એક હતા મોચીભાઈ. નામ એમનું દલપતભાઈ. એ ભલા ને એમનું કામ ભલું. જુદાં જુદાં ગામ ફરે. લોકોનાં તૂટેલાં ચંપલ સાંધી દે. સરસ પાલિશ કરી દે. વેચવા માટે થોડી ચંપલની જોડ પણ રાખે. આમ એ ધંધો કરે.
એક વાર તેને રસ્તામાં એક સાધુ મળ્યા. દલપતે જેશ્રીકૃષ્ણ કહ્યા. બંને ઝાડ નીચે થોડી વાર ઊભા રહ્યા.
સાધુએ પૂછયું, “શું કામ કરો છો?”
દલપત કહે, “પગરખાં સાંધવાનું.”
સાધુએ ફરી પૂછયું, “આ કામ શીદ કરો છો?”
દલપત કહે, “મહારાજ, પેટનો ખાડો પૂરવા કામ તો કરવું પડેને? જો કામ ન કરું તો હું ખાઉં શું? ને મારા પરિવારને ખવરાવું શું ?”
સાધુ કહે, “જો તને ભૂખ ન લાગે એવો ઉપાય બતાવું તો તને ગમે?”
આ સાંભળી મોચી વિચારમાં પડી ગયો. તેને થયું કે છેવટે ખાવા માટે થઈને આ બધું કરવું પડે છે. જો ભૂખ જ ન લાગતી હોય તો પછી આટલી મજૂરી કરવાની શી જરૂર છે?
દલપત કહે, “મહારાજ, ઉપાય? બતાવો ગમશે.”
સાધુ કહે, “જરા વિચાર કરી લે. હું તને એક ગોળી આપીશ. તે ખાધા પછી તને બાર મહિના ભૂખ જ નહીં લાગે.”
મોચી કહે, “તો પછી મને એવી ચાર ગોળી આપજો.”
સાધુએ પૂછયું, “ચાર? ચાર ગોળી કયૂં?”
દલપત હાથ જોડી કહે, “મારા ઘરમાં અમે ચાર જણ છીએ. હું, મારી પત્ની ને મારાં બે બાળકો.”
સાધુ કહે, “ભલે, લેકિન જરા સોચલે.”
દલપત હસીને કહે, “આવી સારી વાતમાં લાંબો શો વિચાર કરવાનો હોય? પેટ માટે તો વેઠ કરીએ છીએ.”
સાધુએ પોતાની ઝોળીમાથી એક ડબી કાઢી. તેમાંથી ચાર ગોળી કાઢી મોચીને આપતાં કહ્યું, “લે, આ ગોલિયાં ઘેર જઈ ચારે જણ પાની કે સાથ લેના.”
દલપત તો રાજી રાજી થઈ ગયો તે સીધો ઘરે ગયો. તેને જોઈ પત્ની સવિતા કહે, “કેમ પાછા આવ્યા? આજે તમને ઠીક નથી કે શું?”
દલપત ખાટલા પર બેસતાં કહે, “મને ઠીક જ છે. જો સાંભળ આજથી ધંધો બંધ.”
પત્ની બોલી, “ધંધો નહીં કરો તો ખાશો શું?”
ને પછી દલપતે પત્નીને સાધુવાળી વાત કહી. આ સાંભળી પત્ની રાજીનારેડ થઈ ગઈ. બહાર રમવા ગયેલાં બેય બાળકોને અંદર બોલાવા દલપતે દરેકને એક એક ગોળી આપી. દરેક જણ પાણી સાથે ગળી ગયાં. બાળકોને ખબર ન હતી કે એ ગોળી શાની છે.
બપોર થયા તોય ભૂખ ન લાગી. સાંજ પડી તોય પેટમાં બિલાડાં ન બોલ્યાં. દલપત ને સવિતા રાજી થયાં. બાળકો નવાઈ પામ્યાં. આજ ભૂખ કેમ લાગતી નથી?
બીજે દિવસે સવિતા કહે, “એમ કરો તમે ધંધો તો ચાલુ રાખો.” પણ દલપત કહે, “એવી વેઠ હવે શીદ કરવી?”
