ડૉ.. યાદવ પહેલેથી વિચારી રાખેલી વાત એવી રીતે રજુ કરી રહ્યા, જાણે આ વિચાર એમના દિમાગમાં સાવ અત્યારે જ આવ્યો હોય, ‘આપ ચાહો તો મેરા એક કામ કર સકતે હો. અગર આપકો તકલીફ ન હો તો...’ એમને લાગ્યું કે અહીં એમણે થોડીવાર માટે અટકવું જોઇએ એટલે અટકી ગયા.
ઘરે વિઝિટ ઉપર આવેલા ડૉ.. યાદવે દર્દીની નાડ તપાસીને ટેવવશ જાહેર કરી દીધું, ‘અચ્છા હૈ! ફિકર કરને કી કોઇ બાત નહીં હૈ. તાઉજી અચ્છે હો જાયેંગે. મેં ઇન્જેકશન લગા દેતા હૂં.’વૃદ્ધ કાકાની મોટી વહુ તપેલીમાં ગરમ પાણી લઇને આવી. ડૉ.. યાદવે કોણ જાણે કેટલા વરસ જુની સિરિંજ અને નીડલ ગરમ પાણીમાં ડૂબાડ્યા અને પછી તરત જ બહાર કાઢી લીધા. કાચની શીશીમાંથી પ્રવાહી દવા સિરિંજમાં ખેંચતાં ખેંચતાં મોટી વહુના મુખમંડળ તરફ જોઇ લીધું. પછી ટેવવશ બોલી ઊઠ્યા, ‘અચ્છા હૈ!’ વહુને ગમ્યું નહીં. એ તરત જ તપેલી લઇને રસોડામાં ચાલી ગઇ. છેક ડૉ.. યાદવ વિઝિટ ફી લઇને પાછા ગયા, ત્યાં સુધી બહાર ન આવી.
અમદાવાદમાં બનેલી સાવ સાચી ઘટના છે. ડૉ.. યાદવ ઉત્તર પ્રદેશના હતા કે બિહાર બાજુના એ રામ જાણે! ખુદ ડોક્ટરને પણ હવે આટલા વરસ પછી એ વાત યાદ નહીં હોય. ગુજરાત એમને સદી ગયું હતું. એમની પાસે એલોપથી, હોમિયોપથી કે નેચરોપથી જેવી કોઇ જ ડિગ્રી ન હતી. ક્લિનિકની બહાર પાટિયા ઉપર એમના નામની નીચે સી.સી.પી. એવી ડિગ્રી લખેલી હતી, જેનો મતલબ એમ.સી.આઇ. કે ગુજરાત સરકારના આરોગ્ય ખાતાને પણ માલુમ ન હતો. કેટલાક બુઝુર્ગો કહેતા કે પાંત્રીસેક વરસ પહેલાં આ ડૉ.. યાદવ અમદાવાદમાં પહેલીવાર આવ્યા ત્યારે કાંકરિયા તળાવ આગળ રોજ સાંજે પતરાની પેટીમાં ચના જોર ગરમ વેચતા હતા. એ વખતે એ માંડ પંદર-સોળ વરસના હશે. કપડામાં એમની પાસે માત્ર એક ફાટેલું શર્ટ અને થીગડાંવાળી ચિંી હતી.
પછી એક જનરલ પ્રેક્ટિશનરને ત્યાં ઝાડુ-પોતાં મારવાનું કામ મળી ગયું. પછી એ કમ્પાઉન્ડર તરીકે બઢતી પામ્યા અને પછી અમદાવાદના પરા વિસ્તારમાં દુકાન ખોલીને બેસી ગયા. પાટિયા પર ડિગ્રી તો લખવી પડે! ત્યાં એમને યાદ આવ્યું કે વરસો પહેલાં ગામડાની શાળામાં પોતે ચાર ચોપડી પાસ થયા હતા. આમ ડિગ્રી બની ગઇ : સી.સી.પી.! એક પ્રચલિત દોહામાં કહેવાયું છે કે ‘ઢોંગી કો ગુજરાત ભલો’ એ જેટલું બનાવટી સાધુઓને લાગુ પડે છે એનાં કરતાં વધુ તો ડિગ્રી વગરના ડોક્ટરોને લાગુ પડે છે. ગામડાંની વાત જવા દો! અમદાવાદ જેવા શહેરમાં જ સેંકડોની સંખ્યામાં બોગસ દવાખાનાં ધમધમે છે.
