રાઘવજી માધડ: મારા તનનાં નહીં તમારા મનમાં પ્રશ્નો છે

ભવ્યાતિભવ્ય પાર્ટીમાં રંજનાની એન્ટ્રી પડી. જોનારાઓની આંખો ચાર થઇ ગઇ. યુવાનોથી લઇ વૃદ્ધ પુરુષો સહિત સૌ ચકિત થઇ ગયા. કેટલીય સ્ત્રીઓ મનમાં સળગી ઊઠી... આવું રૂપ જાણે પહેલીવાર જ જોયું હોય! રંજના ઊંચી છે, ગોરી છે, નમણી છે, ચુસ્ત બાંધો છે... અને શરીરને શોભે તેવાં કપડાં પહેર્યાં છે. સોનેરી સળવાળી મરૂન કલરની અતિ કીમતી સાડી છે, તેને મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ છે અને મોં પર મોંઘોદાટ મેકઅપ છે. કોઇને ન જોવું હોય તો પણ જોવા માટે મન લલચાય તેવું નોખું, નિરાળું વ્યક્તિત્વ ઊભરે છે.

પાર્ટીમાં રંજના આકર્ષણનું કેન્દ્ર બની છે તે તેના હસબન્ડને જરાપણ ગમતું નથી. વાઇફ સાથે પોતે વામણો લાગે છે તેવો નકારાત્મકભાવ જાણે તેના લોહીમાં અંગારા ચાંપી રહ્યો છે. તેનું ચાલે તો તાડૂકીને કહી દે એમ છે, ખબરદાર! મારી વાઇફ સામે કોઇએ આંખ ઉઠાવીને જોયું છે તો...!રંજનાનું આ રૂપ, ગોડગિફ્ટ છે. તેમાં સજાવટ અને માવજત એ રંજનાની પોતાની સૂઝ, સમજ અને આવડત છે. બે-ચાર ફ્રેન્ડ્સ રંજના અને તેના હસબન્ડને ઘેરી વળ્યા. એકે કહ્યું: ‘યાર તું તો ભાભીને લઇ ઘેર આવતો જ નથી.’

‘ભાભી...!’ એક મિત્રે રંજના સામે બરાબર નજર માંડીને કહ્યું: ‘આ ભાઇસા’બને ટાઇમ ન હોય તો તમે આવો...’‘હા... હા...’ વચ્ચે જ બીજો મિત્ર ટપકી પડ્યો અને બોલ્યો: ‘તમારી યોગ્ય જ સરભરા કરવામાં આવશે!’ બધા એકસાથે હસવા લાગ્યાં. સરખે સરખા મિત્રો વચ્ચે આવી ઠઠ્ઠા-મશ્કરી થાય તે સ્વાભાવિક છે, પરંતુ સુંદર સ્ત્રીના સાંનિધ્યમાં વ્યંગ ભારે વિકરાળ બનતો હોય છે. રંજના માટે આ નવું નહોતું.

તેના હસબન્ડે જે રીતે રંજના સામે જોયું તે પરથી તેની મનો:સ્થિતિનો ખ્યાલ આવી ગયો હતો. આમ છતાં હસબન્ડનું તેના મિત્રો સામે ખરાબ ન લાગે તેની કાળજી રાખીને સ્માઇલ સાથે મીઠો પ્રત્યુતર આપ્યો: ‘હા ભાઇ, તમારી સરભરા તો માણવા જેવી જ હોય ને...’ રંજનાનું આમ કહેવું સાંભળી તેના હસબન્ડના પેટમાં ઊકળતું તેલ રેડાયું. તેણે ધૂંઆપૂંઆ થતાં પાર્ટી છોડી જવા પગ ઉપાડ્યા. પાછળ રંજના પણ ચાલી...

બેડરૂમમાં આવીને બંને ઊભાં રહ્યાં. રીતસરનો ઝઘડો જ થવાનો છે પણ શરૂઆત કોણ કરે? વળી રંજનાનો હસબન્ડ પોતે લઘુતાગ્રંથિથી, સંકુચિતતાથી પીડાઇ રહ્યો છે... તેવું જાહેર થવા દેવું નથી. અગ્નિનો ઘૂંઘવાતો ભôો સહેજ ફૂંકથી સળગી ઊઠે તેવી ગરમાગરમ સ્થિતિ છે.

