રાઘવજી માધડ: સ્નેહ અને સુગંધ ક્યાંય છુપાતાં નથી

'મુન્ની બદનામ હુઇ, ડાર્લિંગ તેરે લીએ...’ આ રિંગટોન બીજી વખત સંભળાઇ એટલે મેં કહ્યું: ‘ગાડી સાઇડ કરીને મોબાઇલ ઉપાડી લે!’ પણ તેણે એમ ન કર્યું. ટાઇમ પાસ કરવો હતો તે મેં મજાકમાં કહ્યું: ‘કઇ મુન્ની બદનામ થઇ તારા લીધે!’ આમ કહેવું સાંભળી તે શરમાઇ ગયો. થોડીવારના મૌન પછી તો યુવાન રીતસરનો ખીલ્યો. મને કહે: ‘સર! હું ફોરેન રિટર્ન છું. એક વર્ષ લંડન રહીને આવ્યો છું!’‘તો પછી આમ ડ્રાઇવિંગ શું કરવા કરે છે!?’

યુવાને આક્રોશ સાથે ઊછળીને કહ્યું: ‘કોઇની ગુલામી કરવા કરતાં બાપુકો ધંધો શું ખોટો છે!?’આજકાલ યુવાધન અહીંથી ઉલેચાઇને પરદેશમાં ઠલવાઇ રહ્યું છે. ત્યાં સારું છે કે ખરાબ એ કહેવાનો કોઇ ઇરાદો નથી. પણ યોગ્ય કામનો અભાવ અને ક્યાંક સ્વભાવ ભાગ ભજવતો હશે. કામ મળવું જોઇએ. નહીંતર નવરો બેઠો નખ્ખોદ વાળે એ નક્કી. ન્યૂ જનરેશન કે યુવાનો જાણે નદીનું ઘોડાપૂર. તેને યોગ્ય દિશા કે જગ્યા ન મળે તો તે ઢાળ બાજુ ઢળે અને ક્યાંક એવું બને કે ગંગાનું પાણી ગટરમાં ભળી જાય! પછી પોતે, પરિવાર અને સમાજ સમસ્યાના પરિઘમાં કેદ થઇ જાય. 

આજે વ્હાઇટ કોલર જોબની અપેક્ષા વધી છે. ભણતરની સાથે ઘડતર ન થયું ત્યાં મનમાં ઠસાઇ ગયું છે કે, અમુક કામ થાય અને અમુક કામ ન થાય. તેમાં બાપ કે પરંપરાગત વ્યવસાય તો જાણે ગૌણ, નિમ્ન કક્ષાનો! યુવાનની ખુમારી અને સ્વમાનની વાત હૃદયસ્પર્શી રહી. મેં કહ્યું : ‘શું કરતો હતો ત્યાં લંડનમાં!?’ તો કહે: ‘જવા દોને સર... વાત કરવા જેવી નથી.’ ‘ઠીક છે.’ મેં કહ્યું: ‘પણ પાછો કેમ આવ્યો?’

‘આવવું પડ્યું મારી અંગત સમસ્યાને લીધે!’હેવી ટ્રાફિકના લીધે અમે બંધે મૌન રહ્યા. મારા દિલમાં કે મનમાં આ યુવાનની ખુમારીના પડઘા પડતા હતા. આજે કોઇ વૃક્ષની ઘટામાં બેસવાના બદલે ટી.વી.ની ડશિ કે એન્ટેના પર બેસીને પણ કોયલ ટહુકો કરે, મોર કોઇ દીવાલ કે અગાસી પર ઊભો રહીને ગહેકાટ કરે અને સિંહ કોઇ ગામની ભાગોળે આવીને ગર્જના કરે છતાંય ત્રણેયની ખુમારીમાં કોઇ જ ફરક પડતો નથી. પણ માણસની ખુમારી કોઇ કારણોવશ સ્લો, ડીમ કે પછી બોદી થવા લાગી છે. 

ખારા જળમાં મીઠી વીરડી સમાન આ યુવાનનો બોલવાનો ટોન અને તેમાંથી પ્રગટતો રણકો રુંવાડાં ખડાં કરી દે તેવો હતો.‘મારે જવું નહોતું ને મમ્મી-પપ્પાને મને ત્યાં મોકલવો જ હતો. તેમનું ગણિત હતું કે હું પરદેશમાં હોઉં તો કન્યા જલદી મળી જાય...’ તે ક્ષણભર અટકીને બોલ્યો: ‘પણ કન્યા તો મળેલી જ હતી...’ મેં એકદમ કહ્યું: ‘કોણ!?’‘રિંગટોનમાં કશું સમજયા નહીં સર!?’