એમ.સી.આઇ.ની જગ્યાએ નવી રચાયેલી સમીતિ જેટલી ચીકાશ મેડિકલ કોલેજોને માન્યતા આપવાના મામલે કરે છે એનાથી સોમા ભાગની તપાસ આવા ઊંટવૈદો માટે કરતી હોય તો કેટલું સારું!ડૉ.. યાદવ પાસે ભલે કોઇ પણ શાખાની ‘પથી’ ન હતી, પણ એમની પાસે ‘સિમ્પથી’ ભારોભાર હતી. વિનમ્ર વર્તન, મીઠી જબાન અને ઓછી ફી એમના સદ્ગુણો હતા. દુકાન સરસ ચાલતી હતી. ખાસ વાત એ હતી કે એ વિસ્તારમાં અન્ય ડોક્ટરો દર્દીના ઘરે વિઝિટ માટે જવાની ના પાડી દેતા હતા, ત્યારે ડૉ.. યાદવ હંમેશાં એના માટે તૈયાર રહેતા હતા. એમની વિઝિટ ફી પણ કંઇ વધારે ન હતી.
ઉપર જે દર્દીની વાત ટાંકી એ અમથાકાકાને લાગલગાટ ત્રણ દિવસ સુધી ઇન્જેકશનો આપવાનાં હતાં. બીજા દિવસે પણ ડૉ.. યાદવ જઇ પહોંચ્યા. કાકાનું કાંડુ પકડ્યું. પલ્સ પકડી. પછી ટેવ મુજબ જાહેર કર્યું, ‘અચ્છા હૈ. સબ જલ્દ સે જલ્દ ઠીક હો જાયેગા.’
આ વખતે ગરમ પાણીની તપેલી લઇને નાની વહુ આવી. ડૉ.. યાદવ રંગમાં આવી ગયા. ટેવની માત્રા કરતાંયે વધારે બોલી ઊઠ્યા, ‘આજ તુમ આઇ હો? વાહ! ક્યા બાત હૈ! આજ તો કલ સે ભી જયાદા અચ્છા હૈ...’ પછી વહુ સામે જોઇને લુચ્ચું હસ્યા, ‘પાની કાફી ગરમ હૈ... ઔર તુમ ભી...!’ છેલ્લા શબ્દો એ ધીમેકથી બોલ્યા જેથી અમથાકાકા સાંભળી ન શકે.
હવે દડો નાની વહુના મેદાનમાં હતો. જો એણે ધાર્યું હોત તો એની જેઠાણીની જેમ એ પણ રસોડામાં ભરાઇ ગઇ હોત. પણ એણે એવું ન કર્યું. હસીને, હોઠ મચકોડીને, કમર મટકાવીને એણે જવાબ આપ્યો, ‘તમને કેમ ખબર પડી કે હું ગરમ છું? તમે તો મને હાથ પણ અડાડ્યો નથી!’
આવો ફૂલટોસ દડો ફેંકાય પછી કોઇ સિકસ ફટકારવાનું ચૂકે ખરો? ડૉ.. યાદવે સિકસ ફટકારી દીધી, ‘હું તો હાથ અડાડવાની ફિરાકમાં જ છું, મગર તુમ હા પાડો તો બાત આગે બઢે ને?’ ડૉ.. યાદવે ભાંગી-તૂટી ગુજરાતીમાં મનની ઇચ્છા વ્યક્ત કરી દીધી.
ભાષા ભલે ભાંગી-તૂટી હતી, પણ મનની મુરાદ અખંડિત અને અકબંધ હતી. જવાબમાં નાની વહુ પોતે તો કશું પણ બોલી નહીં, પણ એનાં સંકેતો ઘણું બધું બોલી રહ્યા. પાંપણોનું ઝૂકી જવું, હોઠોનું કંપી જવું, કાનની બૂટનું લાલ થઇ જવું, પગમાં પહેરેલા ઝાંઝરનું ધીમા, મંજુલ સ્વરે ઝણકી જવું! આ એક જવાબ હતો જે નિછાવર થવા માટે તડપતી સ્ત્રી જ બોલી શકે અને આ એ જવાબ હતો જે એને ઝીલવા માટે તત્પર પુરુષ જ સમજી શકે.
ડૉ.. યાદવે જાહેર કરી દીધું, ‘અમથાકાકા, ત્રણ દિવસમાં તમને સારું તો થઇ જશે, પણ તમારું બ્લડપ્રેશર બહુ હાઇ છે. માટે તમારે પંદર દિવસ માટે પથારીમાં સૂઇ રહેવું પડશે. હું રોજ ઘરે આવીને તમારું બી.પી. માપી જઇશ.’સરસ મજાની વ્યવસ્થા ગોઠવાઇ ગઇ. ડૉ.. યાદવ રોજ જુદા જુદા સમયે વિઝિટ માટે આવતા હતા. ક્યારેક એવા સમયે જ્યારે ઘરમાં પુરુષવર્ગ હાજર હોય, ક્યારેક એવા સમયે જ્યારે ઘરમાં માત્ર નાની વહુ આશા એકલી જ હોય. આવું એમણે એટલા માટે નક્કી કર્યું હતું જેથી ઘરમાં કોઇને એમના ઇરાદાઓ ઉપર શંકા ન જન્મે.