‘બોલો... બોલો...’ રંજનાએ જ શરૂઆત કરતાં કહ્યું: ‘શું કહેવું છે...? મને લાજ નથી, શરમ નથી. બધા સાથે લળી-લળીને, હસી-હસીને બોલે છે... આમ જ કહેવું છે ને!?’ રંજના પણ કંટાળી ગઇ હતી તેથી આમ બોલી ઊઠી.યુવાન દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યાં તેને હજુ ગણતરીના મહિનાઓ પસાર થયા છે ત્યાં આ સ્થિતિ, સમસ્યા સામે આવીને ઊભી રહી છે. રંજનાના હસબન્ડે ઉગ્રસ્વરે કહ્યું: ‘હા... અમારા સ્ટેટસનો તો ખ્યાલ રાખ!’

‘તમારા સ્ટેટસનો ખ્યાલ રાખવા જ આમ અહીં આવી છું, જીવી રહી છું...’ રંજના બોલી: ‘તમે જેમ કહો છો તેમ કરું છું. તમારી પસંદગીનાં કપડાં પહેરવાનાં, તમારા મોભાને છાજે તેવું વર્તન કરવાનું... બોલો તમે કહો છો, ઇચ્છો છો એમ તો હું કરું છું.’

‘કરવું જ પડે, તું એક ખાનદાન ઘરની અને કરોડપતિ પરિવારની વહુ છો એ ક્યારેય ભુલાવું ન જોઇએ...’ રંજનાએ કહ્યું: ‘દરેક વહુ ખાનદાન ઘરની જ હોય છે. પૈસાદાર હોવું તે બીજી વાત છે. તમારા તમામ પ્રશ્નો પૈસાદાર હોવાના છે!’

‘રંજના...!’ તેના હસબન્ડે તાડૂકીને કહ્યું: ‘મોં સંભાળીને બોલ, બાકી મને હાથ ઉપાડતાં વાર નહીં લાગે!’ રંજનાને થયું કે આ માણસ હાથ ઉપાડવાની વાત સુધી પહોંચી ગયો છે, તેથી આજ તો ફેંસલો થઇ જવો જોઇએ. કાં આ પાર ને કાં પેલે પાર! ‘મારા કરોડપતિ!’ રંજનાએ દાંત ભીંસીને કહ્યું: ‘તમારા બંગલામાં શોભે એવી એક સ્વરૂપવાન સ્ત્રીની તમારે જરૂર હતી તેથી મને પસંદ કરી રાઇટ! વળી તમારી પાસે ધન-દોલત ગાડી-બંગલા બધું જ છે...અને સાથે આવું, મારા જેવું ઐશ્વર્ય પણ છે, બગલમાં હિરોઇન જેવી વાઇફ હોય તેને પણ તમારું સ્ટેટસ સમજો છો. તે હું છું... હવે શું કરવા આમ પીડા અનુભવો છો!’રંજના સામે શું બોલવું... તે માટેના શબ્દો સૂÍયા નહીં. તેથી તે મૌન રહ્યો.

‘મારા રૂપથી અંજાઇને કોઇ પતંગિયા પાંખો ફફડાવે તેમાં મારો શું દોષ?’ રંજના બે ડગલાં આગળ ચાલીને બોલી: ‘ખરું કહું તો પ્રશ્નો મારા તનમાં નથી પરંતુ તમારા મનમાં છે.’પોતાને સાવ ધડમૂળથી વાઢી નાખ્યો હોય તેવું લાગતાં રંજનાનો હસબન્ડ, તેના પર ધસી આવ્યો. રંજનાએ મક્કમતાથી તેને રોકી રાખ્યો. તે આગ આગ થઇ ઊઠ્યો હતો. તે બોલી: ‘મિસ્ટર! હાથ ઉપાડવા માટે નથી પણ પત્નીને પ્રેમથી પંપાળવા માટે છે. તે તમને આવડ્યું નહીં. તમે તનના માલિક બન્યા, મનના માલિક બનતાં ન આવડ્યું...’

‘એટલે તું શું કહેવા માગે છે!?’‘બસ એટલું જ કહેવા માગું છું કે’ રંજનાએ મક્કમતાથી કહ્યું: ‘હવે હું શો પીસ બનીને રહેવા નથી માગતી. મારું પણ એક અલગ અસ્તિત્વ છે, વ્યક્તિત્વ છે...’ બેડરૂમની બહાર ઊભેલાં રંજનાનાં સાસુ સઘળું સાંભળતાં હતાં. તેથી તે એકદમ અંદર આવ્યાં. રંજના સામે ઊભાં રહ્યાં પછી લાગણીવશ થઇને બોલ્યાં: ‘બેટા! જે હકીકત હું આખી જિંદગી સહન કરતી આવી, છતાંય એક શબ્દ પણ સામે બોલી ન શકી, પણ તેં આજે સાચું અને સ્પષ્ટ જ કહ્યું છે- હું તારી વાત સાથે સંમત છું!’ મમ્મીને આમ બોલતાં જોઇ, જાણે તેની આંખો ઊઘડી ગઇ...

Comments