રાઘવજી માધડ: એક ક્ષણના સ્મિત સામે જિંદગીનો જુગાર ખેલવાનો!

જીવનની ઘણી સમસ્યાઓ પ્રેમથી ઉકેલી શકાય છે, પણ પ્રેમ જ સમસ્યાનું સ્વરૂપ ધારણ કરે તો શું કરવું? દેવર્ષિનો મેસેજ વાંચતા જ પૂર્વા ઘેલી ઘેલી થઇ ગઇ. તેને થયું કે મારા પ્રેમનો, મારી લાગણીનો સ્વીકાર થયો. પૂર્વા કોલેજ કન્યા છે અને કોલ સેન્ટરમાં પાર્ટટાઇમ જોબ કરે છે. અપેક્ષા મુજબના પાત્રને હૈયું ઉલેચીને હેત વરસાવવો છે. પૂર્વા એક બાબતમાં સાવ સ્પષ્ટ છે કે અણગમતા અને માથે ઠોકી બેસાડેલા સાથી સાથે જિંદગીને ઢસરડી નાખવી તેના કરતાં મનગમતા સાથી સાથે ભલેને ઓછા વરસો જીવવા મળે.. પણ જે હોય તે આપણા પોતાના પસંદગીના હોય!

ઓશો કહે છે કે, મેં જોયેલી ભિન્નતા એ છે કે સ્ત્રી પ્રેમ કરવામાં પુરુષ કરતાં વિશેષ શક્તિમાન છે. પુરુષોનો પ્રેમ વત્તા ઓછા અંશે એક શારીરિક જરૂરિયાત છે, જ્યારે સ્ત્રીનો પ્રેમ તેથી કંઇક વિશેષ મહાન, ઉન્નત અને આધ્યાત્મિક અનુભવ છે. પુરુષ દુનિયાભરની સ્ત્રીઓને પોતાની કરવા ઇચ્છશે અને તેમ છતાં તેને સંતોષ નહીં થાય. સ્ત્રી એક પ્રેમથી સંતુષ્ટ, સંપૂર્ણપણે પરિતૃપ્ત થઇ શકે છે, કારણ કે તે પુરુષના દેહને જોતી નથી પરંતુ તેના અંતરમનમાં પડેલા ગુણોને જુએ છે. 

પૂર્વાને દેવર્ષિ તરફથી રિસ્પોન્સ મળ્યો પણ હવે આગળ શું કરવાનું? કેવી રીતે કદમ ઉઠાવવા! એક વખત સાહસ તો કરી નાખ્યું, ધાર્યું પરિણામ મેળવ્યું. પણ હવે... અને રૂબરૂ મળવામાં કોણ જાણે પણ એક જાતનો ડર લાગે છે. પૂર્વા મૂંઝવણ અનુભવવા લાગી.આ બાજુ દેવર્ષિ પણ કંપ અને રોમાંચ અનુભવી રહ્યો હતો. કોઇ ષોડ્શીના સ્માઇલ સામે આયખું ધરી દેવાનું કહ્યું તેમાં ખાસ તો એ હતું કે પોતે પુરુષ છે. પુરુષના જીન્સમાં થ્રિલિંગ છે. કોઇ યૌવના આહ્વાન આપે ને, પાછો પડે તે પુરુષ નહીં!

બંને નક્કી કર્યા મુજબ લો ગાર્ડનમાં મળે છે. દેવર્ષિએ કહ્યું કે હું તને ઓળખીશ કેવી રીતે? પૂર્વા કહે, બોડી લેંગ્વેજથી... પ્રેમની પ્રતિક્રિયામાં શરીરનું એક એક અંગ ડોલવા અને બોલવા લાગે છે. ક્યારેક તો ઉપાંગો પણ તેની હાજરી પુરાવવા ઉત્સુક બનતાં હોય છે!

