કેટલીક વાર આપણે અનાયાસ કોઇ ઘટનાના સાક્ષી બની જતા હોઇએ છીએ. ફોરમની બાબતમાં મારે એવું જ બન્યું. મૂળભૂત રીતે ફોરમ મારી પેશન્ટ ન હતી. એ ડૉ. અનુપ પાઠકને ત્યાં સિઝેરીયન કરાવવા માટે દાખલ થઈ હતી. હું એ દિવસે અચાનક એ બાજુથી પસાર થતો હતો; મનમાં વિચાર આવ્યો કે અનુપને મળી લઉં. એના મેટરનિટી હોમમાં દાખલ થયો. ત્યાં અનુપ મળી ગયો, ફોરમ મળી ગઈ અને એક ઘટના મળી ગઈ.મેં પૂછી લીધું, ‘આ છોકરીને લેબર પેઈન્સ આવતા હોય એવું તો દેખાઈ નથી રહ્યું. પ્લાન્ડ સિઝર કરવાનું છે?’
ડૉ. અનુપ ઓપરેશનની તૈયારીમાં પડ્યો હતો. નર્સને સૂચનાઓ આપતો હતો, ફોરમનાં પિયરિયાં અને સાસરિયાંને બોલાવી-બોલાવીને આવું સમજાવી રહ્યો હતો: ‘શી ઇઝ સિરિઅસ. આ ઓપરેશન સફળ જાય તે માટે ઈશ્વરને પ્રાર્થના કરો. ફોરમને પ્રસૂતિની પીડા ઊપડે તે પહેલાં ઓપરેશન કરીને બાળકને લઈ લેવું પડે તેમ છે. મેં સારામાં સારા એનેસ્થેટિસ્ટને ફોન કરી દીધો છે. તે આવે એટલે...’સગાં બહાર ગયા એ પછી મેં મારો સવાલ દોહરાવ્યો, ‘પ્રિ-પ્લાન્ડ ઓપરેશન રાખેલ છે?’ ‘યસ, શી ઇઝ હાયપરટેન્સિવ. ફોરમનું બ્લડપ્રેશર થોડું ઘણું તો સાતમા મહિનાથી જ ઊંચું રહેતું હતું.
મેં દવાઓ પણ ‘પ્રિસ્ક્રારાઇબ’ કરેલી જ હતી. છેક હમણાં સુધી બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ અચાનક કાલે સાંજ પછી બી.પી. જબરદસ્ત રીતે ‘શૂટ અપ’ થવા માંડ્યું. આવી પરિસ્થિતિ પછીની ખતરનાક શક્યતાઓ વિશે તો તમે જાણો જ છો. મેં એનાં રિલેટિવ્ઝ સાથે વાત કરી. એ લોકો તૈયાર થઇ ગયાં. અને હવે ઓપરેશન શરૂ થવામાં છે. યુ આર વેલ ઇન ટાઈમ. તમે અડધો કલાક રોકાઈ જાવ તેવું હું ઈચ્છું છું.’ ડૉ. અનુપ આમ તો હોશિયાર ગાયનેકોલોજિસ્ટ છે, પણ ફોરમનો કેસ જરાક તકલીફવાળો હતો, માટે એણે મને વિનંતી કરી.
‘કેટલું બ્લડપ્રેશર છે અત્યારે ફોરમનું?’ મેં પૂછ્યું.‘સિસ્ટોલિક ટુ ફોર્ટી અને ડાયાસ્ટોલિક વન સેવન્ટી.’ અનુપે કપાળમાં ચિંતાના સળ પાડીને માહિતી આપી.‘અનુપ! જસ્ટ એ મિનિટ!’ હું ચોંકી ઊઠ્યો, ‘તને ખાતરી છે કે આ કેસ હાથમાં લેવાનો તારો નિર્ણય બરાબર છે?’‘કેમ, એમાં ખોટું શું છે?’ ડૉ. અનુપે કપડાં બદલતાં મને સામો સવાલ કર્યો. એ ઓપરેશન થિયેટરમાં પહેરવાનાં કેપ, માસ્ક અને કપડાં ધારણ કરી રહ્યો હતો.‘આટલાં ઊંચા બી.પી. સાથે કંઈ પણ થઈ શકે છે, અનુપ! બીજી બધી કોમ્પ્લિકેશન્સ દૂરની વાત છે, પણ આને તો બેભાન કરવાનું ઇન્જેકશન આપવામાંયે જોખમ છે. એનીથિંગ કેન હેપન!’‘ત્યારે શું કરવું? મારે એનું સિઝર ન કરવું? બાળકને ફોરમનાં પેટમાં જ રહેવા દેવું અને મરી જવા દેવું?’ અનુપ સહેજ ચિડાઈને પૂછી રહ્યો.
