ડૉ. શરદ ઠાકર: આપને જોયાં હતા પલવાર મેં કે નિરાલી જોઇ’તી તલવારને

અમે જઇએ પછી આ કાગળ ધ્યાનથી વાંચી જજો. એમાં ફક્ત એક શરત લખેલી છે, પણ એનો સ્વીકાર કરવો તમારા માટે ફરજિયાત છે. 

‘તમારી દીકરી મને પસંદ છે.’ કન્યાને જોવા માટે આવેલા ઉન્મત્તે ઘરમાંથી વિદાય લેતી વખતે જાહેર કર્યું તે સાથે જ દીકરીનાં મા-બાપના ચહેરા પૂનમના ચાંદની જેમ સોળે કળાએ ખીલી ઊઠ્યા. ‘પણ સંબંધ પાકો કરતાં પહેલાં તમારે મારી એક શરત માનવી પડશે.’ ઉન્મત્તે ગંભીરતાપૂર્વક કહ્યું. કન્યાના પિતા દયાશંકર દહેજની કલ્પના માત્રથી ઢીલા પડી ગયા, પણ કન્યાની મા કામિનીબહેન ઉત્સાહમાં હતાં, તે બોલી ગયાં, ‘એક નહીં, તમે કહેશો તો એક હજાર શરતો માની લઇશું. એમાં શું થઇ ગયું! અમે કંઇ સાવ ગરીબ થોડાં છીએ? અને અમારી દીકરીને આઇ.એ.એસ. થયેલો વર મળતો હોય તો અમે બી જાનને છાજે એવો ખર્ચ...’ ઉન્મત્તે એક ગડી વાળેલો કાગળ કાઢીને ભાવિ શ્વશુરના હાથમાં મૂકી દીધો, ‘અમે જઇએ તે પછી આ કાગળ ધ્યાનથી વાંચી જજો.

એમાં એક હજારને બદલે ફક્ત એક શરત લખેલી છે, પણ એનો સ્વીકાર કરવો તમારા માટે ફરજિયાત છે. અમારા ઘરનો ફોન નંબર તમારી પાસે છે જ. જો મારી શરત તમને મંજૂર હોય તો એક ફોન કોલ કરી દેજો.’ ઉન્મત્ત ઊઠ્યો એની સાથે એનાં મમ્મી-પપ્પા પણ જવા માટે ઊભાં થયાં. દયાશંકરના ઘરમાં હરખનું વાવાઝોડું ફૂંકાઇ ગયું. ‘તન્મયાનાં નસીબ ઊઘડી ગયાં.’ એ વાક્ય બોલી-બોલીને કામિનીબહેને ઘર ગજાવી મૂક્યું. આમ તો આજે સાંજે મૂરતિયો પોતાની દીકરીને જોવા માટે આવવાનો હતો એ સમાચાર માત્રથી કામિનીબહેન ફૂલ્યાં સમાતાં ન હતાં. એમની ચાર દીકરીઓમાં તન્મયા સૌથી મોટી હતી અને સૌથી વધારે રૂપાળી હતી. કોઇપણ યુવાનની નજરમાં વસી જાય એટલી એ ખૂબસૂરત હતી.

‘બસ, ચિંતા એક જ વાતની છે કે છોકરો ખૂબ સારું ભણેલો છે. અત્યારે ડેપ્યુટી કલેક્ટરનું પોસ્ટિંગ મળ્યું છે, પણ જતે દહાડે કલેક્ટર બનવાનો એ નક્કી છે. આપણી તન્મયા સાદી આર્ટ્સ ગ્રેજ્યુએટ થઇ છે. ભલે દેખાવમાં એ કેટરિના કૈફને ટક્કર મારે તેવી લાગતી હોય, પણ બૌદ્ધિક રીતે કદાચ છોકરાને ઠીક ન લાગે તો એ ના પણ પાડી દે. આ ભણેલા-ગણેલા છોકરાઓ બહુ વાયડા હોય છે. મેં તો અંબાજીની માનતા રાખી છે. જો ઉન્મત્તકુમાર આપણી તન્મયાને પસંદ કરી લે તો હું સગાઇ કરતાં પહેલાં જ અંબાજીનાં દર્શન કરી આવીશ.’

‘મમ્મી, અત્યારથી જ ઉન્મત્તકુમાર?’ સૌથી નાની નૈસિર્ગકાએ મજાક કરી. ‘ચૂપ બેસ, ચિબાવલી! ઉન્મત્તકુમાર નહીં તો એને શું કહું, ઉન્મત્તિયો? બોલવામાં જરા વિવેક રાખતાં શીખ. એમાંયે આજે સાંજે તો ખાસ. તમારા ચારેયમાંથી કોઇએ હા-હા, હી-હી કે ઠિઠિયારા નથી કરવાનાં. છોકરાવાળાને એવું લાગવું જોઇએ કે આપણે એમની સાથે શોભીએ તેવા છીએ.’ સવારથી જ મા અને દીકરીઓ કામે લાગી ગઇ હતી. આખા ઘરની કાયાપલટ કરી નાખી હતી. દયાશંકર એમ તો ખાધે-પીધે સુખી હતા. 

