પ્રથમે કહ્યું, પ્રોપર્ટીમાં મકાન છે, એક પ્લોટ છે અને બાકી પપ્પાનું જે જીપીએફ હોય તે... ધરાએ સવાલ કર્યો: નોમિનેશનમાં તારું જ નામ હશે ને?
દૂર વગડામાં બાઇક સ્ટેન્ડ કરી બંને િદ્વધાભરી સ્થિતિમાં ઊભાં રહ્યાં. મુગ્ધાની માફક મંદ મંદ હસતી વસંત તન-મનને તરબતર કરી રહી હતી. પ્રથમ સામે જોઇ ધરાએ મનમાં ગોઠવી રાખેલી વાતને વ્યક્ત કરતાં કહ્યું, ધારો કે આપણું ગોઠવાઇ ગયું, પણ પછીનું શું? પ્રથમ કઇ સમજયો ન હોય તેમ ધરા સામે જોતો રહ્યો. તે ફરી ભારપૂર્વક બોલી: ધારી લે કે આપણે તમામ સમસ્યાઓને પાર કરી ગયા, રસ્તો સાવ ચોખ્ખો થઇ ગયો... પણ પછી શું!? પ્રથમ થોડો અકળાયો તેણે ગુસ્સો પ્રગટ કરતાં કહ્યું: ગોઠવાઇ ગયું હોય તો આપણે ગોઠવાઇ જવાનું બીજું શું, વાર્તા પૂરી! ત્યાં સામે ધરા વિશેષ લહેકાથી બોલી: ના, ત્યાં જ તારી ભૂલ છે. મેરેજ કર્યા પછી જ જીવનની વાર્તા શરૂ થાય છે! પ્રથમે દલીલ કરતાં કહ્યું: કેવી રીતે? એ તો મને પણ ક્યાં ખબર છે. અનુભવે સમજાય તેવું છે.
તો પછી અનુભવ થવા દેને, અત્યારથી શું કરવા પ્રશ્નો પેદા કરી લમણાઝીંક કરે છે! ધરાને તેના સ્વમાનમાં ગોબો પડ્યો. તે ઊંચા અવાજે બોલી: તને આ લમણાઝીંક લાગતી હશે પણ જિંદગીનો સવાલ છે. વાત તદ્દન વાજબી છે. જ્યારે જિંદગીનો સવાલ આવે ત્યારે દરેક પાસાનો વિચાર કરવો પડે. નહીંતર પસ્તાવાના અંગારા સિવાય હાથમાં કશું આવે નહીં. ધરા અને પ્રથમનો પ્રેમસંબંધ મેરેજની બોર્ડર પર આવીને ઊભો રહ્યો છે. મનગમતું પાત્ર ન મળે તો જિંદગી ખતમ થઇ જતી નથી, પણ પાત્રને પામ્યા કે મેળવ્યા પછી ગુમાવી બેસીએ તો જિંદગીમાં શૂન્યાવકાશ સર્જાઇ જાય છે. કશુંક ગુમાવીને બરબાદ થવા કરતાં ત્યાગીને મુકત થવામાં પણ મઝા હોય છે.
ધરાના મનમાં પ્રતિક્ષણે પ્રશ્નો પેદા થયા કરે છે. દરેક સ્થિતિ માટે તેની પાસે પ્રશ્નોની મોટી હારમાળા હોય છે. જવાબ આપનારો થાકે પણ ધરા ન થાકે! ઘણી વ્યક્તિઓને આવી તકલીફ હોય છે. તેને સંભવિત સવાલો જ સતાવ્યા કરતા હોય છે. વળી કોઇના જવાબથી તેને સંતોષ હોતો નથી. પરિણામે પોતે દુ:ખી રહે અને બીજાને પણ દુ:ખી કર્યા કરે. થોડા સમયથી ધરાની આ બદલાતી પ્રકૃતિને પ્રથમ પારખી ગયો છે. તેથી મૌન રહેવામાં સાર સમજે છે પણ ક્યારેક મોંમાં આંગળાં નાખીને બોલાવે પછી ન છુટકે બોલવું પડે છે.
ધરાએ પ્રથમ સામે મોં માંડીને પૂછ્યું: તારા પરિવારમાં કોણ કોણ છે, પ્રોપર્ટી કેટલી છે... હું કશું જ જાણતી નથી. તારે મને કહેવું પડે. પ્રથમ દયામણી નજરે ધરા સામે જોતો રહ્યો પછી અણગમો દાખવીને બોલ્યો: ઘરમાં મમ્મી-પપ્પા અને બહેન એમ કુલ ચાર વ્યક્તિઓ છીએ. પ્રોપર્ટીમાં મકાન છે, એક પ્લોટ છે અને બાકી પપ્પાનું જે જીપીએફ હોય તે... ધરાએ સવાલ કર્યો: નોમિનેશનમાં તારું જ નામ હશે ને? પ્રથમના મોંએ આવી ગયું કે મારું નામ ન પણ હોય તેથી તારે શું? પણ તે અબોલ રહી સૌંદર્યમાં લથપથ સીમને મનભરીને નીરખવા લાગ્યો.
