રાઘવજી માધડ: મારા ખાલીપાને ફૂલછાબ માફક પ્રેમથી છલોછલ ભરી દીધો છે!

વિરહની વ્યથા વગર મિલનની મઝા અધૂરી લાગે પણ બંને બાજુ સરખું હોય તો શું કરવાનું? છાતી ચીરીને કહી ન શકાય તેવી સમસ્યા સાથે બહુ ઓછા સમયમાં નિર્ણય લેવાનો હોય-આ પાર અથવા પેલે પાર... વિશ્વા ઘડિયાળના લોલક માફક આમ તેમ ફંગોળાતી હતી. સવારનો સૂરજ ઊગશે તે ઉજાસભર્યો હશે કે નર્યો અંધકાર... કહી શકાય તેમ નથી.

જિંદગીની મંજિલ પર ઘણા ધાર્યા અને અણધાર્યા વળાંકો આવતા હોય છે. કોઇ વળાંક એવો હોય કે ન અટકી શકાય, ન આગળ વધી શકાય અને ન પાછા વળી શકાય! શું કરવાનું? પણ જિંદગીના દરેક વળાંકને પોતીકો મિજાજ હોય છે. તે ફરી ક્યારેય પાછો આવવાનો હોતો નથી. તેથી જે આવે તે, જે બને તેને જીરવી જવાનું અને આનંદપૂર્વક જીવી જવાનું. દુ:ખની પરાકાષ્ઠા પછી સુખની કૂંપળ ફૂટતી હોય છે પણ ત્યાં સુધી ધૈર્ય અને ધીરજ રાખવી પડે.

છેલ્લા પંદર દિવસમાં વિશ્વાના જીવનમાં એક વંટોળ આવ્યો છે. શાંત અને સ્થિર પ્રવાહમાં પથ્થર ફેંકાયો છે. ખળભળાટ મચી ગયો છે. નેશનલ ટેલેન્ટ ટેસ્ટ માટે વિશ્વા દિલ્હી આવી હતી. ત્યાં ગુજરાતી સમાજની ડોરમેટ્રીમાં સૂરજ સાથે પરિચય થાય છે. જાણે-અજાણ્યે પણ બંને વચ્ચે લાગણીનો એક તંતુ જોડાઇ જાય છે.

જીવનમાં ક્યારેક એવું બને કે કોઇ માણસ પ્રથમ દ્રષ્ટિએ જ ગમી જાય. પહેલી વખત જ મળ્યા હોઇએ છતાંય એવું લાગે કે વરસોથી એકબીજાને ઓળખીએ છીએ અને ક્યાંક પોતાના હોવા છતાં પરાયા લાગે. આ બધું પ્રકૃતિદત્ત હોય છે. આવા સમયે વિવેક દાખવવાનું વ્યક્તિના હાથમાં હોય છે. 

વિશ્વા અને સૂરજ દિલ્હીમાં ફયાઁ છે, સાથે રહ્યાં છે અને અતૂટ આત્મીયતા બંધાઇ ગઇ છે. વિશ્વા મેરિડ છે. બે વરસનું સુખી દાંપત્યજીવન છે. હસબન્ડ હેન્ડસમ, કહ્યાગરો, ઊંચો પગાર લાવતો... બધી જ રીતે સારો છે. કોઇ જ પ્રશ્નો નથી, પણ આ બધું એક રૂટિન જેવું લાગે છે. લગ્ન પછી સામાજિક સ્વીકાર થાય તેની સાથે હૃદયસ્થ એ મોટી વાત છે. બાકી તો સંસાર રથનાં પૈડાં એમ જ ચાલ્યાં કરતાં હોય છે. સ્ત્રી માટે પ્રેમ પ્રથમ સ્થાને હોય છે, શરીરસંબંધ તો સાવ છેલ્લે આવે છે.

દિલ્હી જેવા મહાનગરમાં વિશ્વાને સૂરજ થકી સિકયોર ફીલ થયું છે. સાથે તેની નિર્દોષતા પણ હૃદયસ્પર્શી રહી છે. સૂરજ આમ સાથે રહ્યો છતાંય તેણે ખરાબ દ્રષ્ટિએ સામે જોયું નથી તે વિશ્વા માટે મૂડી હતી.

સ્ત્રીને સમજવામાં એક જન્મારો ઓછો પડે. તે હિમશિલા જેવી હોય છે. પાણીની સપાટી પર દેખાય તે માત્ર દશાંશ ભાગ જ હોય છે. બાકીનો નેવું ટકા હિસ્સો તો અંદર હોય છે. સ્ત્રીને પામવા, પોતીકી કરવા અને ખરેખર હૃદયરાણી બનાવવા આ હિસ્સાને પણ ઓળખવો પડે. તેનાં ગમા-અણગમા, રસ-રુચિ... આ સઘળું જાણી તેને એકરૂપ થવું પડે. જ્યારે સ્ત્રી બહુ ઓછા વખતમાં પુરુષને પારખી જાય છે અને તેમના કહ્યા પ્રમાણે રહેવાનું લગભગ પસંદ કરે છે.

