એ દિશામાં બે કિલોમીટર દૂર એક ગામડું આવે છે. ત્યાં મારી એક જમાનાની પ્રેમિકા રહેતી હતી. તમે પૂછતા હતા ને? મને કોણ ‘રાજ’ કહેતું હતું? એવું કહેનાર એ હતી. મારી રાણી. નામ રીના હતું, પણ હું એને રાણી કહેતો હતો, પણ સમાજને અમારું લગ્ન પસંદ ન પડ્યું. એનો બાપ વેપારી હતો. પૈસાદાર હતો. હું ગરીબનો છોકરો. બસમાં રોજ કોલેજમાં જતાં એમાં પ્રેમ થઇ ગયો.
ભાડાની ટેક્સી હતી. ડ્રાઇવર પણ ભાડાનો, પણ વિવેકી હતો, જુવાન હોવા છતાં. જેવો વિરામ શાહ ગાડીની નજીક આવ્યો કે તરત જ પાછલો દરવાજો ખોલીને ઊભો રહ્યો. બોલ્યો તે પણ વિનયપૂર્વક, ‘બેસો, સાહેબ!’વિરામ બેસવા ગયો, પણ પછી અટક્યો. ડ્રાઇવરની સામે જોઇને સહેજ હસીને એ બોલ્યો, ‘હું આગળ જ બેસીશ. તારી સીટની બાજુમાં. મને ખોટી સાહેબગીરી દેખાડવાની આદત નથી. તારી સાથે વાતો પણ થશે અને રસ્તો પણ કપાતો રહેશે.’
વિરામ શાહ યુવાન બિઝનેસમેન હતો. કુંવારો હતો. પિતાજીના ધંધામાં પિતાજીની દેખરેખ નીચે સરસ રીતે પલોટાઇ રહ્યો હતો. વેપારીઓને મળવાના હેતુથી અઠવાડિયામાં ત્રણેક દિવસ ગુજરાતનાં અલગ-અલગ શહેરોમાં એણે ઘૂમવું પડતું હતું. આ માટે એની પાસે પોતાની કાર હતી જ, પણ આજે એની કાર સર્વિસ માટે ગેરેજમાં હતી અને છેક મોડી રાત્રે પપ્પાએ કહ્યું- ‘બેટા, પાંચ લાખ રૂપિયાની ઉઘરાણી પતાવવાની છે.
ફસાયેલો મામલો છે. તારે જાતે જ જવું પડશે. કાલે સવારે જ. ફાવશે ને? મારી ગાડીની તો અહીં જરૂર પડશે. તું એક કામ કર. ભાડાની કારમાં જઇ આવ.’વિરામના પપ્પાએ જ ‘સલામત ટ્રાવેલ્સ’માં ફોન કરી દીધો, ‘સવારે નવ વાગ્યે ગાડી જોઇએ. એ.સી. સાથેની. બે હજાર કિ.મી.થી વધુ ન ફરી હોય તેવી કાર મોકલજે અને ડ્રાઇવર પણ થાકેલો ન હોય તેવો. યુ સી, માય સન ઇઝ ગોઇંગ ટુ ટ્રાવેલ ઇન યોર કાર.’નવ વાગ્યે સિલ્વર ગ્રે કલરની હોન્ડા સીટી સાથે ડ્રાઇવર હાજર હતો. વિરામ આગલો દરવાજો ઉઘાડીને ડ્રાઇવિંગ સીટની બાજુમાં બેસી ગયો. ખબર પણ ન પડે એવી હળવાશ સાથે ગાડી ચાલુ થઇ ગઇ.‘વાહ, ગાડી ચાલે છે, પણ એન્જિનનો અવાજ નથી સંભળાતો.’ વિરામે વખાણ કર્યા.
‘હજુ એક મહિના પહેલાં જ શો રૂમમાંથી છોડાવી છે, સાહેબ! મારા શેઠે ખાસ તમારા માટે મોકલી છે.’ ડ્રાઇવરે હસીને જવાબ આપ્યો.‘તારો અવાજ સફાઇદાર છે. ઉચ્ચારો પણ શુદ્ધ છે. ભણેલો લાગે છે. વિરામને આ યુવાનમાં રસ પડવા માંડ્યો.’‘બી.કોમ. થયેલો છું, સર! આપણે જે દિશામાં જઇ રહ્યા છીએ ત્યાં જ રસ્તામાં મારું ગામ પડે છે, પણ આ બેકારીના જમાનામાં કોમર્સ ગ્રેજ્યુએટને નોકરીમાં કોણ રાખે? એમાં મારા સદ્નસીબે આ શેઠ મળી ગયા. ભગવાનના માણસ છે. મને ડ્રાઇવિંગ સ્કૂલમાં મોકલીને ગાડી ચલાવતાં શીખવી દીધું. પછી એમને ત્યાં જ નોકરીમાં રાખી લીધો.’
