ના, આ પત્ર હું નહીં આપું.’ પ્રવેશ ભડકી ગયો, ‘આવા તો પચાસ પત્રો હું લખી-લખીને ફાડી ચૂક્યો છું. મને ડર લાગે છે, જો આ પ્રેમપત્ર પલ્લીને પસંદ ન પડે અને એ ના પાડી દે તો...?
પ્રવેશે પચાસ જેટલા પ્રેમપત્રો લખ્યા અને લખી-લખીને ફાડી નાખ્યા. એકમાં એણે લખ્યું: ‘પ્રિય પલ્લી, તને જોઉં છું અને મને અજબની ‘ફીલિંગ્સ’ થાય છે. મારી છાતીની તિજોરી તારાં રૂપના રૂપિયાથી રણકવા માંડે છે. મારી ત્વચાના તળાવમાં કામનાઓનાં કમળો ખીલી ઊઠે છે. મારા હૈયાની હોડીને તારા સ્નેહનો શઢ શયનખંડના સાગરમાં ખેંચી જાય છે. અંતરનું આકાશ ઓગળે છે અને છાતીનાં છજાં ચૂંવે છે. મારો અષાઢ અંધારે છે અને શ્રાવણ સળગે છે.
મારા ખભા પર હું બળબળતું રણ ઊંચકીને ફર્યા કરું છું અને તું મીઠા જળનું સરોવર ઓઢીને મારી પડખેથી પસાર થઇ જાય છે. તારા પર હું મરું છું, માટે જીવી નહીં શકું અને જ્યાં લગી જીવતો છું, ત્યાં સુધી મરી નહીં શકું. પલ્લી, તું આવ! તારી ચાહનાના પ્રવાહને મારી દિશામાં વાળ! મને ધરી દે તારી ભૂગોળના સર્વ ઢાળ! મિટાવી દે મારા દિલનો દુકાળ!...’આ પત્ર પણ લખ્યા પછી એ ફાડી નાખવા જતો હતો, ત્યાં એના મિત્રો આવી ગયા. વિકાસે પત્ર ઝૂંટવી લીધો. બધા સાંભળી શકે તેમ મોટેથી વાંચી ગયો. આખાયે મિત્રવર્તુળમાં સોપો પડી ગયો.
‘પ્રવેશ, આ બધું શું છે? તું અને પ્રેમપત્ર?’ પ્રેમલે પૂછ્યું.‘કેમ, મારાથી પ્રેમપત્ર ન લખી શકાય એવું ભારતના બંધારણમાં લખેલું છે?’ પ્રવેશ ચિડાયો.‘આમાં ભારતનું બંધારણ ન ચાલે, આમાં ભાગ્યનું બંધારણ જ તપાસવું પડે. હું એવું નથી કહેતો કે તારાથી પ્રેમપત્ર ન લખી શકાય, મારો પ્રશ્ન એ છે કે તારે પ્રેમપત્રો લખવા શા માટે પડે? તારા એવા તે કેવા ખરાબ દિવસો આવ્યા કે આખી કોલેજમાં સૌથી વધારે હેન્ડસમ અને સ્માર્ટ હોવા છતાં તારે કોઇ ફાલતુ છોકરીને કહેવું પડે કે ‘તારા ઉપર હું મરું છું માટે હું જીવી નહીં શકું!’ મુકેશ અંબાણી ઊઠીને કોઇ ભિખારીની પાસેથી આઠ આના ઉછીના માગે? યે બાત કુછ હજમ નહીં હુઇ, મેરે દોસ્ત...!’
પ્રેમલનો ખુલાસો સાંભળીને દસ મિત્રો અને સાત સહેલીઓ ઝૂમી ઊઠી. બધાંએ હકારમાં ડોકાં હલાવ્યાં. વાત સાવ સાચી હતી. પ્રવેશ પટનાયક જેવો સોહામણો યુવાન આખી કોલેજમાં બીજો કોઇ ન હતો. બાહ્ય વ્યક્તિત્વ, આંતરિક છબી, અભ્યાસ, અભિનય, સ્પોર્ટ્સ, સંગીત અને મિત્રવર્તુળ, કોલેજ-જીવનનું કોઇપણ પાસું તપાસી લો. પ્રવેશ પ્રત્યેક ક્ષેત્રમાં પ્રથમ જ હોય. એની દોસ્તી ઝંખતી અસંખ્ય છોકરીઓ માત્ર સ્ત્રી-સહજ સંકોચ અને શરમના કારણે એની નિકટ આવી શકતી ન હતી, તો પણ એક-એકથી ચડિયાતી સાત સુંદરીઓ તો એની ખાસ બહેનપણીઓ હતી જ.
