ડૉ. શરદ ઠાકર: હા, હતું પોતાનું તે પર થઇ ગયું,વાતનું કેવું વતેસર થઇ ગયું!

પર્ણશીની રડારોળથી બાજુના બેડરૂમમાંથી એનાં સાસુ-સસરા દોડી આવ્યાં. તેઓ પણ દીકરાનું રાક્ષસી સ્વરૂપ જોઇને સ્તબ્ધ થઇ ગયાં.

પર્ણશીએ જમવા બેસતાં પહેલાં ઘડિયાળમાં જોયું. બપોરનો એક વાગવા આવ્યો હતો. એના મનમાં પ્રશ્ન ઊઠ્યો: ‘પાવને લંચ લઇ લીધું હશે?’ નવી-સવી પત્નીના પ્રશ્નો નાના હોય છે, પણ એનું મહત્વ મોટું હોય છે. પર્ણશીએ પતિને ફોન લગાડ્યો. સામેથી પાવનનો ઘૂરકાટ સંભળાયો, ‘બોલ, શું છે?’પર્ણશીનો ઉમળકો આ રુક્ષ, ટૂંકો પ્રતિભાવ સાંભળીને ઠંડો પડી ગયો, તેમ છતાં ફોન કર્યો હતો માટે અવાજમાં બને એટલી લાગણી અને કોમળતા ભરીને પૂછ્યું, ‘પાવન, તેં જમી લીધું?’

‘આના માટે ફોન કર્યો?’ પાવને છાશિયું કર્યું, ‘સવારે તારા હાથનું બનાવેલું લંચ બોક્સ સાથે લઇને નીકળ્યો છું. સાંજે ઘરે પાછો આવું ત્યારે ડબ્બો જોઇ લેજે. મેં ખાધું છે કે નહીં એની ખબર પડી જશે અને હવે પછી મહેરબાની કરીને આ રીતે મને ડિસ્ટર્બ ના કરીશ.’ માંડ પંદર દિવસ જૂની પરણેતર હબકી ગઇ. આમ તો લગ્ન પહેલાંનાં બે-અઢી વર્ષથી પર્ણશી પાવનને ઓળખતી હતી. એમની વચ્ચેનો પ્રેમ એ પહેલી નજરનો પ્રેમ ન હતો. પર્ણશી સાયન્સની વિદ્યાર્થિની હતી અને પાવન કોમર્સનો સ્ટુડન્ટ હતો. પર્ણશી સંગેમરમરની મૂર્તિ હતી, પાવન જાડો, ઊંચો અને સહેજ શ્યામવર્ણો હતો, પણ બાહ્ય દેખાવ કરતાં વધારે તફાવત તો બંનેના આંતર વ્યક્તિત્વનો હતો.

જ્યારે પર્ણશીએ પ્રથમવાર એને જોયો ત્યારે પાવન પોતાના યાર-દોસ્તોની સાથે કોલેજના મેઇનગેટ પાસે ઊભેલો હતો. પર્ણશીને જોઇને એણે સ્માઇલ ફરકાવ્યું. પર્ણશીને દાઝ ચડી ગઇ, પણ એ સંસ્કારી મા-બાપની દીકરી હતી, જાહેરમાં તમાશો ખડો કરવાનું એને યોગ્ય ન લાગ્યું. બીજા દિવસે પાવનની હિંમતને પગ ફૂટયા, ‘હાય! મારી સાથે ફ્રેન્ડશિપ કરીશ?’ એણે સીધું જ પૂછી લીધું.

‘કોઇ કાળે નહીં. તારું ડાચું સાબરમતીના પાણીમાં ધોઇ આવ! પછી આવજે મારી સાથે દોસ્તી કરવા.’ હોઠ મચકોડીને પર્ણશીએ પાવનને ધુત્કારી કાઢ્યો, પણ પાવન ‘છોકરીને વશ કરવાના સો ઉપાયો’ શીખીને આવ્યો હતો. 