‘ના, મેં એવું નથી કહ્યું. આટલા બ્લડપ્રેશર સાથે કોઇ પણ પેશન્ટ આવે તો નોર્મલ ડિલિવરી માટે રાહ ન જ જોવાય. સિઝેરીયન કરવું જ પડે. હું તો કહું છું કે એ તું જ કર! પણ અહીં તારા ખાનગી નર્સિંગ હોમમાં ન કર. એને કોઈ પણ કોર્પોરેટ હોસ્પિટલમાં શિફ્ટ કર. ત્યાં બીજી બધી લેટેસ્ટ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. પેશન્ટ કેન બી ટ્રીટેડ ઇન એ બેટર પોઝિશન ધેર.’ આટલું કહ્યા પછી મેં ઉમેર્યું, ‘કોર્પોરેટ કે જનરલ હોસ્પિટલોમાં સ્ટાફ પણ વધારે સંખ્યામાં હોય છે. ઓપરેશનના સમયે કે એ પછી જો જરૂર પડે તો એક કરતા વધારે ડોક્ટરો હાજર થઈ શકે છે.’
આ વાત સાંભળીને એની આંખોમાં ચમક આવી ગઇ, ‘એટલા માટે તો મેં તમને અડધો કલાક રોકાઇ જવાનું કહ્યું. એક કરતાં બે ભલા.’‘ડુ યુ વોન્ટ મી ટુ જોઈન યુ ઈન ધી ઓપરેશન?’ મેં પૂછ્યું.‘જરૂર પડે તો! મોટે ભાગે તો હું ઓપરેશન પતાવી નાખીશ. જો કોઈ તકલીફ ઊભી થાય તો તમે ‘સ્ક્રબ’ થઈને જોડાઇ જજો.’ અનુપે વ્યવહારુ ઉકેલ શોધી કાઢ્યો. મારે જવાની ઉતાવળ તો હતી, પણ એની વિનંતીને માન આપીને હું રોકાઈ ગયો.એ જે થયું તે સારું જ થયું. ફોરમને ઓપરેશન માટે ટેબલ પર સૂવડાવી. એનેસ્થેટિસ્ટ બેહોશીનું ઇન્જેકશન આપ્યું. એ સાથે જ ફોરમનું બ્લડપ્રેશર ઘટી ગયું.
એનેસ્થેટિસ્ટ હિંમતવાન હતા, મોંઢેથી તો એવું જ કહી રહ્યા: ‘ડૉ. પાઠક, પ્લીઝ સ્ટાર્ટ ધી ઓપરેશન.’ પણ એમની આંખોમાં ચિંતાનાં વાદળો ઊમટી રહ્યાં હતાં. મારી નજર એમની ગતિવિધિ પર જ હતી. એ જે રીતે એક પછી એક ઇન્જેકશન તોડીને, સિરિંજમાં ભરીને ફોરમના હાથની નસમાં આપ્યે જતા હતા એના પરથી ખબર પડી હતી કે, ‘ઓલ ઈઝ નોટ વેલ!’ડૉ. અનુપ પણ આ વાત સમજી ગયા હતા. એટલે જ એમના હાથ પૂરપાટ ગતિએ શસ્ત્રક્રિયાનું કામ કરી રહ્યા હતા. જ્યારે એમણે ગભૉશય ચીરીને બાળકને બહાર કાઢયું, ત્યારે ફોરમે એક મોટું બગાસું ખાધું. આ એક ખતરનાક નિશાની હતી.
એનસ્થેટિસ્ટની નજર તરત પલ્સ-ઓક્સિમીટર યંત્ર ઉપર પડી. એની ઉપરનો આંક બતાવી રહ્યો હતો કે ફોરમનાં રક્તમાં ઓક્સિજનનું પ્રમાણ ભયજનક હદે ઘટી ગયું હતું. એમણે ચીસ પાડી દીધી, ‘ઓક્સિજન લાવો! ક્વિકલી!’ત્યાં સુધીમાં હું પણ બૂટ-મોજાં કાઢીને એની મદદમાં પહોંચી ગયો હતો. ફોરમને આપવા માટેનાં બીજાં ઇન્જેકશનો ભરવામાં હું એની સહાય કરતો રહ્યો, પણ તમામ પ્રયત્નો વ્યર્થ રહ્યા. અચાનક ફોરમનો શ્વાસ બંધ થઇ ગયો.ડૉ. અનુપ તો ઓપરેશનમાં વ્યસ્ત હતા, પણ એનેસ્થેટિસ્ટ એને કહી દીધું, ‘ડૉ. પાઠક! બાળક બહાર આવી ગયુંને? હવે જલદી ટાંકા લેવા માંડો! આપણે કદાચ દર્દીને ગુમાવી રહ્યા છીએ.’