‘નામ શું છે? તારું, હં? લગન-બગન થઇ ગયાં છે?’ ગાડી અમદાવાદ શહેરમાંથી બહાર નીકળીને હાઇ-વે પર દોડી રહી હતી અને વિરામ જાણે પોતાના દોસ્તની સાથે નીકળ્યો હોય તે રીતે ડ્રાઇવરની સાથે વાતોએ વળગ્યો હતો.‘મારું નામ રાજેશ. પરણેલો છું. બે બાળકો છે.’ રાજેશે ગાડીની સ્પીડ વધારી મૂકી.‘નામ બહુ ચવાયેલું છે. ઘરમાં તો બધાં રાજુ કહીને બોલાવતા હશેને?’ વિરામ હસ્યો. ‘હા, પણ કોઇ ખાસ જણ મને રાજ કહીનેય...’ રાજેશ આગળ બોલવા ગયો, પણ ત્યાં જ સામેથી એક ટ્રક ઓવરટેક કરતો દેખાયો એટલે એ અટકી ગયો. થોડી જ ક્ષણોનો અવરોધ હતો, ફરી પાછી કાર પૂરપાટ વેગે દોડવા લાગી.
‘સમજી ગયો. તારી પત્ની જ ‘રાજ’ કહીને બોલાવતી હશે. યોર બેડરૂમ નેઇમ! બરાબર ને?’ વિરામે શૃંગારિક મજાક કરી, પછી પોતાની મજાક પર એ પોતે જ મોટેથી હસી પડ્યો. પછી એણે જમણી દિશામાં જોયું. રાજુ ખામોશ હતો અને કદાચ ઉદાસ પણ. રામ જાણે શું થયું કે રાજુની ઉદાસી ચેપી રોગ જેવી સાબિત થઇ. વિરામ ખુદ ઉદાસીમાં સરી પડ્યો. દસ વર્ષ પહેલાંનો ભૂતકાળ જીવંત થઇ ઊઠ્યો. કોલેજની પાછળનો બગીચો. પીપળાના વૃક્ષ નીચે એક ગુલમહોરી છોકરી. એ તેજભરી આંખો, હસતા હોઠ અને ચમકતા દાંત. અને એ ચિબાવલી છટા, ‘વિરામ! મને તારું નામ નથી ગમતું. આમ તો સારું છે, પણ મને લાંબું લાગે છે.’
‘અચ્છા! ત્રણ અક્ષરનું નામ તને લાંબું લાગે છે! જો હું દક્ષિણ ભારતમાં પેદા થયો હોત અને મારું નામ કુમારશેખરમ્ શ્રીનિવાસન્ કુરુવલ્લીયમ્ શિવનારાયણમ્ કાતિકેયન્ અયપ્પમ્ હોત તો તું શું કરત?’‘તો હું તને કાલુ કહીને બોલાવત.’ અપ્સરાએ તરત જ કહી દીધું. ‘કાલુ?! પણ હું તો ગોરો છું.’ વિરામે દલીલ કરી. ‘એ તો ગુજરાતમાં પેદા થયો છે ને! એટલે ગોરો છે. સાઉથમાં જન્મ્યો હોત તો કલ્લુ જ હોત ને!’ પ્રેમિકાના ખિલખિલાટથી બગીચો પણ ખીલી ઊઠ્યો. પીપળાના વૃક્ષે પર્ણો ખખડાવીને આ વાત પર તાળીઓ પાડી.
‘ઓ. કે! વેલી, તું જીતી અને હું હાર્યો. તારે મને જે નામથી બોલાવવો હોય તે નામથી બોલાવી શકે છે, એક આ કલ્લુને છોડીને.’ એ વેલી હતી, વિરામ શાહની જિંદગી અને એની બંદગી. બંને પ્રેમીઓ કોલેજના વર્ગખંડમાં જેટલો સમય ગાળતાં હતાં એના કરતાં વધારે સમય બગીચાના સ્વર્ગખંડમાં પસાર કરી દેતાં હતાં. દિવસના સમયે એકમેકને જોયા કરતાં હતાં અને રાત્રે સપનાઓ જોતાં હતાં. લગ્ન કરવાનાં સપનાં, જિંદગી સાથે ગુજારવાનાં સપનાં અને આખરી શ્વાસ સુધી એકબીજાનો સાથ અને હાથમાં હાથ પકડી રાખવાનાં સપનાં.
પછી બધું સળગી ગયું. રાખ બની ગયું.
