ડૉ.. શરદ ઠાકર: ગોકુળ વિશે બસ આટલી ઓળખ પૂરતી પીંછું હશે



 
ગોકુળ વિશે બસ આટલી ઓળખ પૂરતી પીંછું હશે, બંસી હશે, તડપન પણ હશે

‘જયાદા સે જયાદા બીસ-પચીસ દિન. મૈં તો જયાદા દિન રહના ચાહતી હૂં મગર વો... વો માને તબ ન? રોજ દો બાર ફોન કરતે રહતે હૈ. પૂછતે હૈં: - ‘કબ આ રહી હો? તેરે બિના મેરા દિલ નહીં લગતા...’ ઔર મેરી બેટી ભી ઉનકે પાસ હૈ ના! ઇસલિયે મુજે જલદી સે જાના પડેગા.’ ગુલશન વધારે બોલતી હતી, સાચું બોલતી હતી અને મીઠું બોલતી હતી.




‘સુભાનઅલ્લાહ!’ સામે બેઠેલી ઓરતનો ખૂબસૂરત ચહેરો જોઇને સલીમભાઇના મનમાં માલિકની પ્રશંસા ફૂટી નીકળી, ‘ખુદાને ક્યા બેહતરીન ચીજ બનાઇ હૈ! કિતના પાકીઝા ચહેરા હૈ ઇસ ઔરત કા!’શિયાળાની મોસમ હતી. રાતનો સમય. અમદાવાદથી ઊપડેલી લોકલ ટ્રેન નડિયાદની દિશામાં સરકી રહી હતી. ઠંડીના કારણે બોગીમાં જૂજ સંખ્યામાં પેસેન્જરો મુસાફરી કરી રહ્યા હતા. સલીમભાઇની સાથે એમની પત્ની સલમા પણ હતી. સલીમભાઇની ઉંમર પિસ્તાલીસ વર્ષની હતી. સામે બેઠેલી જન્નતની હૂરને જોઇને એમને નાપાક વિચાર આવવાને બદલે પોતાના ઘરે બેઠેલી જુવાન દીકરી યાદ આવી ગઇ હતી. દીકરી પણ ખૂબસૂરત હતી, પણ આ સામે બેઠેલી યુવતી તો જહાંનું નૂર હતી.

ભારતમાં બધી ટ્રેનોમાં જેમ બનતું હોય છે તેમ ગાડી ચાલુ થઇ કે તરત સામેવાળી યુવતીએ સલમાની સામે જોઇને સ્મિત ફરકાવ્યું. મતલબ કે બે ઓરતો વચ્ચેની ‘ઇન્ટરસિટી એક્સપ્રેસ’ને દોડવા માટેનું ગ્રીન સિગ્નલ અપાઇ ગયું.સલમાબાનુ પણ હસ્યાં અને બોલ્યાં, ‘વડોદરા જા રહીં હો?’‘નહીં, મૈં તો નડિયાદ તક હી સાથ નિભાઉંગી. આપ લોગ બરોડા જા રહં હૈં?’ યુવતીએ જવાબ આપીને સામે સવાલ પૂછ્યો. સલીમભાઇ પાછા વિચારે ચડી ગયા, ‘યા ખુદા! ક્યા આવાઝ બકસી હૈ તુને ઇસ લડકી કો! જૈસે પવનમેં હીલતે હુવે કાંચ કે ઝુમ્મર કી ખનકાર ગલે મેં સે નિકલ રહી હો! માલિક તેરે પાસ જીતની કરામત થી, સબ કી સબ એક હી જગહ બકસ દી હૈ?’ પછી તો વાતોની કદીયે ન પૂરી થવાની ધારાવાહિક સિરિયલ શરૂ થઇ ગઇ.

