રાઘવજી માધડ : ટાઇમ મેનેજમેન્ટ અતિ મહત્વનું છે



 
સવાલ છે કુદરતે બક્ષેલા સમયનો સદુપયોગ કરો છો કે પછી દૂરુપયોગ! તન્વેષ ટાઇમ મેનેજમેન્ટમાં માહેર છે. તેથી જ તે ધારી અને સારી પ્રગતિ કરી શક્યો છે, પણ મૃગાનું એમ માનવું છે કે, તન્વેષ પાસે પોતાની સાથે પ્રેમાલાપ કરવાનો સમય જ નથી.

‘હું પળ પળ તારી પ્રતીક્ષા કરું છું, અરે... જન્મારાથી ઝંખું છું. તું મારો સ્વપ્નપુરુષ છો. તને પામવા, મેળવવા જે કાંઇ કરવું પડે તે કરીશ...!’ પ્રેમની પરાકાષ્ઠાએ પહોંચેલા ઉદ્ગારો તન્વેષને વૃક્ષની ડાળી માફક ઝંઝેડી ગયા. તે આખોય હલબલિ ગયો. છતાંય હૃદય પર પથ્થર મૂકી મૃગાની વાત ઉડાવી દેવી હોય એમ હાસ્યમાં વ્યંગ ઉમેરીને કહ્યું: ‘ગાંડી! સ્વપ્નપુરુષ તો સપનામાં જ સારો લાગે...!’ મૃગાએ પૂરું સાંભળ્યા વગર જ બનાવટી રોષ સાથે કહ્યું: ‘ભલે... હું ગાંડી છું. ગાંડા માણસો જ પ્રેમ કરી શકે. તારા જેવા ડાહ્યા માણસો તો માત્ર વિચાર્યા જ કરે!’ મૃગાનું કહેવું તદ્દન વાજબી છે. ડાહ્યા માણસો ક્યારેય પ્રેમમાં પાગલ ન થઇ શકે. દિલ અને દિમાગને આ બાબતમાં સતત માથાકૂટ થતી રહે છે.

‘મૃગા...! કોઇનો કોલ આવી રહ્યો છે, હું પછી વાત કરું છું...’ કોલ કટ્ થઇ ગયો છતાંય મૃગા બોલતી રહી: ‘તું કાયમ આમ કહીને મને ટાળે છે પણ ક્યાં સુધી આમ ટાળતો અને ભાગતો રહીશ!’ પછી મૃગા મન સાથે સંતલસ કરવા લાગી: ‘મારે જે કહેવું હતું, એકરાર કરવો હતો તે કરી દીધો. બાકીનું તારા પર અને સમય પર છોડું છું.’ બે વરસની ફ્રેન્ડશિપ પછી મૃગાને થયું કે તન્વેષ લાઇફપાર્ટનર માટે ફિટ છે તેથી આમ સીધું જ કહી દીધું હતું. એકબીજાને ચાહી કે સમજી શકે તેની સંગાથે જિંદગી સારી રીતે પસાર થઇ શકે. પણ ક્યાંક આવું પાત્ર શોધવામાં જ જિંદગી ચાલી જાય!

મૃગા અને તન્વેષ એકબીજાને ગમે છે, સમજે છે. પણ વચ્ચે વિલન બનીને ઊભો છે સમય. આજકાલ કોઇપણ માણસ બહુ આસાનીથી કહી સંભળાવે છે કે આઇ હેવ નો ટાઇમ... મારી પાસે સમય નથી. જોકે તન્વેષે ક્યારેય આમ કહ્યું નથી. અથવા તો મૃગા સામે કોઇ બહાનાનો બેરર ચેક ધર્યો નથી. પરંતુ સ્થિતિ જ એવી હોય કે બંને નિરાંતે મળી ન શકે. સમય એ જન્મથી શરૂ થતો નથી એમ મૃત્યુ સાથે પૂર્ણ પણ થતો નથી. સમય સ્થિર છે માત્ર માણસ વહે છે. સમયની આ સ્થિતિને બંને યુવા પ્રેમીઓ સારી રીતે સમજે છે. ગતિ કે પ્રગતિનો લય તૂટે તો આઉટ ઓફ ડેઇટ થતાં વાર નથી લાગતી. પણ પોતાનો પ્રેમ કે લાગણી વાસી ન થઇ જાય તેની ખાસ તો મૃગાને વધારે ચિંતા છે તેથી તો વધુ વિચાર્યા વગર કહી જ દીધું, સ્વીકારી લીધું.

તન્વેષ મહત્વાકાંક્ષી યુવાન છે. પોતાના સ્વતંત્ર બિઝનેસમાં રાત-દિવસ મહેનત કરે છે. રાતોરાત કરોડપતિ થઇ જવાનું કે કશી ગોલમાલ કરી આર્થિક સમૃદ્ધિ હાંસલ કરવાનું કેટલાક યુવાનોને હાથવગું હોય છે પણ તન્વેષનું જીવનસૂત્ર રહ્યું છે, કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી. જાત મહેનત દ્વારા જ ગાડી, બંગલો... ને પછી મહારાણીની માફક, હૃદયમાં વસેલી આ ષોડ્સીનું આગમન થાય તે તેનું લક્ષ્ય છે, પણ મૃગાની ધીરજ હવે ખૂટી ગઇ છે. વધારે રાહ જોઇ શકાય તેવું નથી. જેનાં બીજા કારણો પણ છે.