અમારા પ્રયત્નો જોકે ચાલુ જ રહ્યા. એનેસ્થેટિસ્ટ ફોરમનો શ્વાસોચ્છ્વાસ ચાલુ થાય તે માટેના પ્રયત્નો આદરી દીધા. વચ્ચે એકાદ વાર હૃદય બંધ પડી ગયું. એને ‘મસાજપ્ત આપીને ચાલુ કર્યું. ઓપરેશન પત્યું ત્યારે ફોરમ કહેવા પૂરતી જીવતી હતી, પણ એની ‘પલ્સ’ બહુ ધીમી ગતિમાં ચાલી રહી હતી. ડૉ. અનુપ ખૂબ જ ગભરાયેલા હતા, ‘ડોક્ટર, કંઇક કરો. હું પેશન્ટના સગાંઓને શું જવાબ આપીશ? એને દીકરો આવ્યો છે, પણ મા પોતે આ દુનિયામાં નથી રહી એવું હું શી રીતે કહી શકીશ?’એનેસ્થેટિસ્ટ હિંમત બંધાવતાં સાચી પરિસ્થિતિનુ બયાન કર્યું, ‘ડૉ. પાઠક, હાલ પૂરતી તો ફોરમ જીવી રહી છે, પણ રહી રહીને એનો શ્વાસ બંધ થઇ જાય છે. ખાટલામાં લીધા પછી કદાચ એ ન પણ જીવે. તમારે ફોરમને બચાવવી જ હોય તો એને વેન્ટિલેટર ઉપર મૂકવી પડશે. એ જરા મોંઘું પડશે, પણ એ સિવાય બીજો રસ્તો નથી.’
ડૉ. અનુપે મારી તરફ જોયું. હવે એને સમજાયું કે ફોરમનું ઓપરેશન કોર્પોરેટ હોસ્પિટલમાં કરવાની મેં આપેલી સલાહ કેટલી બધી સાચી હતી! કેટલીક વાર દર્દીના પ્રાણ માત્ર હોશિયાર ડોક્ટરોથી જ નથી બચી શકતા, એ માટ સારાં, અધ્યતન મશીનોની પણ જરૂર પડતી હોય છે.ફટાફટ ડૉ. અનુપ થિયેટરની બહાર આવ્યા. ફોરમનાં તમામ સગાંઓને પાસે બોલાવ્યા. બની શકે તેટલાં ઓછાં વાક્યોમાં પરિસ્થિતિની ગંભીરતા વિશે માહિતી આપી. પછી જાહેર કર્યું, ‘આપણે પેશન્ટને ફલાણી હોસ્પિટલમાં શિફ્ટ કરીએ છીએ. એક્સો આઠ પર ફોન કરું છું.’
ફોરમનાં પપ્પા-મમ્મી, ભાઈઓ તરત જ માની ગયા. એનાં સાસુ, સસરા ને વર પણ આવી ગયાં હતાં. એમને તો વેન્ટિલેટરના ખર્ચા સામે શો વાંધો હોય? બધી ધામધૂમ વહુનાં માવતરના ખભા પર કરવાની હતીને? ફોરમને જીવન-મરણ વચ્ચેની હાલતમાં લઈ જવામાં આવી.બીજા અડધા કલાક પછી હું જવા માટે બહાર નીકળ્યો, તો મને એક આઘાતજનક ર્દશ્ય જોવા મળ્યું. ફોરમનાં સાસુમા પેંડા વહેંચી રહ્યાં હતાં. મને જોઈને દોડ્યાં. એક પેંડો મારા હાથમાંયે મૂકી દીધો. મારાથી બોલાઇ ગયું, ‘આન્ટી, બે દિવસ રાહ તો જોવી હતી! ફોરમનાં બચી જવાની હજુ કોઈ ખાતરી નથી.’
સાસુમાએ જવાબ આપ્યો તે મારી છાતીને વીંધી ગયો, ‘મારે ત્રણ વહુઓ છે, સાહેબ! કોઈએ દીકરીઓ સિવાય કંઈ જણ્યું નથી. આજે પહેલો જ દીકરો અવતર્યો છે. વહુ તો બીજી મળી રહેશે, પણ બીજો દીકરો...?!’
(શીર્ષક પંક્તિ : ‘સૈફ’ પાલનપુરી)
Comments
Post a Comment
Thanx For Comment