પ્રેમિકાને બદનામીનો ડર સતાવે છે



યૌવનની સમસ્યા - સોક્રેટિસ
પતિ-પત્નીના સંબંધમાં જ્યારે 'વો' એટલે કે ત્રીજી વ્યક્તિનો પ્રવેશ હંમેશાં અપશુકનિયાળ હોય છે. એ ત્રીજી વ્યક્તિ પત્નીની માતા પણ હોઈ શકે છે!
સોક્રેટિસજી,
મારું નામ ઉમેશ છે. હું ગાંધીનગરમાં રહું છું. હું હાલ કોલેજ કરું છું. હું જ્યારે બારમા ધોરણમાં ભણતો હતો ત્યારે મારી સાથે ભણતી મારા જ ગામની છોકરી અવની સાથે મને પ્રેમ થઈ ગયો હતો. પહેલાં તો અમે ફક્ત મિત્ર જ હતાં. ક્લાસમેટ હોવાને કારણે સાથે રહેવાનું બનતું. અમે દિવસનો ઘણો સમય સાથે પસાર કરતાં. ભણવાની અને બીજી અનેક બાબતો અંગે વાતો કરતાં અને મજાક-મસ્તી પણ કરતાં રહેતાં. અમે સ્કૂલ ઉપરાંત ફોન પર પણ વાતો કરવા લાગ્યાં. ધીમે ધીમે અમારો સંબંધ વધુ ને વધુ ગાઢ બનતો ગયો. અમને એકબીજાં માટે એવી લાગણીઓ પેદા થવા લાગી કે અમને લાગ્યું કે અમે એકબીજાંને પ્રેમ કરવા લાગ્યાં છીએ. પછી તો એવી સ્થિતિ આવી ગઈ કે અમે એકબીજાં સાથે વાતચીત ન કરીએ તો ચાલે નહીં.
અમે બારમું ધોરણ પૂર્ણ કરીને કોલેજમાં પ્રવેશ્યાં ત્યારે પણ અમારી વચ્ચેના સંબંધો એવા ને એવા ગાઢ જ રહ્યા. પણ, થોડા દિવસો પહેલાં અવનીનો મારા પર એસએમએસ આવ્યો કે હવે આપણી બન્ને વચ્ચે પહેલાં જેવું કંઈ રહ્યું નથી અને હવે પછી મને ફોન કે એસએમએસ કરતો નહીં. તેનો એસએમએસ વાંચીને મારા પગ તળેની જમીન જાણે સરકી ગઈ. ત્યારે તો હું તેને કોઈ રિપ્લાય આપવાની સ્થિતિમાં નહોતો. હું હતાશ થઈ ગયો કે હવે ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી, પણ અવનીએ આવું શા માટે કર્યું? એ કારણ મારે જાણવું હતું. મને થોડી ખણખોદ કર્યા પછી ખબર પડી કે તેને બદનામીનો ડર લાગે છે. તેને બીક લાગે છે કે અમારી વચ્ચેના સંબંધોની ખબર ગામમાં પડી જશે તો? હું અવનીને ખૂબ પ્રેમ કરું છું. એના વિના જીવી શકું એમ નથી. હું સાચા દિલથી ઇચ્છું છું કે તે મારી જિંદગીમાં ફરી આવે. મારે અવનીને કેવી રીતે સમજાવવી જોઈએ? મારે તેને ફરી પામવા માટે શું કરવું જોઈએ? -
લિ. ઉમેશ.
પ્રિય ઉમેશ,
તમારા કિસ્સામાં વાંક અવનીનો નથી, પણ આપણા સમાજનો છે. આપણે ત્યાં પ્રેમ સંબંધને લફરું કહીને ઉતારી પાડવાની બેહૂદી માનસિકતા જોવા મળે છે. એમાંય આવા સંબંધની વાત જ્યારે કોઈ છોકરી માટે ઊડે ત્યારે તેની ભારે બદનામી થતી હોય છે. છોકરી વિશે ગંદી વાતો કરવામાં આવતી હોય છે અને મોટા ભાગના કિસ્સામાં છોકરીની સાથે સાથે દોષનો ટોપલો તેનાં માતા-પિતા પર ઢોળવામાં આવતો હોય છે અને લોકો પરિવાર-ખાનદાન પર આંગળી ચીંધવા લાગતા હોય છે. છોકરાઓના પક્ષે બદનામીનો ડર હોતો નથી પણ છોકરીઓ માટે તો જીવન-મરણનો સવાલ બની જતો હોય છે. આમ, અવનીનો ડર એકદમ સાચો છે, કારણ કે લોકો બે કોમળ હૈયાં વચ્ચેના પ્રેમને ક્યારેય પવિત્ર માનતા નથી પણ અપવિત્ર જ લાગતો હોય છે.