મુન્ની બદનામવાળી વાત મારા મનમાં બરાબર ફિટ થઇ ગઇ અને સાચું ન સમજાયું હોય તો પણ, સમજાયું છે તેમ માની ચૂપ રહેવામાં જ સાર હતો.પરદેશ જવામાં ક્યાંક યુવાનો જીદે ચઢે છે અને ક્યાંક વાલીઓ. પણ આ ધસારાના લીધે વિઝા અંગેની છેતરપિંડી, કબૂતરબાજી જેવા બનાવો બને છે. એક યુવાનની ઘેલછાએ તેનાં મા-બાપે મરણમૂડી ખરચી નાખી. એજન્ટ બોગસ નીકળ્યો. છેલ્લે યુવાન આપઘાત કરવાથી માંડ બચ્યો. આંધળીદોટમાં માત્ર દોડવાનું હોય છે, સારા અને સાચા પરિણામની અપેક્ષા રાખી ન શકાય. ખરો યુવાન આ ગાડરિયા પ્રવાહમાં જોડાવાના બદલે પોતાની કેડી કંડારે.

‘કઇ સમસ્યાની વાત કરતો હતો તું...’ મેં વાત આગળ વધારવા ફરી દાણો દબાવ્યો. તો કહે: ‘શું કહું સર... એક કાંકરે બે પક્ષી મારવાની વાત હતી.’ હું કાંઇ સમજયો નહીં તે સ્પષ્ટતા કરતાં કહ્યું: ‘હું લંડનમાં હોઉં તો મેરેજમાં મુશ્કેલીમાં ન પડે, છોકરી સરળતાથી મળી જાય અને જે છે તેનાથી છુટી જાઉં!?’આ યુવાનને જે છોકરી સાથે અફેર છે તે જગજાહેર છે. કારણ કે સ્નેહ અને સુગંધ ક્યાંય છુપાતાં નથી. વળી ખાનગી વાતને જાહેર થતાં વખત લાગતો નથી. યુવાનને સમજાવ્યો પણ તે વળ્યો નહીં એટલે પરદેશ ધકેલી દીધો હતો.

‘સર! તેને સૌ મુન્ની જ કહે છે.’ તે શ્વાસ ઘૂંટીને બોલ્યો: ‘મારા લીધે જ બદનામ થયેલી. તેમાં આ ગીત આવ્યું. મને ફોન કરીને કહે છે, તું લઇ જા નહીંતર આપઘાત કરીશ. એક બાજુ મમ્મી-પપ્પા ત્યાં રોકાવાનું કહે અને આ આવવાનું કહે, મારે શું કરવું? મોટી સમસ્યા હતી મારા માટે...’

વ્યક્તિને માતા કે પિતાનો દરજજો પ્રાપ્ત થાય ત્યાંથી જ સંતાનની ચિંતા શરૂ થાય છે. સંતાનની ચિંતામાં પોતાનું હોવાપણું કે અસ્તિત્વ વીસરી જાય છે. ક્યાંક તો પોતાની ઇચ્છાઓ કે મનોકામનાઓ સંતાનો પર થોપી બેસાડવામાં આવે છે. સંતાન સારું જ હોય તો બહુ ચિંતા ન કરવી અને સારું અથવા તો તમારી કલ્પિત અપેક્ષા મુજબનું ન હોય તો શું કરવા ચિંતા કરવી!? દીકરો અમારું ઘડપણ પાળશે તેવી વાંઝણી અપેક્ષાના સ્માર્ટ સંતાનનું નામ છે ઘરડાઘર!

યુવાનનું નામ પૂછ્યું તો કહે મારું નામ વિવેક છે. પણ નામ તેવા જ ગુણ છે. વાણી, વર્તન અને વ્યવહાર તેની યુવાનીની શોભામાં છોગું ઉમેરતાં હતાં. કોઇપણ માણસ ગૌરવ લઇ શકે તેવો સોહામણો અને સૌજન્યશીલ યુવાન છે.‘પછી શું થયું?’ તો કહે: ‘પાછો આવતો રહ્યો લંડનથી...!’

‘તું લંડનથી પાછો આવતો રહ્યો એ તો સમજાયું પણ તારું પછી પેલું શું થયું!?’ મારું આમ કહેવું સાંભળી હસવા લાગ્યો. પછી કહે: ‘મેં મમ્મી-પપ્પાને સમજાવ્યાં... કે હું લંડનમાં સ્થિર થઇ જઇશ તો તમે એકલાં શું કરશો? કોણ પાળશે તમારું ઘડપણ!?’

‘અને મુન્નીનું...!’ તો કહે, ‘તમારા મોબાઇલ પરથી મને કોલ કરો.’ મેં કોલ કર્યો તો મને કોલરટ્યૂન સંભળાઇ: ‘માય નેઇમ ઇઝ શીલા, શીલા કી જવાની... મેં તેરે હાથ ના આની...’ 

Comments