રાઘવજી માધડ: હાલો તમને રસ્તો બતાવું...!

ઘડીભર એમ પણ થાય કે કોઇ વટેમાર્ગુને રસ્તો પૂછી લેવાનો... પણ માણસ નામે ચકલું પણ ફરકતું નથી. પૂછવું તો પૂછવું કોને?

અફાટ રણની વચ્ચે યુવાનો અટવાયા છે. એક્સાથે અનેક પગદંડીઓ પસાર થાય છે. ઝાડી-ઝાંખરાં સિવાય કશું દેખાતું નથી. જવું કઇ બાજુ!? વળી વૈશાખનો તાપ ત્રમઝટ બોલાવે છે, અસહ્ય અકળામણ થાય છે...ઘણાં યુવા-યુવતીઓ પાસે અધ્યતન મોબાઇલ છે. બેલેન્સ છે, બેટરી ફુલ ચાર્જ છે. પણ ક્યાંય ટાવર નથી. કવરેજક્ષેત્ર બહાર છે. કોઇનો સંપર્ક થઇ શકે તેમ નથી. હવે કરવું શું? કોલેજની ટુરિસ્ટ બસની આ સ્થિતિ થઇ છે. પરીક્ષાના માહોલમાંથી મુક્ત થયા પછી સ્વેચ્છાએ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ત્રીસેક યુવા-યુવતીઓ જોડાયાં છે. કોલેજકાળ પૂર્ણ થયા પછી સૌ પંખીડાની માફક ઊડી જવાનાં. કોણ ક્યાં અને ક્યારે મળશે તે કંઇજ નક્કી નથી. તેથી મુઠ્ઠીભર સમયને આમ સંગાથે જાણી અને માણી લેવાનો છે. પણ રસ્તો ભૂલ્યા, પ્રવાસ અટકી ગયો. 

આનંદ-કિલ્લોલમાં મસ્ત અને વ્યસ્ત યુવા-યુવતીઓના રંગમાં ભંગ પડ્યો. જીવ અધ્ધર થઇ ગયા. પણ સાવ છેલ્લી સીટમાં બેઠેલાં અક્ષિતા અને રુદ્રાક્ષ આ માહોલથી અલ્પિત હોય એમ એકમેકમાં ખોવાઇ ગયાં છે. તેને તો બસ આમ વરસો સુધી ઊભી રહે તો પણ વાંધો નહોતો!

હજુ તો ગણતરીની મિનિટો પહેલાં જ બસમાં તોફાન અને ધીંગામસ્તીનો માહોલ હતો. યુવાનીની છોળો ઊડતી હતી, પણ સોપો પડી ગયો. સૌનાં મોં પાકેલી કેરી માફક લટકી પડ્યાં. અણધારી આફત આવી પડી. આફતને પોતાનું ઠેકાણું કે સરનામું હોતું નથી. તે સ્થળ-કાળ જોયા-જાણ્યા વગર આવીને આડી ઊભી રહે છે. આવા સમયે માણસનાં કૌવત અને કૌશલ્યની કસોટી થતી હોય છે. આવી પડેલી બલા કે નિર્માણ પામેલી સ્થિતિને તમે કેવી રીતે લો છો, સ્વીકારો છો અને તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરો છો... માણસની કાબેલિયતની ખરી કસોટી થાય છે. આવા અનુભવો જીવનનું ઘડતર કરતા હોય છે.

ઘડીભર એમ પણ થાય કે કોઇ વટેમાર્ગુને રસ્તો પૂછી લેવાનો... પણ માણસ નામે ચકલું પણ ફરક્તું નથી. પૂછવું તો પૂછવું કોને? સાચો રસ્તો શોધી કાઢવા એક યુવાન બસ પર ચડે છે. નજર દોડાવે છે પણ મૃગજળ સિવાય કશું દેખાતું નથી. હાથમાં અરીસો લઇ એક યુવતી પણ બસ પર ચઢે છે. અરીસાને સહેજ ક્રોસમાં સૂર્ય સામે ધરી સર્ચ લાઇટની જેમ ચોતરફ ફેરવે છે. 

વેરાન વગડામાં કોઇનો સંપર્ક કરવા આમ અરીસાનો ઉપયોગ થાય છે. સાથે પોતાનો દુપટ્ટો પણ ધજાની માફક ફરકાવે છે... યુવતીની આવી તરકીબે ઘણા તો તાજજુબ થઇ ગયા. પણ વીસ-પચ્ચીસ મિનિટના પ્રયાસે સફળતા મળી. એક માલધારી યુવાન બસ પાસે આવીને ઊભો રહ્યો. પરંપરાગત પોશાકમાં તેની ખુમારી અને ઠાવકાઇ ઊડીને આંખે વળગે તેવી હતી.

આ બસ રોડ પર ઊભી રહી હતી ત્યારે આવાં ગ્રામીણજનો બસમાં બેસવા દેવા આજીજી કરતાં હતાં. પણ ‘પ્રાઇવેટ’ છે એમ કહી બેસવા દીધા નહોતાં. ‘ભાઇ! અમે રસ્તો ભૂલ્યા છીએ તે...’ આવું સાંભળીને માલધારી યુવાન મૂછમાં હસવા લાગ્યો: ‘મને ખબર છે તમે અટવાયા છો... બાકી તો તમે આમ ઊભા રહો એવા ક્યાં છો!?’ રસ્તો બતાવવાની વિનંતી કરવામાં આવે છે.

‘લ્યો હાલો ત્યારે...’ કહીને યુવાને બસમાં ચઢવાનો પ્રયત્ન કર્યો, પગથિયાંમાં ઊભેલાં યુવાનોએ જગ્યા ન આપી. તે ખસિયાણો પડી ગયો. છતાંય કહ્યું: ‘તમને રસ્તો બતાવું...’ડ્રાઇવર પાસે ઊભો રહી તે રસ્તો દેખાડતો રહ્યો. ત્રણ-ચાર કિલોમીટર પછી મેઇનરોડ આવ્યો. રોડ જોતા જ આખી બસ આનંદની કિલકારીઓ કરી ઊઠી...

આ માલધારી યુવાન તેના માલ-ઢોર સાવ રેઢાં મૂકીને માત્ર ને માત્ર રસ્તો બતાવવા જ આમ આવ્યો હતો. રોડ આવ્યો એટલે તે નીચે ઊતરી ગયો. પછી સંતોષ વ્યક્ત કરતાં બોલ્યો: ‘લ્યો હવે નીકળો, હું તો પાછો પગપાળા હાલ્યો જઇશ!’જીવતરનો એક અજોડ અને અમૂલ્ય પાઠ શીખવીને માલધારી યુવાન પાછો ફરી ગયો. સૌ ઢીલી આંખે તેને જોતા રહ્યા. આ ક્ષણે અક્ષિતાએ સૌ સાંભળે તેમ રુદ્રાક્ષને કહ્યું: ‘રુદ્રાક્ષ...! આ માણસના સ્વાર્થ વિશે બોલ...!’ પણ રુદ્રાક્ષ શું બોલે!?

Comments