અવનીને પાછી મેળવવી હોય તો તમારે સૌથી પહેલા તેનો વિશ્વાસ જીતવો પડશે. તેને તમારામાં અવિશ્વાસ હશે, એવું અમારું કહેવું નથી પણ તમારે તેને ખાતરી કરાવવી પડશે કે તમે કોઈ પણ સંજોગોમાં તેનો સાથ નહીં છોડો. કૌટુંબિક કે સામાજિક કોઈ પણ પ્રકારનાં દબાણ સામે ઝૂકી જઈને તેને છોડી નહીં દો. એક વાર એને ખાતરી થઈ જશે કે તમે તેની સાથેનો સંબંધ આજીવન નિભાવવા પ્રતિબદ્ધ છો, પછી તે બદનામીના ડરને પણ ગણકારશે નહીં.
હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખજો કે તમે હજુ અભ્યાસ કરી રહ્યા છો. પોતપોતાના પરિવાર પર આધારિત છો. પરાવલંબી જીવન જીવી રહ્યા છો. આ સંજોગોમાં તમારે ઘર-પરિવારની વાત મને-કમને પણ સ્વીકારવી જ પડે. તમે જો તમારાં લગ્નનો નિર્ણય તમારી મરજી મુજબ કરવા માગતા હો તો સૌથી પહેલાં તમારે સ્વાવલંબી થવું પડે. એ માટે તમારે ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ કારકિર્દીનો માર્ગ પકડવો પડે. આજના સંજોગો જોતાં તમારે હજું થોડાં વર્ષો રાહ જોવી જોઈએ. સૌથી પહેલા કારકિર્દી ઘડીને આર્થિક રીતે સ્વાવલંબી બની જાવ. એક વાર સ્વાવલંબી બન્યા પછી તમે તમારી ઇચ્છા મુજબ પરણી શકશો અને ત્યારે સમાજ બદનામ કરવા નહીં પણ બધાઈઓ (શુભેચ્છાઓ) આપવા આવશે.
***
સોક્રેટિસજી,
મારું નામ રાહિલ છે. હું ૨૬ વર્ષનો યુવક છું. હું સરકારી નોકરિયાત છું. મારી સાથે નોકરી કરતી સુનિધિ સાથે મને પ્રેમ થઈ ગયો. સાથે નોકરી કરતા હોવાથી હું તેને સારી રીતે જાણતો હતો અને મને ખાતરી હતી કે સુનિધિ અને મારી જોડી પરફેક્ટ રહેશે અને જામશે. અમારો પ્રેમ ત્રણ વર્ષ જૂનો હતો, પણ સુનિધિની જ્ઞાતિ જુદી હતી એટલે અમારાં લગ્ન થવામાં ઘણા સામાજિક પ્રશ્નો આવેલા. મારા પપ્પા પોતે સુનિધિના ઘરે લગ્નની વાત કરવા ગયેલા, પણ સુનિધિનાં પપ્પા-મમ્મીને જ્ઞાતિ અલગ હોવાથી અમારો સંબંધ પસંદ નહોતો. વિરોધ છતાં અમે લગ્ન કર્યાં.