આજની ફાસ્ટ લાઇફમાં તન્વેષ સમયનું મહત્વ બરાબર સમજે છે. ટાઇમ ઇઝ મની એ તદ્દન વાહિયાત વાત છે. સમયની કિંમત આંકી શકાતી નથી. સમયને જોખવાના ત્રાજવા હજુ શોધાયા નથી. સૃષ્ટિના સર્જનકર્તાએ સર્વજન પર સમદ્રષ્ટિ રાખી છે. સૂર્યોદય સાથે જ પ્રત્યેક વ્યક્તિના જીવનરૂપી મોબાઇલમાં સમયનું બેલેન્સ રિચાર્જ કરી દે છે. જગતના જયોતિર્ધરોએ મહાન કાર્યો સમયના આ ચોકઠામાં રહીને જ કર્યા છે. તેઓની વ્યસ્તતાની નોંધ લઇ એક પણ ક્ષણ બોનસમાં આપવામાં આવી નથી. છતાંય સમયની ફરિયાદ વગર સારાં કાર્યો કર્યા છે અને ઉત્તમપણે જિંદગી જીવ્યા છે. જ્યારે આજે તો સામાન્ય યુવાન પણ એમ કહેતો ફરે છે કે, મારી પાસે ટાઇમ નથી! સવાલ છે કુદરતે બક્ષેલા સમયનો સદુપયોગ કરો છો કે પછી દૂરુપયોગ! તન્વેષ ટાઇમ મેનેજમેન્ટમાં માહેર છે. તેથી જ તે ધારી અને સારી પ્રગતિ કરી શક્યો છે, પણ મૃગાનું એમ માનવું છે કે, તન્વેષ પાસે પોતાની સાથે પ્રેમાલાપ કરવાનો સમય જ નથી.

જે માણસ પાસે જિંદગી માણવાનો સમય જ ન હોય તેની સાથે સંસાર માંડીને શું કાઢી લેવાનું? મૃગા એમ પણ વિચારતી હતી કે જે યુવાન પાસે સમય સિવાય કશું જ ન હોય તો પણ શું કામનું! બધું જ જોઇએ. આજની યુવતીઓની અપેક્ષામાં ભારે બદલાવ આવ્યો છે. બે ટંક જમાડી શકે એટલું જ નહીં, સારી રીતે ફેરવી શકે તેવું પણ અપેક્ષિત છે. આમ તન્વેષ, મૃગાની ફૂટપટ્ટીમાં બરાબર બંધ બેસે છે.

મૃગાએ તન્વેષના ઉત્તરની રાહ જોઇ. હતું કે બેસતા વરસના દિવસે સરપ્રાઇઝ આપશે: ‘મૃગા! કહેવાનું શું હોય, સંબંધને સમજી જવાનો હોય... પણ અપેક્ષા ખોટી નીવડી. મૃગા સીધી જ તન્વેષની ઓફિસે પહોંચી ગઇ. રજાનો માહોલ હતો. તન્વેષ એકલો બેઠો કોઇની સાથે મોબાઇલ પર વાત કરી રહ્યો હતો. મૃગા ધસમસતી આવીને સામેની ખુરશી પર બેસી ગઇ. તન્વેષ મોબાઇલમાં જ વળગી રહ્યો. મૃગાના મોંએ આવી ગયું કે, સમય નથી તેવી બૂમો પાડનારો માણસ જીવનની અમૂલ્ય ક્ષણો આમ વેડફી નાખતો હોય છે. જે માણસ સમયને સાચવતો નથી, તેને સમય પણ સાથ આપતો નથી. અહીં મૂળ વાત તો સમય વિશેની જ કહેવાની છે ત્યારે આપણે પણ નિદ્રાધીન થતાં પૂર્વે હૃદયની રોજનીશીમાં દિનચર્યાની ખતવણી કરીશું તો ખ્યાલ આવશે કે, દિવસભરના સમયનો કેવો ઉપયોગ કર્યો!’

તન્વેષના સ્મિત સામે મૃગાને ચાનક ચઢયું. તે કૃત્રિમ ક્રોધ સાથે બોલી: ‘મારે જવાબ જોઇએ... યસ યા નો!’ સામે તન્વેષે સાવ ભોળાભાવે કહ્યું: ‘શેનો જવાબ?’ મૃગાના પગ તળેથી જમીન સરકવા લાગી. થયું કે પોતે હમણાં ગબડી પડશે! પણ તન્વેષ સમજી ગયો કે લાંબંુ તાણવામાં તૂટી જશે અને તૂટયા પછી સાંધવામાં વચ્ચે ગાંઠ રહી જાય. તેણે હસીને કહ્યું: ‘ટ્રાવેલ્સ કંપનીમાં જ વાત કરતો હતો. લાભપાંચમનું મુહૂર્ત કરીને એકાદ વીક માટે નીકળી જઇએ.’ સહેજ અટકીને બોલ્યો: ‘ત્યાં સઘળો સમય, તારા માટે જ હશે.’ મૃગાનો આક્રોશ ઓગળી ગયો. છતાંય તે નાકનું ટેરવું ચઢાવી લાડકાઇથી બોલી: ‘એક વીક મારા માટે ને પછીનું આખું વરસ કોના માટે!?’ તે આગળ બોલી: ‘આખા વરસનું એક્સાથે ખાઇ શકાય!?’

તન્વેષ મૃગા સામે તાકી રહ્યો. તેની વાત વિચારવા જેવી હતી. મૃગાએ કહ્યું: ‘ટાઇમ મેનેજમેન્ટમાં તું માસ્ટર છો. જીવનનું બેલેન્સ જળવાઇ રહે એવું ન બને!’ તન્વેષે કહ્યું: ‘બને ને... પણ, આફ્ટર મેરેજ!’ મૃગાનું દિલ ખુશીઓથી છલકાઇ ગયું.‘

Comments