રસ્તાના કાંઠે ઊગેલી આવળ કોઇ જાતના પ્રશ્ન વગર વાસંતી વાયરા સાથે તેની મસ્તીમાં લહેરાતી હતી. પ્રથમને થયું કે ધરાને કહું, ચાલ સઘળા સવાલો છોડી પ્રકૃતિના પ્રાંગણમાં ભમીએ ને રમીએ! પણ તેની હિંમત ચાલી નહીં. તે વળી સવાલ કરે, શું કરવા રમવું ને ભમવું? ઘણા સવાલોના જવાબો ક્યાં હોય છે! આમ તો બંને સમય કાઢી, સૌની નજર ચૂક્વીને શહેર બહાર નીકળી આવ્યાં છે પણ ધરા આજે જાત-ભાતના સવાલો કરીને ઊભી રહી તેથી ફરવાની મજા મરી ગઇ છે. આવા પ્રશ્નોની પછવાડે વ્યક્તિની અપેક્ષા અને મહત્વાકાંક્ષા પણ એટલી જ જવાબદાર હોય છે.
પ્રથમ! એક વાત તો પૂછવાનું જ ભૂલી ગઇ... ધરા યાદ કરીને બોલી: પછી મમ્મી આપણી સાથે રહેશે કે પપ્પા! પ્રથમ ગુસ્સે થઇને બોલ્યો: આપણે બંને તેમની સાથે રહીશું? એટલે આપણે સ્વતંત્ર નહીં રહેવાનું? પ્રથમ તાડૂકીને બોલ્યો: ના... સૂમસામ વગડામાં સન્નાટો છવાઇ ગયો. ભેંસ ભાગોળે, છાશ છાગોળે ને ઘરમાં ધબાધબ જેવી સ્થિતિ હતી. જીવનસાથી થવું હોય તો ઘણું જાણવું જરૂરી છે, પણ શું જાણવું તેનું વિવેકભાન હોવું જોઇએ.
આજકાલ સંબંધપૂર્વે પ્રોપર્ટી, બેંક બેલેન્સ, પરિવારના સભ્યો, અન્ય આવકનાં સાધનો... આવી ઘણી બાબતોની પ્úચ્છા કરવામાં આવે છે. ક્યાંક શરત અને ચોખવટ કરવામાં આવે છે. આમ હોવું સમય પ્રમાણે જરૂરી છે, પણ એટલી હદ સુધી ન જવું કે મૂળસંબંધ પર છેદ મુકાઇ જાય. અંતે તો આ બધું ઉત્તમ જીવન માટે છે. ધરાએ ફરી સવાલ કરતાં કહ્યું: ઘરમાં ઝઘડો થાય તો તમે કોના પક્ષે રહો, મારા કે તમારા પરિવારના પક્ષે? પ્રથમ લાચાર અવસ્થામાં ધરા સામે જોઇ રહ્યો. તેને શું કહેવું તે સૂઝતું નહોતું.
કેમ અબોલ થઇ ગયો બોલને મારા પક્ષે કે પછી... પ્રથમે કહ્યું: એવું શું કરવા વિચારે છે અને ઝઘડો શું કરવા થાય! પોતાની વાત પકડી રાખીને ધરાએ કહ્યું: ઝઘડો નથી જ થયો પણ ધારો કે થયો તો શું? વાતને ટાળવા કે ખાળવા પ્રથમ બોલ્યો: જે સાચું હશે તેના પક્ષે... તે સમયે મારું કોણ હશે? તમારા મનમાં મારા માટેનું સ્થાન શું હશે? પ્રથમ સમસમી ગયો. તેણે મૌન રહેવામાં જ શાણપણ સમજ્યું. ઘણાં દર્દ અને સમસ્યાની દવા મૌનના અગોસમાં છુપાયેલી હોય છે.
પ્રથમે મનોમન નક્કી કરી લીધું. જેની પાસે પ્રશ્નોની વણજાર છે, ખુદ એક પ્રશ્ન બનીને ઊભી છે તેની સાથે જીવન જોડીને શું કરવાનું? સવાલ-જવાબમાં જ જિંદગી કાઢવાનીન? અહીંથી અંત લાવી દેવો પડે. તેણે તાડૂકીને કહ્યું: ધારો કે આપણે આ સંબંધ જ અહીં પૂર્ણ કરી નાખીએ તો? ડોકનો ઝાટકો મારીને ધરાએ એકદમ પ્રથમ સામે જોયું. થોડી ક્ષણો એમ જ જોતી રહી. પછી ખુલ્લા મને હસીને બોલી: કંટાળી ગયોને! જેની પાસે માત્ર સવાલો જ હોય એવી છોકરી સાથે કોણ ઘરસંસાર માંડે ખરુંને? ધરાએ પ્રથમના બંને ખભા પર હાથ મૂક્યા પછી આંખોમાં આંખો પરોવીને પૂછ્યું: તું ખરેખર મારાથી નારાજ થઇ ગયો...! પ્રથમ િદ્વધામાં મુકાઇ ગયો.
ધરાનું સાચું રૂપ કર્યું? કે પછી પોતે ઓળખવામાં ભૂલ ખાઇ ગયો! ધરા સ્નેહભીના સ્વરે બોલી: હું તો માત્ર મજાકમાં પૂછતી હતી બાકી આવા કોઇ સવાલ નહીં હોય, જે હશે તે સહિયારા હશે અને તેને સાથે રહીને સોલ્વ કરીશું... બોલો હવે શું કહેવું છે મારા રુદિયાના રાજા! પ્રથમ કશું બોલ્યો નહીં પણ ધરાએ વાતને હૈયામાં ઘૂંટીને ફરી કહ્યું: મારું કે તારું કશું જ નહીં હોય, જે હશે તે આપણું સહિયારું હશે! પ્રથમ પણ મજાકના મૂડમાં બોલ્યો: હૈયું પણ સહિયારું હશેને! વાસંતી વાયરામાં લહેરાતો ધરાની ઓઢણીનો પાલવ પ્રથમના બદન પર છવાઇ ગયો.
Comments
Post a Comment
Thanx For Comment