પૂરાં બે વર્ષ સુધી સતત એણે ફિલ્ડિંગ ભર્યા કરી. રૂપની દેવી આખરે ખોટા પુરુષના માથા પર પસંદગીનો કળશ ઢોળી બેઠી. ‘હનિમૂન’ સરસ રીતે ઊજવાઇ ગયું. આવી સુંદર પત્નીની ભરપૂર કમનીય કાયા મનભરીને લૂંટી લીધા પછી પાવનનું અસલી સ્વરૂપ સપાટી ઉપર આવવું શરૂ થઇ ગયું. પર્ણશીએ નક્કી કરી લીધું કે પડ્યું પાનું નિભાવી લેવું. પણ બે-પાંચ દિવસ માંડ પસાર થાય, ત્યાં મોકાણના સમાચાર મળવાના શરૂ થાય. એક સાંજે પર્ણશી ખાદ્યસામગ્રી ખરીદવા માટે ઘરની બહાર નીકળી હતી, ત્યાં એની નજર પાનના ગલ્લા ઉપર પડી. ચાર-પાંચ ટપોરી જેવા મિત્રોની સાથે ત્યાં પાવન પણ ઊભેલો હતો. એના હાથમાં સળગતી સિગારેટ હતી. એ રાત્રે પર્ણશીએ એને પૂછ્યું, ‘પાવન, મને ખબર હોત કે તું સ્મોકિંગ કરે છે તો હું તારી સાથે પરણી ન હોત.’

‘હવે ખબર પડી ગઇ છે ને? ડિવોર્સ લઇ લેવા છે?’ પાવને પર્ણશીનું ડોકું તલવારથી વાઢી લીધું હોત તો પણ એને આટલું વસમું ન લાગ્યું હોત. ઉપરથી એણે ડહાપણ ઠાલવ્યું, ‘સ્મોકિંગ તો શાહરુખ ખાન પણ કરે છે. હાથમાં સિગારેટ હોય તો પુરુષની પર્સનાલિટીને ચાર ચાંદ લાગી જાય છે.’‘એવું તારું માનવું છે, જે ખોટું છે. હાથમાં સિગારેટ પકડેલો પુરુષ મને કાયમ ખલનાયક જેવો લાગે છે.’ ‘પણ શાહરુખ તો હીરો છે.’

‘તું તારી જાતને એની સાથે સરખાવે છે? પાવન, શાહરુખ બીજી હજાર વાતો એવી કરી શકે છે, જે તું નથી કરી શકતો. પર્ણશી સિગારેટના આઘાતમાંથી બહાર આવે તે પહેલાં એક મધરાતે પાવન લથડિયાં ખાતી ચાલે ઘરમાં દાખલ થયો. પર્ણશી પૂછી બેઠી, ‘પાવન, તેં દારૂ પીધો છે?’‘શટ અપ! તને... બોલવાનુંયે... ભાન નથી. ધીસ ઇઝ નોટ દારૂ. ધીસ ઇઝ સ્કોચ યુ નો? આજે મારા મિત્રના ઘરે ડ્રિંક-પાર્ટી હતી. એને નોકરીમાં પ્રમોશન મળ્યું એટલે...’‘નોકરીમાં પ્રમોશન મળે એટલે નૈતિકતામાં અધ:પતન...’ પર્ણશી દલીલ કરવા ગઇ પણ પાવન એના ઉપર તૂટી પડ્યો. ઝૂડી નાખી. પર્ણશીએ રડારોળ કરી મૂકી. બાજુના બેડરૂમમાંથી એનાં સાસુ-સસરા દોડી આવ્યાં. તેઓ પણ દીકરાનું રાક્ષસી સ્વરૂપ જોઇને સ્તબ્ધ થઇ ગયાં, પણ ખામોશી ધારણ કરીને જોઇ રહ્યાં.

આ પર્ણશીને પડેલો પહેલીવારનો માર હતો, પણ છેલ્લી વારનો ન હતો. માર ખાવાના અનેક પ્રસંગો ઊભા થતા રહ્યા. પર્ણશી ચૂપ રહેવાના અસંખ્ય સંકલ્પો કરતી, પણ પાવન એને ઉશ્કેરવા માટેના મજબૂત કારણો આપ્યે જતો હતો.એક દિવસ પાવન સ્નાન માટે બાથરૂમમાં હતો, ત્યાં એનો સેલફોન વાગ્યો. પર્ણશીએ ફોન રિસીવ કર્યો. એ ‘હેલ્લો’ બોલે એ પહેલાં જ સામે છેડેથી કોઇ સ્ત્રી સ્વર ચાલુ થઇ ગયો, ‘ગુડ મોર્નિંગ માય સ્વીટ સ્વીટ હબી! આજે ઇદ છે. 

