બોલો... કઇ ગેરસમજ દૂર કરવા આવ્યાં છો? મોહને સામેથી કહ્યું તેથી સોનાલી થથરી ગઇ. મન ચચરવા લાગ્યું. મનમાં ફરી એક વંટોળ ફૂંકાયો. સહન ન થયું હોય તેમ તે એકદમ ઊભી થઇ ગઇ.
સોનાલીને થયું કે પોતાને હવે સ્પષ્ટ થઇ જવું પડે. લાંબું ખેંચવામાં સાર નથી. આમ પણ એટલું ન ખેંચવું કે તૂટી જાય કારણ કે તૂટી ગયા પછી સાંધો કરો તો વચ્ચે ગાંઠ રહી જાય. જરૂર જણાયે સમજપૂર્વક ગેરસમજ દૂર કરવી પડે... હૃદયની ઉપરવટ જઇને પણ સોનાલી મોહનને મળવા હોસ્ટેલ પર આવી... પાનખર લાગી ગયા પછી વૃક્ષો સાવ પીંખાઇ જાય, ઉજજડાઇ જાય તેવી સ્થિતિ હોસ્ટેલની હતી. સ્ટુડન્ટ્સ નીકળી ગયા હતા. ધાંધલ ધમાલ કે શોરબકોર શમી ગયો હતો. આખું બિલ્ડિંગ કોઇ વૃદ્ધ થયેલી તવાયફ માફક તમાશાને મનમાં મમળાવતું મૂંગું ઊભું હતું. દરવાજે ઊભા રહી સોનાલીએ નજરનો લિસોટો પાડી લીધો. ધગધગતો નિસાસો નીકળી ગયો. થયું કે પંખીનો માળો, પંખીથી જ રૂડો અને રિળયામણો લાગે.
સ્ટુડન્ટ્સ પંખી જેમ ઊડી ગયા છે પણ એક પંખી નથી ઊડ્યું. તેને ઘર કરતાં આ હોસ્ટેલ વધારે સારી અને સગવડભરી લાગે છે. વળી સોનાલીને મનમાં થયું કે હું છું ને ભલેને મારી ડાળીએ બેસીને ટહુક્યા કરે!સીધા તેના જવા કરતાં તો સાદ પાડીને બોલાવી લે, પણ એમ બોલાવ્યે આવે એવો ક્યાં છે! ધીમે ધીમે ડગલાં ભરતી સોનાલી કંપાઉન્ડમાં થઇને મોહનના રૂમના દરવાજે ઊભી રહી. ટકોરા માર્યા અને પછી ધીમેથી બોલી: મોહન! સામેથી કશો જવાબ ન મળ્યો પણ ગણતરીની પળોમાં મોહન દરવાજો ખોલીને સામે ઊભો રહ્યો. બંનેની નજર એકમેકમાં અટવાઇ, અફળાઇ અને પાછી આડીઅવળી થઇ ગઇ.
સોનાલીને આમ આવેલી જોઇ હોસ્ટેલનો સ્ટાફ અને રહ્યા હતા તેટલા સ્ટુડન્ટ્સ ચોરીછુપીથી જ્યાં ત્યાં ગોઠવાઇ ગયા હતા. કારણ કે સોનાલી અને મોહનનું નામ હોસ્ટેલની દીવાલો પર ચિતરાઇ ગયું છે. આ બંનેને કોલેજ અને હોસ્ટલમાં સાવ જુદી રીતે જોવામાં આવે છે. આમ પણ યુવાન સ્ત્રી-પુરુષના સંબ઼ધને આપણે સારી રીતે જોવા ક્યાં ટેવાયેલા છીએ! આ આપણી સામાજિક તાસીર છે. પણ સોનાલીને એવી કશી પરવા નથી. તે સારું અને પોતાનું ધાર્યું કરનારી બોલ્ડ અને સ્ટ્રોંગ અધ્યાપિકા છે. પણ લાગણીની વાતે થોડું લપસી જવાય છે.
