ડૉ. શરદ ઠાકર: સમયની લાજ રાખીને ઘડીભર તો તમે આવો

‘હું અને મારાં વાઇફ બે દિવસ માટે બહારગામ જવાના છીએ. તમે આ બે દિવસ પૂરતું અમારું પ્રાઇવેટ નર્સિંગ હોમ સંભાળી શકશો, પ્લીઝ?’જેટલું આશ્ચર્ય આખો સવાલ સાંભળીને મને નહોતું થયું, એટલું આશ્ચર્ય વાતના અંતમાં મૂકાયેલા ‘પ્લીઝ’ શબ્દથી થયું હતું. આમ થવાનું કારણ એ કે જ્યારે આ સંવાદ બોલાયો ત્યારે મારી ઉંમર માત્ર ચોવીસ જ વર્ષ હતી અને મને વિનંતી કરનાર ડૉ.. દેસાઇની વય લગભગ પંચાવનની આસપાસ હતી. અમદાવાદના તેઓ એક વરિષ્ઠ કન્સલ્ટન્ટ ડોક્ટર હતા. એમનાં પત્ની પણ નામાંકિત ગાયનેકોલોજિસ્ટ હતાં (આ આખીયે ઘટના પોઝિટિવ હોવા છતાં એ ડોક્ટર દંપતીની ઓળખ મેં છુપાવી છે, અટક બદલાવી નાખી છે).

હું ત્યારે વી.એસ. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં પોસ્ટ ગ્રેજયુએશન કરતો હતો. ડી.જી.ઓ. પાસ કર્યાને એક વર્ષ થઇ ગયું હતું, હવે એમ.ડી.ની પરીક્ષા પાસ કરવાની બાકી હતી અને પરીક્ષાની તારીખો માથા ઉપર ઝળૂંબી રહી હતી. એટલે હું મુંઝાયો. એક તરફ શહેરના આવા જાણીતા, વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત ડોક્ટરની વિનંતી હતી તો બીજી તરફ જિંદગીની આખરી અને અત્યંત મહત્વની પરીક્ષા હતી. 

વાંચવા માટે બેઠા હોઇએ ને જો લઘુશંકા માટેનું દબાણ આવે તો પણ ‘પાકિસ્તાનની મુલાકાતે જવા માટે’ બે કલાક કાઢી નાખીએ, યુરીનલને અમે પ્રેમપૂર્વક ‘પાકિસ્તાન’ તરીકે ઓળખતા હતા! મેં સંકોચપૂર્વક કહ્યું, ‘સર, આમ તો મને વાંધો નથી. પણ વી.એસ. હોસ્પિટલથી પેશન્ટને તપાસવા માટે દસ-બાર વાર મારે દોડવું પડે તે મને પોસાય તેમ નથી...’

‘તમારે દોડાદોડી કરવાનો પ્રશ્ન જ ક્યાં રહે છે? મારા નર્સિંગ હોમના ચોથા માળ પર વેલફનિgશ્ડ બેડરૂમ આવેલો છે, તમારે ત્યાં જ રહેવાનું છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ‘કિચન’ છે, ત્યાં તમારે જમી લેવાનું. મને ખબર છે કે તમારા લગ્નને હજુ વરસ પણ પૂરું નથી થયું.તમારી પત્ની પણ ડોક્ટર છે. એને પણ તમે સાથે લેતા આવજો. એક કરતાં બે ભલા!’

મારું દિમાગ આજના લેટેસ્ટ કમ્પ્યૂટરની ઝડપે કામ કરી રહ્યું. વી.એસ. હોસ્પિટલની મારી ફરજ પરથી હું આમ પણ ‘એકઝામ લીવ’ ઉપર હતો, એટલે નૈતિક રીતે કે કાયદાની રીતે હું કશું જ ખોટું નહોતો કરી રહ્યો. મારી પત્ની ડૉ.. સ્મિતા જો મારી સાથે રહી શકવાની હોય તો શહેરના સર્વશ્રેષ્ઠ નર્સિંગ હોમના ડિલકસ સ્પેશિયલ રૂમ જેવા શયનખંડમાં બે દિવસ અને બે રાત્રિ માટેની હોલી-ડે પેકેજ ટૂર જેવી જ આ યોજના હતી. મનમાં થોડો સ્વાર્થ પણ ખરો. મેં ડૉ.. દેસાઇને હા પાડી દીધી.

એ તો જ્યારે મેં મારી પત્નીને આ પ્રસ્તાવ વિશે જાણ કરી ત્યારે તેણે તરત જ મારી ગુપ્ત ચાલ પકડી પાડી, ‘ટૂંકમાં એટલું કહી દો ને કે તમે આ બે દિવસ વી.એસ.ની લાયબ્રેરીને બદલે એ ડિલકસ રૂમમાં વાંચવાના છો અને પેશન્ટ્સને સંભાળવાનું કામ મારે કરવાનું છે!’ નવા નવા લગ્નજીવનમાં પત્નીને ફોસલાવવામાં ઝાઝી વાર નથી લાગતી. મેં પણ એને રાજી કરી લીધી.