મોટું પાંચ-છ ઓરડાનું મકાન હતું. હજુ ગયા વરસે જ મકાનને રંગરોગાન કરાવ્યાં હતાં. ચારેય દીકરીઓએ ડ્રોઇંગરૂમને દીવાન-એ-આમ માંથી દીવાન-એ-ખાસ જેવો બનાવી દીધો. ભીંતમાં એકાદ જગ્યાએ જ્યાં ભેજનું ધાબું દેખાતું હતું ત્યાં કેલેન્ડર લટકાવી દીધું. સોફાનાં કવર બદલાવી નાખ્યાં. સ્વાદિષ્ટ ગરમા-ગરમ નાસ્તાની તૈયારી પૂરી કરી દીધી. ચારેય બહેનો બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવાની હોય તે રીતે સજી-ધજીને તૈયાર થઇ ગઇ.

બરાબર છ વાગ્યે ગાડી આવીને બારણા પાસે ઊભી રહી. ‘આવો! પધારો! કેમ છો?’ની ફેંકમ્ ફેંક પૂરી થઇ. પછી પરિચયની પળોજણ શરૂ થઇ. મૂરતિયાના પિતા મુગટલાલે દીકરા ઉન્મત્તની અને પોતાની ધર્મપત્ની સ્નેહપ્રભાની ઓળખાણ કરાવી ત્યાં કામિનીબહેને કન્યાપક્ષનો હવાલો સંભાળી લીધો, ‘આ મારી ચાર દીકરીઓ મેનકા, ઉર્વશી, રંભા અને ભાનુપ્રિયા.’

‘કેમ આવાં જુનવાણી નામો રાખ્યાં છે?’ આખાબોલા ઉન્મત્તે પૂછી લીધું. ‘કામિનીબે’ન જોર-જોરથી હસ્યાં, ‘તમેય શું, ઉન્મત્તકુમાર? આ કંઇ મારી દીકરીઓનાં નામો નથી, આ તો સ્વર્ગની અપ્સરાઓનાં નામો છે. હું કહેવા એ માગું છું કે મારી દીકરીઓ દેખાવમાં અપ્સરાથી કમ નથી.’ઉન્મત્તે એમની આ વાતમાં સંમત થવું જ પડ્યું. ચારેય છોકરીઓ બ્યુટિફુલ, હોટ અને સેક્સી દેખાઇ રહી હતી.

કામિનીબે’ન હવે અસલ નામ ઉપર આવ્યાં, ‘આ સૌથી મોટી તન્મયા. આ બીજા નંબરની પારમિતા. આ તન્વાંગી અને આ સૌથી નાની નૈસિર્ગકા.’ ઉન્મત્તની નજર તન્મયાના ગોરા, નમણા મુખ પરથી સહેજ વાર પૂરતી લસરીને બીજી ત્રણ અપ્સરાઓ પર પડી ન પડી અને તરત પાછી તન્મયા તરફ વળી ગઇ. એ એના હિસ્સાનો ઉજાસ હતો, એના નસીબનો ચાંદ હતો, એના ખિસ્સાનો ખજાનો હતો અને બેશક, એ ફાવી ગયો હતો.

નાસ્તા-પાણી ચાલ્યાં. ગપ્પાં-ગોષ્ઠિ ચાલ્યાં. આડેધડ સવાલો પુછાયા, અતાર્કિક જવાબો અપાયા. છેવટે કામિનીબહેને જ કહેવું પડ્યું, ‘તમારે બે જણે કંઇ અંગત વાતચીત કરવી હોય તો...’ ઉન્મત્ત અને તન્મયા ઊભાં થઇને બાજુના કમરામાં ગયા. પાછળથી પારમિતાએ ટહુકો કર્યો, ‘અમે ત્રણ બહેનો સાથે આવીએ?’ઉન્મત્તે વળતો ફટકો માર્યો, ‘આવો ને! મને તો ગમશે જ, પણ એટલું યાદ રાખજો કે ‘હનિમૂન’ વખતે પણ ત્રણેય બહેનોએ સાથ આપવો પડશે.’ નાની નૈસિર્ગકાએ ભાવિ જીજુને સંભળાવી દીધું, ‘માય ફૂટ! આ કંઇ બાય વન ગેટ ફોરની સ્કીમ નથી ચાલી રહી.’