યુવતીનું નામ ગુલશન હતું. કાળા બુરખામાં એનું ગુલબદન સંપૂર્ણ રીતે ઢંકાયેલું હતું. માત્ર ચાંદ જેવો રૂપાળો ચહેરો જ જોઇ શકાતો હતો. સલીમ અને સલમા તો ઓછું ભણેલાં, મહેનતકશ પતિ-પત્ની હતાં, સામે બેઠેલી ગુલશન સુશિક્ષિત પણ લાગતી હતી અને પૈસેટકે સુખી પણ.‘તુમ્હારી શાદી હો ગઇ ક્યા?’ સલમાએ પૂછ્યું.

જવાબ આપતાંમાં તો ગુલશન જાણે લજામણીનો છોડ બની ગઇ! મીઠું હસીને એણે કહ્યું, ‘આપ શાદી કે બારે મેં પૂછતીં હો! મેરી તો એક બેટી ભી હૈ, તીન સાલકી! શી ઇઝ વેરી કયુટ... જસ્ટ લાઇક એ બાર્બી ડોલ!’હવે સલીમભાઇથી ન રહેવાયું, ‘અરે, તુમ તો અંગરેજી ભી બોલ સકતી હો? પઢી-લિખી લગતી હો...’ગુલશનનું માથું ટટ્ટાર થયું, ‘વડોદરા કી કોલેજ સે એમ.એ. કિયા હૈ. પાંચ સાલ સે બ્રિટન મેં રહતી હૂં. અંગ્રેજો સે અચ્છી ઇંગ્લિશ બોલ સકતી હૂં.’‘યા અલ્લાહ! એક તો કમી બતા ઇસ લડકી મેં! ક્યા ચીજ બનાઇ હૈ માલિક તૂને! તેરા બહોત બહોત શુક્રિયા, ખુદા, કિ આજ તૂને ઐસી શયસે હમારી મુલાકાત કરવાઇ...’ સલીમભાઇ પાછા સ્વગતોક્તિ ઉપર ચડી ગયા.

સલીમ-સલમાની જુવાન દીકરી પણ ભણેલી હતી, પણ આટલું બધું નહીં અને બ્રિટન તો એની કસ્મિતમાં હોય જ ક્યાંથી? એની મંગની તો અમદાવાદના કાળુપુર વિસ્તારમાં થયેલી હતી. દસ દિવસ પછી એની શાદી તય થઇ હતી. એની ખરીદી માટે તો મિયાં-બીબી આજે નડિયાદથી અમદાવાદ આવ્યાં હતાં અને અત્યારે ઘર તરફ પરત જઇ રહ્યાં હતાં.‘બ્રિટન મેં કૌન સે શહર મેં રહેતે હો?’ સલમાએ એવી રીતે પૂછ્યું જાણે પોતે ઇંગ્લેન્ડના એક-એક શહેરની ભૂગોળથી પરિચિત હોય! હકીકતમાં એ બાપડી વડોદરાનાયે ત્રણ-ચાર મહોલ્લા આગળ કશું જોયેલું ન હતું.

‘બર્મિગહામ મેં, વહાં મેરે શૌહરકા બહોત બડા શોપિંગ મોલ હૈ. ખુદા કી રહેમત સે હમારા બંગલા ભી બડા હૈ ઔર બહેતરીન ભી. આપ લોગ આના કભી...’ ગુલશને હસીને નોંતરું આપી દીધું. સાવ ભલી અને સરળ લાગતી હતી ગુલશન.સલીમભાઇએ ખુલાસો કરવો પડ્યો, ‘ગુલશનબહન, હમ તો ઠહરે ગરીબ લોગ. આપ અંગ્રેજો કી સરઝમીન પર ઘૂમનેવાલી નસીબદાર ઔરત હો, હમ તો હિન્દુસ્તાન કી ધૂલ મેં ખીલનેવાલે બનફૂલ હૈ. હમારી ઝેબ મેં તો બસ, ઇતને પૈસે હૈ કિ હમ અહમદાબાદ તક જા સકે. વિમાન મેં બૈઠના તો હમારે સપને મેં ભી મુમકીન નહીં હૈ.