જે દિવસે વહેલી સવારે ડૉ.. દેસાઇ દંપતી શહેર છોડીને જવાનું હતું એની આગલી સાંજે જ અમે પહોંચી ગયા. ડૉ.. મિસિસ દેસાઇએ અમને પ્રેમપૂર્વક આવકાયાઁ. પછી એડમિટેડ પેશન્ટ્સનો રાઉન્ડ અપાવ્યો. દરેક વોર્ડ અને દરેક ખાટલા પાસે અમને લઇ જઇને એ માહિતી આપતાં ગયાં, ‘આને નોર્મલ ડિલિવરી થઇ છે, આજે ત્રીજો દિવસ છે. એને કાલે રજા આપી દેજો... આને હિસ્ટ્રેકટોમીનું ઓપરેશન કરેલું છે, આજે બીજો દિવસ છે. આવતીકાલથી એને લાઇટ ડાયેટની છુટ આપવાની છે. 

આને...’આમ કરતાં કરતાં ડૉ.. મિસિસ દેસાઇ અમને એક સ્પેશ્યલ રૂમમાં લઇ ગયાં, ‘આ સોનલ છે. આજે સાંજે જ એનું સઝિરિઅન કર્યું છે. મધર અને બાળક બંને સારાં છે. ગ્લુકોઝ-સેલાઇનની ‘ડ્રીપ’ ચાલે છે. અંદર ઇન્જેકશન ઓક્ટિટોસીન પણ ઉમેયાઁ છે. આમ તો બધું ‘સેટલ્ડ’ છે, પણ રાત્રે સૂતા પહેલાં દસેક વાગ્યે એક વાર તમે એના પલ્સ, બ્લડપ્રેશર વગેરે જોઇ લેજો. અમારે સવારે પાંચ વાગ્યે નીકળી જવાનું છે, એટલે અમે તો આજે વહેલા સૂઇ જઇશું. બની શકે ત્યાં સુધી અમને ડિસ્ટર્બ ન કરશો. ચાલો, હવે અમે જઇએ. ગુડ નાઇટ!’અમે એકલાં પડ્યાં. થોડીવારમાં જ રસોઇવાળા મહારાજ અમને બોલાવવા માટે આવ્યા, ‘સાહેબ, ગરમ ફૂલકાં ઊતારું છું, જમવા બેસી જાવ!’

ભોજન સાદું પણ સ્વાદિષ્ટ હતું. એ પતાવીને હું ચોથા માળે આવેલા રૂમમાં ગયો. પત્ની બોલી, ‘તમે જાવ, હું પેશન્ટને જોઇને આવું છું.’‘અરે, હમણાં જ તો રાઉન્ડ પૂરો કર્યો, ત્યાં ફરીથી...?’‘ફરીથી નહીં, પહેલી જ વાર જોવા માટે જઉં છું. મેડમ દેસાઇ સાથે તો ખાલી દર્દીઓની ઓળખ-પરેડ જ થઇ છે, મેં ‘ચેક-અપ’ ક્યાં કર્યું હતું?’‘સારું! તું જઇ આવ, હું વાંચવા માટે બેસું છું.’ અમે છુટા પડ્યા. પણ માત્ર પંદર જ મિનિટ પછી ફરીથી મળવા માટે. એ ઉપર આવી ત્યારે ચિંતાતુર હતી, ‘પેશન્ટને બ્લીડિઁગ થાય છે. હજુ પલ્સ, બી.પી. નોર્મલ રેન્જમાં છે, પણ ગભૉશય એટોનિક લાગે છે. મેં ઇન્ટ્રાવિનસ અર્ગોમેટ્રીન આપી દીધું છે, ડ્રીપમાં પિટોસીન પણ વધુ ઉમેરી દીધા છે.’

અમારી પારિભાષિક શૈલીમાં આ એટોનિક પોસ્ટપાર્ટમ હેમરેજ હતું. ડિલિવરી નોર્મલ રીતે થઇ હોય કે સિઝિરીઅન વડે, પણ જો ગભૉશય ઢીલું પડી જાય તો લોહીનો ધોધ ચાલુ થઇ જાય. આ ઘટના ૧૯૮૦ના વર્ષની છે. જ્યારે આ ઉપાધિની અકસીર દવા (પ્રોસ્ટોડીન ઇન્જેકશન) આપણે ત્યાં ઉપલબ્ધ ન હતી. જે બે પ્રકારનાં ઇન્જેકશનો હાથવગાં હતાં, તે જરૂરી માત્રામાં દર્દીને અપાઇ ગયા હતાં. હવે એની અસર થાય તે જોવા માટે થોડી રાહ જોવાની હતી. 

