તારા જેવી નહીં,મને તું જ જોઈએ ...



સંબંધોની આરપાર - મીતવા ચતુર્વેદી
વડોદરામાં રહેતાં માલિની અને રાકેશનો સંસાર કંસાર જેવો ગળ્યો હતો. તેઓ પૈસેટકે બધી જ રીતે ખૂબ જ સુખી હતાં. રાકેશ સિવિલ એન્જિનિયર હતો અને એક મોટા પ્રોજેક્ટ માટે દુબઈ ગયો હતો. હવે કેટલાક મહિનાઓ માટે માલિની ઘરે એકલી જ હતી. તેનાં સાસુ-સસરા ગામડે રહેતાં હતાં, કારણ કે તેમને શહેરમાં નહોતું ફાવતું અને માલિનીને ગામડે નહોતું ફાવતું.
માલિની દેખાવમાં એકદમ સુંદર હતી. મધ્યમ કદ, ભરાવદાર સુડોળ શરીર, દૂધ પણ તેની આગળ ઝાંખું પડી જાય તેવો ગોરો વર્ણ. પાણીનો ઘૂંટ પીવે તો ગળામાંથી સરકતો જોવા મળે તેવી કાચની પૂતળી હતી. એકલી હોવાને કારણે સમય પસાર કરવાનું કામ માલિની માટે ખૂબ જ કઠિન બની ગયું હતું. એક દિવસ માલિની ગાર્ડનમાં વોક કરી રહી હતી ત્યારે અચાનક પાછળથી અવાજ આવ્યો,
‘હાય! માલિની! કેમ છે?’
માલિનીએ પાછળ વળીને જોયું તો એકદમ ચોંકી ઊઠી.
‘વિક્રમ તું અહીં ક્યાંથી?’
‘બસ, મારાં બહેનના ઘરે લગ્નમાં આવ્યો છું.’ વિક્રમે કહ્યું.
બંને જણ બાંકડા પર બેસીને કોલેજની તોફાન-મસ્તીથી લઈને અત્યાર સુધીની વાતોએ વળગ્યાં.
વિક્રમ અને માલિની અમદાવાદની એક કોલેજમાં સાથે ભણતાં હતાં. તેઓ એકબીજાને ઓળખતાં, પરંતુ તેમની વચ્ચે મિત્રતા નહોતી. વિક્રમ દેખાવડો અને બાહોશ યુવાન હતો. જોકે તે શ્રીમંત પરિવારનો બગડેલો નબીરો હતો. તે એવું કંઈક ને કંઈક કરતો રહેતો જેથી કોજમાં તે ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર બની રહેતો.
માલિની અને વિક્રમ દરરોજ મળવા લાગ્યાં અને તેમની વચ્ચે મિત્રતા પણ વધવા લાગી. એક દિવસ રાત્રે માલિનીને ઘરે ઉતારીને વિક્રમ પરત ફરી રહ્યો હતો ત્યાં જ માલિનીએ કહ્યું, ‘વિક્રમ આવને, જવાય છે. થોડી વાર બેસી કોફી પીને જજે.’
બંને ઘરમાં ગયાં. માલિની કોફી બનાવી લાવી અને બંને ફરીથી વાતોએ વળગ્યાં.
‘વિક્રમ તું તો આટલો સ્માર્ટ છે. તું કહે તો તારા માટે છોકરીઓની લાઇન લાગી જાય તેમ છે, છતાં પણ તેં હજુ સુધી લગ્ન શા માટે નથી કર્યાં?’ માલિનીએ કહ્યું.
માલિનીનો હાથ પકડીને ગંભીર સ્વરે તેણે કહ્યું, ‘તારા જેવી કોઈ છોકરી આજ સુધી મળી જ નથી.’
‘મારા જેવી તો કેટલીય છોકરીઓ તને મળી જાય.’ માલિનીએ કહ્યું.
‘તારા જેવી નહીં, પરંતુ મને તો તું જ જોઈએ છે, બોલ મળશે?’ વિક્રમે કહ્યું.
‘મારાં તો લગ્ન થઈ ગયાં છે.’
‘તો શું લગ્ન દ્વારા જ પ્રેમ મેળવી શકાય? તારા પ્રત્યે મારા પ્રેમનું કોઈ જ મહત્ત્વ નથી.’ કહીને વિક્રમે માલિનીના બંને હાથ પકડી લીધા. વિક્રમના શબ્દબાણોથી માલિનીનું હૃદય જાણે વીંધાઈ ગયું અને તે વિક્રમના બાહોપાશમાં જકડાઈ ગઈ. ધીરે ધીરે બંને તમામ મર્યાદાઓ વટાવી ચૂક્યાં. હવે બંને જણ મળતાં, પરંતુ પ્રેમવશ નહીં, માત્ર શરીરસુખ માણવા. આ જ રીતે રાતોની રાતો વીતતી ગઈ. પ્રોજેક્ટ પૂરો થતાં રાકેશ ઘરે પરત ફર્યો. રાકેશ માલિનીને ખૂબ પ્રેમ કરતો હતો. રાકેશના આવ્યા પછી માલિનીને અનુભવાયું કે મેં બહુ મોટી ભૂલ કરી છે, મારા દેવતા સમાન પતિને મેં દગો આપ્યો છે. માલિની અને વિક્રમની મુલાકાતોનો હવે અંત આવી ગયો. જોકે વિક્રમ માલિનીને મળવા આવવા માટે ઘણું દબાણ કરતો, પરંતુ તે સ્પષ્ટ ઇનકાર કરી દેતી.
વિક્રમની ધીરજ ખૂટી પડી. તેણે માલિનીને ફોન કરીને કહ્યું, ‘આપણા સંબંધોની મેં મોબાઇલમાં ક્લિપ ઉતારેલી છે. જો તું મને મળવા નહીં આવે તો હું તારા પતિને બતાવીશ.’ માલિની ગભરાઈ ગઈ અને વિક્રમે જણાવેલી જગ્યા પર તેને મળવા ગઈ. જ્યાં વિક્રમે તેનું શારીરિક શોષણ કર્યું. આ રીતે બ્લેકમેઇલ કરીને તે માલિનીને અવારનવાર પીંખતો જ રહેતો.
હંમેશાં આત્મહત્યાનો વિચાર કરતી માલિનીએ એક દિવસ હિંમત કરીને આ બધી જ વાત રાકેશને કરી અને ચોધાર આંસુએ રડતાં પગે પડીને તેની માફી માંગવા લાગી. રાકેશે માલિનીની મદદથી વિક્રમને પકડીને પોલીસને હવાલે કરી દીધો.                    
આટલું ન ભૂલશો
* પતિ-પત્ની બંનેએ એકબીજાને વફાદાર રહેવું જોઈએ.
* સ્ત્રી-પુરુષ વચ્ચેની મિત્રતા એક હદથી આગળ ન વધારવી જોઈએ.
* આત્મહત્યા એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી.
* બધી જ ભૂલો ક્ષમાને પાત્ર નથી હોતી.
* કોઈ પણ કારણોસર પોતાના પ્રિયપાત્રથી જુદું રહેવાનું થાય તો અન્ય કોઈને નજીક આવવા દેતા પહેલાં ભવિષ્ય વિશે થોડો વિચાર કરવો.
* સંબંધોની મર્યાદા ચુકાય તો તેની ભૂલ ઘણી વાર આખી જિંદગી ભોગવવી પડતી હોય છે.

Comments