રાઘવજી માધડ: તારું, મારું નહીં પણ આપણું થવું જોઇએ!



 
તમારી બધી જ જરૂરિયાતો હું પૂરી પાડું છું. પછી તમારે અલગથી રૂપિયાની શી જરૂર છે!?

શ્રુતિએ તમામ મર્યાદાઓ ઓળંગીને કહી જ દીધું: ‘મમ્મી! મુરતિયો જોવામાં કેટલાં વરસ નીકળી ગયાં? મળ્યો? વજન, ઊંચાઇ, દેખાવ, લાયકાત, જ્ઞાતિ, પરગણું... થયું ક્યાંય મેચ!? જીવનભર કુંવારા રહેવું પડે તેવી સ્થિતિ છે!’ આમ એકશ્વાસે જ બોલી ગઇ, કારણ કે ઘણા દિવસોથી મનમાં ઘોળાતું હતું પણ મર્યાદા તોડવી નહોતી એટલે શ્રુતિ ચૂપ હતી. માન-મોભો-મર્યાદાની પણ એક હદ હોય છે. યુવાન સંતાનોના વાલીઓએ ગાંઠે નહીં પરંતુ ગળે બાંધી લેવા જેવી વાત છે. એટલું બધું ન ખેંચવું કે તે તૂટી જાય! અને તૂટયા પછી બાંધો તો વચ્ચે સાંધો રહી જાય છે. વધારે પડતું ઝાલી નહીં રાખવાનું સમય પારખીને છોડી દેવાનું.

પોતાની પસંદગીના પાત્ર સાથે મેરેજ કરવાનો પ્રસ્તાવ શ્રુતિએ તેનાં મા-બાપ સામે મૂક્યો હતો. ત્યાં તો આગ ભભૂકી ઊઠી હતી, ‘તારી આ હિંમત, આ વાસ્તે ભણાવી હતી, અમારી આબરૂ સામે તો જો...’ આવા તો કેટલાય સળગતા સવાલો શ્રુતિની છાતી પર અંગારાની જેમ ચંપાયા હતા. દુ:ખ અનુભવતી તે મૌન રહી હતી. ત્યાં બીજા સવાલો તીર તાણીને ઊભા રહ્યા હતા: ‘છોકરો કોણ છે, ક્યાંનો છે, શું કરે છે... તેનાં મા-બાપ...’ આવા અનેક સવાલોનો શ્રુતિએ તદ્દન શાંતિથી જવાબ આપ્યો હતો: ‘મમ્મી! એ માણસ છે... અને મને ગમે છે. તેની સાથે હું મેરેજ કરવાની છું.’

શ્રુતિનો આ આખરી ફેંસલો હતો. છેલ્લાં ચાર વરસ મુરતિયો પસંદ કરવામાં નીકળી ગયાં. છતાંય ક્યાંય મેળ આવ્યો નહીં. એટલે એક મંદિરમાં શ્રુતિ તેના પસંદગીના પાત્ર તન્મય સાથે તદ્દન સાદાઇથી લગ્નગ્રંથિથી જોડાઇ જાય છે. તન્મય એમ.એસ.સી.ની ઉપાધિ મેળવેલ બેકાર યુવાન છે. શહેરના એક ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારમાં રહે છે. દિવસભર અભ્યાસ કરે છે અને રાત્રિએ ભાડાની ઓટોરિક્ષા ચલાવે છે.

શ્રુતિ શહેરની એક અધ્યતન હોસ્પિટલમાં સ્ટાફ નર્સ છે. તેની ડ્યુટી રાત્રિની હોય ત્યારે તન્મય તેને ઘરથી હોસ્પિટલ વચ્ચે લઇ-મૂકી જતો. રાત્રિના એકાંતમાં તન્મયે શ્રુતિને સુરક્ષા બક્ષી... અને મન પીગળવા લાગ્યું. બંને વચ્ચેનો સંવાદ છેવટે પરિણય સુધી પહોંચ્યો હતો. બંનેના પરિવારને મૂકપ્રેક્ષક બની રહેવા સિવાયનો બીજો કોઇ વિકલ્પ નહોતો.

હોસ્પિટલના કવાર્ટસમાં અલગ રહીને શ્રુતિ અને તન્મય તેમના દાંપત્યજીવનની શરૂઆત કરે છે. તન્મયે રિક્ષા ચલાવવાનું છોડી દીધું છે. આર્થિક રીતે તે શ્રુતિ પર સંપૂર્ણપણે નિર્ભર છે. દિવસો અને મહિના પસાર થાય છે. તન્મય એક સમયે શ્રુતિ પાસે એટીએમ કાર્ડ માગે છે. તો શ્રુતિ પૂછે છે: ‘શું કરવાનું છે કાર્ડનું!?’ ‘પૈસા ઉપાડવાના હોય, બીજું શું કરવાનું કાર્ડનું!?’