પત્ની કહે, “આ એક ખાવાની ચિંતા ટળી, પણ પે'રવા ઓઢવા જોઈશે કે નહીં? ઘર સારું કરાવવા પૈસા જોઈશે. છોકરાંને ભણાવવા પૈસા જોઈશે. તમે સાઇકલ પર ગામેગામ ફરો છો તો એના બદલે સ્કૂટર લાવી દો તો? એ માટે પૈસા જોઈશે.”
દલપતને થયું કે પત્નીની વાત ખોટી નથી. પૈસા બચે તો કંઈક વસાવી શકાશે. આમ વિચારી દલપત કામ પર ગયો.
થોડા દિવસ બધું ઠીક ચાલ્યું, પણ પછી વાત વણસી. શાળાએ ગયેલાં બાળકો એક દિવસ ઘરે આવી રડવા લાગ્યાં. સવિતાએ પૂછયું, “રડો છો શીદ કામ?”
બાળકોએ કહ્યું, “અમને ભૂખ નથી લાગતી એટલે સ્તો.” ને પછી બાળકોએ પોતાની સમસ્યા રજૂ કરી જે આ પ્રકારે હતી.
એક વાર કોઈ શેઠે શાળામાં આવી સૌ બાળકોને બુંદી અને ગાંઠિયા વહેંચ્યા. બધા ખાવા લાગ્યા પણ આ બે બાળકો ખાતાં ન હતાં. સાહેબે પૂછયું, “નાસ્તો કરશોને?” તો છોકરાં કહે, “સાહેબ અમને ભૂખ લાગતી જ નથી.” આ સાંભળી સાહેબ હસ્યા ને પછી આખો વર્ગ હસી પડયો. આજે આવું ફરી વાર બન્યું. બધાં બાળકો એમને ખીજવવા લાગ્યાં. એટલે પછી એ ઘેર આવી રડવા લાગ્યાં. રડતાં રડતાં કહે, “મમ્મી, અમારે આ બધું ખાવું છે પણ...”
સવિતાનેય થયું કે બાળકોની વાત વાજબી હતી. ગઈકાલ તે પડોશમાં ગયેલી. પડોશણ ગોટા-જલેબી ઝાપટતી હતી. સવિતાને ખાવા કહ્યું, પણ સવિતા ન ખાઈ શકી. એ કહે પણ શું? એની વાત માને પણ કોણ?
આ જોઈ દલપત વિચારમાં પડી ગયો. તેને થયું કે આ તો ઊલમાંથી ચૂલમાં પડયા જેવું થયું. છતાં કહે, “એક વરસ માટે જ આ વાત છે ને?” પણ ઘરમાં હવે કોઈ માનવા તૈયાર ન હતું
દલપતને થયું કે જો પેલા સાધુ ફરી મળી જાય તો કામ થઈ જાય. ને એક વાર રસ્તામાં સાધુ મળી પણ ગયા. દલપતે એમના પગ પકડી લીધા.
દલપતે કહે, “મહારાજ, કૃપા કરો. તમારું પેલું વરદાન પાછું લઈ લો.”
સાધુએ પૂછયું, “કૈસા વરદાન?”
દલપતે ગોળીવાળી વાત કરી ને પછી જે ઉપાધિ થઈ હતી તે કહી. સાધુ હસીને કહે, “બચ્ચા, મુઝે પતા થા. ઐસા હોનેવાલા હૈ” ને પછી સાધુએ ઝોળીમાંથી બીજી ડબી કાઢી. તેમાંથી ચાર ગોળીયો કાઢી. તેનો રંગ અને કદ અગાઉની ગોળીઓ કરતાં અલગ હતાં સાધુ કહે, “આ ગોલિયાં લે લેના. સબ ઠીક હો જાયેગા.”
દલપત કહે, “પહેલાંની જેમ ભૂખ લાગશેને?”
સાધુએ હા પાડી. દલપત ઘેર ગયો. ચારે જણ ભેગાં થયાં. દરેક જણે એક એક ગોળી ગળી. ને ચમત્કાર..! ચારે જણને થોડી વારમાં કકડીને ભૂખ લાગી.
Comments
Post a Comment
Thanx For Comment