પૂર્વા મમૉળું અને શરમાળું હસતી, હાથમાં પર્સ ઝુલાવતી ઊભી હતી. દેવર્ષિને પળભર વિશ્વાસ ન બેઠો પણ પૂર્વાની નજર લોહચુંબક જેવી હતી. બંને સ્મિતની આપ-લે કરી એમ જ ઊભાં રહ્યાં. પછી જાહેરમાં એક જગ્યાએ બેઠાં. પૂર્વાના મોં પર સંકોચ કરતાં સંતોષ વધારે ઊભરાતો હતો. મનગમતું પામ્યાનો પરિતોષ હતો.

મોબાઇલને આંખોની શરમ આડે આવતી નથી તેથી ગમે એવું લખીને મોકલી શકાય. પણ સામે મળો ત્યારે આંખોની શરમ દીવાલ બનીને ઊભી રહેતી હોય છે. આમ છતાં પૂર્વાથી સહજ બોલાઇ જાય છે: ‘શું કરીશું...!?’ ‘પ્રેમ કરીશું, બીજું શું?’ પછી બંને ખડખડાટ હસવા લાગે છે.

પૂર્વાએ કહ્યું: ‘હું પૂર્વા ભાવસાર... મમ્મી સાથે રહું છું. સ્ટડી સાથે પાર્ટટાઇમ જોબ કરું છું. મમ્મી તન અને મનથી ભાંગી ગયેલી સ્ત્રી છે. તેને સતત મારી જ ચિંતા થયાં કરે છે...’દેવર્ષિને પૂર્વાની ઓળખ કે હકીકતને પામતા વાર ન લાગી. તેણે પણ સાવ ટૂંકમાં અર્થસભર રીતે કહ્યું: મમ્મીને દીકરીની ચિંતા થાય એ સ્વાભાવિક છે પણ મેં હજુ કશું વિચાર્યું નથી!

પૂર્વાને તો કલ્પના પણ નહોતી કે પ્રથમ મુલાકાતમાં જ સઘળાં દ્વાર ખૂલી જશે! તે થોડા સંકોચ સાથે બોલી: ‘સર! મેં પણ એવું વિચાર્યું નથી, કારણ કે મારાં મમ્મી-પપ્પાને ભયંકર રીતે લડતાં, ઝઘડતાં અને છુટ્ટાં પડતાં જોયાં છે. સખત નફરત છે આવા ગરજાઉ અને ઉપજાઉ સંબંધ પ્રત્યે...’ઘણા સંબંધો ખરજવા જેવા હોય છે. જે મટે નહીં અને છુટે નહીં. વળી ચામડી ચીરી નાખીએ તેવી મીઠી ખંજવાળ આવે... ને પછી લોહીઝાણ બળતરા!

‘મને થયું કે તમે મારી કલ્પનાના પુરુષ છો, મને ગમો છો તેથી પ્રપોઝ કર્યું... બસ આથી વિશેષ કશું જ નહીં! પૂર્વાએ આમ કહી, કથા પર પૂર્ણવિરામ મૂકી દીધું. પણ દેવર્ષિ માટે અલ્પવિરામ હતું. તેણે કહ્યું: ‘પૂર્વા! તારું ખુલ્લાપણું, નિખાલસપણું મને સ્પર્શી ગયું છે. પણ એમ થાય છે કે ક્ષણના સ્મિત સામે જિંદગીનો જુગાર કેમ ખેલવો!?’

‘સર!’ પૂર્વા વચ્ચે જ બોલી: ‘મારે આટલી જલદીથી બાજીને જીતવી પણ નથી એમ હારવી પણ નથી. પ્લીઝ... બીજી કોઇ વાતો કરીએ અથવા તો હવે પછી મળીશું!’ બંને આઇસ્ક્રીમ ખાઇને છૂટાં પડ્યાં. ચોથા દિવસે દેવર્ષિએ સેલફોન પર પૂર્વાને કહ્યું: ‘આપણે મળતાં રહીએ, એકબીજાને જાણતાં ને સમજતાં રહીએ પછી નક્કી કરીએ કે સમજપૂર્વક છુટા પડવું કે જીવનભર સાથે રહેવું!’ 

Comments