આવા બહુમુખી પ્રતિભાના માલિક એવા પ્રવેશે સામે ચાલીને કોઇ છોકરીના પ્રેમ માટે યાચના કરવી પડે?! અંબાણી અને આઠ આનાની સરખામણી સાવ સાચી હતી, પણ પ્રવેશને આ વાત માન્ય ન હતી. એ બૂમ પાડી ‘ઊઠ્યો,’ તમે લાયકાતની બાબતે મને અંબાણી કહો એની સામે મને વાંધો નથી, પણ એને તમે ભિખારણ ન સમજો. પલ્લી તો મહારાણી છે! રૂપના રાજમહાલયની અધિષ્ઠાત્રી! એના પ્રેમના તો પરચૂરણ માટે પણ હું ભિક્ષુક થવા તૈયાર છું.’
‘કોણ છે એ પલ્લી?’ એક મિત્રે પૂછ્યું, ‘આપણી કોલેજમાં આવી દેવકન્યા ભણતી હોય અને મને ખબર ન હોય? ધિક્કાર છે મારા જીવતરને!’‘આટલી અમથી વાતમાં તારી જાતને ધિક્કારવા ઉપર ન ઊતરી પડ, બધું! પલ્લી આપણી કોલેજમાં નથી ભણતી, એ તો સામેની કોલેજની સ્ટુડન્ટ છે.’ પ્રવેશે માહિતી આપી.‘આર્ટસ કોલેજની?’ છોકરાઓ પૂછવા લાગ્યા. છોકરીઓમાંથી પણ મોટાભાગની આ હકીકતથી અજાણ હતી, પણ એક છોકરીએ માથું હલાવ્યું. એ ટશર હતી. ટશર ત્રિવેદી.
‘હા, હું ઓળખું છું પલ્લીને.’ ટશરે કહ્યું, ‘એ મારી ખાસ સહેલી નથી, પણ અમે એકબીજાને જોયે ઓળખીએ છીએ. મારો ‘કઝિન’ એના કલાસમાં ભણે છે. ક્યારેક હું મારા બ્રધરને મળવા આર્ટ્સ કોલેજમાં જઉં છું ત્યારે મારે ને પલ્લીને ‘હાય-હેલ્લો’ થઇ જાય છે.’ ‘ત્યારે તો પ્રવેશનું કામ થઇ ગયું સમજો.’ નિશાંતે કહ્યું, ‘આ પ્રેમપત્ર લઇને ટશર જ પલ્લી પાસે જાય અને એને આપી આવે. પાછી આવે ત્યારે પલ્લીનો જવાબ પણ લેતી આવે.’
‘મને એવું કરવામાં વાંધો નથી.’ ટશરે તટસ્થ ભાવથી તૈયારી દર્શાવી. એ પ્રવેશના મિત્રવર્તુળમાં સામેલ જરૂર હતી, પણ બંનેની વચ્ચે એક પ્રકારનું સલામત અંતર હતું. એમને ગાઢ મિત્રો ન કહી શકાય. સામાન્ય રીતે કોઇ સંસ્કારી, સીધી છોકરી આવા પ્રેમ પ્રસ્તાવો લાવવા-લઇ જવાનું કબૂતર જેવું કામ પસંદ ન જ કરે, પણ એક જ વર્તુળમાં હોવાના કારણે ટશરે તૈયારી દર્શાવી.‘ના, આ પત્ર હું નહીં આપું.’ પ્રવેશ ભડકી ગયો, ‘આવા તો પચાસ પત્રો હું લખી-લખીને ફાડી ચૂક્યો છું.
મને ડર લાગે છે, જો આ પ્રેમપત્ર પલ્લીને પસંદ ન પડે અને એ ના પાડી દે તો...?’‘પણ આ પત્ર તો સરસ રીતે લખાયો છે, અમને બધાંને ગમ્યો છે.’ એક છોકરીએ હિંમત બંધાવી.‘તને ગમે એનાથી શું વળે? મારી પલ્લીને ગમવો જોઇએ ને!’ પ્રવેશની મુગ્ધતા જોઇને મિત્રો ઢળી પડવા જેવા થઇ ગયા. એમને સમજાઇ ગયું કે પ્રવેશના હૃદયની આગ બહુ આગળ વધી ચૂકી છે, એને ઠારવા માટે પલ્લી નામના ફાયર-ફાઇટર સિવાય બીજું કશું જ નહીં ચાલી શકે. તમામ મિત્રોએ આગ્રહ કર્યો, ત્યારે પ્રવેશ એક વાતમાં સંમત થયો, ‘આ પ્રેમપત્ર તો હું નહીં જ આપું, પણ ટશર એટલું કરી શકે કે પલ્લીને મળીને મારા દિલની વાત એને જણાવી શકે.’