રાજધાની એક્સપ્રેસ દિલ્હીથી અમદાવાદ તરફ આવી રહ્યી છે. વિશ્વા થ્રી ટાયર એસી કોચની સ્લીપિંગ સીટમાં લાંબી થઇને પડી છે. સામેની સીટમાં સૂરજ સૂતો છે. આંખો બંધ છે પણ ઊંઘ તો ક્યારનીય ઊડી ગઇ છે!

વિશ્વા વિચારે છે કે આ યુવાને મારા અસ્તિત્વનો આદર કર્યો છે. મને સ્વમાન બક્ષ્યું છે. મારા ખાલીપાને ફૂલછાબ માફક પ્રેમથી છલોછલ ભરી દીધો છે. મારી ઓળખને ઉજાગર કરી છે. મુક્તગગનમાં પંખી પેઠે પાંખો આપી છે અને આ વિશાળ જગતને જોવાની આંખો આપી છે. હું સુગંધ અને સ્નેહથી તરબતર થઇ ગઇ છું. મારી અસલી ઓળખ આ સૂરજ થકી જ ઊઘડી છે. મારા જીવનપથ પર તેનો ઉજાસ પથરાતો રહે તો જીવન સોનેરી બની જાય અને આમ પણ અણગમતા પુરુષ સાથે આયખું વેંઢારવું તેના કરતાં મનગમતા પુરુષ સાથે ભલેને પાંચ જ વરસ જીવવા મળે! વિશ્વાના મનોજગતમાં ભારે ઉલ્કાપાત સર્જાયો છે. 

એક ચોક્કસ નિર્ણય પર આવી જવાનો સમય પાકી ગયો છે. વળી, સામે સૂરજને પણ કહ્યું છે : ‘હું સવાર થતાં અમદાવાદ આવ્યે મારો નિર્ણય જણાવી દઇશ.’‘સૂરજ!’ કહીને વિશ્વા એકદમ બેઠી થઇ ગઇ. પછી શરીર ફરતે હાથ વીંટાળીને બોલી: ‘ઠંડી લાગે છે, એસી વધી ગયું છે!’‘એસી બંધ નહીં કરી શકાય પણ...’ આમ કહી સૂરજ નીચે આવે છે અને વિશ્વાને કામળો ઓઢાડે છે. પછી કહે છે: ‘જગતને નહીં, જાતને ઢાંકવી પડે!’

અડધો કલાક આંખ મળી હશે ને પછી આંખો ઊઘડી ગઇ. સામે સૂતેલા સૂરજના બાળક જેવા નિર્દોષ મોં પર એક તસતસતું ચુંબન કરવાનું મન થઇ આવ્યું. ઊભી થઇ, કપડાં સરખાં કર્યા, પછી સૂરજના ગાલ પર ટપલી મારી તે બાથરૂમ તરફ ગઇ. પાછી આવીને સીટ પર વિશ્વા ઊભા પગે બેઠી. તેની પાસે હવે બહુ ઓછો સમય હતો. ઘરે પાછા જવું કે સૂરજ સાથે જ ચાલ્યા જવું... જીવસટોસટનો નિર્ણય લેવાનો હતો. વિશ્વાને થયું કે પોતે છેદાઇને ટુકડામાં વિભાજિત થઇ ગઇ છે. હમણાં સાફ કરવાવાળો આવશે તો પોતાને કચરો સમજી ટોપલીમાં ભરીને ચાલ્યો જશે!

આંખો બંધ કરીને વિશ્વાએ જાણે સમાધિ લગાવી. તે સારી રીતે સમજતી હતી કે આવેગ અને આવેશમાં લીધેલ નિર્ણય સારા અને સાચા હોતા નથી. તેણે થેલામાંથી પેન અને કાગળ લીધાં. લખતાં પૂર્વે સૂરજ સામે જોયું. તેની આંખોને ઊંઘ ગ્રસી ગઇ હતી. ‘સૂરજ! આપણો પ્રવાસ પૂર્ણ થાય છે. અહીં સુધીનો સંગાથ પર્યાપ્ત હતો. હવે આપણે ક્યાંય, કોઇપણ રૂપે મળીશું નહીં, સંપર્ક કરીશું નહીં. મને ખાતરી છે, મારી આ વાતનું તમે સંપૂર્ણપણે પાલન કરશો.’ જીવનભરના સંગાથની ઇચ્છા ઓછી નથી. પણ... મારા પતિના અને પરિવારના વિશ્વાસનું શું???

ચિઢ્ઢીને સૂરજના ઓશીકા પાસે મૂકી વિશ્વા આગળના સ્ટેશને ઊતરી જાય છે! 

Comments