ડો.શરદ ઠાકર: શું સાંભળી રહ્યો છું, દિવસ છે કે રાત છે!



 
મૌર્ય ગર્લ્સ હોસ્ટેલના ઝાંપા પાસે એની નવી-સવી, તાજી જ બનેલી ગર્લફ્રેન્ડની પ્રતીક્ષા કરતો ઊભો હતો, ત્યાં જ હોસ્ટેલમાંથી બહાર આવી રહેલી મૌલી નજરે પડી. ‘બાપ રે!’ મૌર્યનું હૃદય એની પ્રેમિકાને જોઇને એક-બે ધબકારા ચૂકી ગયું, ‘શું ગરમા-ગરમ ચીજ લાગે છે! જાણે આર.ડી.એક્સ.નો પચાસ કિલોગ્રામનો જથ્થો મિની સ્કર્ટમાં લપેટાઇને પુરુષોના હૃદયમાં ભયંકર વાસના-વિસ્ફોટ કરવા માટે નીકળી પડ્યો હોય...!’મૌલી ખૂબસૂરત હતી, સેક્સી ફિગર ધરાવતી હતી અને એ ફિગર બીજાંને દેખાય તેવાં અતિ આધુનિક વસ્ત્રો પહેરવાની એનામાં હિંમત હતી અને ફાવટ પણ.

એ છેક પાસે આવી ગઇ એટલે મૌર્યે મોટરબાઇકને ‘કીક’ મારી. મૌલી ત્વરાથી એને વળગીને પાછળની સીટ પર બેસી ગઇ. આમ કરવા જતાં એનું મિની સ્કર્ટ ચાર ઇંચ જેટલું ઉપરની તરફ સરકી ગયું. ‘મિની’ને બદલે ‘માઇક્રો સ્કર્ટ’ બની ગયું.બાઇક હોસ્ટેલ વિસ્તારમાંથી બહાર નીકળી ગયું. એ પછી મૌર્યે પોતાના દિલનો ધૂંધવાટ બહાર કાઢ્યો, ‘આ શું પહેરીને આવી છે? કેવાં કપડાં પહેરવા જોઇએ એનુંયે ભાન નથી તને?’‘કેમ, આમાં ખરાબ શું છે? હું તો એવું માની રહી હતી કે મને આવા ‘હોટ’ સ્વરૂપમાં જોઇને તું રાજી થઇ જઇશ.

આજે આપણે પહેલીવાર સાથે બહાર જ ઇ રહ્યાં છીએ... એટલે...’‘હા, આપણે પહેલીવાર સાથે નીકળ્યાં છીએ એ સાચું, પણ આપણે મહાદેવના મંદિરે દર્શન કરવા જઇએ છીએ, એકત્રીસમી ડિસેમ્બરની નાઇટ પાર્ટીમાં ડાન્સ માટે નથી જઇ રહ્યાં. પ્રસંગ પ્રમાણે કપડાં પહેરીએ એને ડ્રેસિંગ સેન્સ કહેવાય, આપણી પાસે જે કપડાં હોય તેને ચડાવી દઇએ એને ન કહેવાય.’

‘ત્યારે હે ઉત્તમ ડ્રેસિંગ સેન્સ ધરાવતા મારા ભાવિ પતિદેવ! મને એટલું કહેશો કે મંદિરમાં જતી વખતે મારે કેવાં વસ્ત્રો ધારણ કરવાં જોઇએ?’‘કાં સાડી પહેરવી જોઇએ અથવા સલવાર-કમીઝ. તને આ ટૂંકા સ્કર્ટમાં જોઇને તો મહાદેવ ખુદ શરમાઇ જશે.’

છેક શિવાલય આવી ગયું ત્યાં લગી બંનેની વચ્ચે ચણ-ભણ ચાલતી રહી. મીઠી નોંક-ઝોંક. ઉગ્ર વિવાદ કે ઝઘડો જરા પણ નહીં. પ્રેમની હજુ તો શરૂઆત હતી. પ્યાર કી દુનિયા મેં યે પહલા કદમ થા! ત્રણ હજાર વિદ્યાર્થીઓને સમાવતી બાર હોસ્ટેલ્સનું આખું સંકુલ હતું. સહશિક્ષણ હતું, એટલે રોજ-રોજ એકાદ નવું પ્રેમી જોડું બનતું રહેતું હતું. એમાં મૌર્ય અને મૌલીનું જોડું સાવ તાજું ઓવન ફ્રેશ હતું.