પંદર દિવસ પૂરા થયા, એટલે અમથાકાકાના મોટા દીકરા વિનોદભાઇએ પૂછ્યું, ‘યાદવ સાહેબ, આપની ફી?’‘આપ સે ક્યા લેના? ઇતને દિનો મેં પૂરી ફેમિલી કે સાથ ઇતના પ્યારા નાતા બન ચૂકા હૈ કિ બસ, પૈસે કી તો અબ બાત હી મત કીજીયે.’‘અરે, એવું તે કંઇ ચાલે? તમારા આ ઉપકારનો બદલો અમે બીજી કઇ રીતે...?’‘હા, વો બાત હૈ!’ ડૉ.. યાદવ પહેલેથી વિચારી રાખેલી વાત એવી રીતે રજુ કરી રહ્યા, જાણે આ વિચાર એમના દિમાગમાં સાવ અત્યારે જ આવ્યો હોય, ‘આપ ચાહો તો મેરા એક કામ કર સકતે હો. અગર આપકો તકલીફ ન હો તો...’ એમને લાગ્યું કે અહીં એમણે થોડીવાર માટે અટકવું જોઇએ એટલે અટકી ગયા.
‘નહીં! નહીં! અમને કશી જ તકલીફ નહીં નડે. તમે બોલી નાખો!’ વિનોદભાઇ ડોક્ટરના અહેસાનનો બદલો વાળી આપવા માટે જાણે જીવ ઉપર આવી ગયા હતા!‘બાત એવી છે કે હું રહતા હૂં સિટી મેં...ઔર મારું આ દવાખાનું છે ઇધર! રોજ સુબહ-શામ દો બાર હું આવું છું ને દો બાર ઘરે જાતા હું. અગર આપ ઇજાઝત દે તો રોજ દુપહર મેં મૈં દો ઘંટે કે લિયે આરામ ફરમાનેકે લિયે... તમારા ઘર બડા હૈ... અગર એક કમરા... લેકિન આપકો તકલીફ નહીં પડની ચાહિયે!’
તકલીફ હોય તો પણ એને જણાવવાની હિંમત જ હવે કોની પાસે હતી? આમ ડૉ.. યાદવ રોજ બપોરે બેથી પાંચ વાગ્યાના સમયગાળામાં આરામ ફરમાવવા માટે અમથાકાકાના ઘરના એક ઓરડામાં ગોઠવાઇ ગયા. યાદવ સાહેબને જલસા પડી ગયા. રોજ બપોરે ત્રણ કલાક આશાની ગરમ-ગરમ કાયા માણવાની અને પછી આશાના હાથની ગરમાગરમ મસાલાવાળી ચા! પાપનો ભાંડો ક્યારેક તો ફૂટે જ છે.
એક દિવસ ફૂટ્યો. ઘરમાં હાહાકાર મચી ગયો. આશાને માર પણ પડ્યો. તરત એ દોડી ગઇ એનાં પાર્ટટાઇમ પતિદેવ પાસે! ડૉ.. યાદવે એને મારગડો ચિંધ્યો. આશાએ એનાં સાસરીયા વિરુદ્ધ દહેજના મામલે ફરિયાદ નોંધાવી દીધી. અમથાલાલ એન્ડ કંપની હવાલાત ભેગી થઇ ગઇ!
છેવટે વકીલોના લાખો રૂપિયાના ખર્ચા પછી સમાધાન થયું. આશા રાણીને સારી એવી રકમનું વળતર મળ્યું. એણે પતિથી ડિવોર્સ લઇ લીધા. એ જ વિસ્તારમાં એક નાનું મકાન ખરીદી લીધું. આજે એ ડૉ.. યાદવના ઉપવસ્ત્ર તરીકેની જિંદગી બસર કરી રહી છે. ડૉ.. યાદવને હવે કાયમી નિરાંત છે. રોજ બપોરે બે-ત્રણ કલાકના આરામ માટે છેક સિટી વિસ્તારમાં આવેલા પોતાના ઘરે એમણે જવું પડતું નથી.‘
(સત્ય ઘટના)(શીર્ષક પંક્તિ: વિવેક ટેલર)
Comments
Post a Comment
Thanx For Comment