રાઘવજી માધડ: લક્ષ્મણરેખા ઓળંગો એટલે સમસ્યાની શરૂઆત થાય...

લગ્નની પણ એક ઉંમર હોય છે. ચોમાસું ચાલ્યા ગયા પછી નદીમાં ઘોડાપૂર આવતું નથી. નદીના નીર નિરંતર વહે છે પણ તેમાં યુવાનીનો આવેગ કે ઉન્માદ હોતો નથી.

ફરી ક્યાં અને ક્યારે મળીશું..., મળ્યા પછી પણ શું? આવી અવઢવમાં અટવાયેલાં વિંઝલ અને નારાયણ શહેરના છેવાડે એક નર્જિન જગ્યાએ આવીને ઊભાં છે. ઘણું કહેવું છે, સાંભળવું છે પણ હૈયાના ખડિયામાં શબ્દો માટેની શ્યાહી જ ખૂટી ગઇ છે! વગડો સાવ સૂનો અને મૌનવ્રત ધારણ કરેલા સિદ્ધપુરુષ જેવો ભાસે છે. જોગણ જેવા વૃક્ષો રિસાયેલાં પ્રેમીઓની માફક મોં ફેરવીને ઊભાં છે. ચૈત્ર માસની શરૂઆત છે છતાં ઉનાળાનાં એંધાણ વરતાવા લાગ્યાં છે.

‘વિંઝલ!’ ઘૂઘવતા મૌનના સાગરમાં છલાંગ મારીને નારાયણે કહ્યું: ‘જે કહેવું હોય તે કહી દે, સમય ઓછો છે. મારે હજું પાંચ કલાકની મુસાફરી કરવાની છે, દૂર ગામડે પહોંચવાનું છે!’

ડરનાં માર્યા માળામાં પોઢી ગયેલાં પંખીઓની પાંખ ફફડે એમ વિંઝલના ગુલાબની કળી જેવા હોઠ ઉઘડ્યા. તેણે કહ્યું: ‘કહેવું છે ઘણું... પણ કશી જ સમજ પડતી નથી. મનમાં મૂંઝારો થાય છે.’ અકથ્ય વેદના અનુભવતી વિંઝલ તેના એક્ટિવાના હેન્ડલ પર માથું ઢાળી ગઇ.

વિંઝલ અને નારાયણ ક્લાસમેટ હતાં. કોલેજનાં ત્રણ વર્ષ પૂર્ણ થયાં. પરીક્ષાનું છેલ્લું પેપર પણ આપી દીધું. કોલેજ લાઇફને ટીખળ-તોફાન, ધીંગામસ્તી... સાથે મસ્ત અને સ્વસ્થપણે માણી. સમય આંખના પલકારામાં પસાર થઇ ગયો. વસંત વહી ગઇ અને વૃદ્ધાના જીર્ણવસ્ત્રો જેવી પાનખર સામે આવીને ઊભી રહી.

‘તું હવે આગળ ભણવાનો નથી, અહીં આવવાનો નથી એ ફાઇનલ?’

વિંઝલના આમ કહેવા સામે નારાયણે મૂક સાક્ષી પૂરી.

‘મારું પણ તારા જેવું જ છે.’ વિંઝલે કહ્યું: ‘ભણાવવાના બદલે પરણાવવાની મમ્મી-પપ્પા પેરવી કરે છે!’

‘તેમાં ખોટું શું છે?’ નારાયણનું આમ કહેવું સાંભળી વિંઝલની દુ:ખતી નસ દબાઇ હોય એમ ચિત્કારી ઊઠી: ‘મેં ક્યાં કહ્યું કે ખોટું છે!?’ નિરવતા વચ્ચે લોહીઝાણ લિસોટો પડ્યો.

નારાયણને પણ આમ છુટ્ટા પડવાની પીડા ઓછી નહોતી. મન મળે ત્યાં માળો બંધાય અને દિલ મળે ત્યાં વિશ્વ રચાય. પણ અહીં સ્થિતિ જરા જુદી હતી.

વિંઝલ સુખી-સંપન્ન પરિવારની પુત્રી છે. હોશિયાર અને સમજદાર છે. ઘરનું વાતાવરણ મુક્ત છે. મમ્મી-પપ્પા પાસે તે પોતાની પસંદગી-નાપસંદગી જણાવી શકે તેમ છે.

‘નારાયણ!’ વિંઝલ ડોક ટટ્ટાર કરીને બોલી: ‘મારાં મેરેજ થાય એમાં કશો જ વાંધો નથી. મેં ક્યાંય એવું લફરું પણ નથી કર્યું તે...’
નારાયણે હસીને વ્યંગમાં કહ્યું: ‘લફરું કરે એવી તો તું ક્યાં છો!?’

બંને વચ્ચે વાસંતી વાયરા જેવી લહર પ્રસરી ગઇ. મૂંઝયોલા મન પુલકિત થઇ ઊઠ્યા. ખૂલીને હસવા લાગ્યાં.

‘સાવ અજાણ્યા માણસ સાથે જીવનભર રહેવાનું, તેની મરજી મુજબ જીવવાનું... અને એમ ન બને તો ઝઘડા... ને છેલ્લે છુટાછેડા!’