‘એમ નહીં પણ...’ શ્રુતિ કહે છે: ‘ઘરની તમારી... બધી જ જરૂરિયાતો હું પૂરી પાડું છું. પછી તમારે અલગથી રૂપિયાની શી જરૂર છે!?’શ્રુતિનો સવાલ તન્મયને છાતીમાં વાગે છે. તેનું સ્વમાન ઘવાતું હોય તેવો અહેસાસ થાય છે. છતાંય સંયમ દાખવીને કહે છે: ‘પપ્પાને જરૂર છે, તેમને આપવાના છે.’

‘પપ્પા માટે મારે પૈસા આપવાના!?’ શ્રુતિ થોડા ઊંચા અવાજે કહે છે: ‘જુઓ... તમને હું નિભાવું છું. તમારી જવાબદારી મેં સ્વીકારી છે પણ તમારા...’ શ્રુતિ તેની રીતે સાચી છે.‘મેં મારાં મા-બાપની જવાબદારી સ્વીકારી છે. તેમને મદદ કરવાની મારી ફરજ બને છે.’ તન્મય ધીરજ દાખવીને કહે છે.‘એ તમારો પ્રશ્ન છે તન્મય...’ શ્રુતિ ઊંચા હાથ કરીને બોલી.

તન્મય સમસમી ગયો હતો. તન્મય માટે મા-બાપને મદદ કરવી અનિવાર્ય હતું તેથી તેણે રાત્રિના સમયે ભાડાની રિક્ષા ચલાવવી શરૂ કર્યું. તો શ્રુતિને સારું ન લાગ્યું. તેમનું કહેવું છે કે, ‘મારા સ્ટેટસનું શું? મારો હસબન્ડ એક રિક્ષાચાલક છે!??’તન્મય તદ્દન ગંભીરતાથી કહે છે: ‘શ્રુતિ જ્યાં સુધી મને યોગ્ય નોકરી નહીં મળે ત્યાં સુધી હું રિક્ષા ચલાવીશ.’‘તો પછી આપણી શરતનો ભંગ થયો કહેવાશે!’ શ્રુતિ વ્યંગમાં કહે છે.‘સ્નેહ સંબંધમાં કોઇ શરતો હોતી નથી.’ તન્મય કહે છે: ‘સમજૂતી હોય છે એકબીજાને એડજસ્ટ થવાની. શરતોથી ઘરસંસાર ચાલે નહીં...’

‘કોને ચલાવવો છે ઘરસંસાર!’ શ્રુતિએ જેમ તેનાં મમ્મીને કહી દીધું હતું એમ જ કહી દે છે: ‘આજે અને અત્યારે જ જઇ શકો છો મારા આ ઘરમાંથી, સંસારમાંથી...’તન્મય માટે આ આઘાત અસહ્ય હતો. તેને તો કલ્પનામાં નહોતું બેસતું કે સંબંધો આવા ખોખલા, તકલાદી અને તકવાદી હશે! પણ સ્વસ્થતા કેળવીને હકીકતને સ્વીકારી લીધી. વાત ડિવોર્સ સુધી પહોંચી ગઇ છે. વાંધો નથી પણ શ્રુતિ હિસાબ માગે છે-આજ સુધીના ખર્ચનો.

તન્મય પાસે તો મૂડીમાં બેકારી છે, શું આપે? છતાંય તે કહે છે: ‘શ્રુતિ! જિંદગીમાં અમુક બાબતોના હિસાબ ન હોઇ શકે. તારા અને મારા છ મહિના સાથે પસાર થયા તેનો હિસાબ, વળતર કોની પાસેથી લેવાનું!!’પણ મજાની વાત તો હવે બને છે. તન્મયે સ્થિતિને સમજી સમયનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. જાહેર પરીક્ષાઓ માટેની પૂરતી તૈયારી સાથે ટેસ્ટ આપ્યા હતા. તેથી એક હાથમાં પોતે ટોપ રેન્કમાં ઉતીર્ણ થયો તેની યાદી છે અને બીજા હાથમાં ડિવોર્સ પેપર છે! શ્રુતિએ સમય, સ્થિતિને પારખી જઇ તન્મયના હાથમાંથી ડિવોર્સ પેપર લઇ લીધા... પછી બોલી: મારે ક્યાં જુદાં રહેવું છે! 

Comments