બેટી, કિતને દિનોં કે લિયે આઇ હો યહાં?’ગુલશનના ગોરા-ગોરા ગાલો પર શરમની સુર્ખી છવાઇ ગઇ, ‘જયાદા સે જયાદા બીસ-પચીસ દિન. મૈં તો જયાદા દિન રહના ચાહતી હૂં મગર વો... વો માને તબ ન? રોજ દો બાર ફોન કરતે રહતે હૈ. પૂછતે હૈં: - ‘કબ આ રહી હો? તેરે બિના મેરા દિલ નહીં લગતા...’ ઔર મેરી બેટી ભી ઉનકે પાસ હૈ ના! ઇસલિયે મુજે જલદી સે જાના પડેગા.’ ગુલશન વધારે બોલતી હતી, સાચું બોલતી હતી અને મીઠું બોલતી હતી.

વાતોમાં સમય પણ કપાતો રહ્યો અને માર્ગ પણ! સલમાએ માણેકચોકમાંથી ખરીદેલા પકોડાં ધર્યાં, ગુલશને જરા પણ આનાકાની વગર ખાધાં. બાકી પરદેશથી આવેલા આપણા ગુજજુઓ કોઇના ઘરનું પાણી પીતા નથી એ આપણા સૌનો જાતઅનુભવ છે. નડિયાદ આવી ગયું. ગુલશન ઊભી થઇ ગઇ, ‘ચલો, મેરા ઠીકાના તો આ ગયા. રહી જિંદગી તો ફિર મિલતે રહેંગે. કભી નડિયાદ આઓ તો જરૂર મેરે ઘર આના.

મૈં તો ચલી જાઉંગી, લેકિન મેરે અબ્બુ-અમ્મી તો ઘર પે હીં હોંગે. અરે, મૈં ભી અજીબ હૂં, મેરા એડ્રેસ તો અભી તક દિયા હીં નહીં! બિના પત્તે કે આપ હમારે ઘર કૈસે આઓગે?’ ગુલશને પ્લેટફોર્મ પર ઊભાં ઊભાં જ પોતાના ઘરનું સરનામું લખી આપ્યું. બારીમાંથી કાપલી થમાવીને એણે કહ્યું, ‘ખુદા હાફીઝ!’ અને એ પ્લેટફોર્મ પરની ભીડમાં ઓગળી ગઇ. ગાડી ફરી પાછી પાટા પર સકરવા લાગી. સલીમભાઇ અને સલમાબહેન એક સરસ વ્યક્તિને મળ્યાં હોવાના સુખને વાગોળતાં વડોદરા તરફ જઇ રહ્યાં.

બે-ત્રણ દિવસ માંડ થયા હશે, સલીમભાઇ દીકરીની શાદીની કંકોતરીઓ વહેંચવા માટે નડિયાદ જઇ પહોંચ્યા. સાથે સલમાબહેન પણ હઠ કરીને જોડાયાં, ‘મૈં ભી આઉંગી. હમ દોનોં ગુલશન કે ઘર જાયેંગે. ન્યોતા દેને કે લિયે. વો જરૂર આયેગી.’પતિ-પત્ની પાસે ગુલશનના અબ્બાજાનનું સરનામું હતું. પહોંચી ગયાં. બારણું એક જૈફ વયના મુસ્લિમ ચાચાએ ઊઘાડ્યું, ‘આપ કૌન હો, ભાઇ? કિસ કા કામ હૈ?’ સલીમભાઇએ ખુલાસો કર્યો. ચાચાએ મીઠો આવકારો આપ્યો, ‘તો આપ હમારી ગુલુકો ટ્રેન મેં મિલે થે? આઇયે, જનાબ, બૈઠીયે.’ સલીમભાઇ સમજી ગયા કે એ ચાચા ગુલશનના પપ્પા હતા. ગુલુની અમ્મી ઠંડા પાણીના ગ્લાસ લઇ આવી.