અમારા ઘરે આજે બકરાની કુરબાની રાખેલ છે. બપોરે જમવા માટે આવીશ ને? મને ખબર છે કે તને તારી ભક્તાણીના હાથનાં ઘાસફૂસ જરા પણ ભાવતાં નથી, આઇ વિલ બી વેઇટિંગ ફોર યુ એટ...’ પેલી બકતી રહી, પર્ણશી સાંભળતી રહી. પછી તો એણે મેસેજની યાદી તપાસી જોઇ. રોજ વીસથી પચીસ વાર પાવન અને પેલી યુવતી વચ્ચે અશ્લીલ સંદેશાઓની આપ-લે ચાલતી હતી.

હવે પર્ણશી તૂટી ગઇ. એની પાસે બહુ થોડા રસ્તાઓ બચ્યા હતા. એક, જાલિમ પતિના હાથનો માર ખાઇને ચૂપચાપ એની તમામ બદમાશીઓ સહેતાં રહેવું. બીજો રસ્તો હતો, પોતાના પિયરમાં ચાલ્યાં જવું અને પાવનથી છુટાછેડા મેળવીને પુન:લગ્ન કરવા અને ત્રીજો રસ્તો હતો...! આ ત્રીજો રસ્તો થોડોક જોખમી હતો, પણ વધારે સાચો હતો. એનાથી ચમત્કારિક પરિણામ મળવાની શક્યતા હતી. પર્ણશીએ લગભગ દોઢ વર્ષના નકૉગાર જેવા જીવન પછી આ ત્રીજો રસ્તો પસંદ કર્યો.

‘‘‘

પહેલું કામ પર્ણશીએ ‘ડોમેસ્ટિક વાયોલન્સ સેલ’ એટલે કે ઘરેલુ હિંસા વિભાગમાં જવાનું કર્યું. પાવને વરસાવેલા ત્રાસની ઢગલાબંધ વિગતો સાથેની એક અરજી પુરાવા સાથે આપી દીધી. બીજું પગલું એણે રાજ્યના પોલીસ વડાને મળીને આપવીતી રજૂ કરવાનું કર્યું. ત્રીજા ચરણમાં પર્ણશીએ રાજ્યના મુખ્યમંત્રીનો સંપર્ક સાધ્યો: ‘આપ મુખ્યમંત્રી નંબર વન છો. આપે જાહેર કર્યું છે કે ‘મારા રાજ્યની કોઇ પણ દીકરી જો દુ:ખી હોય, તો માત્ર એક પોસ્ટકાર્ડ મારા સરનામે મોકલી આપે. 

ગાંધીનગરમાં હું બેઠો છું એનું રક્ષણ કરવા` માટે.’ સાહેબ, પોસ્ટકાર્ડને બદલે હું મારી અંગત ડાયરી આપને મોકલાવી રહી છું. છેલ્લાં દોઢ વર્ષના એક-એક દિવસની વિગતો અને મારી ઉપર વરસેલા અત્યાચારનું બયાન ડાયરીના પાને પાને વેરાયેલું પડ્યું છે. જો તમારામાં સામથ્ર્ય હોય તો મારી રક્ષા કરજો!’ નીચે લખ્યું: લિખિતંગ તમારી દુખિયારી દીકરી. એની નીચે પાડ્યાં બે અશ્રુબિંદુ.

પોતાની દુર્દશા વર્ણવતો એક પત્ર પર્ણશીએ મોકલી આપ્યો મીડિયા જગતને. ગુજરાતનાં પ્રમુખ અખબારોને અને ટી.વી. ચેનલોને. મામલો ખતમ થઇ ગયો. પાવનની ઇજજતના ફૂરચા ઊડી ગયા. એના ઘરમાં અત્યારે એકલી પર્ણશી રહે છે. પાવન અને એનાં મમ્મી-પપ્પા ભાડાનું નાનું મકાન રાખીને એમાં સબડે છે. એક રાત પૂરતો પાવન પોલીસની કસ્ટડીમાં રહી આવ્યો છે. પોલીસનો દંડો આટલો મજબૂત હશે એની બાપડાને હવે જ ખબર પડી છે. પર્ણશીએ નક્કી કર્યું છે: ‘પાવનને હું કદીયે છુટાછેડા નહીં આપું. જે દિવસે એ મારી સામે હાથ જોડીને સ્ત્રીશક્તિનો સ્વીકાર કરશે ત્યારે જ હું એને માફી આપીને આ ઘરમાં પગ મૂકવા દઇશ. આ ઘર મારું છે, હું અહીં કુળવધૂ બનીને આવી છું.’ 

Comments