લગ્ન પછી ચાર મહિના તો બધું બરાબર જ ચાલ્યું. પણ, સુનિધિનાં મમ્મીએ ધીમે ધીમે અમારા ઘરસંસારમાં દખલ દેવાનું શરૂ કર્યું ત્યારથી પ્રશ્નો પેદા થવા લાગ્યા. સુનિધિ ભોળાભાવે તેની મમ્મી સાથે વાત કરતી અને સ્વાભાવિક છે કે તે અમારી મેરેજલાઇફ અને ઘર-પરિવાર વિશેની વાતોની પણ આપ-લે કરતી. જોકે, તેની મમ્મીએ તેને સાચી અને સારી વાત કરવાને બદલે તેને ઊંધું જ શીખવાડવાનું શરૂ કર્યું. નાની નાની વાતને મોટું સ્વરૂપ આપી દેતા અને તેને કારણે અમારા ઘરનું વાતાવરણ તંગ બનતું. થોડા દિવસ પહેલાં હું એક પરીક્ષા આપવા માટે બહારગામ ગયો ત્યારે મારાં સાસુ-સસરા આવીને સુનિધિને તેમના ઘરે લઈ ગયાં. આજે અમારા લગ્નજીવનને નવ મહિના થયા છે ત્યાં જ અમારે વિખૂટા પડવાના દિવસો આવી ગયા છે. સુનિધિનાં મમ્મી-પપ્પા મને સુનિધિ સાથે વાત પણ કરવા દેતા નથી અને સીધી છૂટાછેડાની જ વાત કરે છે. મારે ગમે તે ભોગે સુનિધિને પાછી લાવવી છે. હું સુનિધિને ચાહું છું અને મને ખાતરી છે કે સુનિધિ પણ મને ખૂબ જ પ્રેમ કરે છે, પણ તેનાં મમ્મી-પપ્પાએ તેને મારાથી દૂર કરી દીધી છે. મારા સસરા મારા પપ્પાને પોલીસ કેસની ધમકીઓ આપ્યા કરે છે અને મારા ઘરના લોકો પણ ચિંતામાં છે. આવી તંગ સ્થિતિમાં મારે શું કરવું જોઈએ, મને કંઈ સમજાતું નથી. સુનિધિ વિના મારી હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. સુનિધિને હું કઈ રીતે પાછી લાવી શકું, એ અંગે માર્ગદર્શન આપશો.
લિ. રાહિલ.
પ્રિય રાહિલ,
પતિ-પત્નીના સંબંધમાં જ્યારે 'વો' એટલે કે ત્રીજી વ્યક્તિનો પ્રવેશ હંમેશાં અપશુકનિયાળ હોય છે. એ ત્રીજી વ્યક્તિ પત્નીની માતા પણ હોઈ શકે છે! તમારા કિસ્સામાં પણ તમારાં સાસુ-સસરા વિલન બન્યાં છે. તમે તેમની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કર્યાં હોય તે આવું કંઈક કરે એ સ્વાભાવિક છે. અલબત્ત, એ પોતાની દીકરીનું ભલું નહીં વિચારીને જે પ્રવૃત્તિ કરી રહ્યાં છે, તે પોતાના પગ પર જ કુહાડો મારવા સમાન છે. શું તેઓ પોતાની દીકરીનો સુખી સંસાર ખતમ કરીને ખુશ થઈ શકશે? શું તે પોતાની દીકરીનું દિલ દુખાવીને માનસિક શાંતિ મેળવી શકશે? પણ ઘણાં માતા-પિતા લાંબું વિચારતાં નથી અને પોતાની દીકરી-દીકરાનું ઘર ભંગાવીને પછી પેટ ભરીને પસ્તાતા હોય છે. પણ, જવા દો એ તમારાં સાસુ-સસરાનો પ્રશ્ન છે.
તમારે આ સંજોગોમાં કોઈ પણ રીતે તમારી પત્ની સુનિધિનો સંપર્ક સાધવો જોઈએ. તેને મળવું જોઈએ. સુનિધિને સ્પષ્ટતાપૂર્વક પૂછી લેવું જોઈએ કે તે પોતે શું કરવા માગે છે? તેની સમક્ષ તમારે તમારી લાગણીઓ વ્યક્ત કરવી જોઈએ. તેને તમારા ઘરે જો ખરેખર કોઈ સમસ્યા હોય તો તે દૂર કરવાની ખાતરી આપવી જોઈએ. તેને સમજાવવી જોઈએ કે આ રીતે અલગ થવામાં બન્નેની જિંદગી બરબાદ થઈ શકે છે. તમારા બન્ને વચ્ચે પ્રેમ હોય અને સમજથી કામ લેવામાં આવે તો પછી દુનિયાની કોઈ તાકાત તમને બેને અલગ નહીં કરી શકે. સુનિધિને મળો. તેનાં મમ્મી-પપ્પાએ તેના મનમાં કંઈ આડુંઅવળું ભરાવ્યું હોય તો શાંતિથી તેની તમામ ગેરસમજ દૂર કરો. હા, સુનિધિની લાગણીનો વિચાર કરીને તેની સાથેની વાતચીતમાં તેનાં મમ્મી-પપ્પા વિશે આકરા શબ્દો બોલવાનું ટાળજો. તમારું લક્ષ્ય સુનિધિને પાછી મેળવવાનું છે, તેનાં મમ્મી-પપ્પાને નીચા પાડવાનું નહીં, એ યાદ રાખજો. પ્રેમ મેળવવો છે ત્યારે પ્રેમથી કામ પતાવજો.

Comments