કોલેજ પૂરી કર્યા પછી વેલીએ વિરામના ખોળામાં માથું મૂકીને રડી દીધું, ‘મને માફ કરજે, વીરુ! મારા પપ્પાને આપણી વચ્ચેના જ્ઞાતિભેદનો ભારે વિરોધ છે. હું તારી સાથે નહીં પરણી શકું. મને ભૂલી જજે... અને બીજે પરણી જજે.’વેલી તો એ પછી બીજા જ મહિને પરણી ગઇ, પણ વિરામ પ્રેમની બાબતમાં તડજોડ ન કરી શક્યો. એના પપ્પાએ ખૂબ સમજાવ્યો, કાલાવાલા કર્યા, પણ વીરુ ન ચળ્યો તે ન જ ચળ્યો. આમ તો વેલીને એ રોજ યાદ કરી લેતો હતો, પણ આજે આ ડ્રાઇવરની સાથે વાત કરતાં-કરતાં અચાનક એની વેલી તીવ્રપણે યાદ આવી ગઇ.
રાજેશ-રાજુ-રાજ અને પછી ઉદાસી અને ખામોશી. ફરક માત્ર એટલો જ હતો કે ડ્રાઇવરને એની પત્ની પ્રેમથી ‘રાજ’ કહેતી હતી, જ્યારે પોતાને ‘વીરુ’ કહીને બોલાવનારી વેલી અત્યારે બીજા કોઇ પુરુષનું ઘર શોભાવી રહી હતી. ગાડી દોડતી રહી. અંતર કપાતું રહ્યું. અચાનક રાજેશે ગાડીની ગતિ ધીમી કરી દીધી. વિરામને આશ્ચર્ય થયું. આજુબાજુમાં કોઇ હોટલ કે લારી દેખાતી ન હતી. એ કારણ પૂછવા ગયો, પણ અટકી ગયો.
ડ્રાઇવર રાજુ નીચે ઊતરીને ડાબા હાથ પર આવેલા ખુલ્લા ખેતરની દિશામાં બે હાથ જોડીને માથું ઝુકાવી રહ્યો હતો. ત્યાં કોઇ મંદિર ન હતું, દેરી ન હતી, સિંદૂર લગાડેલો પથ્થર પણ ન હતો, પણ રાજુની આંખો બંધ હતી અને એનાં અંગે-અંગમાંથી શ્રદ્ધા ફૂટી રહી હતી. પછી એ પાછો ગાડીમાં બેસી ગયો અને ગાડી ‘સ્ટાર્ટ’ કરી.‘રાજુ, હમણાં તું કોને પગે લાગ્યો?’ વિરામ પૂછ્યા વગર રહી ન શક્યો.
‘શું કરું, સાહેબ? એ દિશામાં બે કિલોમીટર દૂર એક ગામડું આવે છે. ત્યાં મારી એક જમાનાની પ્રેમિકા રહેતી હતી. તમે પૂછતા હતા ને? મને કોણ ‘રાજ’ કહેતું હતું? એવું કહેનાર એ હતી. મારી રાણી. નામ રીના હતું, પણ હું એને રાણી કહેતો હતો, પણ સમાજને અમારું લગ્ન પસંદ ન પડ્યું. એનો બાપ વેપારી હતો. પૈસાદાર હતો. હું ગરીબનો છોકરો. બસમાં રોજ કોલેજમાં જતાં એમાં પ્રેમ થઇ ગયો.’‘પછી? એને ભૂલીને તેં બીજી સ્ત્રી સાથે લગ્ન...?’‘હા, સાહેબ! રાણીએ જ મને સમજણ આપી હતી. એણે કીધું’તું કે મા-બાપને દુ:ખી કરીને આપણે સુખી ન થવાય. લગ્ન મહત્વનાં નથી, પ્રેમ મહત્વનો છે.
પ્રેમ કર્યો એનો મતલબ એવો હરગિજ નથી કે લગ્ન કરવું જ! જેટલું મહત્વ પ્રેમ કરવાનું છે એના કરતાંયે વધુ મહત્વ વિરહમાં છે, ઝુરાપામાં છે અને પ્રિયજનને યાદ કરીને તડપવામાં છે. સાહેબ, મારી રાણી અને હું રાજ, જો ભેગા મળ્યા હોત તો ‘રાજરાણી’ કહેવાત, પણ અમારી રૈયત દુ:ખી હોત. આ વાત મને શીખવવા બદલ હું રાણીનો આભારી છું. જ્યારે અહીંથી પસાર થાઉં છું ત્યારે એના ઘરની દિશામાં જોઇને વંદન કરી લઉં છું. રાજુ ચૂપ થઇ ગયો. વિરામના મનમાં વિચારોનું પૂર ઊમટયું. એણે નક્કી કર્યું કે સાંજે ઘરે જઇને પપ્પાની વાત માની લેવી છે.
(શીર્ષક પંક્તિ: ‘રાજ’ લખતરવી.)
Comments
Post a Comment
Thanx For Comment