છતાંય લોકોને જે કહેવું હોય તે કહે! સોનાલીએ પોતાની જાતને ઝડપથી સંભાળી લઇને મોહનને પૂછ્યું: તો તું વાંચવા ઘેર નથી ગયો...! સાવ કારણ વગરનો આ સવાલ છે તેમ સમજીને મોહન અબોલ રહ્યો. થોડો ગુસ્સો પણ આવ્યો. મેડમ બધું જાણે છે છતાંય આમ શું કરવા પૂછે છે? ગુસ્સાને ટાળવા મોહને કહ્યું: આવોને! સોનાલીએ વેધક નજરે મોહનને ત્રોફ્યો પછી જીભ પછાડીને બોલી: ચાલ, અંદર જ બેસીએ. બંને એક પલંગ પર બેઠાં. આમ તો યુવા વ્યક્તિએ આવું એકાંત ટાળવું જોઇએ, પણ સોનાલી તો ભલભલા એકાંતને ઘોળી પી જનારી યુવતી છે.
પરિસ્થિતિના દાસ નથી બનવાનું. તે આપણી દાસી થવી જોઇએ. વિપરીત સંજોગો સામે પણ અડગ મનોબળ સાથે મુકાબલો કરવાનું દરેક યુવાને સામથ્ર્ય કેળવવું પડે. સોનાલીએ શ્વાસ ઘૂંટીને કહ્યું: એક ગેરસમજ દૂર કરવા આવવું પડ્યું... અધૂરું વાક્ય મોહન સમજી ગયો. નહીંતર ન આવતી. ભારેખમ મૌન છવાઇ ગયું. મોહન આમ તો માથે પડેલો સ્ટુડન્ટ. તેથી છાપ ખરાબ. કોલેજ કે હોસ્ટેલના કોઇપણ કૃત્યમાં મોહનનું નામ જોડાયેલું જ હોય. ઊંઘી ગયેલા સ્ટુડન્ટના હાથમાં સ્લીપર પહેરાવે પછી તેના કાનમાં સાવરણાની સળી ખોંચે. પેલો ઊંઘમાં જોરથી કાન પર હાથ પછાડે તો સ્લીપર ગાલ પર સટ્ટાક કરતું ચોંટી જાય. પૈસાની ચોરી, કોઇના મોબાઇલ પરથી વાત કરી લેવી. આવું તો કેટલુંય... પણ સોનાલી બચાવી લે.
આવા યુવાનોનો અભ્યાસ કરવો જોઇએ. તેના આવા વર્તનના પાયામાં કાં તો પરિવારનો અપૂરતો પ્રેમ અથવા વંચિતતા રહેલી હોય છે. સોનાલીએ મોહનનો કેસ સ્ટડી કર્યો ત્યારે ખબર પડી કે, મોહન વિચ્છેદ થયેલા દંપતીનું તરછોડાયેલું સંતાન છે. આજે આવી સામાજિક સમસ્યા વધતી અને વકરતી જાય છે. મોહનની આ આંતરિક સમસ્યાને કોઇ જાણી કે સમજી શક્યું નથી. સૌ તેને વંઠેલ સમજે છે. તિરસ્કારથી જુએ છે, પણ સોનાલી તેમાં અપવાદ છે. એક વખત તે કોલેજ ન આવ્યો તેથી સોનાલી તેની હોસ્ટેલમાં ગઇ. જોયું તો તે સૂતો હતો.
સોનાલી તેના પાસે બેઠી. પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો પછી ભીના ભાવે સાવ હળવેકથી કાનમાં કહ્યું: જાગો... મોહન પ્યારે, જાગો...! આટલા વાત્સલ્યથી જિંદગીમાં તેને કોઇએ બોલાવ્યો કે જગાડ્યો નહોતો. સ્વપ્ન જોતો હોય તેમ થયું હતું, પણ સામે સાક્ષાત્ પ્રેમની મૂર્તિ જેવાં મેડમ હસતાં હતાં. વાલી, વડીલો કે ગુરુના વ્યવહારની યુવાનો પર ભારે અસર થતી હોય છે. પ્રેમમાં પ્રચંડ તાકાત હોય છે. તે યુવાજનને યોગ્ય રીતે વાળી શકે એમ ટાળી પણ શકે છે. તમે પ્રેમને કેવી રીતે અભિવ્યક્ત કરો છો તેના પર સઘળો આધાર છે. યુવાનોની ઘણી સમસ્યા તેના સાથે થતાં ઉદ્ધત વ્યવહારને આભારી હોય છે.