બધું બરાબર ચાલતું હતું. કામિનીબહેને આંકેલા નકશા મુજબ જ એક પછી એક દ્રશ્યો ભજવાઇ રહ્યાં હતાં, ત્યાં ઉન્મત્તને લઘુશંકા માટેની ઇચ્છા થઇ. એણે સ્કૂલટીચરને પૂછતો હોય તેમ જમણા હાથની ટચલી આંગળી બતાવીને તન્મયાને જ પૂછી લીધું, ‘ટોઇલેટ કઇ તરફ છે?’ તન્મયાએ દિશા ચીંધી આપી, ‘આ ઓરડામાંથી બહાર નીકળીને જમણી તરફ પરસાળ છે એમાં છેક છેલ્લા ઓરડા પછી ટોઇલેટ આવે છે.’ ઉન્મત્ત એ દિશામાં ચાલતો થયો. 

હવે એ પરસાળમાં હતો અને પરસાળ પેલી ચાર રાજકુંવરીઓવાળા ઓરડાથી કાટખૂણે પડતી હતી. એટલે એને કોઇ જોઇ શકે તેમ ન હતું. ઉન્મત્ત એની ધૂનમાં હતો, ત્યાં એના કાને કોઇના આછા ડૂસકાનો અવાજ પડ્યો. એણે ડોકું ઘુમાવ્યું તો ડાબા હાથ પરની એક નાની અંધારી ઓરડીમાં એક યુવતી બેઠેલી હતી. જમીન પર ઊભા પગ કરીને બે ગોઠણ પર માથું ટેકવીને એ રડી રહી હતી.‘એક્સ્કયુઝ મી! તમે... તમે કોણ છો એ જાણી શકું?’ ઉન્મત્તે ધીમા સ્વરે પૂછ્યું.

યુવતી ડરી ગઇ, ‘તમે... તમે... તનુને જોવા માટે આવ્યા છોને? તમે મને જોઇ લીધી? મહેરબાની કરીને મારી મમ્મીને તમે આ વાત કરશો નહીં. એ મને મારી નાખશે. એ મારી સાવકી મા છે. હું આ ઘરની સૌથી મોટી દીકરી... સુહાની... મારી મા મરી ગઇ એટલે મારા પપ્પાએ બીજું લગ્ન... હું પણ કુંવારી છું, પણ સૌથી વધુ દેખાવડી છું એટલે મમ્મીએ મને અહીં સંતાડી દીધી છે. એ કહેતી હતી કે મારા નસીબમાં તો કલેક્ટર જેવો પતિ ક્યાંથી લખાયો હોય? જ્યારે કોઇ પટાવાળો આવશે ત્યારે...’ છોકરી હીબકાં ભરવા માંડી.

ઉન્મત્તે એના મસ્તક ઉપર હાથ ફેરવ્યો. એનું રૂપાળુ મુખ ઊંચું કર્યું. પછી ખિસ્સામાંથી રૂમાલ કાઢીને એનાં આંસુ લૂછ્યાં. પછી દ્રઢ નિશ્વયાત્મકતાથી કહ્યું, ‘સુહાની, હવે રડીશ નહીં. તારા માટે રડવાના દિવસો આજે પૂરા થઇ ગયા. ચાલ, અત્યારે તો જઉં છું, પણ આ ઓરડીના અંધકારના સોગન ખાઇને કહું છું કે હું પાછો આવીશ, દિવસની રોશનીમાં આવીશ. શરણાઇ ને ઢોલના સૂર સાથે આવીશ અને...’લઘુશંકાનો સમય ઉન્મત્તે એક નાનકડી કાપલીમાં થોડીક લીટીઓ લખવા માટે ફાળવી દીધો. પછી ગડી વાળેલો એ કાગળ ખિસ્સામાં મૂકીને પાછો ફરી ગયો.

એની વિદાય પછી કામિનીબહેને કાગળ વાંચ્યો અને મોટેથી ઠૂંઠવો મૂક્યો, ‘મારો પિટ્યો! આ ઉન્મત્તિયો તો આઇ.એ.એસ. મૂવો છે કે આઇ.પી.એસ.? પેલી રૂપાળી રાજવણને કોલસાની કોટડીમાં સંતાડી રાખી’તી, તોયે એણે શોધી કાઢી. મારું ચાલે તો ફોન કરીને એને ‘ના’ જ સંભળાવી દઉં.’

પણ જિંદગીમાં પહેલીવાર આજે એનું ન ચાલ્યું. દયામણા દયાશંકરે ઘૂરકીને પત્નીના હાથમાંથી ફોન છીનવી લીધો. નંબર ઘુમાવ્યો. પછી નાયગ્રાના ધોધ જેવા ઊછળતા અવાજે પૂછ્યું, ‘મુગટરાય! અમને તમારા દીકરાની શરત મંજૂર છે. બોલો, ગોળધાણા ક્યારે ખાવાના છે?’

Comments