ્વજસિંહ. ચુડાસમા રાજપૂત છું. તાતી તલવાર રાખું છું, મૂછ ધારદાર રાખું છું અને વાણી પાણીદાર રાખું છું. અત્યાર સુધી મારવાની વાત કરતો હતો, તને જોયા પછી મરવા ઉપર આવી ગયો છું. તને જોયા પછી પ્રતજિ્ઞા લીધી છે કે તને જ મારી રાણી બનાવીશ, કાં તને ભેટીશ, કાં મૃત્યુને!’
યુવતીને વાચા ફૂટી, ‘પણ હું તો તમને જાણતીયે નથી.’
‘તો જાણી લેને! અને હું તો તારા વિશે બધું જાણીને બેઠો છું. તું બ્રાહ્નણ પુત્રી છે. કોલેજમાં ભણે છે. નામ ધાર્મિકા અને માતા-પિતાનાં નામ...’
‘બસ! બસ! તમે તો મારો પૂરો બાયોડેટા જાણી લીધો લાગે છે.’
‘હા, પણ તું હવે એટલું જાણી લે કે હું તને પામ્યા વગર રહી શકવાનો નથી. એક વાર મને ધ્યાનથી નીરખી લે. જો હું તને ગમતો હોઉં તો હા પાડી દે! વચન આપું છું કે જિંદગીભર હથેળીમાં રાખીશ. મારો પ્રેમ પટોળા પરની ભાત જેવો હશે, ફાટશે પણ ફીટશે નહીં.’
ધાર્મિકા ટીકી-ટીકીને જોઇ રહી, પછી એની પાંપણો ઝૂકી ગઇ. બીજા દિવસથી બંનેએ સાથે પ્રવચનમાં આવવાનું શરૂ કરી દીધું. જ્યારે પગે લાગવા આવ્યાં, ત્યારે આ સુંદર જોડું જોઇને મહારાજ વિમલપદ્મસુરીશ્વરજી પણ પ્રસન્ન થઇ ગયા. બોલ્યા પણ ખરા, ‘આખરે સુંદરતાએ સ્નેહનું સરનામું શોધી લીધું ખરું, કેમ?’ ફરી પાછી વાસક્ષેપ-વર્ષા અને ધર્મલાભના આશીર્વાદ.
મહારાજસાહેબના ચાતુર્માસ ચાલતા હતા, આથી એમનાં દર્શનનો લાભ લેવા માટે આ પ્રેમીયુગલ રોજ આવતું રહેતું હતું. એક દિવસ બંનેના ચહેરા ઊતરેલા હતા. મહારાજસાહેબે સહજ પૃચ્છા કરી તો જાણવા મળ્યું કે એમના પ્રણયની જાણ બેઉંના પરિવારોને થઇ ગઇ હતી અને બંને પક્ષો તરફથી વિરોધનો વાવંટોળ ઊઠ્યો હતો.
મહારાજસાહેબ ગમે તેટલા વીતરાગી સંત હતા, પણ આખરે અવતાર તો મનુષ્યનો જ ધારણ કર્યો હતો ને! એ બંને પ્રેમીજનોના સુકુમાર ચહેરાઓને દુ:ખી જોઇને તેઓ પણ વ્યથિત થયા, પણ પછી તરત પાછા ધર્મકાર્યમાં ડૂબી ગયા. એક દિવસ એવો કમભાગી ઊગ્યો કે પ્રવચનની સભામાં ન તો ધાર્મિકા દેખાઇ, ન દેખાયો મયૂરધ્વજ. મહારાજસાહેબની આંખો બંનેને શોધતી રહી.
પ્રવચનની સમાપિ્ત પછી એક શ્રાવકે આવીને સમાચાર આપ્યા, ‘મહારાજસાહેબ! શાતામાં છો? ક્ષમા ચાહું છું, એક માઠા સમાચાર આપવાના છે. આપ તો અખબાર નથી વાંચતા, પણ આજના છાપામાં ફોટા સાથે સમાચાર છે. આપનું પ્રવચન સાંભળવા માટે રોજ આવતાં હતાં તે યુવક અને યુવતીએ ટ્રેનના પાટા પર પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી છે. બંનેના પ્રેમને સમાજની માન્યતા ન મળી, માટે એમણે આવું ગોઝારું પગલું ભર્યું છે. બેય શરીરો તો એવા ટુકડા-ટુકડા થઇને...’
મહારાજસાહેબ ઊઠીને પોતાના ઓરડામાં ચાલ્યા ગયા. એકાંતમાં બબડી ગયા, ‘અરે, પ્રભુ! આવો સંસાર તંે શા માટે બનાવ્યો? આ સુંદર જોડાંને જોઇને તપસ્વીઓને તપ છોડવાનું મન થાય, મરેલાંને પાછા જીવતા થવાનું મન થઇ જાય, આવા મનોહારી જીવોને આ દુનિયાએ હણી નાખ્યા? સારું થયું કે હું દીક્ષા લઇને સાધુ બની ગયો છું. આના કરતાં તો ધાર્મિકા અને મયૂર એકબીજાને મળ્યાં જ ન હોત તો સારું થાત!’ ‘
(સત્ય ઘટના:કથાબીજ મને કહી સંભળાવતી વખતે પણ મહારાજસાહેબ અત્યંત દુ:ખી થઇ ગયા હતા. મહારાજ સાહેબે મનાઇ નથી કરી, તેમ છતાં એમનું માન જાળવવા માટે મેં નામ બદલ્યું છે.)
Comments
Post a Comment
Thanx For Comment