સલીમભાઇએ થેલીમાંથી કંકોતરી કાઢીને પૂછ્યું, ‘ગુલશન ઘરમેં નહીં હૈ? સો રહી હૈ?’અબ્બાજાનની લાંબી સફેદ દાઢી ધ્રૂજી ગઇ, ‘ભાઇ, ગુલુ અંદર કે કમરે મેં હૈ. મૈં અભી બુલાતા હૂં, લેકિન ઇસકે પહેલે તુમ દોનોં મેરી બાત કો ગૌર સે સુન લો.’ આટલું બોલીને એમણે રાઝના પડો ખોલવા માંડ્યા, ‘શાયદ આપકો માલૂમ નહીં હૈ કિ મેરી બેટી પાગલ હો ગઇ હૈ. ગલતી હમારી થી કિ ફોરેન કી લાલચ મેં ઉસકા નિકાહ હમને ઇંગ્લેન્ડ મેં રહનેવાલે એક ધનવાન લડકે કે સાથ કર દિયા. ગુલુ ખૂબસૂરત થી, અચ્છા પઢી-લિખી થી, યહાં પર ભી કઇ અચ્છે રિશ્તે આ રહે થે.

લેકિન હમ પરદેશ કે મોહ મેં અંધે હો ગયે થે. ગુલુ અપની મરજી કે ખિલાફ વહાં ગઇ, મગર વહાં કે માહોલ મેં ‘સેટ’ ન હો સકી. ઉસકા શૌહર બદચલન થા. શાદી સે પહેલે ઔર બાદ મેં ભી ઉસકે કઇ ઔરતો કે સાથ નાજાયઝ રિશ્તે ચલતે રહે. વો રોજ શરાબ પીકર ઘર લૌટતા થા ઔર ગુલુ કો પીટતા થા. ઐસે મેં ગુલુ કો એક બેટી ભી હો ગઇ.’ચાચા થોડી ક્ષણો માટે અટક્યા, પછી ફરી બોલવા માંડ્યા, ‘બેટી કે સહારે ગુલુ ઇતને સારે ઝુલ્મ ભી બર્દાસ્ત કર લેતી, મગર એક દિન ઉસકે પતિને ગુલુ કો હિન્દુસ્તાન ભેજ દિયા. મા-બાપસે મિલને કા બહાના બનાકર! નન્હીં બચ્ચી કો ઉધર હી રખ લિયા.

ફિર ફોન કરકે તીન બાર ‘તલ્લાક’ બોલ દિયા. બસ, ઉસી દિનસે હમારી બેટી પાગલ હો ગઇ. રોજ સવેરે-સવેરે ઘર સે નીકલ પડતી હૈ. બસમેં-ટ્રેનમેં ઘૂમકર વાપસ આ જાતી હૈ. જો ભી મિલે ઉસકો ઘર આને કા ન્યૌતા દે દેતી હૈ. ફિર ઉન સબકો પહેચાનતી ભી નહીં...’ સલીમ-સલમા મૂઢ બનીને ચાચાની કરુણ દાસ્તાન સાંભળી રહ્યા હતા, ત્યાં જ અંદરના ઓરડામાંથી સરસ રીતે તૈયાર થયેલી ગુલશન બહાર આવી અને ‘અબ્બુ! મૈં બાહર જાતી હૂં, શામ તક વાપીસ આ જાઉંગી.’ એવું કહીને ઘરમાંથી ચાલી ગઇ.

એક અછડતી નજર એણે મહેમાનો ઉપર ફેરવી લીધી, પછી કોઇ જ ઓળખાણ-પિછાણ ન હોય એવી રીતે નજરને પાછી ખેંચી લઇને ગુલશન નીકળી ગઇ. સલીમભાઇના મોંમાંથી શબ્દો સરી પડ્યા, ‘યા ખુદા...!

(શીર્ષક પંક્તિ: ધૂની માંડલિયા)

Comments