ટશર તૈયાર થઇ ગઇ. બીજા દિવસે રિસેસના સમયમાં એ સામે આવેલી આર્ટસ કોલેજમાં પહોંચી ગઇ. કઝિનને મળવાને બદલે એ સીધી પલ્લીને જઇ મળી, ‘હાય! કેમ છો? મારા ભાઇને ક્યાંય જોયો?’‘ના, કદાચ નિલેશ આજે આવ્યો જ નથી. બસ, ભાઇ નથી એટલે મારી સાથે વાત નહીં કરે?’ પલ્લીએ મજાક કરી. ટશરને તો આટલું જ જોઇતું હતું. એ તરત જ પલ્લીને ખેંચીને કેન્ટીનમાં લઇ ગઇ. પૂરી વીસ મિનિટ બંને સહેલીઓએ કોફીની વરાળમાં વિતાવી દીધી.
જ્યારે ટશર પાછી ફરી ત્યારે છોકરા-છોકરીઓ એનો જવાબ સાંભળવા માટે એક કાન થઇને ઊભાં હતાં. પ્રવેશનો તો પ્રાણ એની કર્ણેન્દ્રિયમાં આવીને બેસી ગયો હતો. પ્રેમલે પૂછ્યું, ‘સિંહ કે શિયાળ?’‘ગધેડો!’ ટશરે ત્રીજા જ પ્રાણીનું નામ ઉચ્ચાર્યું, ‘પ્રવેશ મોડો પડ્યો. પલ્લીની એક મહિના પહેલાં જ સગાઇ થઇ ગઇ. એના પપ્પાએ એની જ જ્ઞાતિનો એક છોકરો શોધી કાઢ્યો. પલ્લીને ક્યાં ખબર હતી કે એની સામેની કોલેજમાં કોઇ જાતવાન અશ્વ એની ઉપર મરી રહ્યો છે! એણે જે હાથ ચડ્યો એ ગધેડો ખરીદી લીધો.’ બધાં નિરાશ થઇ ગયાં.
પ્રવેશની દશા દયનીય બની ગઇ. ધવલે ઠપકો આપતા કહ્યું, ‘ડોબા, આ બધું તારા કારણે થયું છે. પચાસ-પચાસ પ્રેમપત્રો ફાડીને ફેંકી દેવાને બદલે ખાલી એક જ ચિઠ્ઠીમાં ‘આઇ લવ યુ’ લખીને પલ્લીના હાથમાં મૂકી આવ્યો હોત ને, તોયે કામ પતી ગયું હોત!’‘તો પણ ન પત્યું હોત!’ પ્રવેશ રડમસ અવાજે બોલ્યો, ‘આ છોકરીઓ આટલી બુધ્ધુ હોતી હશે? એમને માત્ર કાગળ વાંચતા જ આવડે? પ્રેમીનો ચહેરો વાંચતા ન આવડે? છેલ્લા છ-છ મહિનાથી હું સવાર-બપોર-સાંજ એની કોલેજનાં ચક્કરો કાપતો ફરું છું, કોઇ ને કોઇ બહાને એની નજરમાં આવતો રહું છું, એ બધું પલ્લીને નહીં દેખાયું હોય? મારી આંખ, મારું વર્તન, મારી બોડી લેંગ્વેજ આ બધું એને સમજાયું નહીં હોય? છોકરીઓ આટલી હદે ગમાર, ડફોળ અને મૂર્ખ હોઇ શકતી હશે?’
એ સમયે તો કોઇ કશું ન બોલ્યું. પ્રવેશ દેવદાસનો આધુનિક અવતાર જેવો બનીને બાકીનો દિવસ ફરતો રહ્યો. મિત્રોને ડર લાગ્યો કે આ ક્યાંક આપઘાત ન કરી બેસે! પણ પ્રવેશના હોઠો પર એક જ ફરિયાદ હતી, ‘આ છોકરીઓ સાવ આવી ડફોળ હોતી હશે?’ સાંજે જ્યારે કોલેજ છુટી, ત્યારે પ્રવેશ ભાંગેલા પગે ઘર તરફ જતો હતો, ત્યાં ટશર અડધે રસ્તે એની વાટ જોઇને ઊભી હતી.
એણે આટલું જ પૂછ્યું, ‘પ્રવેશ, છોકરીઓની વાત છોડ! મને એ કહે કે છોકરાઓ પણ શું આટલી હદે ડફોળ હોતા હશે? પલ્લી કરતાં પણ હજાર ગણી સુંદર છોકરી છેલ્લા એક વર્ષથી તારી ઉપર મરી રહી છે, તોયે તને એની લાગણી કેમ વંચાતી નથી? બગલો શિકારની ખોજમાં ક્ષિતિજ ઉપર મીટ માંડીને તપ કરતો હોય છે, પણ એને ખબર નથી હોતી કે માછલી તો એના પગ પાસે જ છે.’ પ્રવેશની આંખમાં ચમક આવી ગઇ, ‘ટશર, તું?’‘
(શીર્ષક પંક્તિ: મનોજ ખંડેરિયા)
Comments
Post a Comment
Thanx For Comment