મૌલી એકવીસમી સદીની યુવતી હતી. રૂપાળી, સ્માર્ટ, સેક્સી અને ફેશનેબલ. મૌર્ય એની સાથે શોભે તેવો યુવાન હતો. હેન્ડસમ, હોશિયાર અને મજબૂત. મૌલીને આવો જ પુરુષ ગમતો હતો જે મોડલ જેવો આકર્ષક હોય, એક્ઝિક્યુટિવ બની શકે તેવો ઇન્ટેલીજન્ટ હોય અને જરૂર પડે સિનેમાના હીરોની જેમ પોતાની સ્ત્રીની હિફાજત કરી શકે તેવો ખડતલ હોય. એ બંનેનું પાક્કું થયું ત્યારે આખા કેમ્પસમાં ખુશીની લહેર દોડી ગઇ હતી અને આગલી સાંજે જ મૌર્યે દરખાસ્ત મૂકી હતી, ‘મૌલી, આવતીકાલે સવારે અગિયાર વાગે તૈયાર રહેજે. હું તને લેવા માટે આવીશ.

આપણા જીવનની શરૂઆત આપણે ભગવાનના આશીર્વાદ સાથે કરીશું. ત્યાંથી સીધાં કોઇ સારી જગ્યાએ લંચ...’પ્રારંભ તો નક્કી કર્યા મુજબ થયો, પણ આ મિની સ્કર્ટને કારણે લોચો પડી ગયો. મૌર્યે મોં બગાડીને આટલું તો કહી જ દીધું. ‘મને ઇન્ડિયન ડ્રેસીઝ પસંદ છે.’ જવાબમાં મૌલીએ પણ મક્કમતાથી જણાવી દીધું, ‘મને માત્ર વેસ્ટર્ન આઉટફિટ્સ પહેરવાનું જ ગમે છે અને આજનું આ મિની સ્કર્ટ એ મારા વોર્ડરોબનો સૌથી લાંબો પોશાક છે.’

મૌર્યને એવું કહી દેવાની જોરદાર ઇચ્છા થઇ આવી કે આનાથી જો બીજાં કપડાં વધુ ટૂંકાં હોય તો પછી એને બિકિની કહેવાય, ડ્રેસ નહીં. પણ એ બોલ્યો નહીં. નવો-નવો પ્રેમસંબંધ હતો. આવો એકાદ નાનો ઝઘડો દૂધપાકના તપેલામાં લીંબુના ટીપા જેવું કામ કરી બેસે. આખો દૂધપાક ફાટી જાય. એણે વાત બદલાવી નાખી.

ભગવાન શંકરના આશીર્વાદ મેળવીને પ્રેમી-યુગલ ક્ષુધાતૃપિ્ત અર્થે શહેરથી દૂર આવેલી એક ગાર્ડન રેસ્ટોરામાં જઇ પહોંચ્યું. વેઇટર આવીને બે પ્લેટ્સ મૂકી ગયો. મૌલીએ એને પાછો બોલાવ્યો, ‘આ બેમાંથી એક ડિશ લઇ જા, અમે એક જ ડિશમાં સાથે જમીશું.’‘હાઉ રોમેન્ટિક!’ મૌર્ય રોમાંચિત થઇ ઊઠ્યો, પછી તરત જ વાત વાનગીઓની પસંદગીની નીકળી, ‘પંજાબી ભોજન જમીશું ને?’‘ના, મારે કાઠિયાવાડી ભોજન જમવું છે.’

‘અરે, પણ રોટલો-રિંગણાનો ઓળો ને ખીચડી-કઢી ખાવાની મજા તો સાંજે આવે, લંચમાં તો પરોઠા અને પંજાબી સબજી જ...’‘ના એટલે ના!’ મૌલીએ સ્ત્રી હઠ પકડી લીધી, ‘પંજાબી વાનગીઓ જમી-જમીને હું કંટાળી ગઇ છું. સબજી ગમે તે પસંદ કરો, પણ એની ગ્રેવીનો સ્વાદ એક સરખો જ લાગે છે. ગ્રેવી પણ પાછી તાજી બનાવેલી તો હોય જ નહીં. દસ-પંદર દિવસ પહેલાં બનાવેલી ગ્રેવી કોલ્ડ સ્ટોરેજમાંથી કાઢીને ગરમ કરીને પીરસી દેવામાં આવે.

મારે નથી ખાવો આવો વાસી ખોરાક!’મૌર્યે જોઇ લીધું કે નાનકડા લીંબુમાંથી ફરી પાછું ખટાશનું એક બુંદ પડી રહ્યું છે. બધો દૂધપાક ફાટી જશે. એણે વિવાદનું પાત્ર જ દૂર હટાવી લીધું. નમતું જોખી લીધું, ‘ભલે, જેવી તારી મરજી! એક જ ડિશમાં જમવાનું છે, એટલે બાજરીનો રોટલો અને કાજુ ખોયાને ભેગાં કરવાનું શક્ય નથી. ભલે થઇ જાય ભડથું-રોટલા!’એક મહિનો પસાર થઇ ગયો. પ્રેમીપંખીડાં લગભગ રોજ મળતાં રહ્યાં, એક જ આસમાનમાં સાથે-સાથે ઊડતાં રહ્યાં અને સહિયારો દાણો-પાણી ચણતાં રહ્યાં.