એ સમયમાં અમે ડૉ.. મિસિસ દેસાઇને ફોન કરી લીધો. એમનેય ચિંતા થઇ આવી. પંદર મિનિટમાં જ મારતી ગાડીએ બંને જણાં દોડી આવ્યાં. ફરી પાછી સોનલની તપાસ કરી. હવે હેમરેજનું પ્રમાણ વધી ગયું હતું. ડૉ.. દેસાઇ રક્તદાનની વ્યવસ્થામાં પડ્યા, મેડમ દેસાઇએ સોનલને બીજા હાથમાં બીજો બાટલો ચડાવ્યો. વધુ ઇન્જેકશનો આપ્યાં. ગભૉશયની આંતરિક તપાસ કરવા માટે મોજાં પહેરેલો હાથ નાખ્યો, ત્યાં તો લોહીનો ધોધ છુટી પડ્યો. હવે દર્દીની સ્થિતિ ગંભીર બનતી જતી હતી. પલ્સ વધતી જતી હતી ને બ્લડપ્રેશર ઝડપથી ઘટતું જતું હતું.

મેડમ ચીસ પાડી ઊઠ્યા, ‘શરદ, શી ઇઝ સિિન્કંગ! વ્હોટ શેલ વી ડૂ?’રાતનો સમય હતો. રક્તદાનની સવલત ખૂબ મર્યાદિત હતી. તો પણ દર્દીના પતિએ દોડાદોડ કરીને મિત્રોને અને સંબંધીઓને બોલાવી લીધા. ડૉ.. દેસાઇ અને મેડમ દેસાઇ સમજી ગયા હતા કે આ પેશન્ટને હવે માત્ર અમદાવાદના જ નહીં, પણ જગતના શ્રેષ્ઠ ગાયનેકોલોજિસ્ટ જ બચાવી શકે. એ પણ જો ભગવાનનો હાથ અર્દશ્ય રીતે સાથ આપે તો!

બધાની જીભ પર એક જ નામ હતું, ડૉ.. મિસ સૌદામિનીબહેન પંડ્યા. ગુજરાતનું નાક એવા આ મહાન સ્ત્રી-રોગ વિશેષજ્ઞ ત્યારે વી. એસ. માંથી સેવા-નિવૃત્ત થઇ ચૂક્યાં હતાં. લગભગ અડધી રાતનો સમય થવા આવ્યો હતો. ધડકતા હૈયે અને કંપતા હાથે ડૉ.. દેસાઇએ ફોન નંબર જોડ્યો. મેડમ પંડ્યા કેવા ઉમદા કહેવાય! ક્ષણનાયે વિલંબ વગર કહી દીધું, ‘ઓપરેશનની તૈયારી કરો. સારામાં સારા અને અનુભવી એનેસ્થેટસ્ટિને બોલાવી લો. પેશન્ટનું ગભૉશય કાઢી નાખવું પડશે, નહીંતર એ નહીં બચી શકે!’

હું સ્તબ્ધ થઇને ઓપરેશન થિયેટરમાં બધું ‘મેનેજપ્ત કરી રહ્યો. ડૉ.. ભાનુભાઇ એનેસ્થેટસ્ટિ હતા. મેડમ પંડ્યાએ જ્યારે સિઝિરીઅનના હજુ થોડા જ કલાકો જુના ચેકાને ફરીથી ‘કટ’ કરીને આંગળીઓનો જાદુ બતાવવો શરૂ કર્યો, ત્યારે ડૉ.. ભાનુભાઇ મારા કાનમાં બબડ્યા, ‘પેશન્ટનું બી.પી. માત્ર ચાળીસ જેટલું છે. એ પણ સિસ્ટોલિક. મને એવું લાગે છે જાણે હું કોઇ લાશને શીશી સૂંઘાડીને ‘બેભાન’ કરતો હોઉં! સોનલ નહીં બચે. જો બચે તો માનજો કે મિસ પંડ્યા ડોક્ટર નથી, પણ મેજિશિઅન છે.’

આટલી ઝડપથી, આટલા આત્મવિશ્વાસથી કોઇ ડોક્ટરને કોઇપણ દર્દીનું ઓપરેશન કરતાં મેં જિંદગીમાં જોયા નથી. ખૂબીની વાત એ છે કે પૂરી સર્જરી દરમિયાન મિસ પંડ્યાએ એક પણ વાર ડૉ.. ભાનુભાઇને પૂછ્યું નહીં- ‘પેશન્ટ જીવે તો છે ને?’ એ પોતાનું કામ કરતાં રહ્યાં. છ બોટલ જેટલું વધુ રક્ત સોનલને ચડાવી દેવામાં આવ્યું. ગભૉશય નીકળી ગયું, એટલે નવો રક્તસ્રાવ બંધ થઇ ગયો હતો. સવારના પાંચ વાગતાં સુધી મિસ પંડ્યા સ્પેશિયલ રૂમમાં પેશન્ટની પાસે બેસી રહ્યાં. એમણે ઘડિયાળમાં જોયું, પછી ડૉ.. અને મિસિસ દેસાઇને કહ્યું, ‘યુ મે લીવ નાઉ! ડોન્ટ સે નો! સોનલને હવે કશું જ નહીં થાય. એના ઓપરેશનમાં હાથ મારો હતો, પણ સાથ ભગવાનનો હતો.’

(સત્ય ઘટના)

Comments