આ એક જ બનાવે મોહનની જિંદગીમાં ચમત્કાર સર્જાયો. કોઇના બાપની સાડીબાર ન રાખનારો મોહન મેડમ કહે તેમ કરતો થઇ ગયો હતો, પણ પછી કોલેજ અને હોસ્ટેલમાં એક સ્લોગન પ્રચલિત થઇ ગયું: જાગો, મોહન પ્યારે...!બોલો... કઇ ગેરસમજ દૂર કરવા આવ્યા છો? મોહને સામેથી કહ્યું તેથી સોનાલી થથરી ગઇ. મન ચચરવા લાગ્યું. મનમાં ફરી એક વંટોળ ફૂંકાયો. સહન ન થયું હોય તેમ તે એકદમ ઊભી થઇ ગઇ. ના... ના... કંઇ નથી. તે ગલ્લાંતલ્લાં કરવા લાગી. મોહન સમજી ગયો હતો. બંને અવઢવ અનુભવતાં કંપાઉન્ડમાં આવ્યાં.
સોનાલીએ જોયું કે હોસ્ટેલની દીવાલોના ખૂણાઓ પાન-મસાલાની પિચકારીઓથી ચિતરાયેલી હતી. મોંમાં મસાલો કે હાથમાં સિગારેટ રાખીને કોઇ ગુરુજી કે વડીલ સલાહ આપે, વ્યસન સારું નહીં... તેનું રીએકશન આવું નકારાત્મક જ હોય. સ્ટુડન્ટ છેલ્લા દિવસે હોસ્ટેલને નુકસાન કરીને ગયા હોય તેવા બનાવો ઓછા નથી. તેમાં પણ શિક્ષક, સંસ્થા કે સંચાલક સામેનો આક્રોશ જ જવાબદાર હોય છે. પોતાની સાચી વાત સંભાળી મોહન પણ આવું કંઇક કરી બેસે તો.. વળી પરીક્ષાનો સમય છે. અપસેટ થઇ જશે તો વરસ નહીં તેની જિંદગી બગડશે. સોનાલીએ વાતને એકદમ વાળી લેવા કહ્યું: તારું વાંચવાનું કેવું ચાલે છે, કંઇ જરૂરિયાત છે કે કેમ... બસ એ માટે જ આવી હતી.
મોહન કંઇ કહેવા જતો હતો ત્યાં પવનની લહેરખીમાં સોનાલીની સાડીનો પાલવ તેના મોં આડે ઢંકાઇ ગયો... ક્યાંકથી બિલાડીના નહોર જેવો હસવાનો ખી...ખી... અવાજ કાને અફળાયો. બંને ચોંકી ગયા. સોનાલીને થયું કે આ અટ્ટહાસ્યને જડબાતોડ જવાબ આપવા, મોહનનો હાથ પકડી લેવો... અને એમાં ખોટું પણ શું છે, મોહન પણ આમ જ ઇચ્છે છે ને! મેડમ...! મોહન તેના સામે બે હાથ જોડીને ઊભો રહ્યો.
પછી હૃદય પર પથ્થર મૂકી પૂરા આદર સાથે બોલ્યો: આપે મારી જિંદગી બનાવી છે, મારું ઘડતર કર્યું છે... હું બરાબર સમજું છું કે, મૂર્તિ મંદિરમાં જ શોભે. આપ મારાં મનમંદિરની મૂર્તિ છો, બસ... તે આગળ બોલી શક્યો નહીં. તેની આંખો ઉભરાવા લાગી. સોનાલી તેના લહેરાતા પાલવને પકડી, મોહન સામે રડવા જેવું હસવા લાગી પણ તેના મનમાં એક વાત ઘોળાતી હતી કે મોહનને પોતે સમજી ન શકી કે પછી તે મને ખુદને સમજી ગયો...!
Comments
Post a Comment
Thanx For Comment