એક મહિનાના અંતે મૌર્યને લાગ્યું કે આ સંબંધ વિશે પૂર્ણ વિચારણા કરવા જેવી છે. એની અને મૌલીની વચ્ચે એક, બે નહીં, પણ અસંખ્ય મતભેદો હતા, વિચારભેદો હતા, રુચિભેદો હતા. મૌર્યને રાજ કપૂર-દિલીપકુમાર-દેવ આનંદના જમાનાની બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મો જોવાનું પસંદ હતું, ત્યારે મૌલીને આજકાલની ખાન બંધુઓની ફિલ્મો ગમતી હતી. ઝઘડાઓ નાના-નાના હતા, પણ એ બધાનો સરવાળો મોટો થતો હતો. આ રીતે આખી જિંદગી સાથે વિતાવી ન શકાય.

આખરે મૌર્યે નક્કી કરી નાખ્યું. પોતે આ સંબંધમાંથી છુટો થઇ જવા ઇચ્છે છે, લગ્નના બંધન સુધી આ વાતને લઇ જવા માગતો નથી એના મતલબનો એક પત્ર લખીને એણે તૈયાર કર્યો. એમાં આ બધા નાના-નાના બનાવોનો ઉલ્લેખ પણ કર્યો પણ એ પત્ર કવરમાં મૂકીને એ સાંજના સમયે ગર્લ્સ હોસ્ટેલમાં પહોંચી ગયો. મૌલી ‘વિઝિટર્સ રૂમ’માં આવી પહોંચી.

એ ખુશ દેખાતી હતી, પણ મૌર્ય ગંભીર હતો. મૌર્યે જિંદગીનો સૌથી મહત્વનો અને અઘરો નિર્ણય જાહેર કરવા માટે ખિસ્સામાં હાથ નાખ્યો. પત્ર બહાર કાઢ્યો. પછી ગંભીર સ્વરે બોલ્યો, ‘મૌલી, હું ઇચ્છું છું કે આપણે વાત કરીએ તે પહેલાં તું આ કાગળ વાંચી જા!’મૌલી અહીં પણ ઝઘડી પડી, ‘ના, પહેલાં તારે આ પત્ર વાંચવો પડશે. જોને, આજે બપોરે જ મારા સરનામે આવ્યો છે.’

મૌર્ય પત્ર હાથમાં લઇને વાંચવા માંડ્યો. નનામો પત્ર હતો. કોઇ ઇષૉળુએ મૌલીને ઉદ્દેશીને લખેલો હતો. પત્રમાં મૌર્યની વિરુદ્ધ નરી કાનભંભેરણી જ ઠલવાયેલી હતી, ‘મૌલી! તું મૂર્ખ છોકરી છો. તારા જેવી ‘હોટ એન્ડ સેક્સી’ને તો બીજા કેટલાય સારા છોકરાઓ મળી જશે. તું આ બદચલન, આવારા અને અભિમાની છોકરામાં કેવી રીતે ફસાઇ ગઇ? તને ધીમે ધીમે અનુભવ થશે કે મૌર્યને નાની-નાની વાતમાં વિવાદ, વિરોધ અને ઝઘડો કરવાની કુટેવ છે.

એની સાથે તું સુખી નહીં થઇ શકે...’પત્રમાં નર્યો ઉકરડો જ હતો. એ વાંચ્યા પછી દુનિયાની કોઇ છોકરી મૌર્ય સાથે લગ્ન ન જ કરે. મૌર્ય ઠંડોગાર બની ગયો. સામે બેઠેલી મૌલી એને ‘ચિયર-અપ’ કરતી હોય એમ બોલી રહી હતી, ‘તું શું કામ સિરિયસ બની ગયો? હશે કોઇ તારો વિરોધી! હું તો એની એક પણ વાત માનતી જ નથી.

મતભેદો તો હોય! જગતમાં કયા પતિ-પત્નીના મત બધી વાતે એક સરખા નીકળતા હશે? મોટી વાત એ છે કે તું મને ગમે છે. ચાલ, ઉદાસી છોડી દે! અને એક વાત તો હું ભૂલી જ ગઇ, તું મને પત્ર આપવાનો હતો. એ હવે આપ ને! મારે વાંચવો છે કે મારો મૌર્ય મને શું લખે છે...’મૌર્યની આંખો ભીની થઇ ગઇ, ‘કંઇ નહીં! કંઇ નહીં!’ કહીને એણે છેલ્લીવાર વાતનો વિષય બદલાવી નાખ્યો.

(શિર્ષક પંક્તિ : ઘાયલ)

Comments