વિંઝલે જિંદગીનું સોહામણું અને બહિામણું ચિત્ર પીંછીના એક જ લસરકે દોરી નાખ્યું. સંસારની રામાયણ કે મૂંઝવણનું મહાભારત બહુ ઓછા શબ્દોમાં તે વ્યક્ત કરીને ઊભી રહી.

આમ તો આ બંનેના અનુભવ બહારનો વિષય હતો. બીજું કે વૃક્ષો પરથી ખરતાં પીળાં પર્ણો માફક સમય ઓછો થતો જતો હતો. તેથી વાત બદલીને નારાયણે કહ્યું: ‘વિંઝલ! તું આગળ અભ્યાસ કરને, શક્ય છે તારી પસંદગીનું પાત્ર મળી જાય!’

લગ્નની પણ એક ઉંમર હોય છે. ચોમાસું ચાલ્યા ગયા પછી નદીમાં ઘોડાપૂર આવતું નથી. નદીના નીર નિરંતર વહે છે પણ તેમાં યુવાનીનો આવેગ કે ઉન્માદ હોતો નથી. એની વે... વિંઝલે ધડાકો કરતાં કહ્યું: ‘ભવિષ્યની નહીં, વર્તમાનની વાત કરને મારા વા’લા!’નારાયણ વિંઝલની મુખમુદ્રાને નવલી નજરે નિહાળવા લાગ્યો.

મારી પસંદગીનું પાત્ર તું છો. સાથે રહ્યાં છીએ, એકબીજાની ખૂબીઓ અને ખામીઓને સારી પેઠે સમજીએ છીએ. આપણી વચ્ચે સંબંધની એક શિસ્ત રહી છે. આપણું આમ સાથે હોવું તે આનંદયાત્રા બનશે... પણ વિંઝલ આવું કશું બોલ્યા વગર ધારદાર નજરે નારાયણના ચહેરાને ત્રોફી તેનો તાગ મેળવવાની મથામણ કરવા લાગી.

‘અંતે તો તું પણ ત્યાં મેરેજવાળી વાત પાસે જઇને જ ઊભી રહીને!?’ નારાયણ થોડા આક્રોશ સાથે બોલ્યો: ‘મને તો આવો વિચાર પણ નથી આવ્યો.’

‘મને આ વિચાર એટલા માટે આવ્યો છે કે...’ વિંઝલે ત્વરાથી જવાબ આપ્યો: ‘બીજા કોઇને પસંદ કરવાનો હોય તો તું શું ખોટો છો!?’

વિંઝલની વાત આમ સમજી શકાય તેવી છે, પણ જીવનમાં ઘણા સંબંધોની એક સીમારેખા હોય છે. તેની હદ કે મર્યાદા આવે ત્યાં સમજ સાથે, સાવધાનીપૂર્વક ઊભા રહી જવું પડે. લક્ષ્મણરેખા ઓળંગો એટલે સમસ્યાઓની શરૂઆત થાય. વળી સંબંધનું ચોગઠું બદલવાથી પણ પ્રશ્નો પેદા થાય છે. પ્રેમી-પ્રેમિકા તરીકે સફળ નીવડેલાં ઘણાં યુવક-યુવતીઓ પતિ-પત્ની તરીકે તદ્દન નિષ્ફળ નીવડ્યાં છે.

નારાયણ માટે આ નાજુક અને નિર્ણાયક પળો હતી. સ્વપ્નમાં પણ આવ્યું નહોતું તે સામે આવીને ઊભું હતું. વિંઝલ એક મિત્ર તરીકે તો ઉત્તમ હતી પણ પત્ની થઇ પોતાના પરિવારમાં આવે તેવું કલ્પનામાં પણ નહોતું આવ્યું. તેણે દિલ પર પથ્થર મૂકી, આંખો બંધ કરીને કહ્યું: ‘મારી તો સગાઇ થઇ ગઇ છે!’

નારાયણનું આમ કહેવું સાંભળી, વિંઝલનો શ્વાસ અધ્ધર ચઢી ગયો. પણ સહજતાથી હકીકતને સ્વીકારી લીધી. પછી મોં મરકાવીને કહ્યું: ‘ઠીક છે, તે સગાઇ કરી લીધી તો હું પણ કરી લઉં!’

‘બેસ્ટ ઓફ લક!’

વિંઝલે થેંક્યુ કહીને, નીકળવાની તૈયારી કરી. મોં પર દુપટ્ટો, ગોગલ્સ... અને આમ એક પણ રીતે ન ઓળખાય તેમ એક્ટિવા પર સવાર થઇ. સ્ટાર્ટ કર્યું... પછી માત્ર આંખોના ઇશારે આવજો... કહીને તે નીકળી.

‘માફ કરજે વિંઝલ મારે જુઠ્ઠું બોલવું પડ્યું છે, કારણ કે કઢી અને બિસ્કિટ સાથે ન ખવાય..’ નારાયણના ગળામાંથી આવું ડૂસકું નીકળી ગયું.વૃક્ષ પરથી ખરેલાં પાંદડાઓ, પવન સાથે ઊડીને દૂર...દૂર... ફેંકાઇ રહ્યાં હતાં.

Comments